જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Tuesday, April 30, 2024

ત્યાં હતા ઊંચા આસમાને......

(રાગ: સમજુને શીખ શું દઈએ......)

ત્યાં હતા ઊંચા આસમાને.....ભ્રમિત આવ્યા જગપુરમાં રે;

જગતપુરમાં રૂપ, ગુણ, નામ;

પાંચ વિષયોના કલ્પિત ધામ;

પાંચ ભૂતોની આ કાયા.....ભ્રમિત આવ્યા જગપુરમાં રે;

અંધારી ઘમ્મર ઘટે પૂર્યો વાસ;

ભર્મે ભૂલેલાને જઠરાનો તાપ;

વાસના બાંધે બંધાઈ.....ભ્રમિત આવ્યા જગપુરમાં રે;

જ્યાં રે જુઓ ત્યાં માયાનો પાસ;

હરિ ગુરુ સંતોમાં અવિચળ વાસ;

ચુંથા ચૈતન્યને ચુકી.....ભ્રમિત આવ્યા જગપુરમાં રે;

Monday, April 29, 2024

બ્રહ્મ કપાલીમાં ઝગમગ જ્યોતિ....

 (રાગ: આજ મારો બંદલોજી શાના રે હુંશી.....)

બ્રહ્મ કપાલીમાં ઝગમગ જ્યોતિ....

જ્યોતિમાં જ્યોત મિલાવો જીવાભાઈ....રામ ઝરુખે નીતિની રીતી...

દુનિયાના ડા'પણમાં શીદ કરો પ્રીતિ.....

અંતે કનડશે કરેલી અનીતિ.......રામ ઝરુખે નીતિની રીતી...

મમતા ધરી શીદ વહોરો વિપત્તિ........

સુક્ષમ દેહથી છોડો આશક્તિ........રામ ઝરુખે નીતિની રીતી...

નરતન નગરીમાં નામનાં મોતી......

ચુંથારામ ગુરુગમથી મોતી લેવાં ગોતી......રામ ઝરુખે નીતિની રીતી...

દુનિયા દેવ તણો દરબાર

(રાગ: અરે જીવ શું કરવા આથડે, પ્રભુની ગમ ગુરુ વિના નહીં પડે)

દુનિયા દેવ તણો દરબાર, મનવા માની લે નિર્ધાર જી

મારું તારું જુઠી કલ્પના, શિર પર સર્જનહાર જી

જ્યાં જુઓ ત્યાં આપ સરીખો, બીજો નહીં બોલનહાર - મનવા માની લે.......... 

હું કરું, આ મેં કર્યું સૌ ખોટી તાણાતાણ

પ્રાણ પવનને જે ચલાવે, સૌનો સર્જનહાર - મનવા માની લે.......... 

જગત નિયંતા રાખે નિયમમાં ત્રિલોકનો રચનાર

ચુંથારામ કહે યંત્ર નો યંત્રી જોઈ રહ્યો કિરતાર મનવા માની લે.......... 

હંસા ધરતી ધબકારે ના ચાલીએ રે...જી

(રાગ: ઓ.....માં.... પહેલા ચોગડીયાની રાત રે.....)

હંસા ધરતી ધબકારે ના ચાલીએ રે......જી

હંસા તાપ તપેલું ધૂળ થાય રે હંસા રાજા - ભવસાગર તરવો દોહ્યલો રે....જી

હંસા ભાવ દેખીને વાણી ભાખીએ રે.....જી

તેનું મોઘેરું થાય ઘણું મૂળ રે હંસા રાજા - ભવસાગર તરવો દોહ્યલો રે....જી

હંસા વેણ ને નેણ નિહાળીએ રે......જી

તેના દિલની પતીજ પડી જાય રે હંસા રાજા - ભવસાગર તરવો દોહ્યલો રે....જી

હંસા ચિંતન કરીએ નિજ નામનું રે.....જી

ચુંથારામ ગુરુ શરણ મળી જાય રે હંસા રાજા - ભવસાગર તરવો દોહ્યલો રે....જી

Friday, April 26, 2024

ઊંચી ઊંચી વાદળીમાં........

(રાગ: મનસ્વી)

ઊંચી ઊંચી વાદળીમાં રંગતાળી રંગતાળી;

આસમાને સુરતા ઠાળી છે...નીચેની દુનિયા ખારી છે.

ઓહમ સોહમના ઝણકારા મારતા, ઝણકારા મારતા;

ચંદ્ર, સૂર્ય વચ્ચે સરસ્વતી ધારતા, સરસ્વતી ધારતા;

નાસાગ્રે નુરતા ધારી છે...નીચેની દુનિયા ખારી છે.

નયને નિરંજન નામું તપાસતા, નામું તપાસતા;

ત્રિપુટી મંડળમાં જ્યોતિ ચમકાવતા, જ્યોતિ ચમકાવતા;

ચુંથારામ નિજ છબી ન્યારી છે...નીચેની દુનિયા ખારી છે.

અંતે તો જવાનું એકલું

(રાગ: બાળા જોબનનો માંડવો રોપ્યો રે....)

હો ભાઈ.......અંતે તો જવાનું એકલું રે.....

સાથે પુણ્ય અને પાપ, ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે....

હો ભાઈ......કર્મોના બાંધેલા પોટલા રે.....

લાગે શિર પર ભાર, ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે....

હો ભાઈ......સાચું ભજન ભાથું વ્હોરજો રે......

સ્મરણ છોડાવે માર, ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે....

હો ભાઈ......ગુરુગમ કુંચી લ્યો હાથમાં રે........

ખોલો હૃદયના દ્વાર, ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે....

હો ભાઈ.......પોતે પોતાનામાં ભૂલો પડ્યો રે......

ચુંથારામ પોતે નિજ નામ, ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે....

પાંચ પાંચ સ્થંભનો બંગલો

(રાગ:તમે ના આવો તો મારા સમ છે અંબે માં....)

એક પાંચ પાંચ સ્થંભનો બંગલો છે....

એમાં આત્મારામની પથારી મનજીભાઈ....છાનાં છાનાં દાવ તમે રમશો નહીં;

તારો બાવન બજારે ડંકો છે......

વાગે નવસો નવ્વાણું પોળ માંય મનજીભાઈ....છાનાં છાનાં દાવ તમે રમશો નહીં;

તમે ચાલો તો સુરતા ચાલે છે......

તમે સ્થંભો તો સુરતા થંભી જાય મનજીભાઈ....છાનાં છાનાં દાવ તમે રમશો નહીં;

તમે અક્કલ બુદ્ધિને બાંધી છે.....

તારા વિચાર તોરંગે સવાર મનજીભાઈ....છાનાં છાનાં દાવ તમે રમશો નહીં;

તમે સ્થિર થાઓ તો બહું સારું છે....

દાસ ચુંથારામને ધીરુ ધીરનાર મનજીભાઈ....છાનાં છાનાં દાવ તમે રમશો નહીં;

વાતાવરણની અસર

(રાગ: કર્યા કર્મોના અંત સમય લેખાં લેવાશે જીવાભાઈ)

જ્યાં ત્યાં વાતાવરણની જબરી અસર શિરે થાય;

ઘરના જંજારી વાતાવરણમાં ચિત્ત ચાહય;

વિક્ષેપ થવાના પ્રસંગો નિત્ય નવા થાય;

રજો ગુણની રજથી ચેતન ઢંકાઈ જાય;

તમો ગુણના ઘોર અંધારા પડે ચિત્ત માંય;

આત્મ જ્ઞાનની વાર્તા ગમે નહીં કાંય;

સત્વ ગુણી સંતોની જો સંગતમાં રહેવાય;

ચુંથારામને તો દૈવીય આનંદ મળી જાય; 

Thursday, April 25, 2024

રત્ન પદાર્થ દેહ મળ્યો છે......

(રાગ: સોના કોદાળી પાણા ખોદીયાં......)

રત્ન પદાર્થ દેહ મળ્યો છે....હ્રદય મદિરમાં રામ....મંથન કરી જુઓ...

તલમાં તેલ જેમ, દહીંમાં ઘી તેમ, તવમાં આતમરામ....મંથન કરી જુઓ...

બ્રહ્મ પ્રકાશ તે ભાવનામાં પ્રગટે, સંતોનું દીધેલું દાન....મંથન કરી જુઓ...

દીવાથી દીવો, કાંટાથી કાંટો, સૂર્યથી સૂર્ય દેખાય....મંથન કરી જુઓ...

શરીરના લાખો ટુકડા કરો તોય, આત્મા નહીં સમજાય....મંથન કરી જુઓ...

ધર્મનો ધારનાર, આત્માનો જાણનાર, જ્ઞાની ઉતારે ભાવ પાર....મંથન કરી જુઓ...

ભૂખ,દુઃખ તનને શીદને વેઠાવે, ચુંથા સમજવાનું રહી જાય....મંથન કરી જુઓ...

મિથ્યા સંસાર કેરો મોહ

(રાગ: ઊંચી સ્વરૂપ કેરી જ્યોત...મદિર ગ્યા'તાં......)

મિથ્યા સંસાર કેરો મોહ....મરવા બેઠો મરવા...નવ જાણ્યું નિજ સ્વરૂપને;

કાયા કરમ કેરો કોટ....મરવા બેઠો મરવા...નવ જાણ્યું નિજ સ્વરૂપને;

તૃષ્ણા વાળો જીવ સદાયે, ભિખારી સમજવો....

સદગુરુનો કીધોના સંયોગ.....મરવા બેઠો મરવા...નવ જાણ્યું નિજ સ્વરૂપને;

મિથ્યાત્વ એ અંતરગ્રંથી, જ્યાં સુધી છેદાય ના....

ત્યાં લાગી કલ્યાણનો વિયોગ....મરવા બેઠો મરવા...નવ જાણ્યું નિજ સ્વરૂપને;

હંસ સભામાં જવા છતાં, કાગપણું ના જાય તો......

ચુંથારામે શીદને લીધો બોધ.....મરવા બેઠો મરવા...નવ જાણ્યું નિજ સ્વરૂપને;