જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Friday, January 29, 2010

"અમૃતબિંદુ"

(મારો માંડવો રઢીયાળો લીલી પાંદડીઓ સોહાવો મારા રાજ)

કર્યાં કર્મોના અંત સમય લેખાં લેવાશે જીવાભાઇ

ભર્યા ભંડાર સાથેના આવે એક પાઇ

નહી ખાધું ના પીધું ના હાથે દીધું જીવાભાઇ

મતલબથી પાપની પોટલી થઇ

સ્વાર્થ માટે ધર્મમાં ના ડગલું ભર્યું જીવાભાઇ

ગરીબોની ગરજો ખાધાની મતી થઇ

માતાપિતા ગુરુજીની આશિષના લીધી જીવાભાઇ

ચુંથારામના શ્બ્દોની સમાપ્તી થઇ


--------------------------------------------------------------------------------

(રાગઃ આંબો મોંર્યો ને ચંપો રોપવા ગ્યાંતા રાજ)

જીવ મરગલો શોધે કસ્તુરી શોડમ રાજ

દેવળે દેવળે દેવલાં શોધી ને વળીયો રાજ

જપ તપ તીર્થોમાં ધારી ધારી જોયું રાજ

પર્વત પહાડોને વૃક્ષો સરીતાઓ શોધી રાજ

ભટકી ભટકીને આવ્યો સદ્‍ગુરુના શરણે રાજ

તન મન ધન સોંપ્યા, ગુરુને શીશ સમર્પ્યા રાજ

અહંમપદ ઓગાળી ચુંથારામ નિજમાં ઓળખાયું રાજ

________________________________________

શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ, જિંડવા

Thursday, January 28, 2010

"અમૃતબિંદુ"

(રાગઃ ઓ જશોદાજી આવડો લાડકવાયો લાલન કીજીએ........)

મન વણજારા બહાર ભટકતી ચિત્ત વૃત્તિને વારજો

સદ્‌ગુરુ વચને સ્થિર કરીને નીતિ રીતિ પાળજો

મન અવળગતિ કરતું જાણી; ઝટપટ તેને લાવો તાણી

તેને શુદ્ધ બુદ્ધિનું છાંટો પાણી મન વણજારા બહાર............ (ટેક)

મન વાણી કર્મ વડે કદીએ; કિંચિત કુડુ કાંઇના કરીએ

કોઇને દુઃખ લાગે તેવું ના વદીએ મન વણજારા બહાર..........

નિજ ધર્મમાં સ્થિરતા ધારી ને; હું પદ મમ પદને વારીને

ચુંથારામ ગુરુજી દિલ ધારીને મન વણજારા બહાર...............

--------------------------------------------------------------------------------

(રાગઃ મનોડીનું લહેરુ લાગ્યું............)

આશક્તિ આવરણ થયું,

લીંગ દેહ ધારી રે શિવ મટી જીવ થયો

ભવની ભૂલવણી,

બન્યું નાત જાત ખોખું રે શિવ મટી જીવ થયો

સંસર્ગોથી સમજાઇ,

કુળ કુટુંબની રીતિ રે શિવ મટી જીવ થયો

અવિદ્યાએ ઉછળ્યો બાળક;

મમતામાં ભરમાયો રે શિવ મટી જીવ થયો

પંચ વિષયનું વસાણું;

ખાઇ બન્યો બેભન રે શિવ મટી જીવ થયો

કર્મો કિલ્લા કોટ રચ્યા;

ઝાઝો લોભ જાગ્યો રે શિવ મટી જીવ થયો

ચુંથારામ પ્રભુ છો બેલી;

સંભાળ લેજો વ્હેલી રે શિવ મટી જીવ થયો

--------------------------------------------------------------------------------

(રાગઃ સુખના રે મારા શ્યામ સુંદરજી................)

આત્મા રે મારો નામે અનામી;

સતચિત આનંદ લહેરી રે હાલો જોવાને જઇએ

એક અનામી અનંત સ્વરુપ છે;

કેવળ બ્રહ્મરસ ભોગી રે હાલો જોવાને જઇએ

એમાંથી સર્વે સર્વે માંહી એજ છે;

એમાં સમાય સુખરાશી રે હાલો જોવાને જઇએ

જન્મ મરણાદિનો સ્પર્શ નહીં જેને;

જોતાં ટળે લખ ચોરાશી રે હાલો જોવાને જઇએ

વિશ્વનો વિલાસ પ્રભુ આત્માનો પ્રકાશ એ;

જાણે એ તેજ મજા માણે રે હાલો જોવાને જઇએ

ચુંથારામ સ્વ-સ્વરુપમાં આનંદ છે;

અમૃત રસ મજા માણે રે હાલો જોવાને જઇએ


--------------------------------------------------------------------------------

-શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ, જિંડવા

Wednesday, January 27, 2010

"અમૃતબિંદુ"


(રાગઃ આતો શક્તિ પવના ભરતી રે...........)

મન કલ્પિત દ્રશ્યો કરતું રે ક્યાંથી જડે અવિનાશ?

માયાવી ચિત્રો રચતું રે ક્યાંથી જડે અવિનાશ?

છે 'હું' ની પાછળ જ્યોતિ, જ્યોતિમાં મહા એક મોતી,

ગુરુ વિના જડે નહી ગોતી રે ક્યાંથી જડે અવિનાશ?

કોઇ જપ તીર્થ દ્રઢાવે, કોઇ તપસ્વી બની વન જાવે,

કોઇ ઊલટા પવન ચઢાવે રે ક્યાંથી જડે અવિનાશ?

નિજ ઘર તજી ભટકે વાડે, ખર ગર્વની ગુણ ઉપાડે,

જેમ પરાળ ખાધું પાડે રે ક્યાંથી જડે અવિનાશ?

કોઇ સંતની સાચી રીતિ, મુરખાને મનમાં ભીતી,

ચુંથારામ મનમુકી વાતો જૂઠી રે ક્યાંથી જડે અવિનાશ?


--------------------------------------------------------------------------------

(રાગઃ ખાખમેં ખપજાના જીવડા...........)

સદ્‍ગુરુ મળીયા, સંસય ટળીયા, નામ નગરમાં નિર્માયા હા...............હા

પંચ તત્વોકી કાયા માયા યુક્તિથી સમજાયા હા...............

શી કહું શોભા નામ નગરની જ્યાં જોવું ત્યાં જગરાયા હા..................હા

સંત વિદેહી તે રસ માણે જેણે ગુરુગમ પાયા હા.........

અલખ નામ નિર્વાણ લખાવે કોઇ અદ્‌લ ધરીપે આયા હા.............હા

નહીં સંન્યાસી નહીં ઉદાસી અખંડાનંદ ઘર પાયા હા..............

અક્ષરાતિત સંબંધકો મૂલા નહીં કોઇ થાપ ઉથાપા હા.................હા

દાસ ચુંથારામ સદ્‌ગુરુ સંગ મળીયા તેણે પૂર્ણ પદ પાયા હા....................



--------------------------------------------------------------------------------

- શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ, જિંડવા

Tuesday, January 26, 2010

"અમૃતબિંદુ"

(રાગઃ હે જી તારા આંગણીયાં પૂછીને કોઇ આવેતો આવકારો મીઠો આપજે રે જી)

હેજી વિરા નિજની સમજ કોઇ આપે રે મરજીવા મોતી ગોતશે રે જી

હે જી વિરા વસ્તુ બોલે ને નામ જાગે રે નામીના લે જે વારણાં રે જી

નજરમાં રુપ આવે, ગુણથી વર્ણન થાયે

હે જી વિરા નામથી નિશ્ચય ઓળખાય રે નામીના લે જે વારણાં રે જી

સતનામ સ્થિર કિધું, ગુરુ પાસે માગી લીધું

હે જી વિરા તન મન ધન અર્પી દીધુ રે નામીના લે જે વારણાં રે જી

નાનું મોટું કોઇ નહી, સમજણમાં સમ હોય

હે જી વિરા નામની નાભીમાં સહું કોઇ રે નામીના લે જે વારણાં રે જી

નામ મળે ગુરુઘાટે, શોધી લીધું શીર સાટે

હે જી વિરા ચુંથારામ અભયપદમાં રાચે રે નામીના લે જે વારણાં રે જી


--------------------------------------------------------------------------------

(રાગઃ ઘોડીલે બેસીને પાન ચાવો લાડકડા)

સુક્ષ્મણાની શેરી સામે દીઠા અલબેલડા

કરુણા નદીના નીરથી નવડાવું અલબેલડા

પ્રેમપૂરીના પિતામ્બર પહેરાવું અલબેલડા

ગોલકપૂરથી ગાદીઓ મંગાવું અલબેલડા

ગગન ગીરાનાં ગોદડાં મંગાવું અલબેલડા

અંતઃપૂરના ઓછાડ મંગાવું અલબેલડા

હર ફૂલના ગજરા હાર લાવું અલબેલડા

સાચા મનના મોતિડે વધાવું અલબેલડા

સ્થિરતાની થાળીઓ મંગાવું અલબેલડા

ઝરણાં જળની જાળીઓ ભરાવું અલબેલડા

હેત ભરેલાં પકવાનો પીરસાવું અલબેલડા

જમતાં જીવણ નીરખી નીરખી જોવું અલબેલડા

ર્હદય કમળમાં રાજીરાજી થાવું અલબેલડા

પૂર્ણાવતીએ પાન બીડી કરી લાવું અલબેલડા

ચુંથાભાઇની સૂરતામાં સમાવું અલબેલડા


--------------------------------------------------------------------------------

શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ, જિંડવા

"અમતબિંદુ"

પંડિત ભૂલ્યા પાઠમાં ડૂલ્યા, ચઢ્યા વાદ વિવાદોમાં

અહમ પણેથી ઊંધું વળીયું, શ્રોતા ચાખે સ્વાદોમાં

દીન થવું તે ઘણું દોહ્યલૂ, મનને મારવું મુશ્કેલ છે

લય ચિંતવન વિવેક વધારી, આપ સ્વરુપે રહેલ છે

વેદાંત અનુભવ સાર ગ્રહીને, નિજ સ્વરુપમાં મશગુલ છે

ચુંથારામ જ્ઞાન જન જગમાં, દૂધ મિસરી સંમેલ છે


--------------------------------------------------------------------------------

હું કરુ, આ મેં કર્યું એમ જાણવું મુશ્કેલ છે

ભક્ત જનોની પ્રેમ પ્યાસી વાણીમાં રંગ રેલ છે

રચે, પાળે, લય કરે, જે જગતને એક પલકમાં

તેની કૃપા વિના કોઇ તરે ના કામ કપરો ખેલ છે

જે જગતને જ જમાડતા, નૈવેદ્ય તેને શું ધરું

જે વિશ્વને રમાડતા તે પાસ રમવુ ફેલ છે

જળની અંજલી સાગરને શું, કુબેરને શું પૈ ધરું

સુરજને દિપક ધરે શું ચુંથારામ અટકેલ છે


--------------------------------------------------------------------------------

(રાગઃ જાવું તો પડશે જીવને જાવું તો પડશે)

ગુરુમુખી હોયતો ભજન ભાવેથી કરજો

દેહ છતાં વિદેહી ઠરજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો

આત્મ જ્ઞાની સંતોની સોબતો કરજો

મનડાંની વિટંબણાઓ તજજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો

આનંદ સ્વરુપી જ્યોતિ પ્રગટાવી દેજો

સત ચિત્તે શાંતિ અનુંભવજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો

વાણીનું સંયમ પણું જાળવી રાખજો

સૂરત નૂરતના મેળા કરજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો

છિદ્રો જોવાની આદત છોડી રે દેજો

એકાન્તે આત્મ મનન કરજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો

મળ વિક્ષેપ તજી સતસંગે રહેજો

ચુંથારામ નિજ સ્વરુપે રહેજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો



-શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ

Sunday, January 24, 2010

શબ્દ-સ્મૃતિ

(રાગઃ મન વણજારા બહાર ભટકતી ચિતવૃત્તિને વારજે)

હો સદગુરુજી માંહે ભટકુ છું ભુદરજી ભવરણ ટાળજો

મને માયા મોહ ઉપજાવે છે

માન મોટપ મનને ભમાવે છે

મને મમતા માર ખવરાવે છે હો સદગુરુજી માંહે ભટકુ છું......... (ટેક)

મને આશા બહું અથડાવે છે

મને તૃષ્ણા તારે તટલાવે છે

મને લાલત લાત લગાવે છે હો સદગુરુજી માંહે ભટકુ છું............

મને દગો દોટે ચઢાવે છે

મને કપટ કેદ કરાવે છે

મને પ્રપંચ પોક પાડાવે છે હો સદગુરુજી માંહે ભટકુ છું............

મને પાંચ વિષય રસ ભાવે છે

મને ત્રિગુણના રંગ નચાવે છે

મને દેહમાં હું પદ આવે છે હો સદગુરુજી માંહે ભટકુ છું..............

પરઉપકારી ગુરુ વ્હારે ચઢજો

મારા અવગુણ સગળા પરહરજો

સેવકની અરજી ઉર ધરજો હો સદગુરુજી માંહે ભટકુ છું................

ગુરુ દીન દુખીયાના બેલી છો

સુખ સાગર સુખની હેલી છો

ડાળી પીંપળ પરાંણ અડેલી છે હો સદગુરુજી માંહે ભટકુ છું................



-- શ્રી પલાભાઇ ચુંથાભાઇ પટેલ, જિંડવા

શબ્દ-સ્મૃતિ

(રાગઃ વાણીમાં વેવલો વાતોમાં શૂરો વાણી થકી વર્તાય........)

અદ્દભૂત યોગી સદગુરુજી મળીયા; ભવનાં ભટકણ જાય હોવ હોવ ભવનાં ભટકણ જાય હું તો નમુ ગુરુજીને પાય

ત્રિવિધના તાપથી બળતા ઉગાળ્યા; વચનામૃતની ધાર હોવ હોવ વચનામૃતની ધાર હું તો નમુ ગુરુજીને પાય

હતું, હશે ને હોય ખોટી કલ્પના; પ્રત્યક્ષ સત્ય પ્રમાણ હોવ હોવ પ્રત્યક્ષ સત્ય પ્રમાણ હું તો નમુ ગુરુજીને પાય

દાનવ વૃત્તિ દુર કરાવી; સોહાવ્યું માનવ શરીર હોવ હોવ સોહાવ્યું માનવ હું તો નમુ ગુરુજીને પાય

પાંચ પ્રતિજ્ઞા ગુરુજીએ આપી મુક્યા; સંકલ્પે જળ હોવ હોવ મુક્યા સંકલ્પે હું તો નમુ ગુરુજીને પાય

શુદ્ધ બની ગુરુદક્ષિણારે આપી, સર્વ સમર્પણ થાય હોવ હોવ સર્વ સમર્પણ થાય હું તો નમુ ગુરુજીને પાય

અક્ષરદેહે ગુરુ સન્મુખ બેઠા; ઇશ્વર દર્શનની આશ હોવ હોવ ઇશ્વર દર્શનની આશ હું તો નમુ ગુરુજીને પાય

યોગની યુક્તિ ગુરુએ બતાવી; મહીમા કહ્યો નવ જાય હોવ હોવ મહીમા કહ્યો નવ જાય હું તો નમુ ગુરુજીને પાય

રુપ, ગુણ, નામ સદગુરુ સમજાવે; નામે ઇશ્વર ઓળખાય હોવ હોવ નામે ઇશ્વર ઓળખાય હું તો નમુ ગુરુજીને પાય

નાના મોટાનો ભેદ ગુરુએ ભગાવ્યો; સાંય મુશર સમ થાય હોવ હોવ સાંય મુશર સમ થાય હું તો નમુ ગુરુજીને પાય

રુપાળી માયા નજરોમાં માલતી; ગુણમાં જીવાભાઇની જાત હોવ હોવ ગુણમાં જીવાભાઇની જાત હું તો નમુ ગુરુજીને પાય

નાભી કમળ દિલ ગુરુએ ખોલાવ્યાં; બોલે, બોલાવે, બોલાય હોવ હોવ બોલે, બોલાવે, બોલાય હું તો નમુ ગુરુજીને પાય

રુપ, ગુણ, નામએ ત્રિવેણી સંગમ; સુરતા ચોથા પદ જાય હોવ હોવ સુરતા ચોથા પદ જાય હું તો નમુ ગુરુજીને પાય

સાકરનો ગાંગળો દાંતની વચ્ચે; ઇશારો અલખ ઍંધાણ હોવ હોવ ઇશારો અલખ ઍંધાણ હું તો નમુ ગુરુજીને પાય

પૂર્ણ બનાવી સ્થુળ દેહ સોપ્યા; પર્માર્થને કાજ હોવ હોવ પર્માર્થને કાજ હું તો નમુ ગુરુજીને પાય

સતની ગાદી ગુરુજી બિરાજ્યા; પ્રેમથી પૂજન થાય હોવ હોવ પ્રેમથી પૂજન થાય હું તો નમુ ગુરુજીને પાય

ચરણ ધોઇ ચરણામૃત પીધાં; કંકુ, ચોખા, ફૂલના હાર હોવ હોવ પહેરાવ્યા ફૂલડાના હાર હું તો નમુ ગુરુજીને પાય

પાંચ પ્રણાલીકા પૂર્ણ પરાંણભાઇ; ભેટ્યા છગન મહારાજ હોવ હોવ ભેટ્યા છગન મહારાજ હું તો નમુ ગુરુજીને પાય


-- શ્રી પલાભાઇ ચુંથાભાઇ પટેલ, જિંડવા

શબ્દ-સ્મૄતિ

(રાગઃ સંત સ્વભાવે શબ્દે શબ્દે ચાલો જો, અંતર લક્ષે મા'લો જો)

ભવસાગરમાં ભટકી ભટકી આવ્યા જો, દુઃખના દિન વિતાવ્યા જો,

આ અવશરીયો હરી ભજવાનો આવીયો મન માણી લે

અહંકારને અભિમાનમાં ડુલ્યાજો, હરી ભજવાનું ભુલ્યા જો,

નિર્મળતા દાસાતણ દિલમાં ધારીને મન માણી લે

કામ ક્રોધ તે કલેશ કેરુ મૂળ જો, એવું ઉપડે શૂળ જો,

સહનશિલતા શાંતિ દિલમાં ધારીને મન માણી લે

ચોરી જારી ચિત્તમાં ચિંતા ચાલે જો, અંતર વેદના શાલેજો,

પરધન પત્થર પરસ્ત્રી માતા માનીને મન માણી લે

મોહ મદિરા દુર્ગુણથી દુર રહીયે જો, સદગુરુ શોધી લઇએ જો,

સદગુણથી સદમતી મળે સુખ થાય છે મન માણી લે

જુઠ કપટએ જુગાર બાજી જાણો જો, એથી મનને વારો જો,

સત્ય વચન સદગુરુના દિલમાં ધારીને મન માણી લે

મારુ તારુ એતો જગની માયા જો, એથી બની આ કાયા જો,

કાયાનો ઘડનારો સદગુરુ મેળવે મન માણી લે

સુખ દુઃખ રચના સંચિતનાં ફળ ધારો જો, ભમતા મનને વારો જો,

સાચાં સંચિત તારાં તુજને મળી જશે મન માણી લે

પૂન્ય પૂર્વનું ગુરુ છગનરામ મળીયા જો, ભવના ફેરા ટળીયા જો,

પરાંણ ગુરુજીને સર્વ સમર્પણ કરીને મન માણી લે


- શ્રી પલાભાઇ ચુંથાભાઇ પટેલ, જિંડવા

શબ્દ-સ્મૄતિ

સોમે તો સદગુરુજી મળીયા, તાપ ત્રિવિધ તણા ટળીયા,

વર્ષ્યા મેઘ વચનામૃત ઝરીયા, કે સદગુરુ સેવે સુખ થાયે,

મંગળવારે મંગળ પદ નિરખ્યાં, રુપ ગુણ સમજાતાં મન હરખ્યાં,

નામેતો ઇશ્વર પદ પરખ્યાં, કે સદગુરુ સેવે સુખ થાયે,

બુધે પેલી બુદ્ધિ બળ મોટું, સમજાયું સારુ ને ખોટું,

કે સમ થયું નાનું ને મોટું, કે સદગુરુ સેવે સુખ થાયે

ગુરુવારે ગુરુજી ઘેર આવ્યા, આપી દિક્ષા અલખ ઓળખાવ્યા,

કે નિરાકાર નજરે નિરખાવ્યા, કે સદગુરુ સેવે સુખ થાયે,

શુક્ર્વારે સુક્રિત સુધરીયાં, ગુરુજીના વચને હું પદ ગળીયાં,

કે મનમાં નીજ સ્વરુપ ઠરીયાં, કે સદગુરુ સેવે સુખ થાયે

શનીવારે શનીપાતો ટળીયાં, મળ્યા મને આનંદના દરીયા,

કે બ્રહ્મ સ્વરુપમાં જઇ ભળીયા કે સદગુરુ સેવે સુખ થાયે

રવિવારે રથે સુરજ શોભે, કે સુરતાના મનડા ત્યાં લોપે,

વિવાહ કીધા સદગુરુજી શોભે, કે સદગુરુ સેવે સુખ થાયે

સાતે વાર સમજણમાં ધરતાં, કર ગુરુ છગનરામ શિર ધરતાં,

પરાંણ વાર નહીં ભવજળ તરતાં કે સદગુરુ સેવે સુખ થાયે



- શ્રી પલાભાઇ ચુંથાભાઇ પટેલ, જિંડવા

શબ્દ સ્મૃતિ

(રાગઃ સંગ ચાલ્યો રે ભવાની માં સંગ ચાલ્યો)

જંગ જામ્યો રે જીવાભાઇ વિરા જંગ જામ્યો

તમને સંસયો સતાવે જીવા જંગ જામ્યો

તાપ ત્રિવિધના તપાવે જીવા જંગ જામ્યો

કાયા કર્મોની બંધાઇ જીવા જંગ જામ્યો

માયા સંચિતે સંધાઇ જીવા જંગ જામ્યો

મનથી મારુ માની લીધું જીવા જંગ જામ્યો

આશા તૃષ્ણાએ અથડાયા જીવા જંગ જામ્યો

લોભ લાલચે લપટાયા જીવા જંગ જામ્યો

માન મોટપમાં મરડાયા જીવા જંગ જામ્યો

પરની પંચાતે ખરડાયા જીવા જંગ જામ્યો

મોટાઇ મોભામાં ભરમાયા જીવા જંગ જામ્યો

ભજન સતસંગમાં શરમાયા જીવા જંગ જામ્યો

તમને સંતો સત સમજાવે જીવા જંગ જામ્યો

માર્ગ મુક્તિનો બતાવે જીવા જંગ જામ્યો

ગુરુ છગન પરહિતકારી જીવા જંગ જામ્યો

પરાંણ પલમાં ખોલે બારી જીવા જંગ જામ્યો

- શ્રી પલાભાઇ ચુંથાભાઇ પટેલ, જિંડવા

Friday, January 22, 2010

અમૃતબિંદુ



(રાગઃદ્વારિકાથી પ્રભુ આવીયા રે)

હું તો અસંગ નિર્લેપ છું રે

સચ્ચિદાનંદ મારું રુપ મારા વા'લા હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે

નિરાકાર રુપે નિત્ય મુક્ત છું રે

પૂર્ણાનંદે પરિધાન મારા વા'લા હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે

હું અચ્યુત નિર્દોશ નિત્ય છું રે

ચૈતન્યરુપ પરમાનંદ મારા વા'લા હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે

અખંડાનંદ આત્મ રુપ છું રે

પ્રકૃતિથી પર શાંત રુપ મારા વા'લા હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે

મહત્વાદી તત્વોથી પર રહ્યો રે

જ્યોતિ સ્વરુપ ચુંથારામ મારા વા'લા હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે


--------------------------------------------------------------------------------

ચૈતન્ય ચિંતન કરશું ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું

અમે આત્મ વિજ્ઞાન દિવો ધરશું ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું

અમે આત્મ સ્વરુપમાં રમશું, અમે અખંડ આનંદમાં ફરશું

અમે નિજમાં નિજ અનુંસરશું ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું

અમે નિરાવરણ પ્રકાશશું, અમે સુત્રાત્મા સર્વમાં વ્યાપશું

અમે અદ્વૈત સાક્ષી રુપ ઠરશું ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું

અમે બ્રહ્મસ્વભાવે સ્વચ્છ બની રહીશું, અમે નિરાકારે નિર્મળ રહેશું

ચુંથારામ શાંતિ અનુંભવશું ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું


--------------------------------------------------------------------------------

(રાગઃ લાડી લાડાને પુછે મોતી શે'ર બંદલા રે)

કાયા નગરીમાં કોણ છે વિવેકે વિચારો રે

આંખે દેખે છે કોણ વિવેકે વિચારો રે

ખાધે ધરાય છે કોણ વિવેકે વિચારો રે

જીભે બોલે છે કોણ વિવેકે વિચારો રે

કાને સંભરાય છે કોને વિવેકે વિચારો રે

પાણી પીવે છે કોણ વિવેકે વિચારો રે

પગે ચાલે છે કોણ વિવેકે વિચારો રે

ઊંઘે જાગે છે કોણ વિવેકે વિચારો રે

સુખ દુઃખ થાય છે કોને વિવેકે વિચારો રે

મારુ તારુ તે કોને વિવેકે વિચારો રે

હું તો પોતે છું કોણ વિવેકે વિચરો રે

જો કોઇ એ ગમ જણે વિવેકે વિચારો રે

ચુંથારામ ગુરુજી વખાણે વિવેકે વિચારો રે

-----------------------------------------------------------------------------





-શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ
મું. પો. જિંડવા, તા. દહેગામ, જિ. ગાંધીનગર

Thursday, January 21, 2010

અમૃતબિંદુ

(રાગઃ ઉંચી તલાવડીની કોર પાણી ગ્યાતા પાણી ભરતાં રે જોયો સાયબો)

ઉંચી સ્વરુપ કેરી જ્યોત મંદિર ગ્યાંતાં મંદિર સંદેશો મળ્યો વાટમાં
સુરતાને સગપણના કોડ મંદિર ગ્યાંતાં મંદિર સંદેશો મળ્યો વાટમાં
શબ્દ દેશના સળંગ શિખરે શુન્ય સાગરનો રાજવી,
અન્વય અનામી પુરે કોડ મંદિર ગ્યાંતાં મંદિર સંદેશો મળ્યો વાટમાં
સુમતિ સૈયરની સાથે રુપગુણના દ્વાર ઉઘાડી,
પહેરી લીધો ગુરુગમનો મોડ મંદિર ગ્યાંતાં મંદિર સંદેશો મળ્યો વાટમાં
મંદિરીયાને છેલ્લે શિખર સદગુરુ શાન બિછાવી,
ચુંથારામના આત્માના છોડ મંદિર ગ્યાંતાં મંદિર સંદેશો મળ્યો વાટમાં
________________________________________

(રાગઃ મારુ રણ તમે છોડાવો રે રણછોડરાયા)

મને અંતરદેશી મળીયા રે ભ્રમણાઓ ભાગી,
મારા મનનામનોરથ ફળીયા રે વિટંબણાઓ ત્યાગી;
ભવ સાગરમાં ભટકાતો; મોહમાયાની લાતો ખાતો,
પંચભુતોમાં ભટકાતો રે ભ્રમણાઓ ભાગી.... મને અંતરદેશી......
મારે અંતરમાં અજવાળું; હું બહાર કશુના ભાળું,
મારું સરી પડ્યું જગનું લારું રે ભ્રમણાઓ ભાગી.... મને અંતરદેશી......
સદ્ ગુરુની શાંનકા વાગી; મારી અંતર જ્યોતિ જાગી,
ચુંથારામ રહ્યો અનુરાગી રે ભ્રમણાઓ ભાગી.... મને અંતરદેશી......
________________________________________

(રાગઃ જોજો રે મારી ગીતા રે માતા)

ખોલજો રે અંતરના દ્વાર ખોલજો,
અંતરદ્વાર ખોલોતો ઓહમ સોહમ બોલજો.....ખોલજો રે અંતરના દ્વાર ખોલજો
સત્યના ત્રાજવેથી સત્ય ધર્મ તોલજો,
સત્ય ધર્મ તોલોતો હું પદને છોડજો....ખોલજો રે અંતરના દ્વાર ખોલજો
નિજ સ્વરુપે નિજાનંદની લ્હેરીમાં ફરજો,
વિનયવાણીનાં પુષ્પો સંતોમાં વેરજો.......ખોલજો રે અંતરના દ્વાર ખોલજો
તનમાત્રાના તળીયે તુરીયાતિતને જગાવજો,
ચુંથારામ સદ્દ્ગુરુની શાને સમજી જાજ્યો.....ખોલજો રે અંતરના દ્વાર ખોલજો
________________________________________

(રાગઃ અંતરપ્રીતિ લાગી કનૈયા મળવા વ્હેલો આવજે )

માનવતા જાળવવી હોયતો નીતિ રીતિ પાળજ્યો,
સજ્જનતા જાળવવી હોયતો વિવેક બુદ્ધિ રાખજ્યો,
ભક્તપણું જાળવવું હોયતો વાણીને વશ રાખજ્યો,
સંતપણું જાળવવું હોયતો મોહમમતાને ટાળજ્યો,
કર્તા અકર્તા રહેવું હોયતો જળકમળવ્રત ચાલજ્યો,
જીવનમુક્ત બનવું હોયતો દેહભાવ્ને છોડ્જ્યો,
ચુંથારામ ગુરુમુખી બનવું હોયતો આત્મ દ્રષ્ટી જોડજ્યો
________________________________________

(રાગઃ ચાંદલીયો ચાલે ઉતાવળો, ચાંદરણી તારાને સાથરે)

અગમની ગમ જાણે જ્ઞાની રે જ્ઞાનીતો અનુભવાર્થી હોય રે
જ્ઞાની તો વાંચે ફરી ફરી ખોટ કે કસર હોય શાની રે
જ્ઞાની જાગે ધ્યાનમાં લાગે નિજપદમાં સુરતા ઠહેરાણી રે
વિષયથી વિરક્ત દેખી લ્યો સંત ના હોય માની કે તાની રે
જ્ઞાની બોલે જુઠું ના છોલે ગુરુમુખી જ્ઞાનીની એંધાણી રે
દ્રશ્ય કલ્પનાઓ દુર કરે ચુંથારામ સ્વ સ્વરુપમાં સમાય રે
________________________________________

(રાગઃ પ્રભુ ઊંડો તે કુવો જળ ભર્યો)

સંતો સત્યના સરોવરે સંચર્યા
ત્યાં છે દેવોના દેવ મહાદેવ રે સરોવરે સંચર્યા
સંતો જ્ઞાન ગલી શેરી સાંકડી,
હું તો જોવું મારા ગુરુજીની વાટ રે સરોવરે સંચર્યા
સંતો ઝગમગ જ્યોતિ ઝળકી રહી,
વાગે અનહદ નગારાંની ધુંશ રે સરોવરે સંચર્યા
બારે મેઘ પડઘમ રુપે ગાજતા,
પલ પલ થાય વિજ ચમકાર રે સરોવરે સંચર્યા
ગુરુજી અનભે સિંહાસને શોભતા,
દાસ ચુંથારામ વદે જય જયકાર રે સરોવરે સંચર્યા
________________________________________

(રાગઃ લીલો માંડવો રચાવો પીળી પાંદડીયે શોભાવો મારા રાજ)

ભલે વેશ બદલો ભલે દેશ બદલો હંસારાય,
તોયે ના'વે ગુરુગમ તોલે મારા રાજ
ભલે કેશ ચુંટાવો, ભલે મુંડ મુંડાવો હંસારાય
તોયે ના'વે ગુરુગમ તોલે મારા રાજ
હો કોઇ ભગવાં કરાવે, જો કોઇ દાઢી રખાવે હંસારાય તોયે ના'વે ગુરુગમ......
જો કોઇ મૌન ગ્રહે જો કોઇ કષ્ટ સહે હંસારાય તોયે ના'વે ગુરુગમ......
પ્યારી નારી છોડો કે ભલે વ્યવહાર તોડો હંસારાય તોયે ના'વે ગુરુગમ......
ભલે રહો ઉપવાસી ભલે તિરથ કરો કાશી હંસારાય તોયે ના'વે ગુરુગમ......
ભલે શ્રોતા બનો ભલે વક્તા બનો હંસારાય તોયે ના'વે ગુરુગમ......
ચુંથારામ મીઠો મીઠો સાદ કર્ણે સુણી લેજો નાદ હંસારાય તોયે ના'વે ગુરુગમ......
________________________________________

(રાગઃ ત્રાંબા કુંડી સવા ગજ ઊંડી )

આંખ વિનાનું દર્પણ કેવું જાણો છાણા જેવું રે
ગુરુ વિનાનો જ્ઞાન કરે તો વંજ્યા દોહ્યા જેવું રે
ગુરુ નહી તો આંખ વિનાનો એવું વેદ કહે છે રે
દેખા દેખી ગાય ખરો પણ દર્શન કોણ જ દેશે રે
એદો પણ પોકારી કહે છે, ગુરુ વિના શું ગાવું રે
અંધે અંધા પંથ ના દેખે, ભીંતોમાં ભટકાવું રે
જ્ઞાન ગ્રહીને ગુરુ કરે તો સત્ય સ્વરુપ લ્યો શોધી રે
ચુંથારામ સદગુરુને ચરણે, જે જન જઇને અટકે રે
કુળ ઇકોતેર પેઢી રે તારે, અમરાપુરમાં મ્હાલે રે
________________________________________

(રાગઃ એ તને જાતા જોઇ પનઘટની વાટે મારુ મન મોહી રહ્યું)

હે મારી સુરતા સલુણી સમજાવે વેરાગણ બંસરી વાગી,
મારી વ્રુત્તિમાં વાલપ લાવે વેરાગણ બંસરી વાગી,
વેરાગણ બંસરી વાગી સ્વરુપે લગની લાગી
હે મારા નયનોમાં નામધુન જાગી ........... વેરાગણ બંસરી વાગી
નામ કેરી નગરી અનામ નિર્વાણી,
હે મારા ગુરુજીએ સમજણ આપી........... વેરાગણ બંસરી વાગી
અંતરના ઓરડે ને જ્ઞાનની મઢુલીએ,
ઘેલા ચુંથારામને ચટપટી લાગી ........... વેરાગણ બંસરી વાગી
________________________________________

(રાગઃ મારા ઘર પછવાડે ભાંગ ભાંગલડી રે)

કાયા ઘરમાં પેઠો લોભ તેની નિશા ચઢી રે
તેથી દિન દિન વધતો રોગ તેની ગાંઠ પડી રે
સંતો સમજાવે છે બહું મૂઢના બેસે ઘડી રે
તેના ગુરુ સમજાવે વાત નિશા શેની ચઢી રે
મૂરખ આંખો મીંચીં જાય માયા લાગે ગળી રે
ગોળમાં મંકોડો પસ્તય જાશે મરી મરી રે
લોભે મુછાળા માર્યા જાય જૂઓ પાછ ફરી રે
રાવણ લોભે ભુલી જાય મરતો ઝૂરી ઝૂરી રે
ચુંથારામ સદગુરુગમની શાન તેની નિશા ચઢી રે
ફરીથી નહીં મળે આવો દાવ ભવજળ જાશો તરી રે
________________________________________

(રાગઃ હો હો રે મારી ગીતા રે માતા)

ખોળજો રે ખારા સમુદ્ર્માં મોતી
સમુદ્ર્માં મોતી દિશે દિવ્ય જ્યોતિ......ખોળજો રે ખારા....
જળકમળવ્રત નિર્ભયતાની પ્હેરી લેજો ધોતી,
ધોતી પ્હેરોતો હૈયે દિવ્ય દ્ર્ષ્ટી હોતી......ખોળજો રે ખારા....
દસ દરવાજા બંધ કરીને મારી લેજો ડુબકી,
ડુબકી મારોતો શુદ્ધિ લાવજો અગમની......ખોળજો રે ખારા....
નવ દરવાજા દસમી ખીડકી ખીડકી ઉપર ફીરકી
ગુરુગમની ચાવીથી ખોલી નાખો ખીડકી......ખોળજો રે ખારા....
અવરગુફામાં અલબેલાની સર્વાન્તરમાં જ્યોતિ
ચુંથારામના ચિંતનમાં આત્માની ઉન્નતિ......ખોળજો રે ખારા....
________________________________________

(રાગઃ હો હો રે મારી ગીતા રે માતા)

સુણજો રે સંતો ગુરુગમની વાતો
ગુરુગમની વાતોમાં આત્મા ઓળખાતો......સુણજો રે સંતો.........
રંગના રંગે રંગાઇ બકરો બની જાતો,
દેહ ભાવની રમતમાં રોકાઇના જાતો......સુણજો રે સંતો.........
બોલનહારો બીજો નહી તું પોતે પકડાઇ જાતો,
નિરાકાર નિર્લેપ ન્યારો ગુરુગમથી ઓળખાતો......સુણજો રે સંતો.........
નાનું મોટું કોઇ નહી એક બની જાતો,
બ્રહ્મભાવે સ્થિર રહી શાંત સુખી થાતો......સુણજો રે સંતો.........
અસલ સ્વરુપે ગુણાતિત ઓળખાતો,
દાસ ચુંથારામ નામ રંગમાં રોળાતો......સુણજો રે સંતો.........



-શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ
મું. પો. જિંડવા, તા. દહેગામ, જિ. ગાંધીનગર