જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Monday, November 18, 2024

સંસારમાં સુખ છે જ નહીં સુખ સમજણમાં

 (રાગ:- અંબા તે રમવા નીસર્યા દેવી અન્નપૂર્ણા)

સંસારમાં સુખ છે જ નહીં સુખ સમજણમાં

દુઃખીને દિલાસો આપવો - સુખ સમજણમાં

કોઈનું ભલું કરી મદદ કરવી પરમાર્થ છે

આત્મ બ્રહ્મ પરમાત્મા - સુખ સમજણમાં

બ્રહ્મને જાણનાર થાય બ્રહ્મ ખરું સુખ સમજણમાં

આત્માને જાણનાર શોકને તરી જાય સમજણમાં

સર્વે સ્થળે પરમાત્મા અનાદી જોનાર સુખ સમજણમાં

સંભાળનાર જાણનાર વિચારનાર એક સમજણમાં

ચુંથા અંતર આત્મા છે એક ખરું સુખ સમજણમાં

પોતાના પિંડની માંહે રે.....

 (રાગ:- વાલા વિરા રે સર્વેશ્વરને સાહજ્યો)

પોતાના પિંડની માંહે રે એ ભગવાન બિરાજે છે

પોતાનું આવરણ નડતું હોવાથી

દેખી શકાય નહીં શાણો રે એ ભગવાન બિરાજે છે

શાંતિનો સાગર આનંદનો ભંડાર

આપણા અંતર માંહે રે એ ભગવાન બિરાજે છે

સદગુરુની કૃપા મળે તો

યુક્તિ બતાવે દેખવાની રે એ ભગવાન બિરાજે છે

આત્મ ચિંતનને પ્રભુ ભજનમાં

ચુંથા રહો ચિત્ત પરોવી રે એ ભગવાન બિરાજે છે

સંસારના ઘેર આપણ પરોણા રે આવ્યા

 (રાગ:- ખેલંતા ખેલંતા વન ગયા રે વનમાં ખેલે છે ઘોડા)


સંસારના ઘેર આપણ પરોણા રે આવ્યા

જીવતાં મારવાની વિદ્યા રે લાવ્યા

આત્માનું દર્શન જે કરે રે તેનું ભણતર સાચું


માન માયા લોભ ક્રોધ વગેરે

વિવેક વધારી પાછાં લાવે રે તેનું ભણતર સાચું


જ્ઞાન સ્વરૂપ આત્મા નિત્ય પ્રકાશે

અવિનાશી આનંદે દીન દમે રે તેનું ભણતર સાચું 


મેઘ ધારાથી અગ્નિ બુજાઈ જાશે

ચુંથા ગુરુગમથી અજ્ઞાન જાશે રે તેનું ભણતર સાચું

જરા સીધે સીધા ચાલો....

 (રાગ:- લાડીજી બનીને બળ્યું બોલો છો શ્યું)


જરા સીધે સીધા ચાલો બળ્યું બોલો છો શ્યું

હરિ ભજવા મુખડું આપ્યું બળ્યું બોલો છો શ્યું


મનુષ્ય જનમ મળિયો દિવાળીનો દહાડો

હરતાં ફરતાં સ્મરણ કરીએ લાગ મળ્યો છે સારો

બળ્યું કંચન મૂકી કાચ કથીરીયા તોલો છો શ્યું


નામ કેરી નગરીમાં નારાયણનો વાસ 

જ્યાં જુઓ ત્યાં સઘળે સ્થળે આત્માનો પ્રકાશ

બળ્યું માયા નશો કેફ ચડાવી બાજો છો શ્યું.


રજ્જુમાં જેમ સર્પની ભ્રાંતિ આજ્ઞાને જણાય

સદગુરુ શાન મળે તો સાચું સમજાય

ચૂંથા સદગુરુ હૈયે હોય પછી બાકી છે શ્યું

આત્મ ચિંતન લગની રે લાગી

 (રાગ:- હું તો તમને પૂછું રે મારા કેસરભીના વીરા રે)

આત્મ ચિંતન લગની રે લાગી દેહનું ભાન ના હોય રે.

કોણ છે સારું કોણ છે ખોટું ભાંજગડ હોય શાની રે.

દુનિયાના રસ ઢોંગી લે છે સાચાને કેમ ફાવે રે.

દૂધપાક જેવા ભોજન મૂકી વાસી અન્ન કોણ ખાય રે.

હીરા મોતી હાર ત્યજીને કાચ કથીર કેમ ગમશે રે.

શેરડીનો રસ મળવા છતાં લીમડો કોણ પીશે રે.

આત્મદેવનો આનંદ મૂકી ભૌતિકમાં કોણ ભમશે રે.

ચૂંથા ગુરુના શરણે રહીને આત્મ મનન ચિત્ત લાવો રે.


પાંજરામાંથી પક્ષી છૂટું થઈને ચાલ્યું જાય

 (રાગ:- વણજાર જોવા ગ્યાતાં)

પાંજરામાંથી પક્ષી છૂટું થઈને ચાલ્યું જાય, છૂટું થઈને ચાલ્યું જાય

સંશયની જાળમાંથી મન જો છૂટું થાય, મન જો છૂટું થાય.

અજ્ઞાન અંધારું છોડી સતસંગે જાય, મન જો સતસંગે જાય.

ધર્મ નીતિ ધારી મન જો સ્વરૂપે સંધાય, મન જો સ્વરૂપે સંધાય.

આસક્તિની જાળું છોડી નિજમાં સમાય, મન જો નિજમાં સમાય.

પાર બેડો થાય ચુંથા ગુરુ શરણ જાય, મન જો ગુરુ શરણ જાય.

હો ભાઈ ચિત્તના ચિતરામણ બંધ પડે રે

 (રાગ:- બાળા જોબનનો માંડવો રોપ્યો રે)

હો ભાઈ ચિત્તનાં ચિતરામણ બંધ પડે રે

ચિત્ત શુદ્ધ જો થાય, બ્રહ્મ સ્વરૂપ જીવ થઈ રહે રે.

હો ભાઈ જે વાસના મન ગ્રહણ કરે રે,

તો કલ્પેલું દ્રઢ થઈ જાય, બ્રહ્મ સ્વરૂપ જીવ થઈ રહે રે.

હો ભાઈ શરીરના બંધન જીવને ના હોય રે,

સત્ય સંકલ્પ થાય, બ્રહ્મ સ્વરૂપ જીવ થઈ રહે રે.

હો ભાઈ જગના વિચિત્ર તરંગોથી રે,

મન જો રંગાઈ ના જાય, બ્રહ્મ સ્વરૂપ જીવ થઈ રહે રે.

હો ભાઈ ચૂંથા જગત જાળ તોડીને રે,

ઉંદર જેમ છૂટો થાય, બ્રહ્મ સ્વરૂપ જીવ થઈ રહે રે.

Sunday, August 11, 2024

અમે સતસંગ વીણવા ગ્યાંતાં

(ગોળ થોડો રે ચિયાભાઈ અમને શીદ તેડ્યાં'તાં)

અમે સતસંગ વીણવા ગ્યાંતાં અમને આશા ઓળખી ગઈ 

પેલા દરમાં ચારુ ચાર - તેનો કોઈ નથી રખવાળ - અમને આશા ઓળખી ગઈ 

મોકલ્યા મોહજી લોભજી સુત - સાથે તૃષ્ણા તનીયા રૂપ - અમને આશા ઓળખી ગઈ 

લીધો કર્મ કોદાળો હાથ - રાફડો ખોદી ભરવી બાથ - અમને આશા ઓળખી ગઈ 

આ તો દિશે કાળો નાગ - નાસી જવાનો નહીં મળે લાગ - અમને આશા ઓળખી ગઈ 

આશા ભુખાવળી ચુડેલ - નાખે જનમ જનમની જેલ - અમને આશા ઓળખી ગઈ 

સંતો સમજાવે છે બહુ - ચુંથારામ છોડો એ શંખણી વહુ - અમને આશા ઓળખી ગઈ 

મન તો વાયુથી બળવાન

 (રાગ: ઊંચી સ્વરૂપ કેરી જ્યોત મદિર .........)

મન તો વાયુથી બળવાન ચિત્તમાં ચેતો ચિત્તમાં...વૈરાગે મન વશ થાય છે 

ચંચળ ગતિથી ભૂલે ભાન ચિત્તમાં ચેતો ચિત્તમાં...વૈરાગે મન વશ થાય છે 

ઘડી ઘડીમાં ભોગો ભોગવવામાં લલચાય છે 

ઘડીકમાં જંગલમાં નાસી જાય ચિત્તમાં ચેતો ચિત્તમાં...વૈરાગે મન વશ થાય છે 

ઘડીકમાં ઘર સંસારના સુખોમાં લલચાય છે 

ઘડીકમાં સતસંગની ઈચ્છા થાય ચિત્તમાં ચેતો ચિત્તમાં...વૈરાગે મન વશ થાય છે 

ઘડીકમાં તો મોજ મજાના સાધનો મેળવાય છે 

સંકલ્પ વિકલ્પમાં દોડી જાય ચિત્તમાં ચેતો ચિત્તમાં...વૈરાગે મન વશ થાય છે 

ગુરુ સ્મરણમાં રહી ને જે કઈ પ્રભુ સમરણ થાય છે 

ચુંથારામ સ્વરૂપે મનડું વાર ચિત્તમાં ચેતો ચિત્તમાં...વૈરાગે મન વશ થાય છે 

આ દેહ તો કંપણ જેવી રે

 (રાગ: કાન હજુની મોરલી રે ગોવાળીલાલ )

આ દેહ તો કંપણ જેવી રે તોલનારો તોલે છે 

ભલે મણ કે સો મણ તોલો રે કંપણ ક્યાં બોલે છે 

હોય વધતું કે ઓછું રે કંપણને નહીં પાપ લાગે

દેહ હુકમ બજાવે રે પાપી તોલનારો છે

આ દેહનો ચલાવનારો રે માંહ્યલો મલકે છે 

તેની કરો તપાસણી રે તેની શી ખામી છે 

ચુંથારામ પોતાને પરખો રે જનમની આંટી છે