જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Saturday, March 3, 2018

અમૃતબિંદુ

ઊંચી સ્વરૂપ કેરી જ્યોત

(રાગ: ઊંચી તલાવડીની કોર પાણી ગ્યાતા પાણી .....)

ઊંચી સ્વરૂપ કેરી જ્યોત મંદિર ગ્યાતા મંદિર, સંદેશો મળીયો વાટમાં

સુરતાને સગપણના કોડ મંદિર ગ્યાતા મંદિર, સંદેશો મળીયો વાટમાં

                                શબ્દ દેશના સળંગ શિખરે શૂન્ય સાગરનો રાજવી,

અન્વય અનામી પૂરે કોડ..... મંદિર ગ્યાતા મંદિર, સંદેશો મળીયો વાટમાં

                                સુમતિ સૈયરની સાથે રૂપ ગુણના દ્વાર ઉગાડી,

ગુરુગમનો પહેરી લીધો મોડ ......મંદિર ગ્યાતા મંદિર, સંદેશો મળીયો વાટમાં

                                મંદિરીયાને છેલ્લે શિખર સદગુરુ શાન બિછાવી

ચૂંથારામ ના આત્માને છોડ......મંદિર ગ્યાતા મંદિર, સંદેશો મળીયો વાટમાં

-----------------------------------------------------------------------------------------------

મને અંતરદેશી મળીયા

(રાગ: મારું રણ તમે છોડવો રે રણછોડરાયા ......)

મને અંતરદેશી મળીયા રે ભરમણાઓ ભાગી

મારા મનના મનોરથ ફળિયા રે વિટંબણાઓ ત્યાગી

                  ભવસાગરમાં ભટકાતો

                  મોહ-માયાની ખાતો લાતો

પંચ ભૂતોમાં ભટકાતો રે ....ભરમણાઓ ભાગી....મને અંતરદેશી...

                  મારે અંતરમાં અજવાળું

                  હું બહાર કશું ના ભાળું

મારું સરી પડ્યું જગનું લારું રે ....ભરમણાઓ ભાગી....મને અંતરદેશી...

                  સદગુરુની શાંનકા વાગી

                  મારી અંતર જ્યોતિ જાગી

ચૂંથારામ રહ્યો અનુરાગી રે ....ભરમણાઓ ભાગી....મને અંતરદેશી...

-----------------------------------------------------------------------------------------------

માનવતા જાળવવી

(રાગ: અંતર પ્રીતિ લાગી કનૈયા મળવા વહેલો આવજે)

માનવતા જાળવવી હોય તો નીતિ રીતી પાળજ્યો

સજ્જનતા જાળવવી હોય તો વિવેકબુદ્ધિ રાખજ્યો

ભક્તપણું જાળવવું હોય તો વાણીને વશ રાખજ્યો

સંતપણું જાળવવું હોય તો મોહ-મમતાને ટાળજ્યો

કર્તા-અકર્તા રહેવું હોય તો જળકમળવ્રત ચાલજ્યો

જીવનમુક્ત બનવું હોય તો દેહભાવ ને છોડજ્યો

ચૂંથારામ ગુરુમુખી બનવું હોય તો આત્મદ્રષ્ટિ જોડજ્યો

-----------------------------------------------------------------------------------------------

અગમ-નિગમ

(રાગ: ચાંદો તે ચાલે ઉતાવળો, ચાંદરણી તારાને સાથ રે)

અગમ-નિગમ જાણે જ્ઞાની રે - જ્ઞાની તો અનુંભવાર્થી હોય રે

જ્ઞાની તો વાંચે ફરી-ફરી - ખોટ કે કસર હોય શાની રે

જ્ઞાની જાગે ધ્યાનમાં લાગે - નિજ પદમાં સુરતા ઠહેરાણી રે

વિષયથી વિરક્ત દેખી લ્યો - સંત ના હોય માની કે તાની રે

જ્ઞાની બોલે જુઠ્ઠું ના છોલે - ગુરુમુખી જ્ઞાનીની એંધાણી રે

દ્રશ્ય કલ્પનાઓ તો દુર કરે - ચૂંથારામ સ્વ-સ્વરૂપમાં સમાય રે

-----------------------------------------------------------------------------------------------

સત્યના સરોવરે

(રાગ: પ્રભુ ઊંડો તે કુવો જળ ભર્યો રે)

               સંતો સત્યના સરોવરે સંચર્યા

ત્યાં છે દેવો ના દેવ મહાદેવ રે ...... સરોવરે સંચર્યા

               સંતો જ્ઞાન ગલી રે શેરી સાંકડી

હું તો જોવું મારા ગુરુજીની વાટરે .... સરોવરે સંચર્યા

               સંતો ઝગમગ જ્યોતો ઝળકી રહી

વાગે અનહદ નગારાંની ધુશ રે ..... સરોવરે સંચર્યા

               બારે મેઘ પડગમ રૂપે ગાજતાં

પલ-પલ થાય વીજના ચમકાર રે......સરોવરે સંચર્યા

               ગુરુજી અનભે સિંહાસને શોભતા

દાસ ચૂંથારામ વદે જય જયકાર રે ...... સરોવરે સંચર્યા

-----------------------------------------------------------------------------------------------

ના આવે ગુરુગમને તોલે

(રાગ: લીલો માંડવો રચાવો પીળી પાંદડીએ સજાવો મારા રાય)

ભલે વેશ બદલો, ભલે દેશ બદલો હંસારાય

               તોયે ના'વે ગુરુગમને તોલે મારા રાય

ભલે કેશ ચૂંટાવો, ભલે મુંડ મૂંડાવો હંસારાય

               તોયે ના'વે ગુરુગમને તોલે મારા રાય

જો કોઈ ભગવાં કરાવે કે કોઈ દાઢી રખાવે હંસારાય

               તોયે ના'વે ગુરુગમને તોલે મારા રાય

જો કોઈ મૌન ગ્રહે કે કોઈ કષ્ટ સહે હંસારાય

               તોયે ના'વે ગુરુગમને તોલે મારા રાય

પ્યારી નારી છોડો કે ભલે વ્યવહાર તોડો હંસારાય

               તોયે ના'વે ગુરુગમને તોલે મારા રાય

ભલે રહો ઉપવાસી ભલે તીરથ કરો કાશી હંસારાય

               તોયે ના'વે ગુરુગમને તોલે મારા રાય

ભલે શ્રોતા બનો કે ભલે વક્તા બનો હંસારાય

               તોયે ના'વે ગુરુગમને તોલે મારા રાય

ચૂંથારામ મીઠો-મીઠો સાદ કર્ણ સુણી લેજો નાદ હંસારાય

               તોયે ના'વે ગુરુગમને તોલે મારા રાય

-----------------------------------------------------------------------------------------------

No comments: