જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Wednesday, March 12, 2025

પ્રભુથી સંત અધિક છે

(રાગ: અબીલ ગુલાલનાં છાંટણા માહી સાકરનો મહિમા)

પ્રભુથી સંત અધિક છે કાંઇ ગીતા ગુણલા ગાવે જો

ભક્ત ભજે ભગવાનને ભગવાન ભજે નિજ ભક્તને જો 

હરિગુરુ સંતની એકતા કાંઇ વેદ પુરાણે છાપ જો

સંત મળે સુખ ઉપજે કાંઇ ભાવની ભાવટ ભાગે જો

સદગુરુજીની શાંનકા કાંઇ સંત મળી સમજાવે જો

કરમ ભરમની બેડીઓ કાંઇ સંત વિના કેમ છૂટે જો

ચુંથારામ આ વિશ્વમાં સંત તરવાનું છે નાવ જો

સંત બડા ઉપકારી

(રાગ: પ્રભુ તુમ રાખ્લો મેરી લજ્જા)

સંત બડા ઉપકારી જગતમાં સંત બડા ઉપકારી 

પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન લાવે 

નિર્મળ વાણી મુખ ઉચ્ચારે દયા દીનતા ધારી...સંત બડા....

બોધ પમાડી લ્હે લગાડી ત્રીતાપો દે ટાળી

ભવસાગરના નાવિક થઇને બૂડતાને લે તારી...સંત બડા...

સ્થાવર જંગમ જીવ જંતુમાં વ્યાપક દ્રષ્ટિ ધારી 

ચુંથારામ કહે રુદિયમાંથી લિંગ વાસના ટાળી...સંત બડા... 

સંતોનાં પગલાં સુખકારી

(રાગ: મારા વ્હાલા હસી ને દોરી ખેંચો ને)

મારા વ્હાલા સંતોનાં પગલાં સુખકારી 

મારા વ્હાલા.....અંતરમાં પ્રગટે ઉજાસ...મારા વ્હાલા સંતોનાં પગલાં સુખકારી

મારા વ્હાલા સંત કલ્પતરુ નીરખીલ્યો

મારા વ્હાલા...મન વાંછિત સુખ થાય...મારા વ્હાલા સંતોનાં પગલાં સુખકારી

મારા વ્હાલા સંત પારસમણી સ્પર્શ થાતાં

મારા વ્હાલા....લોઢું બની જાય હેમ...મારા વ્હાલા સંતોનાં પગલાં સુખકારી

મારા વ્હાલા સંતો પ્રભુજીના લાડીલા 

મારા વ્હાલા....ચુંથારામના તારણહાર...મારા વ્હાલા સંતોનાં પગલાં સુખકારી


સંતોને શીશ નમાવીએ

(રાગ: કૃષ્ણ ભજન નિત ગાઈએ રે)

સંતોને શીશ નમાવીએ રે

મૂકી મૂકી મનડાનો મેલ મારા વ્હાલા...સંતોને શીશ....

અંતર બાહિર હરિ ઈક છે રે

જગત સ્વરૂપે દીનાનાથ મારા વ્હાલા...સંતોને શીશ....

હરિ ગુરુ સંત સ્વરૂપ એક છે રે

સદગુરુ બડા ઉપકારી મારા વ્હાલા...સંતોને શીશ....

માયા છોડાવે મન તણી રે

આવાગમન મટી જાય મારા વ્હાલા...સંતોને શીશ....

દાસ ચુંથારામ સ્તવે સદગુરુ રે

ગુરુજીના ગુણનો નહીં પાર મારા વ્હાલા...સંતોને શીશ....

આ છે સંત સમાગમ મેળો

(રાગ: મયતો મારવાડકો બનીયો રે)

આ છે સંત સમાગમ મેળો....આ છે બ્રહ્મ દર્શનનો મેળો

દેવ પુરુષો અહીં પધાર્યા...તન ઘર પાવન કરવા 

આત્મ દ્રષ્ટિથી નજર કરીલ્યો....મનના પાપો હરવા... આ છે સંત....

નામ તનો પ્રતાપ ઘણેરો...નામે પત્થર તરીયો

સત્ય નામ સંતોની પાસે....લીજે લાભ ઘણેરો...આ છે સંત.....

પરહિતકારી પરમ પુરુષો....દયા દીનતા ધારી

દાસ ચુંથારામ જય જય કહી ઝુકે....આત્મ દ્રષ્ટિ દિલ ધારી...આ છે સંત....