જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Wednesday, August 7, 2024

દેહનગરના દરવાજા

 (રાગ: ચિયાની બૈયરને હાથે મારી વીંટી રે)

દેહનગરના દરવાજા - દ્વારે દ્વારે તમાશા....જગની બાજી માંડી રે 

દરવાજાના ફજેતા.....જગની બાજી માંડી રે 

પાંચ કિલ્લા બંધાણા - ચાર ચૌટા ચિતરાણા....જગની બાજી માંડી રે 

મનવો જોકર લાલ સર....જગની બાજી માંડી રે 

ચાર-પાંચ ફેરિયા લુંટી ખાય - ચાર ચૌદશીયા તાણી જાય....જગની બાજી માંડી રે 

કાસલીયાં મોહનજી કારભાર....જગની બાજી માંડી રે 

સંત તણું શરણું જો સહાય - સદગુરુને શરણે જાય....જગની બાજી માંડી રે 

ચુંથારામ લળી લળી લાગે પાય....જગની બાજી માંડી રે  

દિલનાં દર્પણ ચોખ્ખાં કરવો

 (રાગ: નવાનગરથી બેસણી મંગાવો.........)

દિલનાં દર્પણ ચોખ્ખાં કરાવો - સોનાના થાળમાં મોતી ભરાવો

નમતા રહો રે નમતા રહો - સંતોને કંઇક પૂછતાં રહો 

સેવા કરીને સંતો રિઝવો -  દિલનાં દર્પણ ચોખ્ખાં કરાવો

ફૂલના હાર ને ફૂલના ગજરા - કંકુ ચંદનને પીળા ચોખલીયા

પાવલાં પખાળી ચરણામૃત પી જાવો - દિલનાં દર્પણ ચોખ્ખાં કરાવો

દુર્ગુણ ત્યાગ કરો સત્વનો ભંડાર ભરો

ચુંથારામ ઝટ કરી સદગુરુ મેળવો - દિલનાં દર્પણ ચોખ્ખાં કરાવો

Tuesday, August 6, 2024

એક ભમ્મર ગુફામાં રે .......ભયકારો દેખાય

(રાગ: લીમડે ઝાઝી લીંબોળી રે હાલક ડોલક થાય)

એક ભમ્મર ગુફામાં રે .......ભયકારો દેખાય 

જાણે લક્ષ સૂર્ય ઉગ્યા રે.....પ્રકાશ દેખાય 

અણુ અણુ ને પરમાણું  - સગળે સ્થુલે દરસાણું

સુત્રાત્માનોઉજીયાળો રે......પ્રકાશ દેખાય 

એક નામમાં અનામી રે.........સતસંગે સમજાય 

જયારે જ્ઞાની દ્રષ્ટિ ખુલે રે.........અરસ-પરસ દેખાય

જ્યાં જુઓ ત્યાં તેનો તે - સઘરે સ્થુલે એનો એ 

આત્મ દ્રષ્ટિથી નિહાળો રે.........પ્રકાશ દેખાય 

જેવી પુષ્પમાં સુગંધી રે........સમજણથી જણાય

જેમ કાષ્ટમાં અગ્નિ રે.........ઘર્ષણથી જણાય 

ભૂમિને નભ મંડળમાં - પવનમાં ને વૃષ્ટિમાં 

ચુંથારામ ગુરુગમથી સમજાશે રે...........પ્રકાશ દેખાય  

નામની નાગરવેલ

(રાગ: વાડીમાં રેલા રેલ રીંગણું ચોરી ને ગઈ)

એક નામની નાગરવેલ - વસ્તુમાં વીંટાઈ રહી

શબ્દોની વાણી બનેલ - નાભિમાં નોંધાઈ ગઈ 

નાનું-મોટું કોઈ નહિ - અંદર બાહિર થઇ

પાંચે તત્વોથી બનેલ - વસ્તુમાં વીંટાઈ રહી

નામ-રૂપ ગુણ નહીં - ઠંડો ગરમ નહીં 

લંબાઈ પહોળાઈ રંગ રેલ - વસ્તુમાં વીંટાઈ રહી

કદ - આકાર નહીં - નજરે દેખાય નહીં

ગગન મંડળમાં વસેલ - વસ્તુમાં વીંટાઈ રહી

રૂપે રૂપે આત્મા - જગત પરમાત્મા 

ચુંથારામ સ્વરૂપ સમરેલ - વસ્તુમાં વીંટાઈ રહી

 

જોઈ જોઈ પગલાં ભરજે પ્રાણી પવન ફૂંકાય છે

(રાગ: સાંભળ રે છબીલા છૈયા શિખામણ દઉં છું)

 જોઈ જોઈ પગલાં ભરજે પ્રાણી પવન ફૂંકાય છે

ડરી ડરી ડગ ભરજે પ્રાણી પવન ફૂંકાય છે

કડવી બોલી ના બોલીએ

કોઈનું દિલ ના દુભાવીયે 

નીતિ રીતી ધર્મે ચાલી અહંકાર મુકાય છે - જોઈ જોઈ પગલાં...

નિંદા સ્તુતી ના કરીએ 

દુરીજનોથી દુર રહીએ 

સત્યની સંગત મેળવવાથી મનના મેલ જાય છે - જોઈ જોઈ પગલાં...

અદકું ઓછું ના તોલીએ 

મશ્કરીઓમાં ના બોલીએ 

આત્મ ભાવે રહીએ ચુંથારામ સમદ્રષ્ટિ જળવાય છે - જોઈ જોઈ પગલાં...

Saturday, August 3, 2024

જેને સ્તુતિ કે નિંદા સમાન છે રે

(રાગ: સુણો સાહેલી વાત સતસંગની રે..)

જેને સ્તુતિ કે નિંદા સમાન છે રે 

જે કોઈ રાગ દ્વેષથી ઉપરામ છે રે - તેવા ભક્ત ભગવાનને નમસ્કાર છે રે 

આખી જીંદગી સંસારમાં વેડફી રે

બાકી રહે તે કલ્યાણમાં વાપરે રે - તેવા ભક્ત ભગવાનને નમસ્કાર છે રે 

ઘેર ગંગા આવી આળસુ નાહવા ના ઊઠે રે 

જ્ઞાની વૈતરું મુકીને ઝટ જાગશે રે - તેવા ભક્ત ભગવાનને નમસ્કાર છે રે 

જે શ્વાસ શરીરમાં આવ-જા કરે રે 

તે આવે કે ના આવે આત્મા ભાવ ભારે રે - તેવા ભક્ત ભગવાનને નમસ્કાર છે રે 

આત્મા ઓળખી આનંદ આનંદ કરો રે 

ચુંથારામ સારા પુરુષોની સંગત મેળવે રે - તેવા ભક્ત ભગવાનને નમસ્કાર છે રે 

મારા ઘટમાં ઘટ ગોવિંદની ગાદી રે

(રાગ: મારા માંડવે નાગર વેલ છાયી રે માંડવો....)

મારા ઘટમાં ઘટ ગોવિંદની ગાદી રે શામળો છુપાઈ રહ્યો 

ત્રણ ગુણ પર અજબ તમાશા સોહમ સોહમ બોલે રે 

હો.....મારી સુરતા સન્મુખ રહી ને ડોલે રે....શામળો છુપાઈ રહ્યો

ત્રિવેણી પર યમુના તીરે કદમ તરું ની છાંયે રે 

હો....ગોલકની ગોપી પડદા ખોલે રે....શામળો છુપાઈ રહ્યો

બ્રહ્મ સ્વરૂપે બ્રહ્માકારે નીર-નિરંજન સોહે રે

ચુંથારામના કંઠે આવી બોલે રે....શામળો છુપાઈ રહ્યો

શ્રી ગુરુ મહારાજ તમો પર વારી

 (રાગ: હરે રામ ગોવિંદ ગોપાલા)

શ્રી ગુરુ મહારાજ તમો પર વારી

વારી વારી શ્રી મન મોરારી રે ....... ગુરુ મહારાજ તમો પર વારી

પરબ્રહ્મ રૂપે અવિકારી

જગ જ્યોતિ સ્વરૂપ છબી ન્યારી....... ગુરુ મહારાજ તમો પર વારી

તમે નીર નિરંજન યોગી

તમે બ્રહ્મ સદનના ભોગી....... ગુરુ મહારાજ તમો પર વારી

તમે દુઃખભંજન ગુરુ દાતા

તમે અખંડ પરમ સુખ શાતા....... ગુરુ મહારાજ તમો પર વારી

તમે સત્ય સગુણ સ્વરૂપ 

ચુંથારામ દિશો છો અનુપ ....... ગુરુ મહારાજ તમો પર વારી

પ્રભુ બેલી રે પ્રભુ બેલી

 (રાગ: હાથી જોયો રે હાથી જોયો ...........)

પ્રભુ બેલી રે પ્રભુ બેલી અંત વેળાના પ્રભુ બેલી

મુકે ઠેલી રે મુકે થેલી સ્વાર્થ મટે કે સગાં મુકે ઠેલી

ભૂખ ના જોઈ ને દુઃખ ના જોયું

તળ્યું તળેલું મન મેલી અંત વેળાના પ્રભુ બેલી

તાપના જાણ્યો ને ટાઢ ના જાણી

તન કંપે થર થર વરસાદ હેલી અંત વેળાના પ્રભુ બેલી

ખાડા ખાબોચિયામાં પટકાઈ મરતો

એવી એવી રમતો ભોગવેલી અંત વેળાના પ્રભુ બેલી

હરિ ના ભજીયા ને વિખવાદ વધીયા

નથી તજાતી માયા ચીતરેલી અંત વેળાના પ્રભુ બેલી

ધરમ ના જાણ્યો ને મરમ ના જાણ્યો

ચુંથારામ રહો શીશ ગુરુચરણ મેલી અંત વેળાના પ્રભુ બેલી

કાળની ચક્કી ચલંતી કોઈ દેખજ્યો

(રાગ: હંસલા જાજે ગોકુળિયા ગામમાં)

કાળની ચક્કી ચલંતી કોઈ દેખજ્યો

ઘમ્મર ઘમ્મર ફરતી ને જીવ દાણા દળતી.....કાળની ચક્કી ચલંતી....

આકાશ - ભૂમિ બે પડીયાં ફરે ફૂંદડી

મધ્યમાં માયા રૂપે ફરે માંકડી.....કાળની ચક્કી ચલંતી....

સત્યનો ખીલો સંતો રહ્યા પકડી 

ચુંથારામ ગુરુશરણ બાંધી પ્રીતડી.....કાળની ચક્કી ચલંતી....

જે સુખ શરૂઆતમાં કષ્ટ જેવું લાગે

 (રાગ: કન્યા છે કાચની પુતળી રે કન્યા બાળ કુંવારી)

જે સુખ શરૂઆતમાં કષ્ટ જેવું લાગે 

પરિણામે અમૃત હોય રે......તે સુખ સાત્વિક કહેવાયે 

વે'લા ઊઠી ધાર્મિક ગ્રંથોનું અધ્યયન કરવું

ગુરુ સ્મરણ ઉપદેશ સાંભરવા રે......તે સુખ સાત્વિક કહેવાયે 

સ્મરણ મનન નિદિધ્યાસન કરવું

સંતોને શીશ નમાવવું રે......તે સુખ સાત્વિક કહેવાયે 

બોધ વચનોનું મંથન કરવું 

ચુંથારામ નિજ અનુસરવું રે......તે સુખ સાત્વિક કહેવાયે 

જેઓ મન કર્મ વચને પ્રભુ પરાયણ રહેશે રે....

(રાગ: મારા માંડવે નાગર વેલ છાઈ રે માંડવો .....)

જેઓ મન કર્મ વચને પ્રભુ પરાયણ રહેશે રે....તેને આત્મજ્ઞાન થાય

એક જ કલાક માળા ફેરવે ત્રેવીસ કલાક રખડે રે 

હો...માયાનાં મીઠાં મધ સુખ છોડે રે....તેને આત્મજ્ઞાન થાય

સગાં-વ્હાલાંની ખુશામતમાં ભાવનાં બંધન બાંધે રે 

હો...અમુલ્ય સતસંગનો સેવનારો રે....તેને આત્મજ્ઞાન થાય

લોકડીયાંનાં મહેણાં ટેણાં સહન કરતાં શીખે રે 

હો...કોઈનું અપમાન કરવું એ પોતાનું માને રે....તેને આત્મજ્ઞાન થાય

સર્વ સ્થુલે વ્યાપી રહેલો સમદ્રષ્ટિમાં દરશે રે 

ચુંથારામ જેના ચિતમાં આનદ વરસે રે....તેને આત્મજ્ઞાન થાય

ઘરના સંસારી વાતાવરણમાં ભજન સાધન થાય

 (રાગ: મારો માંડવો રઢીયાળો લીલી પાંદડીએ સોહાવ્યો મારા રાજ)

ઘરના સંસારી વાતાવરણમાં ભજન સાધન થાય 

તેમાં ચિતડું વારંવાર રોકાય

રજોગુણની રજ સાધક પર ઊડી ઊડી જાય 

તેથી આત્મ જ્ઞાનની પ્રાપ્તિ નવ થાય 

સત્વ ગુણોથી સંતોની સોબતમાં જો રહેવાય 

લોટ ફાકવો ને હસવું ભસવું કેમ થાય 

માનવો શરીરની અંદર મોટો ભયંકર રોગ

તેની આજ્ઞા પ્રમાણે ચાલે સર્વ લોક

બહું બોલવું ગમે, લોકો સારો કહે એવી ઈચ્છાય 

ચુંથારામ કહે કલ્યાણ ક્યાંથી થાય 


તન-મન-ધનના સ્વામી જીવરાજા

 (રાગ: મોનીબેનને સાંકળાં જોઇશે વરરાજા)

તન-મન-ધનના સ્વામી જીવરાજા

સ્વરૂપ ભૂલ્યા એજ ખામી જીવરાજા

દિન-દિન પ્રતિદિન આયુષ્ય ઓછું થાય છે

જો જો ના થાય નામની બદનામી જીવરાજા

લાભ હાની મારું-તારું જીવન પૂરું પાય છે 

વૃથા ઉમર કાઢી દુસંગ પામી જીવરાજા

સ્વરૂપ ભૂલ્યા એજ ખામી જીવરાજા

હરિ ભજનમાં આળસને અજ્ઞાન સતાવે

શી વળે થશે ચુંથારામ નામી જીવરાજા

સ્વરૂપ ભૂલ્યા એજ ખામી જીવરાજા

Wednesday, July 31, 2024

આ તો દુનિયા છે દરિયો બુદબુદા થાય

 (રાગ: અમે ભૂંડું ના ગઈએ હરિવર ચાલ્યાં)

આ તો દુનિયા છે દરિયો બુદબુદા થાય

લહેરો આવે તરંગો થાય સમાઈ જાય 

કંઇક આવે ને જાય - કંઇક નવા ઉદય થાય 

ભવસાગરના ખાડામાં બૂડી બૂડી જાય - આ તો દુનિયા......

લીલા પીળા રાતા શ્યામ - પાંચ તત્વોના કામ 

ઘમ્મર ફેરવે મન ભમરો તાણી તાણી જાય - આ તો દુનિયા......

માયા પવન ફૂંકાય - જરીયે સ્થિર ના રહેવાય 

ચુંથારામ સદગુરુ સમરો તો સુખમાં રહેવાય - આ તો દુનિયા......


ચાલો ચાલો સદગુરુ પાસ ઉતાવળ શીદને કરો છો

(રાગ: બેસો બેસો મંડપની માંહ્ય ઉતાવળ શીદ ને કરો છો)

ચાલો ચાલો સદગુરુ પાસ ઉતાવળ શીદને કરો છો 

સ્નાન-ધ્યાન-સેવાથી મનના મેલ કાઢો

પાત્ર થઇ બનો હોંશિયાર ઉતાવળ શીદને કરો છો

દર્પણ જેવું દિલ સાફ કરીલ્યો

ભટકતા મનડાને વાર ઉતાવળ શીદને કરો છો

શામ-દામ-શાંતિ-સહનતાને કેળવી 

કરવા વૈરાગ્યના વિચાર ઉતાવળ શીદને કરો છો

વિવેક વિચારને આગળ કરીને 

ચુંથારામ બનો તૈયાર ઉતાવળ શીદને કરો છો

સત્સંગી મંડળીમાં રંગ ભર્યો રંગ ભર્યો

(રાગ: ઊંચી ઊંચી વાદળીમાં રંગતાળી રંગતાળી)

સત્સંગી મંડળીમાં રંગ ભર્યો રંગ ભર્યો

સુરતામાં શ્રીકૃષ્ણ કાળો છે - મોહનજી મોરલી વાળો છે

કાયા કદમ ઝાડ છાંયે શામળિયો છાંયે શામળિયો 

વેણુંનો નાદ ગણો પ્યારો છે - મોહનજી મોરલી વાળો છે

ગોલોકની ગોપીયો ધીમી ધીમી ચાલતી ધીમી ધીમી ચાલતી

બેહદમાં રાસ રમનારો છે - મોહનજી મોરલી વાળો છે

અનહદના ઘાટમાં જુગથી છે ન્યારો જુગથી છે ન્યારો 

ચુંથારામ પ્રેમ પુરનારો છે - મોહનજી મોરલી વાળો છે

મનની મનમાં રહી જાય

 (રાગ: વેલવાળા વેલો શણગાર આજ મારે આરાસુર જાવું )

મનની મનમાં રહી જાય તેડાં થશે કિરતારનાં 

વાયદા ના ચાલે લગાર તેડાં થશે કિરતારનાં

ચિતડાના ચાળા તારા બંધ પડી જાશે

છોડવા પડશે ઘરબાર તેડાં થશે કિરતારનાં

માલ ને મિલકતમાં તારો જીવડો મૂંઝાશે 

સાથે ના આવે તલભાર તેડાં થશે કિરતારનાં

કર્મોનો વિપાક તારો વેઠી લેવો પડશે

વેદના થાશે અપાર તેડાં થશે કિરતારનાં

સુત વિત દારા કોઈ સાથે નહિ આવે

એકલા જાશો નિર્ધાર તેડાં થશે કિરતારનાં

તું તો હતો કોણ ને કોનો બની ચાલ્યો 

ચુંથારામ ભજો ભગવાન તેડાં થશે કિરતારનાં

સ્ત્રી છે ભયંકર બેડી છૂટે વિરલા કોક

(રાગ: અમે ભૂંડું ના ગઈએ હરિવર ચાલ્યા)

સ્ત્રી છે ભયંકર બેડી છૂટે વિરલા કોક

કુટુંબરૂપી કેદખાનું છુટે વિરલા કોક

અહંકાર રૂપી થાંભલો - તૃષ્ણારૂપી દોર

જીવરૂપી હથીડો ઘણું કરે જોર

માયારૂપી કાદવથી છુટે વિરલા કોક

સર્પદંશથી મનુષ્ય મરે એક વાર 

સ્ત્રી સર્પણી દંશથી જન્મે વારંવાર 

સ્ત્રીના મોહ-સ્નેહથી છૂટે વિરલા કોક

મનની આશક્તિ દેહને અંગારા સમાન

છૂટે આશક્તિ તો તો અમૃત સમાન

ચુંથારામ દેહાભિમાનથી છૂટે વિરલા કોક

Tuesday, July 30, 2024

બંધન મોક્ષ સુખ દુઃખ એ મનના રે ધર્મો

(રાગ: કન્યા છે કાચની પુતળી રે કન્યા બાળ કુંવારી)

બંધન મોક્ષ સુખ દુઃખ એ મનના રે ધર્મો

આત્માને બંધન મોક્ષ ના હોય રે આત્મા નિત્ય છે મુક્ત

સંસારની જાળમાં મન ફસાઈ રહ્યું છે

પોતાનું રૂપ જીવડો ના જાણે રે આત્મા નિત્ય છે મુક્ત

પોતાનું સ્વરૂપ જો જાણવું હોય તો 

વિષયોને વિષ તુલ્ય માનજો રે આત્મા નિત્ય છે મુક્ત

વિષયી મનુષ્યોનો સંસર્ગ તાજજો

ચુંથારામ ગુરુ માર્ગ અનુસર્જ્યો રે આત્મા નિત્ય છે મુક્ત