(રાગ: ધોળ)
અગમની વાતો મારા ગુરુજીના ઘરની,
સ્થિરતાના સ્થંભે જડાવું શો રંજીલાલ......અગમની વાતો મારા......
અનભેનાં આસન ઢાળી મુખ બંધ કરાવું,
ગુરુગમના ઘૂઘરા બંધાવું શો રંજીલાલ......અગમની વાતો મારા......
મહાપદના દેશેથી કહો તો ઘોડલા માંગવું,
કરુણાના ચોકમાં કુદાવું શો રંજીલાલ......અગમની વાતો મારા......
શાંતિ બનાતની કહો તો મોજડી સીવાડવું,
અલકની સાહ્યબી સોહાવું શો રંજીલાલ......અગમની વાતો મારા......
સતસંગ સોનાની આતશબાજી બનાવું,
નિશ્ચયના મહેલમાં રમાડું શો રંજીલાલ......અગમની વાતો મારા......
દાસ ચુંથાના ગુરુજી ઘરમાં બિરાજે,
અંતરમાં આનંદ વર્તાવું શો રંજીલાલ......અગમની વાતો મારા......