જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Wednesday, December 29, 2010

અંતે તો જવાનું એકલુ

હો ભાઇ અંતે તો જવાનું એકલુ રે

સાથે પૂન્ય અને પાપ ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે

હો ભાઇ કર્મોના બાંધેલાં પોટલાં રે

લાગે શિર પર બહું ભાર ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે

હો ભાઇ સાચુ ભજન ભાથું વ્હોર જો રે

સ્મરણ છોડાવે માર ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે

હો ભાઇ ગુરુગમ કુંચી લ્યો હાથમાં રે

ખોલો હ્રદયનાં દ્વાર ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે

હો ભાઇ પોતે પોતાનામાં ભુલો પડ્યો રે

ચુંથારામ પોતે નિજ નામ ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે

પાંચ સ્થંભનો બંગલો

એક પાંચ પાંચ સ્થંભનો બંગલો છે

તેમાં આત્મારામની પથારી મનજીભાઇ છાના છાના દાવ તમે રમશો નહી

તારો બાવન બજારે ડંકો છે

વાગે નવસો નવ્વાણું પોળ માંય મનજીભાઇ છાનાછાના દાવ તમે રમશો નહી

તમે ચાલો તો સુરતા ચાલે છે

તમે થંભો તો સુરતા થંભી જાય મનજીભાઇ છાના છાના દાવ તમે રમશો નહી

તમે અક્કલ બુદ્ધિને બાંધી છે

તારી વિચાર તોરંગ સવારી મનજીભાઇ છાના છાના દાવ તમે રમશો નહી

તમે સ્થિર થાઓ તો બહું સારુ છે

દાસ ચુંથારામને ધીરુ ધરનાર મનજીભાઇ છાના છાના દાવ તમે સમશો નહી

Monday, December 27, 2010

અવશર

હરી ભજવા અવશર આવેલો શીદ જવા દ્યો છો

મોજીલા મનવા આજ તમારે સત્વના સંચિત ફળીયા

લાખેણો અવશર આવેલો શીદ જવા દ્યો છો

મોજીલા મનવા જગતની ફિલ્મે ફસાઇ રહ્યા છો

મોજીલા મનવા સંસાર શારડીએ શીદ શેરાવ છો.... હરી ભજવા....

બુદ્ધિના બુઠા બાવળીએ બાથ ભીડી રહ્યા છો

મોજીલા મનવા માયા બંધને બંધાઇ જાવ છો...... હરી ભજવા......

અજ્ઞાને મારુ માનીને ભર્મે ભુલ્યા છો

મોજીલા મનવા મૄગજળના પાણી પીવા જાવછો...હરી ભજવા.......

નિજ સ્વરુપ તજીને દ્રશ્યના રુપમાં મોહ્યા છો

મોજીલા મનવા ચુંથારામ જીતી બાજી શીદ હારો....હરી ભજવા...

Saturday, December 4, 2010

ભુલી ગયો ભગવાનને


જીવ જુવાનીના જોરમા, પૈસાના તોરમાં, ભુલી ગયો ભગવાનને

તારા મનથી માને કે હું મોટો,

તારી પાસે ક્યાં બુદ્ધીનો તોટો

રહ્યો ગાફેલને વાળ્યો છે ગોટો લ્યા માનવી ભુલી ગયો ભગવાનને

પડ્યો પાંચ વિષયની પૂઠમાં,

ખોવા માંડ્યું આખુ જીવન જૂઠમાં,

તેથી સાચુ ના આવે સમજણમાં લ્યા માનવી ભુલી ગયો ભગવાનને

મન માંકડુ થેકડા મારતુ,

જાય ઉકરડે જરી સંભાર તુ,

ખરુ સાધન શુ છે એ ખોળ તુ લ્યા માનવી ભુલી ગયો ભગવાનને

ભૂંડા વિચારી જોને તુ વાયદો,

પ્રભુ નહી ભુલુ તેવો કર્યો વાયદો,

છુટો થયો ત્યારે પડી ગયો માંદો લ્યા માનવી ભુલી ગયો ભગવાનને

ઘણું કહ્યુ છે ગાંઠે બાંધ તું,

ચુંથારામ ભ્રમણાને છોડ તું

સત્ સાધનની સીડીએ ચડ તુ લ્યા માનવી ભુલી ગયો ભગવાનને

Thursday, December 2, 2010

ભક્ત

આખા કૂળમાં રે એક ભક્તજો પાકે તો કુળ ઇકોતેર તારશે રે

તેના સ્મરણથી રે નાસે જનમોના પાપો કે આત્મામાં પ્રીતિ જાગશે.

તેની વાણીમાં વસી રહ્યોરે મોરાળી કે સતસંગીને સુખ આપશે રે

તેના દર્શનથી દુઃખ દરિદ્ર નાસે કે ભવનાં બંધન કાપશે રે

તેના સહેવાસથી ભવ રોગ મટાડે કે આતમ જ્યોત જગાવશે

તેના શરણે પડેલાને નકરો બનાવે કે ચુંથારામ ભેગો ભરાઇ જાશે.

સોના સરીખો સૂરજ

હું તો જગના જંજાળેથી પરવળ્યો

મુજને સહેજે મળ્યા ગુરૂદેવ, મારે સોના સરીખો સૂરજ ઉગીયો

મેં તો શાંતિ ઘડુલે શ્રીફળ મુકીયાં

મેં તો સંતો તેડવ્યા આનંદભેર, મારે સોના સરીખો સૂરજ ઉગીયો

મેં તો મંડ્પ રોપાવી તોરણ બાંધીયા

માર હૈયામાં હરખ ના માય, મારે સોના સરીખો સૂરજ ઉગીયો

કંકુકેસરની ભરી રે કંકાવટી

ચૌવા ચંદનને ફુલડાનો હાર, મારે સોના સરીખો સૂરજ ઉગીયો

મેં તો ચરણ ધોઇ ચરણામૄત પી લીધાં

મારો સફળ બન્યો અવતાર, મારે સોના સરીખો સૂરજ ઉગીયો

પૂજન વિધિ પરવારી ભોજન આપીયાં

મારા મનનો પીરસાવ્યો મોહનથાળ, મારે સોના સરીખો સૂરજ ઉગીયો

મેં તો અગમ નિગમના પાસા ઢાળીયા

ચુંથારામ રમે સદ્‍ગુરૂ સાથ, મારે સોના સરીખો સૂરજ ઉગીયો

Saturday, July 24, 2010

ગુરુ પૂર્ણીમા


અષાઢ સુદ પુનમનો પવિત્ર દિવસ ગુરુ પૂર્ણિમા જે આદિ- અનાદિથી મનાવવામાં આવે છે, સનાતક વૈદિક હિન્દુ ધર્મમાં ગુરુ પરંપરા ભગવાન નારાયણે જયારે સૃષ્ટીનો આરંભ કર્યો ત્યારથી શરુ થયેલી છે. નારાયણ જ આદિ ગુરુ છે, અને નારાયણ જ વેદ- વ્યાસ થઈને પ્રગટ થયા (જેમણે યજૂર્વેદ, સામવેદ ઋગ્વેદ અને અથર્વેદ એમ ચાર વેદોનું સંકલન કર્યુ હતુ માટે તે વેદ-વ્યાસ તરીકે પ્રસિધ્ધ થયા) માટે આને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. ગુરુ પૂર્ણીમા એટલે ગુરુ (વડીલો) પ્રત્યેનો ૠણ ભાવ વ્યક્ત કરી, અહોભાવથી વંદન કરી ગુરુ મહિમા ગાવાનો શુભ અવસર. (સંસ્કૃત: गुरु) શબ્દએ બે શબ્દો, 'ગુ'(અંન્ધકાર) અને 'રુ'(પ્રકાશ)ની યુતી છે. આમ ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શકિત. વ્યવહારીક દ્રષ્ટિએ શિ઼ક્ષક અથવા માર્ગદર્શકને પણ ગુરુ તરીકે સંબોધવામાં આવે છે.

સચ્ચિદાનંદ પરમહંસ (જય પ્રભુ) કહે છે કે

"તારી અંદર રહેલો આત્મા
જગતના તમામ ગુરુઓ કરતા
અનંત ગણો મહાન છે"
(સદગુરુ)



શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ ગુરુ (સદગુરુ) નો મહિમા ગાતા કહે છે કે..................



(રાગઃ આ સંસાર મુસાફિર ખાનું..........)

ગુરુની ગાદી ર્હદય કમળમાં નિત નિત દર્શન થાય સુરતા આનંદે લહેરાય સુરતા આનંદે લહેરાય

પ્રભાત સમયમાં વ્હેલા ઊઠી, ગુરુ ચરણમાં ચિતને રોપી

સાધક જનની શુધ્ધ મનેથી ગુરુની નમની થાય સુરતા આનંદે લહેરાય (૨)

હરિગુરુ સંત સ્વરૂપે ફરતા, પરખી જોતાં પાતક હરતા

ધર્મ નીતિ વિવેક સમર્પી શુધ્ધ બનાવે કાય સુરતા આનંદે લહેરાય (૨)

ભગવદ ભાવ ભરોસો ભારી, સંત શ્બ્દમાં દ્ર્ઢતા ધારી

અદેખાઇની અગ્નિ ટાઢી શિતળ જેવી થાય સુરતા આનંદે લહેરાય (૨)

અમી ભરેલાં નયનો જોઇ, સૌ કોઇને મન અચરજ હોઇ

હસતા મુખડે અમૃત સરખી વાણીથી સુખ થાય સુરતા આનંદે લહેરાય (૨)

જગત નિયંતા જગથી ન્યારો ગુરુગમથી પોતામાં ભાળો

અંતરથી તન મનથી ચુંથારામ જાણી લો જગરાય સુરતા આનંદે લહેરાય (૨)


--------------------------------------------------------------------------------

મારે ધડપર ગુરુના શિશ હવે કાચી કલ્પના કેમ થાયે

મારે સમરથ ગુરુ જગદિશ હવે કાચી કલ્પના કેમ થાયે

સુરતા છોકરી ઢીંગલે રમતી બાળપણાની રીત

સમય જાતાં સમજણમાં આવી વિવેકે રંગ્યા ચિત હવે કાચી કલ્પના કેમ થાયે

શરીર હું નહી સગુણ રૂપે ગુરુજી તણો દિદાર

ધર્મનીતિનું પાલન કરવા સ્વિકાર્યો સંસાર હવે કાચી કલ્પના કેમ થાયે

વસ્તું માથી પરમ વસ્તું જાણી લીધી નિર્ધાર

અમીરસ ઘૂંટડો ગળે ઉતરીયો તુરંત થયો પ્રકાશ હવે કાચી કલ્પના કેમ થાયે

સદગુરુ શબ્દે સુરતા ચાલી નિજપદમાં નિર્ધાર

દાસ ચુંથારામ સદગુરુ સંગ ભરતાં ભવનો બેડો પાર હવે કાચી કલ્પના કેમ થાયે


--------------------------------------------------------------------------------

વારી વારી ગુરુજી બલિહારી રે

મારા ર્હદય બગીચાના માળી ગુરુજી બલિહારી રે

કુણા અંકુરે જ્ઞાન પાણી પોશિયા રે

કાંટા કાકળા વળાવ્યા વાડી ઓપી ગુરુજી બલિહારી રે

કીધી સડકો સાહેબ દરબારની રે

ચાર ચૌટાની બાવન બજારી ગુરુજી બલિહારિ રે

કીધી બોંતેર બેઠકની બંગલી રે

ત્યાં ગાદી ગુરુની રંગ પ્યારી ગુરુજી બલિહારી રે

ફૂલ ખીલ્યાં ચાદર નવરંગની રે

ગુરુ છેલ છબીલો વનમાળી ગુરુજી બલિહારી રે

જાણે વિજળી ગગનમાં ઝબકી રે

દાસ ચુંથારામે નયને પરખી ગુરુજી બલિહારી રે


--------------------------------------------------------------------------------

ગુરુજી ખેવટીયા પાર કરો નૈયા ભવસાગરની માંય પાર ઉતારો ને

પકડો બલૈયા, સાગર તરૈયા, સંસાર સાગર માંય પાર ઉતારો ને

સંસાર સાગર મહાતોફાની ગહેરાં ગંભીર પાણી

મોજાં ઉછાળે રવ રગદોળે તરંગો જાયે તાણી

દોરી સોપી ગુરુના કર માંય પાર ઉતારો ને

કડવા, તીખા ખારા, ખાટા શબ્દો મગર તોફાની

ઇર્ષા તૃષ્ણા લાલચ આશા લાંબી ચાંચો ફાડી

ઘેરો ઘાલી કરે ઘમસાણ પાર ઉતારો ને

નૌકા મધ્યે ગુરુ દયાથી સ્થિરતા સ્થંભ રોપાવી

નિવૃત્તિ શઢમાં જ્ઞાન પવનની ચોટો જબળી લાગી

ચુંથા નાવ ચલી સડસડાટ પાર ઉતારો ને


--------------------------------------------------------------------------------


ગુરુજીની જુક્તિમાં આવિચળ વાણી

અવિચળ વાનીનો પડઘો લગ્યો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી

સખીઓનો સંગ છોડી જાવું નિર્વાણે

અનવય અનામી લાગ્યો મીઠો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી

વિવેક વિરોજી આવ્યા સુરતા વળાવવા

ઝાંપે જગદીશનો માફો દીઠો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી

માફામાં સુરતા બેની વિરે પધરાવ્યા

ચૌવા ચંદનનો ચાંદો ચોડ્યો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી

અનહદ પૂરીના વાજાં નોબતો વાગી

ચુંથારામ મોક્ષ દરવાજો ખુલ્યો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી


--------------------------------------------------------------------------------

ગુરુજી રણબંકા રાજ મેઘ અષાઢી

મોર નાચેને ચલ્લી પાંખ પ્રસારે રાજ બપૈયા બોલે

જ્ઞાનની ધારા વૃષ્ટી વરસવા લાગી

પત્થર ર્હ્દયની ભુમી પોચી બનાવી રાજ બપૈયા બોલે

ચોખા બનેલા ક્ષેત્રે બીજ વવાયાં

અંકુર ફુટીને ડળે પાંદે છવાયાં રાજ બપૈયા બોલે

ગુરુની કૃપા દ્રષ્ટીથી પુષ્પો રે ખીલશે

પુષ્પો ખીલીને પાકાં ફળ અનૂભવશે રાજ બપૈયા બોલે

પૂર્વના પૂન્યે મળીયા ગુરુ ભલાભાઇ

ચુંથારામ ર્હ્દયમાં દિવડો ઝગમગ ઝગાવ્યો રાજ બપૈયા બોલે


--------------------------------------------------------------------------------

ગુરુ રસિયા પુરણ કામ ગુણના ધામ ગુરુજી હમારા દીનોના તરણહારા

ગુરુ જ્ઞાનની ગોળી આપે છે,

મહારોગ સમૂળો કાપે છે

રગરગમાં જ્યોતિ તેજ તણા ધબકારા દીનોના તારણહારા

મુક્યુ નામનું નસ્તર સુખકારી,

મારી અંતર વેદના સૌ ટાળી

પરઉપકારી ગુરુ સમરથ વૈદ હમારા દીનોના તારણહારા

ગુરુ નયનોમાં નયન મિલાવ્યા કરું

ગુરુ ચરણોમાં શિશ જુકાવ્યા કરું

દાસ ચુંથારામના હૈયે અમૃત રસની ધારા દીનોના તારણહારા

Sunday, July 18, 2010

ભવજળ

ગોથાં ખાધાં રે ગણા ભવનાં ચિંતાને ડુંગર જઇ ચઢ્યો રે

ભાન ભુલ્યો કે હું કોણ છું ભજન વિના ભવ ભટક્યો રે

જાળવી જાણી નહી જાત્રા કલેશ દૂર નવ કર્યો રે

કાયા દમીને ક્લેશ વ્હોરીયા સમજણ દૂર સહી ગઇ રે

ઝીણાં ઝીણાં જીવડાંને જાળવે જાણે કે કલ્યાણ કરીએ રે

તીર તાકે માણસના તૂંબડા ઇર્ષા અગ્નિ જળહળે રે

ગળાં રહેંશીને ભેગુ કરીયું ના ખર્ચે ના વાપરે રે

પાપનો બાંધીને બચકો નરક પંથે જઇ ચઢ્યો રે

પ્રપંચે પટલાઇ ડહોળવા ઊંધું બોલે જાણી જોઇ રે

લાંચ ખાધાના છે લાલચુ ચોરાશીમાં ડૂબી મરે રે

હરિનું ભજન કરી હારિયો કહે છે કે નવરાશ નથી રે

રખડવું રઝડવું ગામમાં ઉંમર આખી ખોઇ નાખી રે

ઠઠ્ઠા બાજીમાં છે ઠાવકા બહેકેલા બોલે તાણી તાણી રે

કહે ચુંથારામ શી ગત થાશે લેવાશે લેખાં પળપળનાં રે


--------------------------------------------------------------------------------

ભવજળ તરવા ઉમંગે હરિ ભજીએ મારા પ્રેમીઓ

વિષય સુખમાં રચ્ય પચ્ય શીદ રહીએ રે સોહાગી મનવા...... મોંઘો મનુષ્ય જનમ ફરી ફરી નહી પામીએ

સંતસમાગમ દેવોને દુર્લભ કોડે કોડે કીજીએ

ભજન ભુલાવે તેવાનો સંગ તજીએ રે સોહાગી મનવા...... મોંઘો મનુષ્ય જનમ ફરી ફરી નહી પામીએ

વણમતીયા દુનિયાની વાદે ફોગટ ફેરા શીદ ફરીએ

હરિ ભજન કરી જન્મ સફળ કરી લઇએ રે સોહાગી મનવા...... મોંઘો મનુષ્ય જનમ ફરી ફરી નહી પામીએ

રૂડું કરતાં કુંડું કહે તેવા દુરિજનિયાંથી શીદ ડરીએ

અંતરમાં સમરીએ સુંદર શ્યામ રે સોહાગી મનવા...... મોંઘો મનુષ્ય જનમ ફરી ફરી નહી પામીએ

કરજોડીને કહેછે ચુંથારામ સમરો સીતારામને

પળઘડી નવ રાખો ન્યારા નાથ રે સોહાગી મનવા...... મોંઘો મનુષ્ય જનમ ફરી ફરી નહી પામીએ

Thursday, July 15, 2010

આત્મજ્ઞાન


(રાગઃ મારા માંડવે નાગરવેલ છાયી રે માંડવો ......)


જેઓ મન કર્મ વચને પ્રભુ પરાયણ રહેશે રે તેને આત્મજ્ઞાન થાય


એક જ કલાક માળા ફેરવે ત્રેવીસ કલાક રખડે રે


માયાનાં મીઠાં મધ સુખ છોડે રે તેને આત્મજ્ઞાન થાય


સગાં વ્હાલાંની ખુશામતમાં ભવનાં બંધન બાંધે રે


અમુલ્ય સતસંગનો સેવનારો રે તેને આત્મજ્ઞાન થાય


લોકડીયાંનાં મ્હેંણાં ટેણાં સહન કરતાં શિખે રે


કોઇનું અપમાન કરવું એ પોતાનું માને રે તેને આત્મજ્ઞાન થાય


સર્વ સ્થુલે વ્યાપી રહેલો સમ દ્રષ્ટીમાં દરસે રે


ચુંથારામ જેના ચિતમાં આનંદ વરસે રે તેને આત્મજ્ઞાન થાય


Wednesday, July 14, 2010

ગુરૂ વચન

(રાગઃ આ તો જગત અનાદિ આડંબરના કરીએ રે)

ખોટો ડોળ ના કરીએ ગુરૂમુખ બાનું ધારી રે

મળ્યા સદ્‍ગુરૂ દેવ સમજણ આપી સારી રે

લીધી પાંચ પ્રતિજ્ઞા હાથમાં જળ ધારી રે

તન મન અર્પણ કરીયાં સંતોની સાક્ષી ધારી રે

બોધ સ્વરૂપનો કરીયો વિશ્વાસપાત્ર ધારી રે

આપ્યાં વચન તે ચુક્યા વિષયે વૃત્તિ વારી રે

માન મોટાઇમાં મમતા અહમ ભરીયો ભારી રે

કુડ કપટ પ્રપંચ દગો દિલ ધારી રે

રૂણ પરનાં પચાવ્યાં, વૈભવે મોંજ માણી રે

વાણી, વલોણોમાં ગુમ્યા તત્વ નહિ તરીયાં રે

સાચા સંતોની વાણી વર્તન નથી જરીએ રે

પૂરા ગુરૂ છગનરામ રહેણી વેવણ વણીયાં રે

પરાંણ વચનમાં વરીયા એતો ભવ જળ તરીયા રે


----------------------------------------------------------------

(રાગઃ મારા માંડવે ઉડે રે ગુલાલ (૨).........)

ગુરૂ વચને ગળીયાં છે મન ગુરૂ વચને ગળીયાં છે મન..

ત્રિવિધના તાપો ટળીયાં મનના હો રામ

માળી અમને ગુરૂગમની શાન, મળી અમને ગુરૂગમની શાન..

ગુરૂગમ ચાવીએ તાળાં ખોલીયાં હો રામ

ખોલી દીધાં અગમઘરનાં દ્વાર, ખોલી દીધાં અગમઘરનાં દ્વાર..

અગમ સુગમે સાયબો શોભતા હો રામ

જાણી લીધી જીવાભાઇની જાત, જાણી લીધી જીવાભાઇની જાત..

ગુણની ગાદીએ જીવો શોભતા હો રામ

જોઇ લીધાં માયાનાં રૂપ, જોઇ લીધાં માયાનાં રૂપ..

રૂપના રૂષણે માયા મ્હાલતી હો રામ

રૂપ ગુણે ભળ્યો રે ભંડાર, રૂપ ગુણે ભળ્યો રે ભંડાર..

અનામીના નામે નક્કી કરીયો હો રામ

તુટી પડ્યા માયાના મહેલ, તુટી પડ્યા માયાના મહેલ..

ગગનગીરાએ તંબુ તાણીયા હો રામ

છુટી ગયો કર્તાપણાનો ભાવ, છુટી ગયો કર્તા પણાનો ભાવ..

અકર્તાના ઘરે પગરણ માંડીયા હો રામ

પૂર્ણ પદ પરખાવ્યું રે નિર્વાણ, પૂર્ણ પદ પરખાવ્યું રે નિર્વાણ..

અગમઘરના ભેદુ સંતો ભેટીયા હો રામ

શોભે સુંદર સાધારામની જોડ, શોભે સુંદર સાધારામની જોડ..

છગનરામની શાને સંસય ટળીયા હો રામ

આનંદ સાગર છલકાઇ જાય, આનંદ સાગર છલકાઇ જાય..

પરાંણ પરાની પાળે મ્હાલતા હો રામ


---------------------------------------------


Authored By:

Shri Palabhai Chunthabhai Patel, Jindva

Tuesday, July 13, 2010

ભક્તિ માર્ગ

અમે ભક્તિ માર્ગ જાલ્યા રે આ ભજનધૂન લાગી છે

અમે સંતોના વચને ચાલ્યા રે આ ભજનધૂન લાગી છે

અમે સંતોની સમશેર જાલી રે આ ભજનધૂન લાગી છે

અમે સઢ રીપું સંહાળ્યા રે આ ભજનધૂન લાગી છે

અમે મમતાના મૂળ બાળ્યા રે આ ભજનધૂન લાગી છે

અમે જૂઠની જડમૂળ કાઢી રે આ ભજનધૂન લાગી છે

અમે જગથી જુદા ઠરીયા રે આ ભજનધૂન લાગી છે

અમે સંતો ભેગા ભળીયા રે આ ભજનધૂન લાગી છે

અમે દુરીજનથી ના ડરીએ રે આ ભજનધૂન લાગી છે

અમે સાકૂટ સંગના કરીએ રે આ ભજનધૂન લાગી છે

અમે ભક્તિ ભજનભાવ ધરીએ રે આ ભજનધૂન લાગી છે

અમે સંતોની સંગત કરીએ રે આ ભજનધૂન લાગી છે

શિર ગુરુ છગન કર ધરીયો રે આ ભજનધૂન લાગી છે

દાસ પરાંણ ભજનમાં ભરીયો રે આ ભજનધૂન લાગી છે


-----------------------------------------

ભક્તિ માર્ગ છે પાધરો રે

સાચા શૂરવિરનો સંગ્રામ હો લાલ ભક્તિ માર્ગ છે પાધરો રે

પ્રથમ દાનવવૃત્તિ દૂર કરીને

લેવો માનવ જીવનનો લ્હાવો હો લાલ ભક્તિ..... (ટેક)

સત્ય, નીતિ, દયા ઉર ધારીને રે

કરવો સાચા સંતોનો સંગ હો લાલ ભક્તિ......

સંતની સેવાથી સુખડા સાંપડે રે

રીજે સદ્‌ગુરુ દીનદયાલ હો લાલ ભક્તિ.....

તન, મન સાંપીને સદ્‌ગુરુ સેવીએ રે

ગુરુજી આપે અભય વરદાન હો લાલ ભક્તિ....

પરવાનો મેળવીને પંથે ચાલીએ રે

રોકી શકે ના કોઇ બારે વાટ હો લાલ ભક્તિ.....

જગમાં જળ કમળવ્રત ચાલીએ રે

માયા રંગના લાગે લેશ હો લાલ ભક્તિ.....

જગમાં રહેવુંને વર્તન જૂજવા રે

જગલાં જાણી શકેના ભેદ હો લાલ ભક્તિ......

સાચા ગુરુ છગનરામ સેવતાં રે

પરાંણ પતિત પાવન થઇ જાય હો લાલ ભક્તિ.......


------------------------------------------------


શ્રી પલાભાઇ ચુંથાભાઇ પટેલ, જિંડવા

વિરાજી

(રાગઃ આવું મનખા સરખુ ટાણુ રે વિરાજી તમને નહિ મળે રે જી)

વાતે વડાં કીધાં રે ભૂખ કેમ ભાગશે રે જી

જમ્યા વિના તો તૃપ્તિ કદીએ નહિ થાય

એવી ચિતરામણની ચકલી રે વિરાજી તૃષા કેમ છીપશે રે જી

સતસંગતમાં બેઠા રે સંસયના શુર શાલતા રે જી

ઇર્ષા અગ્નિ હોળીનો ભડકો ભડભડ થાય

એવી કગમતીએ કરણી રે વિરાજી વાલમ વેગળા રે જી

હરી ભજનમાં બેઠા રે જગ વાતે મનડાં મ્હાલતાં રે જી

ધનની લાલચ લબકારે મનડાં જોલા ખાય

એવા આશાના ઉમળકારે વિરાજી મહેનત માથે પડે રે જી

ગુરૂની કંઠી પહેરી રે તનમન શબ્દે સાંપીયાં રે જી

સત્ય સમજ વિના શાંતિ કદીએ નહિ થાય

અંતરપટ નવ ખોલ્યો રે વિરાજી ઉદ્યમ અવરગતિ રે જી

આપમતિએ ઉજળા રે કર્મોના ભરીયા કોથળા રે જી

અહમના હિલોળે ઊંધુ ચત્તું થઇ જાય

ડગમગ નૌકા ડોલે રે વિરાજી ભવમાં ડુબશો રે જી

એવા પરઉપકારી સંતો રે દુખિયાના દુખડા કાપશે રે જી

એવા સંતો જગમાં ભવતારણ ભગવાન

એવા સાચા સુખને ચાહો રે વિરાજી સેવીએ રે જી

એવા ગુરુ છગનરામ મળીયા રે પરાંણભાઇ શરણું સેવીએ રે જી

એવા પૂરણ પૂરૂષનૂ શરણું રે કેમ વાકો થાય વાળ

એવા ગુરૂના હુકમે હાલો રે વિરાજી ભટકણ ભાગશે રે જી


===================================================

Authored by:

Shri Palabhai Chunthabhai Patel
Jindva, Ta. Dehgam, Dist. Gandhinagar

મનવાભાઇ

(રાગઃ જેસલ કરીલે વિચાર માથે જમ કેરો માર.......)

મનવા કરીલે વિચાર, સત્ય ધર્મ સંભાળ

શિર પર જુકી રહ્યો કાળ, જવુ પડશે નિર્ધાર

આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે

આપણે સાચા સંતો સંગ ભવ તરીએ રે

મોંઘો મનુષ્ય અવતાર, નહિ મળે વારંવાર,

અવશર અફળના જાય, મનખો સફળ થઇ જાય,

આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે

સંસાર સ્વપ્ન સમાન, વિતી જાતાં નહિ વાર,

છોડી જગની જંજાળ, હેતે હરીને સંભાળ,

આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે

ખલક જગના સૌ ખેલ, મનવા મારું તારું મેલ,

તોડો આશા અમરવેલ, ટળે ચારે ખણી જેલ,

આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે

અઘળી વાતો થાય સહેલ, ટળે મનડાના મૅલ,

કરીએ ભક્તિમાં પહેલ, ચક્કર ચૉરાશીનાં ફેલ,

આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે

પાંચે તત્વે પ્રકાશ, પિંડે બ્રહ્માંડે વાસ,

ખોજ કરી લ્યોને ખાસ, પ્રગટે પોતાની પાસ,

આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે

ગુરૂ છગનરામ શિર ધાર, વૃત્તિ વચનમાં વાળ,

સેવા સંતોની સ્વિકાર, પરાંણ પ્રભુજી નિહાળ

આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે

==============================================

Authored by:

Shri Palabhai Chunthabhai Patel
Jindva, Ta. Dehgam, Dist. Gandhinagar

Monday, July 12, 2010

સદગુરુની શાન

(રાગઃ મારા જીવન કેરી નાવ તારે હાથ સોંપી છે......)

સજીએ સદગુરુની શાન તજીએ માનને ગુમાન,
અહમતા મમતા ત્યાગ કરીને મનની મટકી ફોડીએ,
ભજીએ ભવતારણ ભગવાન તજીએ માનને ગુમાન.

કરમ ભરમના મોહ જંજાળો ગુરુના શબ્દે તોડીએ
કરીએ નીજ સ્વરૂપનું ભાન તજીએ માનને ગુમાન.

એક રૂપ જગ વ્યાપક ભરપૂર અનુંભવ આંખે દેખીએ,
અહંકાર ઓઠે રહ્યો ભગવાન તજીએ માનને ગુમાન.

ખોજ કરીલે દિલની અંદર તનનો તાપ મીટાવી દે,
ચુંથારામ ગ્રહી લઇએ ગુરુ જ્ઞાન તજીએ માનને ગુમાન

સજીએ સદગુરુની શાન તજીએ માનને ગુમાન

મનની મહેલાતો

(રાગઃ સાચુ મોતીડું મારૂ મોંઘું મોતીડું...)

મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

ઓંચિંતાં તેડા થાશે જંજાળીયા મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

દ્રષ્ટીના દોષતો ભોગવવા પડશે

નયનોનાં નખળાં નડશે જંજાળીયા મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

દુઃસંગ ત્યાગજે ને સતસંગ રાખજે

હરખે હરિના ગુણ ગાજે જંજાળીયા મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

સદગુણ શોધી ગાડાં ભરી લાવજે

દુર્ગુણથી દુર રહેજે જંજાળીયા મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

ભજન સતસંગમાં વ્હેલો વ્હેલો આવજે

ચુંથારામ ગુરુ શરણ રહેજે જંજાળીયા મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

જીવરામભાઇ

(રાગઃ મેંનાબેનને દામણી જોઇશે વરરાજા...........)

દેહતો છોડીને જાવું પડશે જીવરામભાઇ

કર્મોનો વિપાક લેવો પડશે જીવરામભાઇ

કાંઇક વાચિક માનસિકથી જે જે કર્મો થાતા

તે તણો જવાબ દેવો પડશે જીવરામભાઇ

કાયાથી કોઇ હિંસા થાય મનથી કોઇનું દિલ દુભાય

વાણીમાં બોલેલુ સામું મળશે જીવરામભાઇ

નીતિ અનીતિ સામે જૂઠા જે જે વર્તન થાતાં

ચોખ્ખે ચોખ્ખો હિસાબ દેવો પડશે જીવરામભાઇ

સાચાને મળશે સંપત્તિને જૂઠાને પડશે જૂતાં

ચુંથારામ એ ચોખ્ખું ચકમક ઝરશે જીવરામભાઇ

Thursday, June 17, 2010

જય પ્રભુ પરમાત્માના આશિર્વચન

તમે અહીંયા આવો છો એ સર્વાંન્તરયામીની જ પ્રેરણા છે.

સર્જનહાર પોતે પોતાની મેળે પોતાના સર્જનમા પ્રગટે એવી જ એની સર્વ પ્રેરણા છે.

તે સર્વવ્યાપક સર્વની સર્વશક્તિ, ર્હદયમાં રહેલા ચૈતન્યમાં જાગ્રત થવાથીજ પ્રગટે છે.

પૂર્ણરૂપ થવું એ જ સાચું જ્ઞાન અને સાચું ધ્યેય છે.

અહીં આવનાર દરેક કબુલે છે કે સાચા જ્ઞાન અને સાચા ધ્યેયમાં જ સાચી શાંતિ છે જે ભારતિય સંસ્કૃતિ નો સાચો વારસો છે.

ધનથી ભૌતિકતા વિલાસીતાથી અંદરની સાચી શાંતિ નથી જે પશ્ચિમની આંધળી દોટ છે.

આત્મજ્ઞાન સાચું શિક્ષણ છે.

જીવનશક્તિ, સૂર્યપ્રકાશ, પવન, અન્નજળ સર્જનહાર પ્રેરિત છે.

આત્માથી આત્મામાં જાગૃતિ - સાચા શિક્ષણમાં બાહ્ય ભૌતિકની અપેક્ષા નથી.

દરેક માણસ પોતાના સાચા સ્વરૂપે શુદ્ધ ચૈતન્ય હોવાથી આત્માથી આત્મામાં જ પૂર્ણ છે.

આત્મામાં આભાવ ઇચ્છા નથી.

શાળાની રજત જ્યંતિ પ્રસંગે સર્વેજનો પોતાનાજ ર્હદયમાં પોતાના જ આત્મારૂપ રહેલ સર્જનહાર સાથે એકતા પમી પૂર્ણ બને.



જય પ્રભુ

સચ્ચિદાનંદોહમ

નર્મદા, ૨૭/૦૯/૨૦૦૯

આસો સુદ ૯

વિક્રમ સંવત ૨૦૬૫




--------------------------------------------------------------------------------





સ્વયં મહાચિદાકાશ



આખું વિશ્વ ગુરૂ છે એમાં દરેક વ્યક્તિ વિદ્યાર્થી છે, આખા વિશ્વાત્માનું પૂર્ણજ્ઞાન શિક્ષણ છે અને વ્યક્તિપણાની સંકુચિતતાથી મુક્તિ અને આખા વિશ્વાત્મા સાથેની અનંતપૂર્ણ એકતા છેલ્લી ડિગ્રી - પરમપદ છે.



૩૦/૧૦/૨૦૦૯, શુક્રવાર, મધ્યરાત્રી - ૧૨.૩૦






--------------------------------------------------------------------------------



કેવળ સ્વસ્વરૂપ કેવળ મહાચિદાકાશ છે

My Self is My God

My Conciosness is My Realisation

My Bliss is My Perfection

I am Satchhidanada ABSOLUTE

Self Mahachidakash

If One Realises Me, Realises One's Own Real Self

I am Infinity, Eternity, Immorality, Reality

I am ALL, ALL am I Equality

I am Limitless, Partless, Light full of peace

I am All LOVE, I am all PLAY, I am all DIVINE

I am All BEAUTY, Iam All VISION, I am All DEPTH

I am All in All SUPREME Self of ALL

See Me And Be Self MAHACHIDAKASH

I am Omnipresence, Omniscince, Omnipotence

I am Satchhidanada ABSOLUTE



જય પ્રભુ

સચ્ચિદાનંદોહમ

નર્મદા, ૧/૦૮/૨૦૦૯

શનિવાર

Tuesday, June 15, 2010

જય પ્રભુ

જય પ્રભુ

જય પ્રભુ

ગુરૂગીતા 1


દ્રશ્ય અનુંભવાય છે દ્રષ્ટામાં

દ્રષ્ટા અનુંભવાય છે અનુભવપ્રકાશમાં

અનુભવપ્રકાશ છે અનંત શુદ્ધ ચિદાકાશ


"હું ચૈતન્ય છું આખુ અનંત એકજ ચૈતન્ય છે સ્વયં ચૈતન્ય જ ગુરૂ તત્વ છે"

જો હૈ સો હૈ

જય પ્રભુ

ગુરૂગીતા



પરમતત્વ પરમાકાશ - કૈવલ્ય - જો હૈ સો હૈ

કેવળ સ્વયં મહાચિદાકાશ સંપૂર્ણ પ્રકાશ

ભગવાન શંકર જગદંબા પાર્વતી ચૈતન્ય સંવાદ

ગુરૂગીતા

સ્વયં પૂર્ણબ્રહ્મ જ છે જુદું બીજું કંઇ જ નથી

સ્વયં પૂર્ણસ્વરૂપ પૂર્ણબ્રહ્મ સ્વયંસિધ્ધ જ છે

સ્વાત્મા અનંત સચ્ચિદાનંદબ્રહ્મગુરૂ સર્વત્ર સમાન ભરપૂર છે

સ્વયં મહાચિદાકાશ અનંત એક રસ જ છે

સ્વયં સચ્ચિદાનંદબ્રહ્મ અનંત એકરસ જ છે

આપણે ન પકડીએ તો કોઇ પકડાવે નહી; આપણે ન છોડીએ તો કોઇ છોડાવેય નહી

આત્મા જ શિષ્ય, આત્મા જ ગુરૂ, આત્મા જ પરમાત્મા

પોતે પકડે છે એ શિષ્ય, પોતે છોડે છે એ ગુરૂ, પોતે કેવળ પોતે છે એ પરમાત્મા

જો હૈ સો હૈ

Tuesday, March 23, 2010

રામનવમી

ભારતીય સંસ્કૃતિ અનુંસાર રામનવમીને દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. 'રામનામ' અદભુત સંજીવની છે, અમોઘ શસ્ત્ર છે, મહાન શક્તિ છે. માત્ર એકજ વખત 'રામ' બોલાઇ જવાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે. 'રામ' ને બદલે 'મરા...મરા...' બોલનારો વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીકિ બની ગયો ! સપ્તર્ષિઓએ આ રત્નાકર (વાલિયો લૂંટારા) ને 'રામનામ' નો મહિમા સમજાવ્યો અને ઉપદેશ આપ્યો કે તું રામનામનો જપ કર. તેના હ્રદયમાં રામનામની લગની લાગી ગઈ. તેના રોમ રોમમાંથી 'મરા...મરા...' નો જપ થઈ રહ્યો હતો. તેના શરીર પર માટાના રાફડા બંધાયા. સંસ્કૃતમાં રાફડાને 'વાલ્મીક' કહે છે, તેથી તેમનું નામ વાલ્મીકિ પડ્યું.

ભક્ત શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલને સદ્‌ગુરૂશ્રી ભલારામ મહારાજ દ્વારા ચૈત્ર સુદ નોમના રોજ રામનવમીને દિવસે પોતાના આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર કરાવતો ઉપદેશ આપ્યો હતો. શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલે પોતાના આ અનુંભવોને ભજનના સ્વરૂપમાં રજૂ કરેલ છે જે અત્રે પ્રસ્તુત કરતા ગર્વની લાગણી સાથે ધન્યતા અનુંભવુ છુ.

(રાગઃ ગણપતી આવ્યા શુદ્ધ બુદ્ધ લાવ્યા...............)

નવમીને દિન નવો અનુભવ આત્મારામ દર્શાયા ગુરૂ આત્મારામ દર્શાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

યોગી રામરસ પાયા ઘટઘટમાં શ્યામ દિખાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

દાનવવૃત્તિ દૂર કરાવી મનુશા દેવ કહલાયા ગુરૂ મનુશા દેવ કહલાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

લોહ હ્રદયમાં પારસ રૂપે કંચન શુદ્ધ બનાયા ગુરૂ કંચન શુદ્ધ બનાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

ગુરૂગમ ચાવી ખોલ્યાં અગમઘર દિલમાં દર્શન પાયા ગુરૂ દિલમાં દર્શન પાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

કીડી કુંજર ઘાટ બન્યા સૌ આતમ એક મનાયા ગુરૂ આતમ એક મનાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

પશુ પક્ષી સૌ જીવ જંતુમાં વ્યાપક દેવ દર્શાયા ગુરૂ વ્યાપક દેવ દર્શાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

ચુંથાભાઇ ભ્રમણા ત્યાગી અલખ પુરૂષ ઓળખાયા ગુરૂ પુરૂષ ઓળખાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા




શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ, જિંડવા

Thursday, February 11, 2010

ગુરૂ શિષ્ય સંબંધ

ઇશ્વર સર્જીત વિશ્વ સુવ્યવસ્થિત બ્રહ્મના નિયમાનુસાર ચાલે છે અને આ નિયમમાં ગુરૂ શિષ્યના સંબંધ રોપાયેલા છે. આ દિવ્યનો હુકમ છે કે જેઓ ઇશ્વરને ઇચ્છે છે તેઓએ સાચા ગુરૂ મારફત તેની સામે રજૂ થવું જોઇએ. ભક્ત જ્યારે ઇશ્વરને જાણવાની નિષ્ઠાપૂર્વક ઇચ્છા કરે ત્યારે ગુરૂ તેની પાસે આવે છે. ઇશ્વરને જાણતા ગુરૂ જ શિષ્યને વચન આપે છેઃ " હું તને ઇશ્વર સમક્ષ લઇ જઇશ". સદ્‌ગુરૂએ ઇશ્વર તરફનો માર્ગ મેળવેલો જ હોય છે; અને તેથી જ તે શિષ્યને કહી શકે કે મારો હાથ પકડ, હું તને માર્ગ બતાવીશ.

શિષ્યે પોતાની જાતને ઇશ્વરને જાણવા માટે તૈયાર કરવા જોઇતા શિસ્ત અને સદ્‌કાર્યના સિદ્ધાંતોને ગુરૂ-શિષ્ય સંબંધ આવરી લે છે. ગુરૂની મદદથી શિષ્ય જ્યારે પૂર્ણતા પ્રાપ્ત કરે છે ત્યારે દિવ્ય નિયમની પૂર્તિ થાય છે અને ઇશ્વર સાથે ગુરૂ તેની ઓળખાણ કરાવે છે.


માટે જ એક ભજનમાં કહ્યું છે કેઃ

મનજી સાંભળજો ધરી ધ્યાન સત્યના વિચારથી રે

જે હોય સદગુરૂના બાળ, તેને શ્રવણ મનન અધિકાર સત્યના વિચારથી રે

સદ્‌ગુરૂ હોય હજારે એક સત્યના વિચારથી રે

આપે કંઠી ને કાન, એવા ગુરૂ શું કરાવે ભાન સત્યના વિચારથી રે

દેહમાં દર્શાવે નિજ નામ સત્યના વિચારથી રે

આત્મા અનુભવમાં જે લાવે, એવા સદ્‍ગુરૂ ઇષ્ટ કહાવે સત્યના વિચારથી રે

ગુરૂએ બાળકનુણ નહી કામ સત્યના વિચારથી રે

તન મન માયાને વળી ધન સમર્પી પછી ભીડાવો હામ સત્યના વિચારથી રે

તારું મૂળ સ્વરૂપ સંભાળ સત્યના વિચારથી રે

લાભને ખાદ્ય ગુરૂની ધાર મનજી તારો પ્રેમ પગાર સત્યના વિચારથી રે

પ્રેમે ધર્મ સનાતન ધાર સત્યના વિચારથી રે

ચુંથારામ ગુરૂ નિહાળ પ્રેમે પ્રગટ પ્રભુજીને ભાળ સત્યના વિચારથી રે


=================================================

(ભજન સ્વ. શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ દ્વારા)

Sunday, February 7, 2010

સાચા ગુરુની વ્યાખ્યા


સ્વામી શંકર* આ રીતે ગુરુનું વર્ણન કરે છેઃ- "સાચા ગુરુની સરખામણી ત્રણેય લોકમાં થઇ શકે નહિ. જો ખરેખરે પારસમણીનો પત્થર, જે કહેવાય છે કે લોખંડને સોનામાં બદલી શકે છે, પરંતુ બીજા પારસમણીમાં નહિ. જ્યારે બીજી તરફ સદ્‌ગુરુ પોતાના શરણમાં આશ્રય લેતા શિષ્યને પોતાના સમાન બનાવે છે. તેથી જ ગુરુ અજોડ જ નહિ પરંતુ અગમ્ય છે

શ્રી શ્રી પરમહંસ યોગાનંદ, યોગદા સતસંગ સોસાયટી ઑફ ઇન્ડીયા/સેલ્ફ રિઅલાઇઝેશન ફેલોશિપના ગુરુ-સ્થાપકે કહ્યું છે કે "ગુરુ જાગ્રત ઇશ્વર છે, જે શિષ્યમાંના સુસુપ્ત ઇશ્વરને જગાડે છે, સહાનુભૂતિ તથા ઊંડા માનસદર્શન દ્વારા ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક રીતે દયાપાત્ર વ્યક્તિમાં ઇશ્વર પોતે દુખી થતો હોય તેમ સદ્‌ગુરુ જૂએ છે અને તેથી જ તેઓને મદદ કરવાની ફરજને આનંદદાયક અનુભવે છે. ભૂખ્યા કંગાળમાં ભગવાનને ખવડાવવાનો, અજ્ઞાનીઓમાં ઊંગતા ઇશ્વરને ઢંઢોળવાનો, દુશ્મનમાં રહેલ અચેત ઇશ્વરને પ્રેમ કરવાનો અને તીવ્ર ઉત્સુક ભક્તમાંના અર્ધજાગૃત ઇશ્વરને જગાડવાનો પ્રયત્ન કરે છે. આગળ વધેલ જીજ્ઞાસુમાં એ લગભગ પૂર્ણ પણે જાગ્રત ઇશ્વરને પ્રેમના મૃદુ સ્પર્શ વડે ત્વરીત જાગૃત કરે છે. સર્વ મનુષ્યોમાં ગુરુ ઉત્તમ દાની છે. ઇશ્વરની જેમજ તેની દાનશીલતાની કોઇ હદ નથી."

આમ પરમહંસ યોગાનંદજીએ વર્ણવ્યું હતું કે સદગુરુ અનંત સમજણ, અનંત પ્રેમ, સર્વવ્યાપક, સર્વને આવરી લેતી ચેતના છે. જે શિષ્યોને પરમહંસજીને જાણવાનું સદ્‌ભાગ્ય સાંપડ્યું હતું તેઓએ તેમનામાં આ ગુણોને પૂર્ણ પણે વ્યક્ત થતા જોયા હતા.



--------------------------------------------------------------------------------

*ભારતના મહાન તત્વજ્ઞાની તથા ભારતના પૂરાતન સ્વામી પરંપરાના સ્થાપક (૮ મી અને ૯ મી સદીની શરૂઆતમાં થયેલા) સ્વામી શંકર કે જેમાં સંત, વિદ્વાન અને કર્મયોગીના ગુણોનું ભાગ્યે જ મળતું ઐક્ય જોવા મળે છે.

ક્રમશઃ

Saturday, February 6, 2010

ગુરુ શિષ્ય સંબંધ

શ્રી મૃણાલિની માતા દ્વારા

(લોસ એન્જેલીસ(Los Angeles)માં ૭, જુલાઇ ૧૯૭૦ના રોજ Y S S/ S R Fની સુવર્ણ જ્યંતીના સમારંભમાં yogoda satsanga society of india (www.yssofindia.org) /Self Realization fellowshipના ઉપપ્રમુખે આપેલ પ્રવચન)

દિવ્ય નાટક ભજવવા માટે આપણને ઇશ્વરે આ સંસારમાં મોકલ્યા હતા. ઇશ્વરની પોતાની જ વ્યક્તિગત છબી રુપે ભણવાનો અને શિક્ષણ દ્વારા વિકાસ કરવાનો; અને સતત વિકાસ દ્વારા અંતે આપણા સાચા સ્વભાવને વ્યક્ત કરવાનો તથા ઇશ્વર સાથે ના ઐક્યની આપણી મૂળ સ્થિતિમાં પાછા ફરવાનો એકજ હેતુ આપણા જીવનનો છે.

આપણે જ્યારે બાળક આત્માઓ રુપે મર્ત્ય સાહસની શરુઆત કરીએ છીએ, ત્યારે પ્રથમ ભૂલ અને અજમાયશ (Trial and Error)ના અનુંભવો દ્વારા જ્ઞાન મેળવીએ છીએ. આપણે કર્મ કરીએ છીએ અને જો તે સારા પરિણામો આપે તો તે જ કર્મ ફરી ફરીને કરીએ છીએ. પરંતુ અમુક કર્મ જો આપણને દુઃખ આપે તો તે કામને ટાળવા આપણે સંઘર્ષ કરીએ છીએ.

પછી, આપણે બીજાઓના દાખલા વડે ફાયદો મેળવવાનું શીખીએ છીએ. આપણે આપણા કુટુંબ, મિત્રો અને આપણા સમાજમાંના લોકોની વર્તણુકનું નિરીક્ષણ કરીએ છીએ અને તેઓની ભૂલો તથા સફળતાઓના પૃથ્થકરણ દ્વારા ફાયદો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ.

સત્ય માટેના વિનમ્ર સંશોધનોની શરુઆત કરવાનો સમય આપણા માટે આવે નહી ત્યાં સુધી, આપણા મર્ત્ય જીવનની ઊંડી સમજની ખોજમાં આપણા અનુભવો આપણ્ને સતત આગળ દોરતા રહે છે. જે મનુષ્યની ચેતના આ બિંદુ સુધી ઉત્ક્રાંતિ પામે છે તે પોતાની જાતને પૂછે છેઃ "જીવન શું છે?" (What is life?), "હું કોણ છું?" (Who am 'I'?), હું ક્યારે આવ્યો? અને પરમાત્મા આવા જિજ્ઞાસુને તેની સમજણ માટેની પ્રાથમિક તરસ મટાડે તેવા શિક્ષક તરફ કે ધાર્મિક અને આધ્યાત્મિક પુસ્તકો તરફ દોરી જાય છે. જ્યારે તે બીજાના જ્ઞાનમાંથી ગ્રહણ કરે છેત્યારે તેની સમજણ વિકસે છે અને તેની આધ્યાત્મિક ઉન્નતિ ઝડપી થાય છે. તે સત્ય કે ઇશ્વર તરફ થોડો નજીક જાય છે.

અંતે આ જ્ઞાન પણ અપૂરતું રહે છે. ત્યારે તે સત્યની વ્યક્તિગત અનુભૂતિ માટે તરસે છે. તેનો અંતરાત્મા વિચાર કરવા પ્રેરે છે કેઃ "આ સંસાર ખરેખર મારુ ઘર નથી! હું ખરેખર આ ભૌતિક દેહ નથી; આ ફક્ત હંગામી પાંજળું હોઇ શકે. મારી ઇન્દ્રિયો જે અનુભવે છે તેના કરતાં આ જીવન કાંઇક વધુ હોવું જોઇએ, મૃત્યુથી પેલે પાર કાંઇક અસ્તિત્વ ધરાવે છે. મેં સત્ય વિશે વાંચ્યું છે; મેં સત્ય વિશે સાંભળ્યું છે; હવે મારે તેને જાણવું જોઇએ."

તેના બાળકના દુઃખના રુદનનો જવાબ આપવા આપણા દયાળુ ઇશ્વર જ્ઞાની શિક્ષકને મોકલે છે કે જેણે પોતાના "સ્વ"ની અનુભૂતિ કરી હોય અને જે પોતે બ્રહ્મ છે તેવું જાણતો હોય(સદ્‌ગુરુ).

આવા ગુરુનું જીવન દિવ્યની વિશુદ્ધ અભિવ્યક્તિ છે


(ક્રમશઃ)

Friday, February 5, 2010

"અમૃતબિંદુ"(Amrutbindu)

તાળી લાગી ગુરુ શબ્દની ફૂટી ગયુ બ્રહ્માંડ રે પોતે પોતાને પરખીયો રે

ત્રિગુણે ત્રિગુણાતિતનું સંતજનો ગુણ ગાય રે પોતે પોતાને પરખીયો રે

પૂરણ બ્રહ્મ પરમાત્મા તુર્યાથી તાત સોહાય રે પોતે પોતાને પરખીયો રે

ત્રણ અવસ્થાથી વેગળો સુખદુઃખ થકી છેટો રે પોતે પોતાને પરખીયો રે

એક રુપે બધા જગતમાં નહી નજીક નહી દૂર રેપોતે પોતાને પરખીયો રે

ભીતર કહું તો સદ્‍ગુરુ લાજે બહાર કહું તો જૂઠા રે પોતે પોતાને પરખીયો રે

સ્થાવર જંગમ જગતમાં કેવળ બ્રહ્મ પ્રકાશ રે પોતે પોતાને પરખીયો રે

સ્વ સ્વરુપે ચુંથારામને રમતા દીઠા જગમાં રામ રે પોતે પોતાને પરખીયો રે



--------------------------------------------------------------------------------

સ્વ. શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ, જિંડવા

Tuesday, February 2, 2010

"અમૃતબિંદુ"

ભક્તિ મરજીવા થઇને મોજો માણીએ

મારા દિલમાં વસીયા છે આતમરામ ભક્તિ મરજીવા થઇને મોજો માણીએ

ભક્તિ પહેલી શ્રવણ શરણું લીજીએ

બીજી કીર્તન કરુણ ભાવે કીજીએ રે ભક્તિ મરજીવા...........(ટેક)

ત્રીજી સ્મરણ શ્વાસાએ અનુંસરીએ

ચોથી ભક્તિતે પાઠપૂજા થાય ભક્તિ મરજીવા.........

પાંચમી અર્ચન ભક્તિ દિલમાં ધારીએ

હરીનું ચંદન ચરણામૃત લેવાય રે ભક્તિ મરજીવા......

છઠ્ઠી વંદન સકળ જીવને નમીએ

સતમી દાસત્વે કોઇનું દિલના દમીએ રે ભક્તિ મરજીવા.....

આઠમી મિત્ર ભાવે રે નજરે નામીએ

નવમી આત્મ સમર્પી હું ભાવ તજીએ રે ભક્તિ મરજીવા....

દસમી પ્રેમ લક્ષણા ઉરમાં ધારીએ

ચુંથારામ નયનોમાં વરસે નુરાં રે ભક્તિ મરજીવા....




--------------------------------------------------------------------------------


આતો એક છે એક છે એક જ છે

ભૂત પ્રાણીમાં આત્મા એક રે ગુરુજીની સમજણ લો

રહ્યો સાક્ષી રુપે ભેદ ભાસે નહીં

નામ રુપ જોતાં જણાય અનેક રે ગુરુજીની સમજણ લો

એક સૂર્ય આકાશે ઝળકે છે

જળ પ્રતિબિંબ જોતાં અનેક રે ગુરુજીની સમજણ લો

જેવું વસ્ત્રમાં તંતુ અનુસ્થિત છે

વસ્ત્ર નામ રુપે અનેક જણાય રે ગુરુજીની સમજણ લો

જેવા મૃતીકાના ઘડા ઘાટ અનેક છે

ચુંથારામ ઘરેણાંમાં કનક સમાય રે ગુરુજીની સમજણ લો





--------------------------------------------------------------------------------


શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ, જિંડવા

Friday, January 29, 2010

"અમૃતબિંદુ"

(મારો માંડવો રઢીયાળો લીલી પાંદડીઓ સોહાવો મારા રાજ)

કર્યાં કર્મોના અંત સમય લેખાં લેવાશે જીવાભાઇ

ભર્યા ભંડાર સાથેના આવે એક પાઇ

નહી ખાધું ના પીધું ના હાથે દીધું જીવાભાઇ

મતલબથી પાપની પોટલી થઇ

સ્વાર્થ માટે ધર્મમાં ના ડગલું ભર્યું જીવાભાઇ

ગરીબોની ગરજો ખાધાની મતી થઇ

માતાપિતા ગુરુજીની આશિષના લીધી જીવાભાઇ

ચુંથારામના શ્બ્દોની સમાપ્તી થઇ


--------------------------------------------------------------------------------

(રાગઃ આંબો મોંર્યો ને ચંપો રોપવા ગ્યાંતા રાજ)

જીવ મરગલો શોધે કસ્તુરી શોડમ રાજ

દેવળે દેવળે દેવલાં શોધી ને વળીયો રાજ

જપ તપ તીર્થોમાં ધારી ધારી જોયું રાજ

પર્વત પહાડોને વૃક્ષો સરીતાઓ શોધી રાજ

ભટકી ભટકીને આવ્યો સદ્‍ગુરુના શરણે રાજ

તન મન ધન સોંપ્યા, ગુરુને શીશ સમર્પ્યા રાજ

અહંમપદ ઓગાળી ચુંથારામ નિજમાં ઓળખાયું રાજ

________________________________________

શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ, જિંડવા

Thursday, January 28, 2010

"અમૃતબિંદુ"

(રાગઃ ઓ જશોદાજી આવડો લાડકવાયો લાલન કીજીએ........)

મન વણજારા બહાર ભટકતી ચિત્ત વૃત્તિને વારજો

સદ્‌ગુરુ વચને સ્થિર કરીને નીતિ રીતિ પાળજો

મન અવળગતિ કરતું જાણી; ઝટપટ તેને લાવો તાણી

તેને શુદ્ધ બુદ્ધિનું છાંટો પાણી મન વણજારા બહાર............ (ટેક)

મન વાણી કર્મ વડે કદીએ; કિંચિત કુડુ કાંઇના કરીએ

કોઇને દુઃખ લાગે તેવું ના વદીએ મન વણજારા બહાર..........

નિજ ધર્મમાં સ્થિરતા ધારી ને; હું પદ મમ પદને વારીને

ચુંથારામ ગુરુજી દિલ ધારીને મન વણજારા બહાર...............

--------------------------------------------------------------------------------

(રાગઃ મનોડીનું લહેરુ લાગ્યું............)

આશક્તિ આવરણ થયું,

લીંગ દેહ ધારી રે શિવ મટી જીવ થયો

ભવની ભૂલવણી,

બન્યું નાત જાત ખોખું રે શિવ મટી જીવ થયો

સંસર્ગોથી સમજાઇ,

કુળ કુટુંબની રીતિ રે શિવ મટી જીવ થયો

અવિદ્યાએ ઉછળ્યો બાળક;

મમતામાં ભરમાયો રે શિવ મટી જીવ થયો

પંચ વિષયનું વસાણું;

ખાઇ બન્યો બેભન રે શિવ મટી જીવ થયો

કર્મો કિલ્લા કોટ રચ્યા;

ઝાઝો લોભ જાગ્યો રે શિવ મટી જીવ થયો

ચુંથારામ પ્રભુ છો બેલી;

સંભાળ લેજો વ્હેલી રે શિવ મટી જીવ થયો

--------------------------------------------------------------------------------

(રાગઃ સુખના રે મારા શ્યામ સુંદરજી................)

આત્મા રે મારો નામે અનામી;

સતચિત આનંદ લહેરી રે હાલો જોવાને જઇએ

એક અનામી અનંત સ્વરુપ છે;

કેવળ બ્રહ્મરસ ભોગી રે હાલો જોવાને જઇએ

એમાંથી સર્વે સર્વે માંહી એજ છે;

એમાં સમાય સુખરાશી રે હાલો જોવાને જઇએ

જન્મ મરણાદિનો સ્પર્શ નહીં જેને;

જોતાં ટળે લખ ચોરાશી રે હાલો જોવાને જઇએ

વિશ્વનો વિલાસ પ્રભુ આત્માનો પ્રકાશ એ;

જાણે એ તેજ મજા માણે રે હાલો જોવાને જઇએ

ચુંથારામ સ્વ-સ્વરુપમાં આનંદ છે;

અમૃત રસ મજા માણે રે હાલો જોવાને જઇએ


--------------------------------------------------------------------------------

-શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ, જિંડવા

Wednesday, January 27, 2010

"અમૃતબિંદુ"


(રાગઃ આતો શક્તિ પવના ભરતી રે...........)

મન કલ્પિત દ્રશ્યો કરતું રે ક્યાંથી જડે અવિનાશ?

માયાવી ચિત્રો રચતું રે ક્યાંથી જડે અવિનાશ?

છે 'હું' ની પાછળ જ્યોતિ, જ્યોતિમાં મહા એક મોતી,

ગુરુ વિના જડે નહી ગોતી રે ક્યાંથી જડે અવિનાશ?

કોઇ જપ તીર્થ દ્રઢાવે, કોઇ તપસ્વી બની વન જાવે,

કોઇ ઊલટા પવન ચઢાવે રે ક્યાંથી જડે અવિનાશ?

નિજ ઘર તજી ભટકે વાડે, ખર ગર્વની ગુણ ઉપાડે,

જેમ પરાળ ખાધું પાડે રે ક્યાંથી જડે અવિનાશ?

કોઇ સંતની સાચી રીતિ, મુરખાને મનમાં ભીતી,

ચુંથારામ મનમુકી વાતો જૂઠી રે ક્યાંથી જડે અવિનાશ?


--------------------------------------------------------------------------------

(રાગઃ ખાખમેં ખપજાના જીવડા...........)

સદ્‍ગુરુ મળીયા, સંસય ટળીયા, નામ નગરમાં નિર્માયા હા...............હા

પંચ તત્વોકી કાયા માયા યુક્તિથી સમજાયા હા...............

શી કહું શોભા નામ નગરની જ્યાં જોવું ત્યાં જગરાયા હા..................હા

સંત વિદેહી તે રસ માણે જેણે ગુરુગમ પાયા હા.........

અલખ નામ નિર્વાણ લખાવે કોઇ અદ્‌લ ધરીપે આયા હા.............હા

નહીં સંન્યાસી નહીં ઉદાસી અખંડાનંદ ઘર પાયા હા..............

અક્ષરાતિત સંબંધકો મૂલા નહીં કોઇ થાપ ઉથાપા હા.................હા

દાસ ચુંથારામ સદ્‌ગુરુ સંગ મળીયા તેણે પૂર્ણ પદ પાયા હા....................



--------------------------------------------------------------------------------

- શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ, જિંડવા

Tuesday, January 26, 2010

"અમૃતબિંદુ"

(રાગઃ હે જી તારા આંગણીયાં પૂછીને કોઇ આવેતો આવકારો મીઠો આપજે રે જી)

હેજી વિરા નિજની સમજ કોઇ આપે રે મરજીવા મોતી ગોતશે રે જી

હે જી વિરા વસ્તુ બોલે ને નામ જાગે રે નામીના લે જે વારણાં રે જી

નજરમાં રુપ આવે, ગુણથી વર્ણન થાયે

હે જી વિરા નામથી નિશ્ચય ઓળખાય રે નામીના લે જે વારણાં રે જી

સતનામ સ્થિર કિધું, ગુરુ પાસે માગી લીધું

હે જી વિરા તન મન ધન અર્પી દીધુ રે નામીના લે જે વારણાં રે જી

નાનું મોટું કોઇ નહી, સમજણમાં સમ હોય

હે જી વિરા નામની નાભીમાં સહું કોઇ રે નામીના લે જે વારણાં રે જી

નામ મળે ગુરુઘાટે, શોધી લીધું શીર સાટે

હે જી વિરા ચુંથારામ અભયપદમાં રાચે રે નામીના લે જે વારણાં રે જી


--------------------------------------------------------------------------------

(રાગઃ ઘોડીલે બેસીને પાન ચાવો લાડકડા)

સુક્ષ્મણાની શેરી સામે દીઠા અલબેલડા

કરુણા નદીના નીરથી નવડાવું અલબેલડા

પ્રેમપૂરીના પિતામ્બર પહેરાવું અલબેલડા

ગોલકપૂરથી ગાદીઓ મંગાવું અલબેલડા

ગગન ગીરાનાં ગોદડાં મંગાવું અલબેલડા

અંતઃપૂરના ઓછાડ મંગાવું અલબેલડા

હર ફૂલના ગજરા હાર લાવું અલબેલડા

સાચા મનના મોતિડે વધાવું અલબેલડા

સ્થિરતાની થાળીઓ મંગાવું અલબેલડા

ઝરણાં જળની જાળીઓ ભરાવું અલબેલડા

હેત ભરેલાં પકવાનો પીરસાવું અલબેલડા

જમતાં જીવણ નીરખી નીરખી જોવું અલબેલડા

ર્હદય કમળમાં રાજીરાજી થાવું અલબેલડા

પૂર્ણાવતીએ પાન બીડી કરી લાવું અલબેલડા

ચુંથાભાઇની સૂરતામાં સમાવું અલબેલડા


--------------------------------------------------------------------------------

શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ, જિંડવા

"અમતબિંદુ"

પંડિત ભૂલ્યા પાઠમાં ડૂલ્યા, ચઢ્યા વાદ વિવાદોમાં

અહમ પણેથી ઊંધું વળીયું, શ્રોતા ચાખે સ્વાદોમાં

દીન થવું તે ઘણું દોહ્યલૂ, મનને મારવું મુશ્કેલ છે

લય ચિંતવન વિવેક વધારી, આપ સ્વરુપે રહેલ છે

વેદાંત અનુભવ સાર ગ્રહીને, નિજ સ્વરુપમાં મશગુલ છે

ચુંથારામ જ્ઞાન જન જગમાં, દૂધ મિસરી સંમેલ છે


--------------------------------------------------------------------------------

હું કરુ, આ મેં કર્યું એમ જાણવું મુશ્કેલ છે

ભક્ત જનોની પ્રેમ પ્યાસી વાણીમાં રંગ રેલ છે

રચે, પાળે, લય કરે, જે જગતને એક પલકમાં

તેની કૃપા વિના કોઇ તરે ના કામ કપરો ખેલ છે

જે જગતને જ જમાડતા, નૈવેદ્ય તેને શું ધરું

જે વિશ્વને રમાડતા તે પાસ રમવુ ફેલ છે

જળની અંજલી સાગરને શું, કુબેરને શું પૈ ધરું

સુરજને દિપક ધરે શું ચુંથારામ અટકેલ છે


--------------------------------------------------------------------------------

(રાગઃ જાવું તો પડશે જીવને જાવું તો પડશે)

ગુરુમુખી હોયતો ભજન ભાવેથી કરજો

દેહ છતાં વિદેહી ઠરજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો

આત્મ જ્ઞાની સંતોની સોબતો કરજો

મનડાંની વિટંબણાઓ તજજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો

આનંદ સ્વરુપી જ્યોતિ પ્રગટાવી દેજો

સત ચિત્તે શાંતિ અનુંભવજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો

વાણીનું સંયમ પણું જાળવી રાખજો

સૂરત નૂરતના મેળા કરજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો

છિદ્રો જોવાની આદત છોડી રે દેજો

એકાન્તે આત્મ મનન કરજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો

મળ વિક્ષેપ તજી સતસંગે રહેજો

ચુંથારામ નિજ સ્વરુપે રહેજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો



-શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ

Sunday, January 24, 2010

શબ્દ-સ્મૃતિ

(રાગઃ મન વણજારા બહાર ભટકતી ચિતવૃત્તિને વારજે)

હો સદગુરુજી માંહે ભટકુ છું ભુદરજી ભવરણ ટાળજો

મને માયા મોહ ઉપજાવે છે

માન મોટપ મનને ભમાવે છે

મને મમતા માર ખવરાવે છે હો સદગુરુજી માંહે ભટકુ છું......... (ટેક)

મને આશા બહું અથડાવે છે

મને તૃષ્ણા તારે તટલાવે છે

મને લાલત લાત લગાવે છે હો સદગુરુજી માંહે ભટકુ છું............

મને દગો દોટે ચઢાવે છે

મને કપટ કેદ કરાવે છે

મને પ્રપંચ પોક પાડાવે છે હો સદગુરુજી માંહે ભટકુ છું............

મને પાંચ વિષય રસ ભાવે છે

મને ત્રિગુણના રંગ નચાવે છે

મને દેહમાં હું પદ આવે છે હો સદગુરુજી માંહે ભટકુ છું..............

પરઉપકારી ગુરુ વ્હારે ચઢજો

મારા અવગુણ સગળા પરહરજો

સેવકની અરજી ઉર ધરજો હો સદગુરુજી માંહે ભટકુ છું................

ગુરુ દીન દુખીયાના બેલી છો

સુખ સાગર સુખની હેલી છો

ડાળી પીંપળ પરાંણ અડેલી છે હો સદગુરુજી માંહે ભટકુ છું................



-- શ્રી પલાભાઇ ચુંથાભાઇ પટેલ, જિંડવા

શબ્દ-સ્મૃતિ

(રાગઃ વાણીમાં વેવલો વાતોમાં શૂરો વાણી થકી વર્તાય........)

અદ્દભૂત યોગી સદગુરુજી મળીયા; ભવનાં ભટકણ જાય હોવ હોવ ભવનાં ભટકણ જાય હું તો નમુ ગુરુજીને પાય

ત્રિવિધના તાપથી બળતા ઉગાળ્યા; વચનામૃતની ધાર હોવ હોવ વચનામૃતની ધાર હું તો નમુ ગુરુજીને પાય

હતું, હશે ને હોય ખોટી કલ્પના; પ્રત્યક્ષ સત્ય પ્રમાણ હોવ હોવ પ્રત્યક્ષ સત્ય પ્રમાણ હું તો નમુ ગુરુજીને પાય

દાનવ વૃત્તિ દુર કરાવી; સોહાવ્યું માનવ શરીર હોવ હોવ સોહાવ્યું માનવ હું તો નમુ ગુરુજીને પાય

પાંચ પ્રતિજ્ઞા ગુરુજીએ આપી મુક્યા; સંકલ્પે જળ હોવ હોવ મુક્યા સંકલ્પે હું તો નમુ ગુરુજીને પાય

શુદ્ધ બની ગુરુદક્ષિણારે આપી, સર્વ સમર્પણ થાય હોવ હોવ સર્વ સમર્પણ થાય હું તો નમુ ગુરુજીને પાય

અક્ષરદેહે ગુરુ સન્મુખ બેઠા; ઇશ્વર દર્શનની આશ હોવ હોવ ઇશ્વર દર્શનની આશ હું તો નમુ ગુરુજીને પાય

યોગની યુક્તિ ગુરુએ બતાવી; મહીમા કહ્યો નવ જાય હોવ હોવ મહીમા કહ્યો નવ જાય હું તો નમુ ગુરુજીને પાય

રુપ, ગુણ, નામ સદગુરુ સમજાવે; નામે ઇશ્વર ઓળખાય હોવ હોવ નામે ઇશ્વર ઓળખાય હું તો નમુ ગુરુજીને પાય

નાના મોટાનો ભેદ ગુરુએ ભગાવ્યો; સાંય મુશર સમ થાય હોવ હોવ સાંય મુશર સમ થાય હું તો નમુ ગુરુજીને પાય

રુપાળી માયા નજરોમાં માલતી; ગુણમાં જીવાભાઇની જાત હોવ હોવ ગુણમાં જીવાભાઇની જાત હું તો નમુ ગુરુજીને પાય

નાભી કમળ દિલ ગુરુએ ખોલાવ્યાં; બોલે, બોલાવે, બોલાય હોવ હોવ બોલે, બોલાવે, બોલાય હું તો નમુ ગુરુજીને પાય

રુપ, ગુણ, નામએ ત્રિવેણી સંગમ; સુરતા ચોથા પદ જાય હોવ હોવ સુરતા ચોથા પદ જાય હું તો નમુ ગુરુજીને પાય

સાકરનો ગાંગળો દાંતની વચ્ચે; ઇશારો અલખ ઍંધાણ હોવ હોવ ઇશારો અલખ ઍંધાણ હું તો નમુ ગુરુજીને પાય

પૂર્ણ બનાવી સ્થુળ દેહ સોપ્યા; પર્માર્થને કાજ હોવ હોવ પર્માર્થને કાજ હું તો નમુ ગુરુજીને પાય

સતની ગાદી ગુરુજી બિરાજ્યા; પ્રેમથી પૂજન થાય હોવ હોવ પ્રેમથી પૂજન થાય હું તો નમુ ગુરુજીને પાય

ચરણ ધોઇ ચરણામૃત પીધાં; કંકુ, ચોખા, ફૂલના હાર હોવ હોવ પહેરાવ્યા ફૂલડાના હાર હું તો નમુ ગુરુજીને પાય

પાંચ પ્રણાલીકા પૂર્ણ પરાંણભાઇ; ભેટ્યા છગન મહારાજ હોવ હોવ ભેટ્યા છગન મહારાજ હું તો નમુ ગુરુજીને પાય


-- શ્રી પલાભાઇ ચુંથાભાઇ પટેલ, જિંડવા

શબ્દ-સ્મૄતિ

(રાગઃ સંત સ્વભાવે શબ્દે શબ્દે ચાલો જો, અંતર લક્ષે મા'લો જો)

ભવસાગરમાં ભટકી ભટકી આવ્યા જો, દુઃખના દિન વિતાવ્યા જો,

આ અવશરીયો હરી ભજવાનો આવીયો મન માણી લે

અહંકારને અભિમાનમાં ડુલ્યાજો, હરી ભજવાનું ભુલ્યા જો,

નિર્મળતા દાસાતણ દિલમાં ધારીને મન માણી લે

કામ ક્રોધ તે કલેશ કેરુ મૂળ જો, એવું ઉપડે શૂળ જો,

સહનશિલતા શાંતિ દિલમાં ધારીને મન માણી લે

ચોરી જારી ચિત્તમાં ચિંતા ચાલે જો, અંતર વેદના શાલેજો,

પરધન પત્થર પરસ્ત્રી માતા માનીને મન માણી લે

મોહ મદિરા દુર્ગુણથી દુર રહીયે જો, સદગુરુ શોધી લઇએ જો,

સદગુણથી સદમતી મળે સુખ થાય છે મન માણી લે

જુઠ કપટએ જુગાર બાજી જાણો જો, એથી મનને વારો જો,

સત્ય વચન સદગુરુના દિલમાં ધારીને મન માણી લે

મારુ તારુ એતો જગની માયા જો, એથી બની આ કાયા જો,

કાયાનો ઘડનારો સદગુરુ મેળવે મન માણી લે

સુખ દુઃખ રચના સંચિતનાં ફળ ધારો જો, ભમતા મનને વારો જો,

સાચાં સંચિત તારાં તુજને મળી જશે મન માણી લે

પૂન્ય પૂર્વનું ગુરુ છગનરામ મળીયા જો, ભવના ફેરા ટળીયા જો,

પરાંણ ગુરુજીને સર્વ સમર્પણ કરીને મન માણી લે


- શ્રી પલાભાઇ ચુંથાભાઇ પટેલ, જિંડવા

શબ્દ-સ્મૄતિ

સોમે તો સદગુરુજી મળીયા, તાપ ત્રિવિધ તણા ટળીયા,

વર્ષ્યા મેઘ વચનામૃત ઝરીયા, કે સદગુરુ સેવે સુખ થાયે,

મંગળવારે મંગળ પદ નિરખ્યાં, રુપ ગુણ સમજાતાં મન હરખ્યાં,

નામેતો ઇશ્વર પદ પરખ્યાં, કે સદગુરુ સેવે સુખ થાયે,

બુધે પેલી બુદ્ધિ બળ મોટું, સમજાયું સારુ ને ખોટું,

કે સમ થયું નાનું ને મોટું, કે સદગુરુ સેવે સુખ થાયે

ગુરુવારે ગુરુજી ઘેર આવ્યા, આપી દિક્ષા અલખ ઓળખાવ્યા,

કે નિરાકાર નજરે નિરખાવ્યા, કે સદગુરુ સેવે સુખ થાયે,

શુક્ર્વારે સુક્રિત સુધરીયાં, ગુરુજીના વચને હું પદ ગળીયાં,

કે મનમાં નીજ સ્વરુપ ઠરીયાં, કે સદગુરુ સેવે સુખ થાયે

શનીવારે શનીપાતો ટળીયાં, મળ્યા મને આનંદના દરીયા,

કે બ્રહ્મ સ્વરુપમાં જઇ ભળીયા કે સદગુરુ સેવે સુખ થાયે

રવિવારે રથે સુરજ શોભે, કે સુરતાના મનડા ત્યાં લોપે,

વિવાહ કીધા સદગુરુજી શોભે, કે સદગુરુ સેવે સુખ થાયે

સાતે વાર સમજણમાં ધરતાં, કર ગુરુ છગનરામ શિર ધરતાં,

પરાંણ વાર નહીં ભવજળ તરતાં કે સદગુરુ સેવે સુખ થાયે



- શ્રી પલાભાઇ ચુંથાભાઇ પટેલ, જિંડવા

શબ્દ સ્મૃતિ

(રાગઃ સંગ ચાલ્યો રે ભવાની માં સંગ ચાલ્યો)

જંગ જામ્યો રે જીવાભાઇ વિરા જંગ જામ્યો

તમને સંસયો સતાવે જીવા જંગ જામ્યો

તાપ ત્રિવિધના તપાવે જીવા જંગ જામ્યો

કાયા કર્મોની બંધાઇ જીવા જંગ જામ્યો

માયા સંચિતે સંધાઇ જીવા જંગ જામ્યો

મનથી મારુ માની લીધું જીવા જંગ જામ્યો

આશા તૃષ્ણાએ અથડાયા જીવા જંગ જામ્યો

લોભ લાલચે લપટાયા જીવા જંગ જામ્યો

માન મોટપમાં મરડાયા જીવા જંગ જામ્યો

પરની પંચાતે ખરડાયા જીવા જંગ જામ્યો

મોટાઇ મોભામાં ભરમાયા જીવા જંગ જામ્યો

ભજન સતસંગમાં શરમાયા જીવા જંગ જામ્યો

તમને સંતો સત સમજાવે જીવા જંગ જામ્યો

માર્ગ મુક્તિનો બતાવે જીવા જંગ જામ્યો

ગુરુ છગન પરહિતકારી જીવા જંગ જામ્યો

પરાંણ પલમાં ખોલે બારી જીવા જંગ જામ્યો

- શ્રી પલાભાઇ ચુંથાભાઇ પટેલ, જિંડવા

Friday, January 22, 2010

અમૃતબિંદુ



(રાગઃદ્વારિકાથી પ્રભુ આવીયા રે)

હું તો અસંગ નિર્લેપ છું રે

સચ્ચિદાનંદ મારું રુપ મારા વા'લા હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે

નિરાકાર રુપે નિત્ય મુક્ત છું રે

પૂર્ણાનંદે પરિધાન મારા વા'લા હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે

હું અચ્યુત નિર્દોશ નિત્ય છું રે

ચૈતન્યરુપ પરમાનંદ મારા વા'લા હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે

અખંડાનંદ આત્મ રુપ છું રે

પ્રકૃતિથી પર શાંત રુપ મારા વા'લા હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે

મહત્વાદી તત્વોથી પર રહ્યો રે

જ્યોતિ સ્વરુપ ચુંથારામ મારા વા'લા હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે


--------------------------------------------------------------------------------

ચૈતન્ય ચિંતન કરશું ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું

અમે આત્મ વિજ્ઞાન દિવો ધરશું ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું

અમે આત્મ સ્વરુપમાં રમશું, અમે અખંડ આનંદમાં ફરશું

અમે નિજમાં નિજ અનુંસરશું ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું

અમે નિરાવરણ પ્રકાશશું, અમે સુત્રાત્મા સર્વમાં વ્યાપશું

અમે અદ્વૈત સાક્ષી રુપ ઠરશું ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું

અમે બ્રહ્મસ્વભાવે સ્વચ્છ બની રહીશું, અમે નિરાકારે નિર્મળ રહેશું

ચુંથારામ શાંતિ અનુંભવશું ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું


--------------------------------------------------------------------------------

(રાગઃ લાડી લાડાને પુછે મોતી શે'ર બંદલા રે)

કાયા નગરીમાં કોણ છે વિવેકે વિચારો રે

આંખે દેખે છે કોણ વિવેકે વિચારો રે

ખાધે ધરાય છે કોણ વિવેકે વિચારો રે

જીભે બોલે છે કોણ વિવેકે વિચારો રે

કાને સંભરાય છે કોને વિવેકે વિચારો રે

પાણી પીવે છે કોણ વિવેકે વિચારો રે

પગે ચાલે છે કોણ વિવેકે વિચારો રે

ઊંઘે જાગે છે કોણ વિવેકે વિચારો રે

સુખ દુઃખ થાય છે કોને વિવેકે વિચારો રે

મારુ તારુ તે કોને વિવેકે વિચારો રે

હું તો પોતે છું કોણ વિવેકે વિચરો રે

જો કોઇ એ ગમ જણે વિવેકે વિચારો રે

ચુંથારામ ગુરુજી વખાણે વિવેકે વિચારો રે

-----------------------------------------------------------------------------





-શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ
મું. પો. જિંડવા, તા. દહેગામ, જિ. ગાંધીનગર

Thursday, January 21, 2010

અમૃતબિંદુ

(રાગઃ ઉંચી તલાવડીની કોર પાણી ગ્યાતા પાણી ભરતાં રે જોયો સાયબો)

ઉંચી સ્વરુપ કેરી જ્યોત મંદિર ગ્યાંતાં મંદિર સંદેશો મળ્યો વાટમાં
સુરતાને સગપણના કોડ મંદિર ગ્યાંતાં મંદિર સંદેશો મળ્યો વાટમાં
શબ્દ દેશના સળંગ શિખરે શુન્ય સાગરનો રાજવી,
અન્વય અનામી પુરે કોડ મંદિર ગ્યાંતાં મંદિર સંદેશો મળ્યો વાટમાં
સુમતિ સૈયરની સાથે રુપગુણના દ્વાર ઉઘાડી,
પહેરી લીધો ગુરુગમનો મોડ મંદિર ગ્યાંતાં મંદિર સંદેશો મળ્યો વાટમાં
મંદિરીયાને છેલ્લે શિખર સદગુરુ શાન બિછાવી,
ચુંથારામના આત્માના છોડ મંદિર ગ્યાંતાં મંદિર સંદેશો મળ્યો વાટમાં
________________________________________

(રાગઃ મારુ રણ તમે છોડાવો રે રણછોડરાયા)

મને અંતરદેશી મળીયા રે ભ્રમણાઓ ભાગી,
મારા મનનામનોરથ ફળીયા રે વિટંબણાઓ ત્યાગી;
ભવ સાગરમાં ભટકાતો; મોહમાયાની લાતો ખાતો,
પંચભુતોમાં ભટકાતો રે ભ્રમણાઓ ભાગી.... મને અંતરદેશી......
મારે અંતરમાં અજવાળું; હું બહાર કશુના ભાળું,
મારું સરી પડ્યું જગનું લારું રે ભ્રમણાઓ ભાગી.... મને અંતરદેશી......
સદ્ ગુરુની શાંનકા વાગી; મારી અંતર જ્યોતિ જાગી,
ચુંથારામ રહ્યો અનુરાગી રે ભ્રમણાઓ ભાગી.... મને અંતરદેશી......
________________________________________

(રાગઃ જોજો રે મારી ગીતા રે માતા)

ખોલજો રે અંતરના દ્વાર ખોલજો,
અંતરદ્વાર ખોલોતો ઓહમ સોહમ બોલજો.....ખોલજો રે અંતરના દ્વાર ખોલજો
સત્યના ત્રાજવેથી સત્ય ધર્મ તોલજો,
સત્ય ધર્મ તોલોતો હું પદને છોડજો....ખોલજો રે અંતરના દ્વાર ખોલજો
નિજ સ્વરુપે નિજાનંદની લ્હેરીમાં ફરજો,
વિનયવાણીનાં પુષ્પો સંતોમાં વેરજો.......ખોલજો રે અંતરના દ્વાર ખોલજો
તનમાત્રાના તળીયે તુરીયાતિતને જગાવજો,
ચુંથારામ સદ્દ્ગુરુની શાને સમજી જાજ્યો.....ખોલજો રે અંતરના દ્વાર ખોલજો
________________________________________

(રાગઃ અંતરપ્રીતિ લાગી કનૈયા મળવા વ્હેલો આવજે )

માનવતા જાળવવી હોયતો નીતિ રીતિ પાળજ્યો,
સજ્જનતા જાળવવી હોયતો વિવેક બુદ્ધિ રાખજ્યો,
ભક્તપણું જાળવવું હોયતો વાણીને વશ રાખજ્યો,
સંતપણું જાળવવું હોયતો મોહમમતાને ટાળજ્યો,
કર્તા અકર્તા રહેવું હોયતો જળકમળવ્રત ચાલજ્યો,
જીવનમુક્ત બનવું હોયતો દેહભાવ્ને છોડ્જ્યો,
ચુંથારામ ગુરુમુખી બનવું હોયતો આત્મ દ્રષ્ટી જોડજ્યો
________________________________________

(રાગઃ ચાંદલીયો ચાલે ઉતાવળો, ચાંદરણી તારાને સાથરે)

અગમની ગમ જાણે જ્ઞાની રે જ્ઞાનીતો અનુભવાર્થી હોય રે
જ્ઞાની તો વાંચે ફરી ફરી ખોટ કે કસર હોય શાની રે
જ્ઞાની જાગે ધ્યાનમાં લાગે નિજપદમાં સુરતા ઠહેરાણી રે
વિષયથી વિરક્ત દેખી લ્યો સંત ના હોય માની કે તાની રે
જ્ઞાની બોલે જુઠું ના છોલે ગુરુમુખી જ્ઞાનીની એંધાણી રે
દ્રશ્ય કલ્પનાઓ દુર કરે ચુંથારામ સ્વ સ્વરુપમાં સમાય રે
________________________________________

(રાગઃ પ્રભુ ઊંડો તે કુવો જળ ભર્યો)

સંતો સત્યના સરોવરે સંચર્યા
ત્યાં છે દેવોના દેવ મહાદેવ રે સરોવરે સંચર્યા
સંતો જ્ઞાન ગલી શેરી સાંકડી,
હું તો જોવું મારા ગુરુજીની વાટ રે સરોવરે સંચર્યા
સંતો ઝગમગ જ્યોતિ ઝળકી રહી,
વાગે અનહદ નગારાંની ધુંશ રે સરોવરે સંચર્યા
બારે મેઘ પડઘમ રુપે ગાજતા,
પલ પલ થાય વિજ ચમકાર રે સરોવરે સંચર્યા
ગુરુજી અનભે સિંહાસને શોભતા,
દાસ ચુંથારામ વદે જય જયકાર રે સરોવરે સંચર્યા
________________________________________

(રાગઃ લીલો માંડવો રચાવો પીળી પાંદડીયે શોભાવો મારા રાજ)

ભલે વેશ બદલો ભલે દેશ બદલો હંસારાય,
તોયે ના'વે ગુરુગમ તોલે મારા રાજ
ભલે કેશ ચુંટાવો, ભલે મુંડ મુંડાવો હંસારાય
તોયે ના'વે ગુરુગમ તોલે મારા રાજ
હો કોઇ ભગવાં કરાવે, જો કોઇ દાઢી રખાવે હંસારાય તોયે ના'વે ગુરુગમ......
જો કોઇ મૌન ગ્રહે જો કોઇ કષ્ટ સહે હંસારાય તોયે ના'વે ગુરુગમ......
પ્યારી નારી છોડો કે ભલે વ્યવહાર તોડો હંસારાય તોયે ના'વે ગુરુગમ......
ભલે રહો ઉપવાસી ભલે તિરથ કરો કાશી હંસારાય તોયે ના'વે ગુરુગમ......
ભલે શ્રોતા બનો ભલે વક્તા બનો હંસારાય તોયે ના'વે ગુરુગમ......
ચુંથારામ મીઠો મીઠો સાદ કર્ણે સુણી લેજો નાદ હંસારાય તોયે ના'વે ગુરુગમ......
________________________________________

(રાગઃ ત્રાંબા કુંડી સવા ગજ ઊંડી )

આંખ વિનાનું દર્પણ કેવું જાણો છાણા જેવું રે
ગુરુ વિનાનો જ્ઞાન કરે તો વંજ્યા દોહ્યા જેવું રે
ગુરુ નહી તો આંખ વિનાનો એવું વેદ કહે છે રે
દેખા દેખી ગાય ખરો પણ દર્શન કોણ જ દેશે રે
એદો પણ પોકારી કહે છે, ગુરુ વિના શું ગાવું રે
અંધે અંધા પંથ ના દેખે, ભીંતોમાં ભટકાવું રે
જ્ઞાન ગ્રહીને ગુરુ કરે તો સત્ય સ્વરુપ લ્યો શોધી રે
ચુંથારામ સદગુરુને ચરણે, જે જન જઇને અટકે રે
કુળ ઇકોતેર પેઢી રે તારે, અમરાપુરમાં મ્હાલે રે
________________________________________

(રાગઃ એ તને જાતા જોઇ પનઘટની વાટે મારુ મન મોહી રહ્યું)

હે મારી સુરતા સલુણી સમજાવે વેરાગણ બંસરી વાગી,
મારી વ્રુત્તિમાં વાલપ લાવે વેરાગણ બંસરી વાગી,
વેરાગણ બંસરી વાગી સ્વરુપે લગની લાગી
હે મારા નયનોમાં નામધુન જાગી ........... વેરાગણ બંસરી વાગી
નામ કેરી નગરી અનામ નિર્વાણી,
હે મારા ગુરુજીએ સમજણ આપી........... વેરાગણ બંસરી વાગી
અંતરના ઓરડે ને જ્ઞાનની મઢુલીએ,
ઘેલા ચુંથારામને ચટપટી લાગી ........... વેરાગણ બંસરી વાગી
________________________________________

(રાગઃ મારા ઘર પછવાડે ભાંગ ભાંગલડી રે)

કાયા ઘરમાં પેઠો લોભ તેની નિશા ચઢી રે
તેથી દિન દિન વધતો રોગ તેની ગાંઠ પડી રે
સંતો સમજાવે છે બહું મૂઢના બેસે ઘડી રે
તેના ગુરુ સમજાવે વાત નિશા શેની ચઢી રે
મૂરખ આંખો મીંચીં જાય માયા લાગે ગળી રે
ગોળમાં મંકોડો પસ્તય જાશે મરી મરી રે
લોભે મુછાળા માર્યા જાય જૂઓ પાછ ફરી રે
રાવણ લોભે ભુલી જાય મરતો ઝૂરી ઝૂરી રે
ચુંથારામ સદગુરુગમની શાન તેની નિશા ચઢી રે
ફરીથી નહીં મળે આવો દાવ ભવજળ જાશો તરી રે
________________________________________

(રાગઃ હો હો રે મારી ગીતા રે માતા)

ખોળજો રે ખારા સમુદ્ર્માં મોતી
સમુદ્ર્માં મોતી દિશે દિવ્ય જ્યોતિ......ખોળજો રે ખારા....
જળકમળવ્રત નિર્ભયતાની પ્હેરી લેજો ધોતી,
ધોતી પ્હેરોતો હૈયે દિવ્ય દ્ર્ષ્ટી હોતી......ખોળજો રે ખારા....
દસ દરવાજા બંધ કરીને મારી લેજો ડુબકી,
ડુબકી મારોતો શુદ્ધિ લાવજો અગમની......ખોળજો રે ખારા....
નવ દરવાજા દસમી ખીડકી ખીડકી ઉપર ફીરકી
ગુરુગમની ચાવીથી ખોલી નાખો ખીડકી......ખોળજો રે ખારા....
અવરગુફામાં અલબેલાની સર્વાન્તરમાં જ્યોતિ
ચુંથારામના ચિંતનમાં આત્માની ઉન્નતિ......ખોળજો રે ખારા....
________________________________________

(રાગઃ હો હો રે મારી ગીતા રે માતા)

સુણજો રે સંતો ગુરુગમની વાતો
ગુરુગમની વાતોમાં આત્મા ઓળખાતો......સુણજો રે સંતો.........
રંગના રંગે રંગાઇ બકરો બની જાતો,
દેહ ભાવની રમતમાં રોકાઇના જાતો......સુણજો રે સંતો.........
બોલનહારો બીજો નહી તું પોતે પકડાઇ જાતો,
નિરાકાર નિર્લેપ ન્યારો ગુરુગમથી ઓળખાતો......સુણજો રે સંતો.........
નાનું મોટું કોઇ નહી એક બની જાતો,
બ્રહ્મભાવે સ્થિર રહી શાંત સુખી થાતો......સુણજો રે સંતો.........
અસલ સ્વરુપે ગુણાતિત ઓળખાતો,
દાસ ચુંથારામ નામ રંગમાં રોળાતો......સુણજો રે સંતો.........



-શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ
મું. પો. જિંડવા, તા. દહેગામ, જિ. ગાંધીનગર