જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Wednesday, December 29, 2010

અંતે તો જવાનું એકલુ

હો ભાઇ અંતે તો જવાનું એકલુ રે

સાથે પૂન્ય અને પાપ ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે

હો ભાઇ કર્મોના બાંધેલાં પોટલાં રે

લાગે શિર પર બહું ભાર ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે

હો ભાઇ સાચુ ભજન ભાથું વ્હોર જો રે

સ્મરણ છોડાવે માર ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે

હો ભાઇ ગુરુગમ કુંચી લ્યો હાથમાં રે

ખોલો હ્રદયનાં દ્વાર ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે

હો ભાઇ પોતે પોતાનામાં ભુલો પડ્યો રે

ચુંથારામ પોતે નિજ નામ ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે

પાંચ સ્થંભનો બંગલો

એક પાંચ પાંચ સ્થંભનો બંગલો છે

તેમાં આત્મારામની પથારી મનજીભાઇ છાના છાના દાવ તમે રમશો નહી

તારો બાવન બજારે ડંકો છે

વાગે નવસો નવ્વાણું પોળ માંય મનજીભાઇ છાનાછાના દાવ તમે રમશો નહી

તમે ચાલો તો સુરતા ચાલે છે

તમે થંભો તો સુરતા થંભી જાય મનજીભાઇ છાના છાના દાવ તમે રમશો નહી

તમે અક્કલ બુદ્ધિને બાંધી છે

તારી વિચાર તોરંગ સવારી મનજીભાઇ છાના છાના દાવ તમે રમશો નહી

તમે સ્થિર થાઓ તો બહું સારુ છે

દાસ ચુંથારામને ધીરુ ધરનાર મનજીભાઇ છાના છાના દાવ તમે સમશો નહી

Monday, December 27, 2010

અવશર

હરી ભજવા અવશર આવેલો શીદ જવા દ્યો છો

મોજીલા મનવા આજ તમારે સત્વના સંચિત ફળીયા

લાખેણો અવશર આવેલો શીદ જવા દ્યો છો

મોજીલા મનવા જગતની ફિલ્મે ફસાઇ રહ્યા છો

મોજીલા મનવા સંસાર શારડીએ શીદ શેરાવ છો.... હરી ભજવા....

બુદ્ધિના બુઠા બાવળીએ બાથ ભીડી રહ્યા છો

મોજીલા મનવા માયા બંધને બંધાઇ જાવ છો...... હરી ભજવા......

અજ્ઞાને મારુ માનીને ભર્મે ભુલ્યા છો

મોજીલા મનવા મૄગજળના પાણી પીવા જાવછો...હરી ભજવા.......

નિજ સ્વરુપ તજીને દ્રશ્યના રુપમાં મોહ્યા છો

મોજીલા મનવા ચુંથારામ જીતી બાજી શીદ હારો....હરી ભજવા...

Saturday, December 4, 2010

ભુલી ગયો ભગવાનને


જીવ જુવાનીના જોરમા, પૈસાના તોરમાં, ભુલી ગયો ભગવાનને

તારા મનથી માને કે હું મોટો,

તારી પાસે ક્યાં બુદ્ધીનો તોટો

રહ્યો ગાફેલને વાળ્યો છે ગોટો લ્યા માનવી ભુલી ગયો ભગવાનને

પડ્યો પાંચ વિષયની પૂઠમાં,

ખોવા માંડ્યું આખુ જીવન જૂઠમાં,

તેથી સાચુ ના આવે સમજણમાં લ્યા માનવી ભુલી ગયો ભગવાનને

મન માંકડુ થેકડા મારતુ,

જાય ઉકરડે જરી સંભાર તુ,

ખરુ સાધન શુ છે એ ખોળ તુ લ્યા માનવી ભુલી ગયો ભગવાનને

ભૂંડા વિચારી જોને તુ વાયદો,

પ્રભુ નહી ભુલુ તેવો કર્યો વાયદો,

છુટો થયો ત્યારે પડી ગયો માંદો લ્યા માનવી ભુલી ગયો ભગવાનને

ઘણું કહ્યુ છે ગાંઠે બાંધ તું,

ચુંથારામ ભ્રમણાને છોડ તું

સત્ સાધનની સીડીએ ચડ તુ લ્યા માનવી ભુલી ગયો ભગવાનને

Thursday, December 2, 2010

ભક્ત

આખા કૂળમાં રે એક ભક્તજો પાકે તો કુળ ઇકોતેર તારશે રે

તેના સ્મરણથી રે નાસે જનમોના પાપો કે આત્મામાં પ્રીતિ જાગશે.

તેની વાણીમાં વસી રહ્યોરે મોરાળી કે સતસંગીને સુખ આપશે રે

તેના દર્શનથી દુઃખ દરિદ્ર નાસે કે ભવનાં બંધન કાપશે રે

તેના સહેવાસથી ભવ રોગ મટાડે કે આતમ જ્યોત જગાવશે

તેના શરણે પડેલાને નકરો બનાવે કે ચુંથારામ ભેગો ભરાઇ જાશે.

સોના સરીખો સૂરજ

હું તો જગના જંજાળેથી પરવળ્યો

મુજને સહેજે મળ્યા ગુરૂદેવ, મારે સોના સરીખો સૂરજ ઉગીયો

મેં તો શાંતિ ઘડુલે શ્રીફળ મુકીયાં

મેં તો સંતો તેડવ્યા આનંદભેર, મારે સોના સરીખો સૂરજ ઉગીયો

મેં તો મંડ્પ રોપાવી તોરણ બાંધીયા

માર હૈયામાં હરખ ના માય, મારે સોના સરીખો સૂરજ ઉગીયો

કંકુકેસરની ભરી રે કંકાવટી

ચૌવા ચંદનને ફુલડાનો હાર, મારે સોના સરીખો સૂરજ ઉગીયો

મેં તો ચરણ ધોઇ ચરણામૄત પી લીધાં

મારો સફળ બન્યો અવતાર, મારે સોના સરીખો સૂરજ ઉગીયો

પૂજન વિધિ પરવારી ભોજન આપીયાં

મારા મનનો પીરસાવ્યો મોહનથાળ, મારે સોના સરીખો સૂરજ ઉગીયો

મેં તો અગમ નિગમના પાસા ઢાળીયા

ચુંથારામ રમે સદ્‍ગુરૂ સાથ, મારે સોના સરીખો સૂરજ ઉગીયો