જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Monday, November 18, 2024

તમે સદગુરુ વચને ચાલજો રે જ્ઞાનવાળા

(રાગ: તમે એકવાર મારવાડ જાજો રે મારવાડા)

તમે સદગુરુ વચને ચાલજો રે જ્ઞાનવાળા 

તમે શ્રદ્ધાની સાંકળ ઝાલજો રે જ્ઞાનવાળા

મલીન મન સુધારો - દોષો સઘળા બાળો

તમે આસક્તિ ધૂળ પડી મૂકજો રે જ્ઞાનવાળા

જો કોઈ જ્ઞાન માટે ખર્ચ કરતાની સુણો જ્ઞાનવાળા 

ધાર્મિક પુસ્તકોમાં સત્સંગ વધારવા માટે 

હાથ ટૂંકા કરી ખર્ચના કરે સુણો જ્ઞાનવાળા 

તેનો પૈસો નાટક સિનેમામાં જાય છે રે સૂણો જ્ઞાનવાળા 

ચુંથારામ પછી પાયમાલ થાય છે રે સુણો જ્ઞાનવાળા

શ્રવણ મનન નિદિધ્યાસન વડે

(રાગ:- સુખના રે મારો શ્યામ સુંદરજી)

શ્રવણ, મનન, નિદિધ્યાસન વડે

કુસંસ્કારો બળી જાશે રે ત્યારે આત્મા ઓળખાશે 

વાસના બળે પછી ફરીથી ના ઉગે 

ત્યારે સ્વરૂપ સમજાશે રે ત્યારે આત્મા ઓળખાશે 

મોહ ને મમતા વધી જતાં અટકે 

અજ્ઞાન અંધાપો ટળી જશે રે ત્યારે આત્મા ઓળખાશે 

અહમ બ્રહ્માસ્મિ હું બ્રહ્મ સ્વરૂપ છું 

ચુંથારામ એવું ભાન થશે રે ત્યારે આત્મા ઓળખાશે 

માયામાં અંધ બનેલા જીવો દુઃખને સુખ માને છે

(રાગ:- ગોળ કરો રે ઉતાવળ ગોર ચટપટીયા)

માયામાં અંધ બનેલા જીવો દુઃખને સુખ માને છે

વાસનાની બેડીઓ પહેરી બેઠા તોય સુખ માને છે 

લોભ ક્રોધની ભયંકર બેડી પહેરી તોય સુખ માને છે

રાત્રી-દિવસ મનમાં સળગ્યા કરે તોય સુખ માને છે

પાંચ વિષયમાં મચી રહેલા અજ્ઞાનીઓ સૌ જીવો દુઃખને સુખ માને છે 

ભરી સભામાં તાળીઓ પડાવી પત્થર જેવા 

ચુંથા કોરે કોરા જાય દુઃખને સુખ માને છે 

સંસારમાં સુખ છે જ નહીં સુખ સમજણમાં

 (રાગ:- અંબા તે રમવા નીસર્યા દેવી અન્નપૂર્ણા)

સંસારમાં સુખ છે જ નહીં સુખ સમજણમાં

દુઃખીને દિલાસો આપવો - સુખ સમજણમાં

કોઈનું ભલું કરી મદદ કરવી પરમાર્થ છે

આત્મ બ્રહ્મ પરમાત્મા - સુખ સમજણમાં

બ્રહ્મને જાણનાર થાય બ્રહ્મ ખરું સુખ સમજણમાં

આત્માને જાણનાર શોકને તરી જાય સમજણમાં

સર્વે સ્થળે પરમાત્મા અનાદી જોનાર સુખ સમજણમાં

સંભાળનાર જાણનાર વિચારનાર એક સમજણમાં

ચુંથા અંતર આત્મા છે એક ખરું સુખ સમજણમાં

પોતાના પિંડની માંહે રે.....

 (રાગ:- વાલા વિરા રે સર્વેશ્વરને સાહજ્યો)

પોતાના પિંડની માંહે રે એ ભગવાન બિરાજે છે

પોતાનું આવરણ નડતું હોવાથી

દેખી શકાય નહીં શાણો રે એ ભગવાન બિરાજે છે

શાંતિનો સાગર આનંદનો ભંડાર

આપણા અંતર માંહે રે એ ભગવાન બિરાજે છે

સદગુરુની કૃપા મળે તો

યુક્તિ બતાવે દેખવાની રે એ ભગવાન બિરાજે છે

આત્મ ચિંતનને પ્રભુ ભજનમાં

ચુંથા રહો ચિત્ત પરોવી રે એ ભગવાન બિરાજે છે

સંસારના ઘેર આપણ પરોણા રે આવ્યા

 (રાગ:- ખેલંતા ખેલંતા વન ગયા રે વનમાં ખેલે છે ઘોડા)


સંસારના ઘેર આપણ પરોણા રે આવ્યા

જીવતાં મારવાની વિદ્યા રે લાવ્યા

આત્માનું દર્શન જે કરે રે તેનું ભણતર સાચું


માન માયા લોભ ક્રોધ વગેરે

વિવેક વધારી પાછાં લાવે રે તેનું ભણતર સાચું


જ્ઞાન સ્વરૂપ આત્મા નિત્ય પ્રકાશે

અવિનાશી આનંદે દીન દમે રે તેનું ભણતર સાચું 


મેઘ ધારાથી અગ્નિ બુજાઈ જાશે

ચુંથા ગુરુગમથી અજ્ઞાન જાશે રે તેનું ભણતર સાચું

જરા સીધે સીધા ચાલો....

 (રાગ:- લાડીજી બનીને બળ્યું બોલો છો શ્યું)


જરા સીધે સીધા ચાલો બળ્યું બોલો છો શ્યું

હરિ ભજવા મુખડું આપ્યું બળ્યું બોલો છો શ્યું


મનુષ્ય જનમ મળિયો દિવાળીનો દહાડો

હરતાં ફરતાં સ્મરણ કરીએ લાગ મળ્યો છે સારો

બળ્યું કંચન મૂકી કાચ કથીરીયા તોલો છો શ્યું


નામ કેરી નગરીમાં નારાયણનો વાસ 

જ્યાં જુઓ ત્યાં સઘળે સ્થળે આત્માનો પ્રકાશ

બળ્યું માયા નશો કેફ ચડાવી બાજો છો શ્યું.


રજ્જુમાં જેમ સર્પની ભ્રાંતિ આજ્ઞાને જણાય

સદગુરુ શાન મળે તો સાચું સમજાય

ચૂંથા સદગુરુ હૈયે હોય પછી બાકી છે શ્યું

આત્મ ચિંતન લગની રે લાગી

 (રાગ:- હું તો તમને પૂછું રે મારા કેસરભીના વીરા રે)

આત્મ ચિંતન લગની રે લાગી દેહનું ભાન ના હોય રે.

કોણ છે સારું કોણ છે ખોટું ભાંજગડ હોય શાની રે.

દુનિયાના રસ ઢોંગી લે છે સાચાને કેમ ફાવે રે.

દૂધપાક જેવા ભોજન મૂકી વાસી અન્ન કોણ ખાય રે.

હીરા મોતી હાર ત્યજીને કાચ કથીર કેમ ગમશે રે.

શેરડીનો રસ મળવા છતાં લીમડો કોણ પીશે રે.

આત્મદેવનો આનંદ મૂકી ભૌતિકમાં કોણ ભમશે રે.

ચૂંથા ગુરુના શરણે રહીને આત્મ મનન ચિત્ત લાવો રે.


પાંજરામાંથી પક્ષી છૂટું થઈને ચાલ્યું જાય

 (રાગ:- વણજાર જોવા ગ્યાતાં)

પાંજરામાંથી પક્ષી છૂટું થઈને ચાલ્યું જાય, છૂટું થઈને ચાલ્યું જાય

સંશયની જાળમાંથી મન જો છૂટું થાય, મન જો છૂટું થાય.

અજ્ઞાન અંધારું છોડી સતસંગે જાય, મન જો સતસંગે જાય.

ધર્મ નીતિ ધારી મન જો સ્વરૂપે સંધાય, મન જો સ્વરૂપે સંધાય.

આસક્તિની જાળું છોડી નિજમાં સમાય, મન જો નિજમાં સમાય.

પાર બેડો થાય ચુંથા ગુરુ શરણ જાય, મન જો ગુરુ શરણ જાય.

હો ભાઈ ચિત્તના ચિતરામણ બંધ પડે રે

 (રાગ:- બાળા જોબનનો માંડવો રોપ્યો રે)

હો ભાઈ ચિત્તનાં ચિતરામણ બંધ પડે રે

ચિત્ત શુદ્ધ જો થાય, બ્રહ્મ સ્વરૂપ જીવ થઈ રહે રે.

હો ભાઈ જે વાસના મન ગ્રહણ કરે રે,

તો કલ્પેલું દ્રઢ થઈ જાય, બ્રહ્મ સ્વરૂપ જીવ થઈ રહે રે.

હો ભાઈ શરીરના બંધન જીવને ના હોય રે,

સત્ય સંકલ્પ થાય, બ્રહ્મ સ્વરૂપ જીવ થઈ રહે રે.

હો ભાઈ જગના વિચિત્ર તરંગોથી રે,

મન જો રંગાઈ ના જાય, બ્રહ્મ સ્વરૂપ જીવ થઈ રહે રે.

હો ભાઈ ચૂંથા જગત જાળ તોડીને રે,

ઉંદર જેમ છૂટો થાય, બ્રહ્મ સ્વરૂપ જીવ થઈ રહે રે.

Sunday, August 11, 2024

અમે સતસંગ વીણવા ગ્યાંતાં

(ગોળ થોડો રે ચિયાભાઈ અમને શીદ તેડ્યાં'તાં)

અમે સતસંગ વીણવા ગ્યાંતાં અમને આશા ઓળખી ગઈ 

પેલા દરમાં ચારુ ચાર - તેનો કોઈ નથી રખવાળ - અમને આશા ઓળખી ગઈ 

મોકલ્યા મોહજી લોભજી સુત - સાથે તૃષ્ણા તનીયા રૂપ - અમને આશા ઓળખી ગઈ 

લીધો કર્મ કોદાળો હાથ - રાફડો ખોદી ભરવી બાથ - અમને આશા ઓળખી ગઈ 

આ તો દિશે કાળો નાગ - નાસી જવાનો નહીં મળે લાગ - અમને આશા ઓળખી ગઈ 

આશા ભુખાવળી ચુડેલ - નાખે જનમ જનમની જેલ - અમને આશા ઓળખી ગઈ 

સંતો સમજાવે છે બહુ - ચુંથારામ છોડો એ શંખણી વહુ - અમને આશા ઓળખી ગઈ 

મન તો વાયુથી બળવાન

 (રાગ: ઊંચી સ્વરૂપ કેરી જ્યોત મદિર .........)

મન તો વાયુથી બળવાન ચિત્તમાં ચેતો ચિત્તમાં...વૈરાગે મન વશ થાય છે 

ચંચળ ગતિથી ભૂલે ભાન ચિત્તમાં ચેતો ચિત્તમાં...વૈરાગે મન વશ થાય છે 

ઘડી ઘડીમાં ભોગો ભોગવવામાં લલચાય છે 

ઘડીકમાં જંગલમાં નાસી જાય ચિત્તમાં ચેતો ચિત્તમાં...વૈરાગે મન વશ થાય છે 

ઘડીકમાં ઘર સંસારના સુખોમાં લલચાય છે 

ઘડીકમાં સતસંગની ઈચ્છા થાય ચિત્તમાં ચેતો ચિત્તમાં...વૈરાગે મન વશ થાય છે 

ઘડીકમાં તો મોજ મજાના સાધનો મેળવાય છે 

સંકલ્પ વિકલ્પમાં દોડી જાય ચિત્તમાં ચેતો ચિત્તમાં...વૈરાગે મન વશ થાય છે 

ગુરુ સ્મરણમાં રહી ને જે કઈ પ્રભુ સમરણ થાય છે 

ચુંથારામ સ્વરૂપે મનડું વાર ચિત્તમાં ચેતો ચિત્તમાં...વૈરાગે મન વશ થાય છે 

આ દેહ તો કંપણ જેવી રે

 (રાગ: કાન હજુની મોરલી રે ગોવાળીલાલ )

આ દેહ તો કંપણ જેવી રે તોલનારો તોલે છે 

ભલે મણ કે સો મણ તોલો રે કંપણ ક્યાં બોલે છે 

હોય વધતું કે ઓછું રે કંપણને નહીં પાપ લાગે

દેહ હુકમ બજાવે રે પાપી તોલનારો છે

આ દેહનો ચલાવનારો રે માંહ્યલો મલકે છે 

તેની કરો તપાસણી રે તેની શી ખામી છે 

ચુંથારામ પોતાને પરખો રે જનમની આંટી છે 

એકમાં અનેક જોયા

(રાગ: મનોડી ને લહેરુ લાગ્યું)

એકમાં અનેક જોયા 

નામમાં અનામી રે......મનોડી ને લહેરુ લાગ્યું

નિજરૂપે આત્મા 

ગુરુજી જણાયો રે......મનોડી ને લહેરુ લાગ્યું

કદ ને આકાર નહીં

નીરકારે જોયો રે......મનોડી ને લહેરુ લાગ્યું

રૂપ-ગુણ-નામ નહીં

અઘાટે સમજાયો રે......મનોડી ને લહેરુ લાગ્યું

ઠંડો કે ગરમ નહીં

સુર્સ્તે સમાયો રે......મનોડી ને લહેરુ લાગ્યું

દુર કે નજીક નહીં 

અનુભવે જાણ્યું રે......મનોડી ને લહેરુ લાગ્યું

ગુરુજીના ઘાટે રહી

ચુંથારામે જાણ્યો રે......મનોડી ને લહેરુ લાગ્યું

હમેશા પ્રભુ પ્રયત્ન વધે તેવો પ્રેમ જોઈએ રે

 (રાગ: આવડા અહુંડા શું ઉઠયા મારા વેવાઈઓ)

હમેશા પ્રભુ પ્રયત્ન વધે તેવો પ્રેમ જોઈએ રે 

હૈયે જ્ઞાન બુદ્ધિ પામે વિચાર એવા જોઈએ રે 

ત્યાગ-વૈરાગ્યનો વિકાસ થાય - એવો સંગો મળી જો જાય

માયા રૂપી જવર સૌને લાગુ પડ્યો રે - હમેશા પ્રભુ પ્રયત્ન વધે........

વિષય સુખનું અથાણું ખાય - તેથી ભાવ તો વધી જાય 

જેમ બને તેમ માયાવી જનથી વેગળા રહેવું રે - હમેશા પ્રભુ પ્રયત્ન વધે........

સંગનો રંગ લાગી જાય - કેસંગથી તો મહામુની ફસાય 

સામાન્ય સાધક તો ચુંથારામ કેમ બચે રે - હમેશા પ્રભુ પ્રયત્ન વધે........


ચાલ્યું તો ગયું રે જીવન ચાલ્યું તો ગયું

 (રાગ: મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું)

ચાલ્યું તો ગયું રે જીવન ચાલ્યું તો ગયું

વૈભવ ભોગોના વિલાસે જીવન ચાલ્યું તો ગયું 

માયા મોહ મદિરા પીને ભાન ભૂલી રખડ્યો રે 

કુટુંબ પરિવારને માટે દુ:ખ ના સહ્યું - વૈભવ ભોગોના વિલાસે......

જમની જમાની ભૂલ્યો, ભૂલ્યો નિજ રૂપને રે 

મનની વિટંબણાનું વમળ તો થયું - વૈભવ ભોગોના વિલાસે......

માયા બેડીમાં પટકાયો, તૃષ્ણા ફાંસી એ લટક્યો 

અંત સમયમાં ચુંથારામ ભાન તો થયું - વૈભવ ભોગોના વિલાસે......

Saturday, August 10, 2024

હંસારાજા રે અમે હંસારાજા

(કાળી તારી કામળી લઇજા લઇજા શું કરું રે બંસીવાલા)

હંસારાજા રે અમે હંસારાજા 

અમરાપુરી ધામના મોટા મહારાજા અમે હંસારાજા

અગ્નિથી બળાય ના અમે હંસારાજા

પવન તાણી ના શકે - પાણીથી પલાળાય ના અમે હંસારાજા

શસ્ત્રોથી છેદાય ના અમે હંસારાજા

વાણીથી વર્ણાય નહીં - બુદ્ધિથી વરતાય ના અમે હંસારાજા

કદ આકાર વિના અમે હંસારાજા

ચુંથારામ નામ નહીં - નામમાં અનામ અમે હંસારાજા

એક હંસો આવ્યો જગ્પુરમાં

(રાગ: માં અંબા તે રમવા નીસર્યા દેવી અન્નપુર્ણા)

હરે..એક હંસો આવ્યો જગપુરમાં પેઠો પુગદલમાં 

હે....એને લાગી જગતની લહેરી....હંસો આવ્યો જગપુરમાં

હરે...કામકાજ મોહરાજ મિત્રો બન્યા...આવ્યો જગપુરમાં

હે...એને તૃષ્ણા વળગી પટરાણી.....હંસો આવ્યો જગપુરમાં

હરે...આશા સાસુની ઓથમાં...આવ્યો જગપુરમાં

હે....એને અંતરમાં પ્રગતિ હોળી....હંસો આવ્યો જગપુરમાં

હરે...એતો ભાન ભૂલ્યો પોતાતણું ...આવ્યો જગપુરમાં

હે...એતો બન્યો તન તરીયાનો બેલ....હંસો આવ્યો જગપુરમાં

હરે...પરહિતકારી સંત જો મળે ...આવ્યો જગપુરમાં

હે...ચુંથારામ જીવનનો લાવે અંત....હંસો આવ્યો જગપુરમાં

એક જડ ચેતનની ગ્રંથી

(એક દિલ્હીના દરવાજે - તંબોળી વેચે પાન રાયજાદા)

એક જડ ચેતનની ગ્રંથી - પકડાયો જુનો જોગી રામલીલા 

એને જડમાં પ્રીતિ જાગી - નિજસ્વરૂપ ભૂલ્યો હરામી રામલીલા

એને સંતો બહું સમજાવે - મુરખાને ભાન ના આવે રામલીલા

એને કર્મો આડાં આવે - એને માયા મોહ ઉપજાવે રામલીલા

એને દેહમાં હું પદ આવે - એને આત્મા નહીં સમજાયે રામલીલા

એના સુક્ષ્મના વિચારો - તેને તે બંધનનો ભારો રામલીલા

તેને સદગુરુ પુરા મળે - ચુંથારામ કિસ્મત ફળે રામલીલા

એક સંત પુરુષ જગ માંહે

(એક દિલ્હીના દરવાજે - તંબોળી વેચે પાન રાયજાદા)

એક સંત પુરુષ જગ માંહે - માયાની ગાંઠ છોડાવે બોધ તાજા

અમૃતની વૃષ્ટિ થાયે - મનડાંનો મેલ ધોવાયે બોધ તાજા

બધી કામના છોડાવે - નિષ્કામી જીવ બનાવે બોધ તાજા

તત્વ જ્ઞાનથી સમજાવે - ભવ બંધનથી છોડાવે બોધ તાજા 

કર્મોનો મર્મ બતાવે - પછી નીડર બનાવે બોધ તાજા

અધિકારી સંતો આવે - ગર્ભવાસથી છોડાવે બોધ તાજા

આશા તૃષ્ણાને ત્યાગે - ચુંથારામ આનદ લાવે બોધ તાજા