જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Wednesday, July 31, 2024

ચાલો ચાલો સદગુરુ પાસ ઉતાવળ શીદને કરો છો

(રાગ: બેસો બેસો મંડપની માંહ્ય ઉતાવળ શીદ ને કરો છો)

ચાલો ચાલો સદગુરુ પાસ ઉતાવળ શીદને કરો છો 

સ્નાન-ધ્યાન-સેવાથી મનના મેલ કાઢો

પાત્ર થઇ બનો હોંશિયાર ઉતાવળ શીદને કરો છો

દર્પણ જેવું દિલ સાફ કરીલ્યો

ભટકતા મનડાને વાર ઉતાવળ શીદને કરો છો

શામ-દામ-શાંતિ-સહનતાને કેળવી 

કરવા વૈરાગ્યના વિચાર ઉતાવળ શીદને કરો છો

વિવેક વિચારને આગળ કરીને 

ચુંથારામ બનો તૈયાર ઉતાવળ શીદને કરો છો

સત્સંગી મંડળીમાં રંગ ભર્યો રંગ ભર્યો

(રાગ: ઊંચી ઊંચી વાદળીમાં રંગતાળી રંગતાળી)

સત્સંગી મંડળીમાં રંગ ભર્યો રંગ ભર્યો

સુરતામાં શ્રીકૃષ્ણ કાળો છે - મોહનજી મોરલી વાળો છે

કાયા કદમ ઝાડ છાંયે શામળિયો છાંયે શામળિયો 

વેણુંનો નાદ ગણો પ્યારો છે - મોહનજી મોરલી વાળો છે

ગોલોકની ગોપીયો ધીમી ધીમી ચાલતી ધીમી ધીમી ચાલતી

બેહદમાં રાસ રમનારો છે - મોહનજી મોરલી વાળો છે

અનહદના ઘાટમાં જુગથી છે ન્યારો જુગથી છે ન્યારો 

ચુંથારામ પ્રેમ પુરનારો છે - મોહનજી મોરલી વાળો છે

મનની મનમાં રહી જાય

 (રાગ: વેલવાળા વેલો શણગાર આજ મારે આરાસુર જાવું )

મનની મનમાં રહી જાય તેડાં થશે કિરતારનાં 

વાયદા ના ચાલે લગાર તેડાં થશે કિરતારનાં

ચિતડાના ચાળા તારા બંધ પડી જાશે

છોડવા પડશે ઘરબાર તેડાં થશે કિરતારનાં

માલ ને મિલકતમાં તારો જીવડો મૂંઝાશે 

સાથે ના આવે તલભાર તેડાં થશે કિરતારનાં

કર્મોનો વિપાક તારો વેઠી લેવો પડશે

વેદના થાશે અપાર તેડાં થશે કિરતારનાં

સુત વિત દારા કોઈ સાથે નહિ આવે

એકલા જાશો નિર્ધાર તેડાં થશે કિરતારનાં

તું તો હતો કોણ ને કોનો બની ચાલ્યો 

ચુંથારામ ભજો ભગવાન તેડાં થશે કિરતારનાં

સ્ત્રી છે ભયંકર બેડી છૂટે વિરલા કોક

(રાગ: અમે ભૂંડું ના ગઈએ હરિવર ચાલ્યા)

સ્ત્રી છે ભયંકર બેડી છૂટે વિરલા કોક

કુટુંબરૂપી કેદખાનું છુટે વિરલા કોક

અહંકાર રૂપી થાંભલો - તૃષ્ણારૂપી દોર

જીવરૂપી હથીડો ઘણું કરે જોર

માયારૂપી કાદવથી છુટે વિરલા કોક

સર્પદંશથી મનુષ્ય મરે એક વાર 

સ્ત્રી સર્પણી દંશથી જન્મે વારંવાર 

સ્ત્રીના મોહ-સ્નેહથી છૂટે વિરલા કોક

મનની આશક્તિ દેહને અંગારા સમાન

છૂટે આશક્તિ તો તો અમૃત સમાન

ચુંથારામ દેહાભિમાનથી છૂટે વિરલા કોક

Tuesday, July 30, 2024

બંધન મોક્ષ સુખ દુઃખ એ મનના રે ધર્મો

(રાગ: કન્યા છે કાચની પુતળી રે કન્યા બાળ કુંવારી)

બંધન મોક્ષ સુખ દુઃખ એ મનના રે ધર્મો

આત્માને બંધન મોક્ષ ના હોય રે આત્મા નિત્ય છે મુક્ત

સંસારની જાળમાં મન ફસાઈ રહ્યું છે

પોતાનું રૂપ જીવડો ના જાણે રે આત્મા નિત્ય છે મુક્ત

પોતાનું સ્વરૂપ જો જાણવું હોય તો 

વિષયોને વિષ તુલ્ય માનજો રે આત્મા નિત્ય છે મુક્ત

વિષયી મનુષ્યોનો સંસર્ગ તાજજો

ચુંથારામ ગુરુ માર્ગ અનુસર્જ્યો રે આત્મા નિત્ય છે મુક્ત

જેમ મડદું ચાલી શકે નહીં

 (મારા આંગણે ખાજુરીનો છોડ)

જેમ મડદું ચાલી શકે નહીં - અજ્ઞાનીને બ્રહ્મજ્ઞાન નહીં

જ્ઞાની નીરખે પોતાનું સ્વરૂપ આનંદની મસ્તીમાં રહી 

અજ્ઞાની ભૌતિક પદાર્થે રીઝાય 

ફાંફાં મારે આનદ ક્યાંથી દેખાય

આનંદ તો અંતરમાં હોય - અજ્ઞાનીને બ્રહ્મજ્ઞાન નહીં

તપેલી રેતીમાં મૃગજળ શોધવા જાય

દોડી દોડી મરે હેરાન હેરાન થાય

મૂરખજન શ્વાનની પેઠે દોટમદોટા કરી મરે રે ...જેમ મડદું..... 

રાગદ્વેષ છોડે તો અહંકાર જાય 

અહંકાર જાય શિવ સ્વરૂપ જ થાય 

ચુંથારામ સદગુરુની કૃપાથી સ્વરુપતો મળી જશે રે...જેમ મડદું..... 

તું કોણ ને કોને વળગ્યો

 (રાગ: મારી કંઠી પરોવી સેર તૂટી રે વાડીના વનમાં લુંટી)

તું કોણ ને કોને વળગ્યો રે - મૂળ તપાસી જો તારું 

તું ચેતન જડને વળગ્યો રે - મૂળ તપાસી જો તારું 

આખો સંસાર મનની કલ્પનાને 

મન મિથ્યા નિરાકાર જેવું રે - મૂળ તપાસી જો તારું

મુર્ખ મનુષ્યોનું મન ઇન્દ્રિય ગામી

ભોગ વિલાસમાં ભટકાવે રે - મૂળ તપાસી જો તારું

મૃગજળ જેવા સંસારના વૈભોગો 

તરસ છીપે નહીં ને શાંતિ ક્યાંથી આવે રે - મૂળ તપાસી જો તારું

માટે હ્રદયમાં આત્મ ચિંતન કરવું

ચુંથારામ નિજ સ્વરૂપ નિહાળો રે - મૂળ તપાસી જો તારું

જગત પ્રત્યેની પ્રીત ગયા વિણ ભક્તિ ક્યાંથી માનીએ

(રાગ: મેં તો જાણ્યું કે વેવાઈ મજીયાં રે લાવશે)

જગત પ્રત્યેની પ્રીત ગયા વિણ ભક્તિ ક્યાંથી માનીએ

અંતરમાં વૈરાગ્ય વિના નહીં જ્ઞાન રે જંજાળી જીવડા........

        આશક્તિના અંકુળ તારા મૂળથી ઉખેડી નાખ જે  

નાશ વાળી વસ્તુ પાછળ શીદને દોડી જાય છે

સાચા સંગે જીવન ઉજ્જવળ થાય રે જંજાળી જીવડા........

        વાસનાના અંકુળ તારા મૂળથી ઉખેડી નાખ જે 

સદગુરુના સંગે રહીને અનુભવ વસ્તુ વહોરજે 

નિજ સ્વરૂપે ચુંથા ચિંતા છોડ રે જંજાળી જીવડા........

        સંશયોના અંકુળ તારા મૂળથી ઉખેડી નાખ જે

મારી સુરતા છબીલી રાસ ખેલતીતી

 (રાગ: આજ ધન્ય ઘડી ને ધન્ય રાતલડી)

મારી સુરતા છબીલી રાસ ખેલતી'તી

બ્રહ્મકારે બ્રહ્માંડની માંહ્ય  રસીલી રાસ ખેલતી'તી

આત્મ રામનાં જીલણાં જીલતી'તી 

શૂન્ય શિખરના મંદિર માંહ્ય રસીલી રાસ ખેલતી'તી

લીલા-પીળા તત્વોના તાર ગૂંથતી'તી

ઓહ્મ-સોહમની સીડીએ ચઢતી રસીલી રાસ ખેલતી'તી

જ્ઞાન ગોળા ગુલાબી ઉછાળતી'તી

ભમ્મર ગુફામાં બ્રહ્મ જ્યોત જોતી રસીલી રાસ ખેલતી'તી

નિજ નામે અનામમાં રમતી'તી

ચુંથારામ સ્વરૂપે ચિતધારી રસીલી રાસ ખેલતી'તી


Monday, July 29, 2024

બંદા દર્પણમાં શું જુઓ રે ગુણનો ભર્યો ઘાટ

(રાગ: ભમર ભોળીનો સાહ્યબો રે મારો સાહ્યબો સુબેદાર)

બંદા દર્પણમાં શું જુઓ રે ગુણનો ભર્યો ઘાટ

 નિજ નામે પાપ ધુઓ રે ગુણનો ભર્યો ઘાટ

બંદા આંખોમાં અંગારા રે ગુણનો ભર્યો ઘાટ

ક્રોધે ચંડાળના ચાળા રે ગુણનો ભર્યો ઘાટ

બંદા મગરૂબીનાં મુખડાં રે ગુણનો ભર્યો ઘાટ

બંદા મોહનાં વાંચો દુખડાં રે ગુણનો ભર્યો ઘાટ

બંદા અક્કડ ફક્કડ દેખો રે ગુણનો ભર્યો ઘાટ

ચુંથારામ રજો પેખો રે ગુણનો ભર્યો ઘાટ