જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Tuesday, April 23, 2024

વીરા પંચ વિષયમાં રચ્યા પચ્યા શીદને ફરો રે.

(રાગ: બેની નથી આપણા મોટા ઘરની રીતો......)

વીરા, પંચ વિષયમાં રચ્યા-પચ્યા શીદને ફરો રે. 

વીરા, નથી આપણા નિજ ધરમની રીતો, શરીરના ભાવે શીદને ફરો રે.

વીરા, આકૃતિમાં વિકૃતિ તો શીદને કરીએ રે.

વીરા, અંતરયામી ઘરમાં દેખણહારો, શરીરના ભાવે શીદને ફરો રે.

વીરા, નિત્ય-અનિત્ય વિવેક ધરી ચાલીયે રે.

વીરા, દેહદર્શીના દુઃખનો નથી પાર, શરીરના ભાવે શીદને ફરો રે.

વીરા, જ્યાં જુઓ ત્યાં અનામ નામે ઝળકી રહ્યો રે.

ચુંથારામ સુખનો સાગર સતચિત્ત આનંદ માંય, શરીરના ભાવે શીદને ફરો રે.

સંતો જાગજો

(રાગ: પોઢ્યા જાગજો રે તમારે દાતણીયાની વેળા...)

હરેક સંતો જાગજો રે દિનકર ઊગ્યો...... અજવાળાં આપણા દેશમાં;

હરેક વસ્તુ વહોરજ્યો રે સાચાં મોતી..... વેરાયાં સામા ચોકમાં;

જ્યાં જુઓ ત્યાં નામે નામ;
અમરાપુરના મોટા ધામ;
હરેક ગુરુના દેશમાં રે નહીં કોઈ નાનું, કે મોટું સમતોલમાં;

બાવન બહારો બોલે છે;
ત્રિવેણીમાં તોલે છે;
હરેક પડદા ખોલજો રે નથી બીજો, સમજાશે ગુરુની શાનમાં;

હદ-બેહદમાં વાસ છે;
અનહદમાં પ્રકાશ છે;
હરેક ચુંથારામ સમજજો રે અક્ષર દેહે, સમજાશે સહુ ને સહેજમાં;

ચાલ્યા જીવોભઈ જાત્રાએ

(રાગ: ચંદન ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે.....)

ચાલ્યા જીવોભઈ જાત્રાએ ને લીધો પુદગલ વેશ....
હોવ......હોવ.......... લીધો પુદગલ વેશ.......
દેહ નગરમાં ઉતર્યાને ત્યાં કીધો પ્રવેશ.......

પાંચ ભૂતોના પાંચ દીકરાને દીકરે વાળ્યો દાટ....
હોવ......હોવ..........દીકરે વાળ્યો દાટ .......

મારી મચડીને ગોઠવી દીધા મોહ માયાની વાટ......

માયાની ત્રણ છોકરીઓ જે આશા, તૃષ્ણાબાઈ,....
હોવ......હોવ.......... આશા, તૃષ્ણાબાઈ......
ત્રીજી લાલચ લજામણી જે આંઠે રહી છે છુપાઈ......

અષ્ટવક્રની ટુકડીએ રે ઘેર્યો સમરથ વીર....
હોવ......હોવ.......... ઘેર્યો સમરથ વીર.......
નિજ દર્શન સૌ ભૂલી ગયા ને પડ્યા ભવાટવી નીર.......

સુખને માટે ફરી વળ્યા, જ્યાં સુખ ત્યાં ભડકો હોય....
હોવ......હોવ.......... સુખ ત્યાં ભડકો હોય.......
શાંતિનું સ્થાન મળે નહીં ને પસ્તાયો મન માંય.......

ચુંથારામ જો સહેજમાં જો ગુરુ મળે ઘટ માંય....
હોવ......હોવ.......... ગુરુ મળે ઘટ માંય......
અમરધામમાં પહોંચાડી દે અખંડ સુખ છે ત્યાંય......

સમય મળ્યો છે સુધારો

(રાગ: ભવસાગરથી તારો દયાળુ ભવસાગરથી તારો....)

સમય મળ્યો છે સુધારો સંસારમાં સમય મળ્યો છે સુધારો;
જાગ્યા તો જાણો ઉજીયારો...સંસારમાં સમય મળ્યો છે સુધારો....

સમયને ભૂલ્યો તો જિંદગીથી ડુલ્યો;
સીધો પાટો મૂકી અવળો હાલ્યો;
ઝીલ્યો ના સાચો કિનારો....સંસારમાં સમય મળ્યો છે સુધારો....

મનુષ્ય દેહમાં ઉગારવાનો આરો;
હવે ભૂલ્યો તો ફોગટ જન્મારો;
સંતનો લઈ લ્યો સહારો....સંસારમાં સમય મળ્યો છે સુધારો....

પ્રથમ પહેલા મનોવૃત્તિ વાળો;
કામ, ક્રોધ, મદ, લોભને મારો;
ત્યારે જડે પંથ પ્યારો....સંસારમાં સમય મળ્યો છે સુધારો....

સદગુરુએ મારો સમય સુધાર્યો;
પોતાનો જાણીને પાર ઉતાર્યો;
ચુંથારામ સ્વરૂપે ચિત્ત ધારો....સંસારમાં સમય મળ્યો છે સુધારો....

Monday, April 22, 2024

એક અમદાવાદી વાદીડો

 (રાગ: એક પૈસાની ગુગરી મંગાવો રે....)

એક અમદાવાદી વાદીડો તેડાવો રે...સોના ડુંગરો....

પેલા જગતપુરના ઝેર ઉતારવો રે...સોના ડુંગરો....

એના જાદુની જુગતિ-મુક્તિ લાવો રે...સોના ડુંગરો....

એના નયનકમળમાં નિજ સ્વરૂપ નિહાળો રે...સોના ડુંગરો....

એના શબ્દોમાં વસ્તુનો વિસ્તારો રે...સોના ડુંગરો....

એના નામ જોતાં રૂપ-ગુણથી ન્યારો રે...સોના ડુંગરો....

એતો અલગ ઉભો, અલગ રહીને બોલે રે...સોના ડુંગરો....

ચુંથારામ જગતપુરમાં નહીં કોઈ એના તોલે રે...સોના ડુંગરો....

જો...જે રે... તારું મોત ના બગાડે....

(રાગ: ખોળજો રે ખારા સમુદ્રમાં મોતી....)

જો...જે રે... તારું મોત ના બગડે....
મોત ના બગડે ઓલ્યા જમડા ના રગડે...જો...જે રે... તારું

લખ ચોરાશી અંતે દેહ મળ્યો છે;
ઝીણી નજરે જોઈ લેજે શું શું રળ્યો છે;
એળે આંટો ગયો છે કે ફેરો ફળ્યો છે...જો...જે રે... તારું

ધાપ મારી ધન બીજા તણું ઓળવેલું;
માની લેજે આખર માટી માંહે મળેલું
આંકી દેવું પડશે અંતે જે-જે ગળેલું...જો...જે રે... તારું

કંચનવર્ણી કાયા તારી રાખમાં રોળાશે;
સગાં ને સબંધી પાછળ ગુણ દોષ ગાશે;
એક દિન હતો નો'તો નક્કી થઇ જાશે...જો...જે રે... તારું

ભલું કોઈનું કર્યું એ છે સાચી કમાણી;
નહીતર તારી જિંદગી થવાની ધૂળ ધાણી;
કડવી મીઠી વાણીએ કિંમત અંકાણી...જો...જે રે... તારું

ભાથું ભવનું બંધો લેજો નામ સ્મરણથી;
ભાગી જશે ભય તને લાગ્યો જે મરણથી;
તરશે ચુંથારામ જીવન નૈયા શામળા શરણથી...જો...જે રે... તારું

જેણે સદગુરૂ સંતને સેવ્યા રે....

(રાગ: સંતો ભક્તિ શ્રવણ પહેલી સાધો રે...)

જેણે સદગુરૂ સંતને સેવ્યા રે, એને મળિયા અમૃત રસના મેવા રે;

અમૃત પીતા તૃષ્ણા સમાય રે, તેને ક્ષુધા મટી સુખ થાય રે;

વાલો મારો છે બૂડતાનો બેલી રે, શ્રદ્ધા વાળાને નહીં મુકે ઠેલી રે;

સાંકળ શ્રદ્ધાની પકડો પહેલી રે, વીરા ત્યાં વરસે આનંદની હેલી રે;

મોતીડાં તો હંસાનો ચારો રે, બગલો ડોળે કાદવને ગાળો રે;

ચુંથારામ આવ્યો તે અવસર સુધારો રે, ફરી નહીં મળે માનવ અવતારો રે;


Saturday, April 20, 2024

સ્મશાનીયો વૈરાગ

(રાગ: મને જડતો નથી મારો શ્યામ, શોધું શામળિયો)

આતો સ્મશાનીયો વૈરાગ કહેવાય, કોઈનું ચાલે નહીં;

પા કલાક અરરર થાય, કોઈનું ચાલે નહીં;

કથા સુણી સુણી ને કાન ફૂટ્યા;
પગે નમી-નમી ને કપાળ ફૂટ્યા;
વક્તા સમજાવે અમલ ના થાય, કોઈનું ચાલે નહીં;

ઘણો આચાર પાળું છું એવો ડોળ કરે;
હાંકે કુતરું, બિલાડું માંહી ચાટ્યા કરે;
એતો સગવડીયો ધરમ કહેવાય, કોઈનું ચાલે નહીં;

મોઢે બોલે માયા બધી જુઠી...જુઠી;
થૂંકેલું ગળે પાછો વહેલો ઊઠી
એવો હૈયાનો કઠોર કહેવાય, કોઈનું ચાલે નહીં;

સ્વામી સમજાવે ત્યારે હાજી...હાજી કહે;
શિર હાલે પણ વિચારો તો ઘરના રહે;
સાચો ચેલો લાડીનો કહેવાય, કોઈનું ચાલે નહીં;

જરૂર કરતાં વસ્તુ વધુ ભેગી કરે;
દીન જનો રજળતા ભૂખે મારે;
એ તો બગલો ભગત કહેવાય, કોઈનું ચાલે નહીં;

નારી આંખ બતાવે કે હાજર રહે;
તેની પાસે બળદ નાથ વિનાનો બને;
નારી નચાવે એમ નચાય, કોઈનું ચાલે નહીં;

સાચા વૈરાગવાળા સંતો પહેલા થયા;
સાદા સીધા ગયા જેના નામો રહ્યા;
ચુંથારામ દ્રશ્ય દેખીને હરખાય, કોઈનું ચાલે નહીં;

Friday, April 19, 2024

જીવ જુવાનીના જોરમાં

(રાગ: મારે સાસરીયે જઈ કોઈ કહેજ્યો એટલડું, પ્રીતમજી આણાં......)

જીવ જુવાનીના જોરમાં, પૈસાના તોરમાં,.... ભૂલી ગયો ભગવાનને

તારા મનથી માને કે હું મોટો;
મારી પાસે ક્યાં બુદ્ધિનો તોટો;
રહ્યો ગાફેલને વાળ્યો છે ગોટો લ્યા માનવી.....ભૂલી ગયો ભગવાનને

પડ્યો પાંચ વિષયની પૂંઠમાં;
ખોવા માંડયો આખું જીવન જુઠમાં;
તેથી સાચું ના આવે સમજણમાં લ્યા માનવી.....ભૂલી ગયો ભગવાનને

મન માંકડું ઠેકડા મારતું;
જાય ઉકરડે જરી સંભાળ તું;
ખરું સાધન શું છે ખોળ તું જીવલડા....ભૂલી ગયો ભગવાનને

ભૂંડા વિચારી જો ને પેલો વાયદો;
પ્રભુ નહીં ભૂલું એવો કર્યો વાયદો;
છૂટો થયો ત્યારે પડી ગયો માંદો લ્યા માનવી.....ભૂલી ગયો ભગવાનને

ગણું કહ્યું છે ગાંઠે બાંધ તું;
ચુંથારામ ભ્રમણાને છોડ તું;
સત સાધનની સીડીએ ચઢ તું લ્યા માનવી.....ભૂલી ગયો ભગવાનને

જે નુગરા મનના મેલા રે......

(રાગ: આ દુનિયામાં છે ડંકો રે કોઈ ના આવે સંત તોલે)

જે નુગરા મનના મેલા રે તે સાથ કોણ બોલે,

તે સાથ કોણ બોલે રે...... તે સાથ કોણ બોલે,

આપપણું જો ખોશે , તો મોક્ષ દ્વારો જોશો;

પછી આનંદ આનંદ કરશો રે....... તે સાથ કોણ બોલે,

જેણે આત્મજ્ઞાન ના જાણ્યું, તેણે મિથ્યા તરણું તાણ્યું,

પછી માયાનું દુખ માણ્યું રે......તે સાથ કોણ બોલે,

જો નિજ સ્વરૂપ ભુલાશે, તો અંતે ફજેતી થશે,

તે અધવચથી લુંટાશે રે......... તે સાથ કોણ બોલે,

છે સહુનો આત્મા એક, ના સમજો કાંઈ ભેદ,

જેને એવો નથી વિવેક રે ......... તે સાથ કોણ બોલે,

ચુંથારામ બન્યો છે ગાંડો, ભલે તમે ભાંડો રે,

મોટાઈમાં ચાલે આડો રે.......... તે સાથ કોણ બોલે,