જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Saturday, August 10, 2024

વાસના છે દુઃખકારી જગતમાં

(રાગ: સાસરીએ નહીં જાઉં મા મને મહીયરીયાં ઘણાં વાહલાં)

વાસના છે દુઃખકારી જગતમાં વાસના છે દુઃખકારી

વિષયી જાળમાં માનવો ફસાયો 

નીકળવાની નહીં બારી જગતમાં વાસના છે દુઃખકારી

વિષયીજનોથી વેગળા રે રહેજ્યો

ચિત્રમાં ચૂક પાડનારી જગતમાં વાસના છે દુઃખકારી

પોતાનો ઉદ્ધાર પોતે જ કરવો 

ગુરુ શિક્ષા ઉર ધારી જગતમાં વાસના છે દુઃખકારી

આત્મ વિચારમાં લીન થઇ રહેવું 

વૈરાગે મનડાને વારી જગતમાં વાસના છે દુઃખકારી

અજ્ઞાનને લીધે અહંકાર બને છે

મારા તારાની ભૂલ ભારી જગતમાં વાસના છે દુઃખકારી

વિવેક વિચારના ઘરુડે આવી 

તૃષ્ણા સમર્પણ હારી જગતમાં વાસના છે દુઃખકારી

ઓમકાર બ્રહ્મનું ચિંતન કરીને 

ચુંથારામ ગુરુગમ ન્યારી જગતમાં વાસના છે દુઃખકારી

Wednesday, August 7, 2024

જ્ઞાની આડંબર ના કરે

(રાગ: સંગી વિનાની શી વાતડી - તાળાં ખોલી શું કરીએ)

જ્ઞાની આડંબર ના કરે - સહજ ભાવે ઉદાસી 

વાડા ઘેટાં-બકરાં તણા - જ્ઞાની સ્વયં પ્રકાશી 

કપુતનો સંગ થોડોય રગડે 

સંતપુરુષનો ઉપદેશ બગડે

દૂધમાં છાશનો છાંટો પડે - થાય દૂધની ખરાબી 

ભ્રાંતિ મટે તે છાનું કેમ રહે - આવે અમૃત વાણી 

મારા તારની અગ્નિમાં સળગે 

બીજાની અગ્નિ કેમ કરીને બુઝાવે 

ગુણ પ્રગટ્યા વિના જાણવું - જેવાં ઝાકળનાં મોતી

ક્ષણમાં ભાગી જાય ચુંથારામ એ તો જનમના રોગી  

જ્ઞાની ઇન્દ્રિય વગરનું સુખ અનુભવી રહ્યા રે

(રાગ: પેલા ચિયાના પગે મારું ઝાંઝર રે)

જ્ઞાની ઇન્દ્રિય વગરનું સુખ અનુભવી રહ્યા રે 

અજ્ઞાની ઇન્દ્રિયોના સુખમાં ડૂબી ડૂબી રહ્યા રે 

જ્ઞાની આખું જગત આત્મા રૂપે જોઈ રહ્યા રે 

અજ્ઞાની આખું જગત રાગ દ્વેષ રૂપે જોઈ રહ્યા રે 

જ્ઞાની પ્રાપ્ત થયેલ વસ્તુમાં સંતોષ માને છે રે 

અજ્ઞાની ઈર્ષા તૃષ્ણા લોભથી હેરાન થાય છે રે

જ્ઞાની આત્મા તીર્થ જ્ઞાન જળમાં સ્નાન કરે રે 

ચુંથારામ મોક્ષ સુખને જ્ઞાનીઓ જ જાણી શકે રે 

જાણી લ્યો આ હળાહર કળીયુગમાં રે

(રાગ: દ્વારિકાથી પ્રભુ આવિયા રે )

જાણી લ્યો આ હળાહર કળીયુગમાં રે 

ભક્તિ ભવસાગર તરવાનો ઉપાય છે......જાણી લ્યો આ........

નામના નિશાન જેને મળી ગયા રે 

સદગુરુ તારણહાર મારા વા'લા......જાણી લ્યો આ........

નામ ભણ્યો તે સર્વ ભણ્યો રે 

સકલ શાસ્ત્ર ને ચાર વેદ મારા વા'લા......જાણી લ્યો આ........

નામ મળે ગુરુ ઘાટથી રે 

સંતો તણો ઉપકાર મારા વા'લા......જાણી લ્યો આ........

નામ સમોવડ કોઈ નહીં રે 

નામે તર્યા પાષાણ મારા વા'લા......જાણી લ્યો આ........ 

નામ અનામમાં જઈ ભળે રે 

ચુંથારામ નામે તદાકાર મારા વા'લા......જાણી લ્યો આ........



વિષયોમાં પ્રેમ જીવનનું એ બંધન મોટું

(રાગ: કન્યા છે કાચની પુતળી રે કન્યા બાળ કુંવારી)

વિષયોમાં પ્રેમ જીવનનું એ બંધન મોટું

વિષયોનું મનમાંથી મૂળ કાઢો રે ત્યારે મોક્ષ કહેવાય

નિર્મળ સ્વચ્છ શરીર દિવ્ય હોય 

પવિત્ર કર્યોમાં પ્રવૃત્ત રહે ત્યારે મોક્ષ કહેવાય 

મનની વાસનાઓથી સંસાર બને છે 

જ્ઞાનાગ્નિથી વાસના બળે રે ત્યારે મોક્ષ કહેવાય 

સંસારિક ભોગો મિથ્યા કરી માને 

સાચી શાંતિ જયારે ચિત્ત ધારે રે ત્યારે મોક્ષ કહેવાય 

હ્રદયમાં આત્મ દેવનું ચિંતન કરવું 

ચુંથારામ સ્વરૂપે બની રહેવું રે ત્યારે મોક્ષ કહેવાય 

દેહનગરના દરવાજા

 (રાગ: ચિયાની બૈયરને હાથે મારી વીંટી રે)

દેહનગરના દરવાજા - દ્વારે દ્વારે તમાશા....જગની બાજી માંડી રે 

દરવાજાના ફજેતા.....જગની બાજી માંડી રે 

પાંચ કિલ્લા બંધાણા - ચાર ચૌટા ચિતરાણા....જગની બાજી માંડી રે 

મનવો જોકર લાલ સર....જગની બાજી માંડી રે 

ચાર-પાંચ ફેરિયા લુંટી ખાય - ચાર ચૌદશીયા તાણી જાય....જગની બાજી માંડી રે 

કાસલીયાં મોહનજી કારભાર....જગની બાજી માંડી રે 

સંત તણું શરણું જો સહાય - સદગુરુને શરણે જાય....જગની બાજી માંડી રે 

ચુંથારામ લળી લળી લાગે પાય....જગની બાજી માંડી રે  

દિલનાં દર્પણ ચોખ્ખાં કરવો

 (રાગ: નવાનગરથી બેસણી મંગાવો.........)

દિલનાં દર્પણ ચોખ્ખાં કરાવો - સોનાના થાળમાં મોતી ભરાવો

નમતા રહો રે નમતા રહો - સંતોને કંઇક પૂછતાં રહો 

સેવા કરીને સંતો રિઝવો -  દિલનાં દર્પણ ચોખ્ખાં કરાવો

ફૂલના હાર ને ફૂલના ગજરા - કંકુ ચંદનને પીળા ચોખલીયા

પાવલાં પખાળી ચરણામૃત પી જાવો - દિલનાં દર્પણ ચોખ્ખાં કરાવો

દુર્ગુણ ત્યાગ કરો સત્વનો ભંડાર ભરો

ચુંથારામ ઝટ કરી સદગુરુ મેળવો - દિલનાં દર્પણ ચોખ્ખાં કરાવો

Tuesday, August 6, 2024

એક ભમ્મર ગુફામાં રે .......ભયકારો દેખાય

(રાગ: લીમડે ઝાઝી લીંબોળી રે હાલક ડોલક થાય)

એક ભમ્મર ગુફામાં રે .......ભયકારો દેખાય 

જાણે લક્ષ સૂર્ય ઉગ્યા રે.....પ્રકાશ દેખાય 

અણુ અણુ ને પરમાણું  - સગળે સ્થુલે દરસાણું

સુત્રાત્માનોઉજીયાળો રે......પ્રકાશ દેખાય 

એક નામમાં અનામી રે.........સતસંગે સમજાય 

જયારે જ્ઞાની દ્રષ્ટિ ખુલે રે.........અરસ-પરસ દેખાય

જ્યાં જુઓ ત્યાં તેનો તે - સઘરે સ્થુલે એનો એ 

આત્મ દ્રષ્ટિથી નિહાળો રે.........પ્રકાશ દેખાય 

જેવી પુષ્પમાં સુગંધી રે........સમજણથી જણાય

જેમ કાષ્ટમાં અગ્નિ રે.........ઘર્ષણથી જણાય 

ભૂમિને નભ મંડળમાં - પવનમાં ને વૃષ્ટિમાં 

ચુંથારામ ગુરુગમથી સમજાશે રે...........પ્રકાશ દેખાય  

નામની નાગરવેલ

(રાગ: વાડીમાં રેલા રેલ રીંગણું ચોરી ને ગઈ)

એક નામની નાગરવેલ - વસ્તુમાં વીંટાઈ રહી

શબ્દોની વાણી બનેલ - નાભિમાં નોંધાઈ ગઈ 

નાનું-મોટું કોઈ નહિ - અંદર બાહિર થઇ

પાંચે તત્વોથી બનેલ - વસ્તુમાં વીંટાઈ રહી

નામ-રૂપ ગુણ નહીં - ઠંડો ગરમ નહીં 

લંબાઈ પહોળાઈ રંગ રેલ - વસ્તુમાં વીંટાઈ રહી

કદ - આકાર નહીં - નજરે દેખાય નહીં

ગગન મંડળમાં વસેલ - વસ્તુમાં વીંટાઈ રહી

રૂપે રૂપે આત્મા - જગત પરમાત્મા 

ચુંથારામ સ્વરૂપ સમરેલ - વસ્તુમાં વીંટાઈ રહી

 

જોઈ જોઈ પગલાં ભરજે પ્રાણી પવન ફૂંકાય છે

(રાગ: સાંભળ રે છબીલા છૈયા શિખામણ દઉં છું)

 જોઈ જોઈ પગલાં ભરજે પ્રાણી પવન ફૂંકાય છે

ડરી ડરી ડગ ભરજે પ્રાણી પવન ફૂંકાય છે

કડવી બોલી ના બોલીએ

કોઈનું દિલ ના દુભાવીયે 

નીતિ રીતી ધર્મે ચાલી અહંકાર મુકાય છે - જોઈ જોઈ પગલાં...

નિંદા સ્તુતી ના કરીએ 

દુરીજનોથી દુર રહીએ 

સત્યની સંગત મેળવવાથી મનના મેલ જાય છે - જોઈ જોઈ પગલાં...

અદકું ઓછું ના તોલીએ 

મશ્કરીઓમાં ના બોલીએ 

આત્મ ભાવે રહીએ ચુંથારામ સમદ્રષ્ટિ જળવાય છે - જોઈ જોઈ પગલાં...