જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Friday, May 10, 2024

ઊભા વાટમાં રે ........

(રાગ: પરજીયો)

ઉભા વાટમાં રે લમણું વારી વારી શું જુઓ...જીવન ચાલ્યું જાય છે

મોટા રે ઘરનાં તેડાં આવવાની થઇ તૈયારી......

વૃત્તિ ના પરવારી....જીવન ચાલ્યું જાય છે;

કાયા કોઠડી રે હવે લાગી છે કરમાવા...... 

તોય ચિત્ત લાગ્યું છે કમાવા......જીવન ચાલ્યું જાય છે

જ્યાંથી આવ્યો રે ત્યાં જવાબ શો દેવાશે;

કાંઈ લેખાં તો પૂછાશે......જીવન ચાલ્યું જાય છે

નથી નીરખ્યા કે નથી પરખ્યા મોરારી;

નથી ગુરુ કર્યા ગિરિધારી......જીવન ચાલ્યું જાય છે

ચુંથારામને રે ગુરુ પ્રાણ થાકી પણ પ્યારા;

ઘટ-ઘટના જાણનહારા......જીવન ચાલ્યું જાય છે

મત ખોવો રે ભજનીયા રાતલડી

(રાગ: છાનું છાનું છોકરા મારું તનમનીયું)

                    મત ખોવો રે ભજનીયા રાતલડી

તમે છોડો ભવાટવીની વાતલડી......મત ખોવો રે ભજનીયા રાતલડી

                    સહસ્ત્ર મુખે શેષ નામ જપે છે

શિવજી જપે રે જેને ઘડી રે ઘડી......મત ખોવો રે ભજનીયા રાતલડી 

                    એક એક ઘડી લાખ કેરી વહી જાય છે

ધન્ય બનાવો હવે જાતલડી......મત ખોવો રે ભજનીયા રાતલડી 

                    અંજલિના નીર પેઠે આયુષ વહી જાય છે;

શાંત બની ને ઠારો શીતલડી......મત ખોવો રે ભજનીયા રાતલડી 

                    સતસંગ સમરણ સદગુરુ કૃપા;

આનંદ વર્તાવે ચુંથા ચિત્તમાં પડી......મત ખોવો રે ભજનીયા રાતલડી  

રંગ રહેશે મનજીભાઈ રંગ રહેશે

 (આજ ધન્ય ઘડી ને ધન્ય રાતલડી)

રંગ રહેશે મનજીભાઈ રંગ રહેશે

હરિ ભજવાનો અવસર મળીયો છે આજ....જપો મનજીભાઈ રંગ રહેશે

તમે ચારે અવસ્થાઓ ઘૂમી વળ્યા;

તમે તુરીયામાં થઇ રહો તદાકાર....જપો મનજીભાઈ રંગ રહેશે

તમે વાસનાઓ બાળીને ધૂપ કરજ્યો;

તમને આસક્તિ છોડવાનો મળી જશે લાગ....જપો મનજીભાઈ રંગ રહેશે

તમે સંશયનાં મૂળિયાં ઉખાડી દેજ્યો;

તમને હરિગુરુ સંતના મળશે આશીર્વાદ....જપો મનજીભાઈ રંગ રહેશે

તમે અમર પદના અધિકારી;

ચુંથારામના હિતમાં નિત્ય રમનાર....જપો મનજીભાઈ રંગ રહેશે


અમે જાણ્યો જગતનો ઢંગ

(રાગ: લેતાં લેતાં શ્રી રામનું નામ દુનિયા લાજી મારે છે)

અમે જાણ્યો જગતનો ઢંગ.........માંહ્યલો મલકે છે

અમે રાખ્યો વિવેકનો સંગ.........માંહ્યલો મલકે છે

એકને બેસાડું ત્યાં ચાર ખડા થાય છે.

બીજા બને છે તૈયાર.........માંહ્યલો મલકે છે

ચોકીમાં ચૂક છે ને બજવણીમાં ભૂલ છે

સી.આઈ.ડી. બને તો પકડાય.........માંહ્યલો મલકે છે

આવતા-જતાને સુરતમાં સમાવી લે 

ચુંથારામ ગુરુ સંગ ભળી જાય.........માંહ્યલો મલકે છે

Thursday, May 9, 2024

મેં તો જાણ્યો સંસારીયો ખારો.....

(રાગ: મારે સાસરીએ જઈ કોઈ કહેજો એટલડું પ્રીતમજી.......)

મેં તો જાણ્યો સંસારીયો ખારો સમુંદર.....નાવિક વિના કેમ ચાલશે...

                    શઢ તૂટશે ને થાંભલો ભાગશે;

                    તને જાજુ જોખમ વિશ લાગશે;

તારી નાવડી તો ડગુંમગું થશે જીવલડા.....નાવિક વિના કેમ ચાલશે...

                    ખારા સંસારે ખટપટ ઝાઝી છે;

                    કુળ કુટુંબની રંગ બાજી છે;

તારી કિનારે નવ કેમ જાશે જીવલડા.....નાવિક વિના કેમ ચાલશે...

                    તારો ખેવટીયો નાવ ખેડનારો;

                    તેને શોધો તો ભવ તારનારો;

ચુંથારામ ગુરુ શરણ સ્વીકારો જીવલડા.....નાવિક વિના કેમ ચાલશે...

સદગુરુની સાહ્યબીમાં ભરીયો નીરકારો રે....

(રાગ: આછી પાછી લીંબોડી ને લચ્ચર પચ્ચર ફાલી રે....)

સદગુરુની સાહ્યબીમાં ભરીયો નીરકારો રે....અલક મલક છે

ત્રિવેણીના નીરમાં જબરો એનો ઝબકારો રે....અલક મલક છે

નયનકમળની ન્યોછાવરમાં નુરા ટપકાવનારો રે....અલક મલક છે

સંત સરોવર શાંતિનાં કમળ ખીલવનારો રે....અલક મલક છે

મોતી ખીલ્યાં માનસરોવર હંસો કેરો ચારો રે....અલક મલક છે

ચુંથારામના હ્રુદિયા આતમનો ઉજીયારો રે....અલક મલક છે

પડદો ખોલી પરાંણીયા જો જે

(રાગ: નવષા નવી હવેલી વાળો...)

                    પડદો ખોલી પરાંણીયા જો જે;

ધારણા બાંધીને ધીરધાર કરજે, પરાંણીયા જગતની રીતભાત જુદી છે.

                    હીરા, મોતી હરિનું નામ છે;

ગરજુ ઘરાક જોઈ તોલ કરજે, પરાંણીયા જગતની રીતભાત જુદી છે.

                    અંતર જૂદું ને મુખડે મીઠાશ છે;

નીરખી-પરખીને સદબોધ કરજે, પરાંણીયા જગતની રીતભાત જુદી છે.

                    ગોરાં-ગોરાં મુખડાં ને કૂડાં કૂડાં કર્મો;

એવા દુરીજનથી દુર રહેજે, પરાંણીયા જગતની રીતભાત જુદી છે.

                    ચુંથારામની રચના સાંભળજે;

સદા સદગુરુ શરણમાં રહેજે, પરાંણીયા જગતની રીતભાત જુદી છે.

મને વૈદ મળ્યા ગુરુદેવ

(રાગ: મારી કાયા માટીના ઘડનારા......)

મને વૈદ મળ્યા ગુરુદેવ........ગોળી રે આપી જ્ઞાનની

                નિજ નામનાં નસ્તર મુકીયાં,

મારો કાઢ્યો ચોરાસીનો તાવ........ગોળી રે આપી જ્ઞાનની

                હું તો જ્યાં રે જોવું ત્યાં મારા જેવા;

સહુમાં ચેતન ખેલે અભયરામ........ગોળી રે આપી જ્ઞાનની

                તાળાં, કુંચી હૃદય મારાં ખોલિયાં;

મુજને દેખાડ્યું અવિચળ ધામ........ગોળી રે આપી જ્ઞાનની

                મારા ત્રીવિધના તાપ સમાવિયા;

મારી દ્રષ્ટિમાં આતમરામ........ગોળી રે આપી જ્ઞાનની

                મારી સુરતામાં સદગુરુ શોભતા;

દાસ ચુંથા વદે વારંવાર........ગોળી રે આપી જ્ઞાનની 

ઘર દુકાનો સર્વેશ્વરની.....મારી શીદને માનો રે.....

(રાગ: હવે શાનાં માન રે વહુવર......હવે શાનાં માન....)

ઘર દુકાનો સર્વેશ્વરની......મારી શીદને માનો રે......

નફો-નુકશાન સર્વેશ્વરનાં........તારી વફાદારી રે.......

મારું માનો તે છે ચોરી........લંપટ થઈને લાજો રે........

વિવેકનો વહેપાર જ કરીએ.......તો ભવસાગર તરીએ રે.......

સાચું બોલો, સાચું તોલો........સાચે રીઝે રામ રે.......

અંતર્યામી સહુમાં સરખો........સમજી સમજી ચાલો રે......

ચુંથારામ એ સહુમાં વસિયો........આનંદ મંગલકારી રે......

તેજ તેજ દિશે આકાશ....ગુરુના દેશમાં

(રાગ: સાહ્યબા સડકો બંધાવ.........)

તેજ તેજ દિશે આકાશ....ગુરુના દેશમાં

લાખ લાખ સૂર્ય પ્રકાશ......ગુરુના દેશમાં

ગુરુના દેશમાં ને આત્માના તેજમાં;

મનના મેલો ધોવાય........ગુરુના દેશમાં 

પાપ બળી જાય છે ને પુણ્ય ઘણું થાય છે;

નીચા...ઊંચા બની જાય.........ગુરુના દેશમાં 

કર્મ છૂટી જાય છે ને જન્મ મરણ જાય છે;

આત્મા અમર ઓળખાય........ગુરુના દેશમાં 

સંતોની શાનમાં ને ગુરુજીની શાનમાં;

ચુંથારામ આનંદ ઉભરાય...........ગુરુના દેશમાં