(રાગ: શ્રીજી બાવા તે નાથ હમારા હું તો શરણ સેવું રે)
મારું આત્મ સ્વરૂપ મણી જેવું - તન નગરીના કમળમાં રહેવું.
તેને શ્રદ્ધા રૂપી નદીમાં નવડાવું - શુદ્ધ ધ્યાન રૂપી પુષ્પોથી વધાવું
મારું આત્મ સ્વરૂપ મણી જેવું
હું નિર્ગુણ શિવ સ્વરૂપ છું - આત્મ ચિંતનરૂપી આસન કરાવું રે
પુણ્ય પાપનો સંબંધ મને નથી - એ જ અર્ધ્યને પાધ્ય સમજવું રે
મારું આત્મ સ્વરૂપ મણી જેવું
નિરાવરણ હું ચૈતન્ય સ્વરૂપ છું - એવું ચિંતનને વસ્ત્ર સમજવું રે
મારું આત્મ સ્વરૂપ મણી જેવું
ત્રિગુણાત્મક માળાનું હું સૂત્ર - એવો નિશ્ચય તે જનોઈ ધારેલું રે
મારું આત્મ સ્વરૂપ મણી જેવું
બધી વાસનાનો ત્યાગ તે ધૂપ સમજું - આત્મ જ્ઞાન દીવડો જગાવું રે
મારું આત્મ સ્વરૂપ મણી જેવું
આનંદ રસ રૂપી નૈવેદ્ય પીણું ધરવું - વિષય અભાવરુપી પાનબીડું ધરવું રે
મારું આત્મ સ્વરૂપ મણી જેવું
આત્મ બ્રહ્મપણાનું જ્ઞાન તે આરતી - પૂર્ણાનંદ આત્મ દ્રષ્ટિ તે પુષ્પાંજલી રે
મારું આત્મ સ્વરૂપ મણી જેવું
હું કુટ્સ્થ નિર્વિકારી અચલ છું - ચુંથારામ એ પ્રદક્ષિણા રે
મારું આત્મ સ્વરૂપ મણી જેવું
No comments:
Post a Comment