જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Friday, April 26, 2024

વાતાવરણની અસર

(રાગ: કર્યા કર્મોના અંત સમય લેખાં લેવાશે જીવાભાઈ)

જ્યાં ત્યાં વાતાવરણની જબરી અસર શિરે થાય;

ઘરના જંજારી વાતાવરણમાં ચિત્ત ચાહય;

વિક્ષેપ થવાના પ્રસંગો નિત્ય નવા થાય;

રજો ગુણની રજથી ચેતન ઢંકાઈ જાય;

તમો ગુણના ઘોર અંધારા પડે ચિત્ત માંય;

આત્મ જ્ઞાનની વાર્તા ગમે નહીં કાંય;

સત્વ ગુણી સંતોની જો સંગતમાં રહેવાય;

ચુંથારામને તો દૈવીય આનંદ મળી જાય; 

Thursday, April 25, 2024

રત્ન પદાર્થ દેહ મળ્યો છે......

(રાગ: સોના કોદાળી પાણા ખોદીયાં......)

રત્ન પદાર્થ દેહ મળ્યો છે....હ્રદય મદિરમાં રામ....મંથન કરી જુઓ...

તલમાં તેલ જેમ, દહીંમાં ઘી તેમ, તવમાં આતમરામ....મંથન કરી જુઓ...

બ્રહ્મ પ્રકાશ તે ભાવનામાં પ્રગટે, સંતોનું દીધેલું દાન....મંથન કરી જુઓ...

દીવાથી દીવો, કાંટાથી કાંટો, સૂર્યથી સૂર્ય દેખાય....મંથન કરી જુઓ...

શરીરના લાખો ટુકડા કરો તોય, આત્મા નહીં સમજાય....મંથન કરી જુઓ...

ધર્મનો ધારનાર, આત્માનો જાણનાર, જ્ઞાની ઉતારે ભાવ પાર....મંથન કરી જુઓ...

ભૂખ,દુઃખ તનને શીદને વેઠાવે, ચુંથા સમજવાનું રહી જાય....મંથન કરી જુઓ...

મિથ્યા સંસાર કેરો મોહ

(રાગ: ઊંચી સ્વરૂપ કેરી જ્યોત...મદિર ગ્યા'તાં......)

મિથ્યા સંસાર કેરો મોહ....મરવા બેઠો મરવા...નવ જાણ્યું નિજ સ્વરૂપને;

કાયા કરમ કેરો કોટ....મરવા બેઠો મરવા...નવ જાણ્યું નિજ સ્વરૂપને;

તૃષ્ણા વાળો જીવ સદાયે, ભિખારી સમજવો....

સદગુરુનો કીધોના સંયોગ.....મરવા બેઠો મરવા...નવ જાણ્યું નિજ સ્વરૂપને;

મિથ્યાત્વ એ અંતરગ્રંથી, જ્યાં સુધી છેદાય ના....

ત્યાં લાગી કલ્યાણનો વિયોગ....મરવા બેઠો મરવા...નવ જાણ્યું નિજ સ્વરૂપને;

હંસ સભામાં જવા છતાં, કાગપણું ના જાય તો......

ચુંથારામે શીદને લીધો બોધ.....મરવા બેઠો મરવા...નવ જાણ્યું નિજ સ્વરૂપને;

આત્માની સમ શ્રેણી

(રાગ: મારા વાલા રે વચન તમારાં સાચાં.....)

મારા વાલા રે....આત્માની સમ શ્રેણી - દયા, ક્ષમા, શાંતિ ઉર આણી...

મારા વાલા રે....સંકલ્પ-વિકલ્પ ત્યાગે - આશા-તૃષ્ણા ઓછી કરી નાખે....

મારા વાલા રે....મારું તારું મેલી દેવા - તમને જાણ્યા પરમેશ્વર જેવા.....

મારા વાલા રે....દુઃખથી નહીં કંટાળે - રહે આત્માના જ વિચારે.....

મારા વાલા રે....ઉડાઉ પણ ઉદાર નહીં - કરકસર પણ કંજૂસ નહીં.....

મારા વાલા રે....અવર-સવર કરી પરખો - તે જાણે પરમેશ્વર સરખો....

મારા વાલા રે....કુળ કુટુંબ ઘર નારી - તેમાં રહેવું મહેમાન વ્રત ધારી.....

મારા વાલા રે....ચુંથારામ કહે એવો - તેને જાણ્યો પરમેશ્વર જેવો....


સંસાર સમુદ્રમાં પાકતાં સતધર્મના મોતી

(રાગ: નંદનો કુંવર હજુના આવીયા)

સંસાર સમુદ્રમાં પાકતાં, સતધર્મના મોતી.....

દ્રશ્ય-અદ્રશ્યમાં નીરખતાં, દિસે ઝગમગ જ્યોતિ.....

ખારા સાગરમાં.......ઊંડા ભીતરમાં........

નિર્વાસના એ રહ્યાં ઝુકી, સતધર્મના મોતી.....

ગગનગુફામાં પરવરતાં, સતધર્મના મોતી.....

ક્ષમા ખડગ લઇ......વિવેક કરવત લઇ........

શુક્ષમણામાં ભરી જતાં, સતધર્મના મોતી.....

સંત મુનીઓ.......તપસી, તાપસીઓ........

ચુંથારામ જગમાં સૌ નીપજતાં, સતધર્મના મોતી..... 

Wednesday, April 24, 2024

હૈડાં શીતળ થાય મારા વાલા...

(રાગ: હું રે નાનકડી ને હરિવર મોટા..... )

હૈડાં શીતળ થાય મારા વાલા, સંતોની સંગતીમાં રહી ને રે....

સંગતીમાં રહીએ, આશીર્વાદ લઈએ.....

હેતે હરિ રસ પીજીએ રે.....હૈડાં શીતળ થાય મારા વાલા

નયનો સુધારીએ ને શ્રાવણ સુધારીએ...

વાણીને વશ કરી લીજીએ રે.... હૈડાં શીતળ થાય મારા વાલા

મનના તોરંગડાને સત્ય ખીલે બાંધીએ....

લોભ, ક્રોધ, મોહથી બીજીએ રે.... હૈડાં શીતળ થાય મારા વાલા

ત્રિગુણી માયાથી ચેતતા રે રહીએ....

ચુંથારામ ગુરુના ગુણ ગાઈએ રે...હૈડાં શીતળ થાય મારા વાલા

સામા બેઠા સંતો...પૂછો નિજની વાર્તા રે...

(રાગ: બેની પાટ બેઠા બોલો બેની હારડો રે....)

સામા બેઠા સંતો... પૂછો નિજની વાર્તા રે...

હંસો ક્યાંથી આવ્યો.... કેમ આવ્યો... શું કરવાનું...પૂછો નિજની વાર્તા રે...

હંસો નિત્ય કે અનિત્ય, પૂછો વાર્તા રે.....

હંસો ક્યાં છુપાયો.... ક્યાં બંધાયો.... કેમ કરીને છૂટે....નિજની વાર્તા રે....

હંસો નિજ સ્વરૂપે કોણ, પૂછો વાર્તા રે....

તેની જાતી કોણ.....જ્ઞાતિ કોણ.... કયા ગોત્રવાળો.... પૂછો વાર્તા રે....

હંસો નાનો છે કે મોટો, પૂછો વાર્તા રે...

ચુંથારામ આદિ કે અનાદિ છે...... ઊંઘે છે કે જાગે છે...... જનમ મરણ તે કોને... પૂછો વાર્તા રે....

જાણ્યો જગતપતિ ન્યારો.....

(રાગ: તારો ભરોસો મને ભરી... ગોવર્ધન ગિરિધારી...)

મેં તો જાણ્યો જગતપતિ ન્યારો... સંતોને ગણો પ્યારો... અમલમાં અવિકારી

નામ નિરંજન નયનોમાં નીરખ્યો... પ્રેમપુરીમાં પ્રગટ પારખ્યો....,

અંગે-અંગમાં ખુમારી.... આનંદની બલિહારી.... અમલમાં અવિકારી

નવસે નવ્વાણું વહેતી નાડી.... બોતેર કોઠા પંદરમી બારી....,

ગુરુગમથી બારી ખોલી.... આનંદે રહ્યો ડોલી.... અમલમાં અવિકારી

સ્વ સ્વરૂપે અનુભવ મળીયો.... નિર્વાણ પદમાં સત્ય ઉચ્ચરીયો....

ચુંથારામ નિજ અભ્યાસે.... અંતર પૂરો ઉલ્લાસ.... અમલમાં અવિકારી


એક અમરા તે પુરનો હંસલો આવ્યો જગપુરમાં....

(રાગ: શેરી વળાવી સજ કરાવું ઘેર આવો ને...)

એક અમરા તે પુરનો હંસલો આવ્યો જગપુરમાં....

એને લાગી જગતની લહેરો, હંસો આવ્યો જગપુરમાં.

એને માનવનાં પુદગલ પહેરીયાં, આવ્યો જગપુરમાં...

એણે પીધેલાં દુન્યવી દૂધ, હંસો આવ્યો જગપુરમાં.

એણે કુટુંબમાં મમતા ધરી, આવ્યો જગપુરમાં......

એણે વિસાર્યા અમરલોક, હંસો આવ્યો જગપુરમાં.

એને પાંચ વિષયોએ ઘેરીયો, આવ્યો જગપુરમાં....

પછી બન્યો આશાનો દાસ, હંસો આવ્યો જગપુરમાં.

એણે કર્મોનાં બાંધ્યાં પોટલાં, આવ્યો જગપુરમાં......

પછી, ફર્યો ચોરાસીના ફેર, હંસો આવ્યો જગપુરમાં.

હરિ, ગુરુ સંત જો કૃપા કરે, આવ્યો જગપુરમાં......

ચુંથારામ શરણે પડે સુખ થાય, હંસો આવ્યો જગપુરમાં.

Tuesday, April 23, 2024

વીરા પંચ વિષયમાં રચ્યા પચ્યા શીદને ફરો રે.

(રાગ: બેની નથી આપણા મોટા ઘરની રીતો......)

વીરા, પંચ વિષયમાં રચ્યા-પચ્યા શીદને ફરો રે. 

વીરા, નથી આપણા નિજ ધરમની રીતો, શરીરના ભાવે શીદને ફરો રે.

વીરા, આકૃતિમાં વિકૃતિ તો શીદને કરીએ રે.

વીરા, અંતરયામી ઘરમાં દેખણહારો, શરીરના ભાવે શીદને ફરો રે.

વીરા, નિત્ય-અનિત્ય વિવેક ધરી ચાલીયે રે.

વીરા, દેહદર્શીના દુઃખનો નથી પાર, શરીરના ભાવે શીદને ફરો રે.

વીરા, જ્યાં જુઓ ત્યાં અનામ નામે ઝળકી રહ્યો રે.

ચુંથારામ સુખનો સાગર સતચિત્ત આનંદ માંય, શરીરના ભાવે શીદને ફરો રે.