(રાગ: આ દુનિયામાં છે ડંકો રે કોઈ ના આવે સંત તોલે)
જે નુગરા મનના મેલા રે તે સાથ કોણ બોલે,
તે સાથ કોણ બોલે રે...... તે સાથ કોણ બોલે,
આપપણું જો ખોશે , તો મોક્ષ દ્વારો જોશો;
પછી આનંદ આનંદ કરશો રે....... તે સાથ કોણ બોલે,
જેણે આત્મજ્ઞાન ના જાણ્યું, તેણે મિથ્યા તરણું તાણ્યું,
પછી માયાનું દુખ માણ્યું રે......તે સાથ કોણ બોલે,
જો નિજ સ્વરૂપ ભુલાશે, તો અંતે ફજેતી થશે,
તે અધવચથી લુંટાશે રે......... તે સાથ કોણ બોલે,
છે સહુનો આત્મા એક, ના સમજો કાંઈ ભેદ,
જેને એવો નથી વિવેક રે ......... તે સાથ કોણ બોલે,
ચુંથારામ બન્યો છે ગાંડો, ભલે તમે ભાંડો રે,
મોટાઈમાં ચાલે આડો રે.......... તે સાથ કોણ બોલે,