જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Saturday, April 13, 2024

હું કરું, આ મેં કર્યું

(રાગ: જગત ભગતને ચાલતું સર્જન જૂનું વેર)

હું કરું, આ મેં કર્યું એમ જાણવું મુશ્કેલ છે.

ભક્તજનોની પ્રેમ પ્યાસી વાણીમાં રંગરેલ છે......હું કરું, આ મેં કર્યું

રચે, પાળે, લય કરે જે જગતને એક પલકમાં,

તેની કૃપા વિના કોઈ તરે ના કામ કપરો ખેલ છે.......હું કરું, આ મેં કર્યું

જે જગતને જ જમાડતા, નૈવેદ્ય તેને શું ધરું.

જે વિશ્વને રમાડતા, તે પાસ રમવું ફેલ છે.......હું કરું, આ મેં કર્યું

જળની અંજલી સાગરને શું, કુબેરને શું પૈ ધરે,

સુરજને દીપક ધરે શું, ચુંથારામ અટકેલ છે.......હું કરું, આ મેં કર્યું

 

પંડિત ભૂલ્યા - પાઠમાં ડૂલ્યા

 (રાગ : ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ મહારાજ આનંદ રૈયત વર્તે છે)

પંડિત ભૂલ્યા - પાઠમાં ડૂલ્યા, ચઢ્યા વાળ વિવાદોમાં.

અહમ પણેથી ઊંધું વળીયું, શ્રોતા ચાખે સ્વાદોમાં.

દીન થવું તે ઘણું દોહ્યલું, મનને મારવું મુશ્કેલ છે.

લય ચિંતવન વિવેક વધારી,આપ સ્વરૂપે રહેલ છે.

વેદાંતે અનુભવ સાર ગ્રહીને, નિજ સ્વરૂપમાં મશગુલ છે.

ચુંથારામ જ્ઞાન જન જગમાં, દૂધ મીસરી રૂપ સંમેલ છે.

કાયા નગરીમાં કોણ છે....

 (રાગ: લાડી લાડાને પૂછે, મોતી શહેર બંગલા રે...)

કાયા નગરીમાં કોણ છે... વિવેકે વિચારો રે....

આંખે કોણ દેખે છે... વિવેકે વિચારો રે....

ખાધે કોણ ધરાય છે... વિવેકે વિચારો રે....

જીભે કોણ બોલી જાય છે... વિવેકે વિચારો રે....

કાને સંભારાય છે કોને ... વિવેકે વિચારો રે....

પાણી કોણ પીવે છે ... વિવેકે વિચારો રે....

પગે ચાલે તે કોણ ... વિવેકે વિચારો રે....

ઊંઘે - જાગે તે કોણ ... વિવેકે વિચારો રે....

સુખ-દુ:ખ કોને રે થાય છે ... વિવેકે વિચારો રે....

મારું-તારું તે કોને ... વિવેકે વિચારો રે....

હું તો પોતે છું કોણ ... વિવેકે વિચારો રે....

જો કોઈ એ ગમ જાણે ... વિવેકે વિચારો રે....

ચુંથારામ ગુરુજી વખાણે ... વિવેકે વિચારો રે....

ચૈતન્ય ચિંતન કરશું...

 (રાગ: ઘડપણમાં ગોવિંદ ગાશું......)

ચૈતન્ય ચિંતન કરશું ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું.

અમે આત્મ-વિજ્ઞાન દીવો ધરશું...ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું.

અમે આત્મ સ્વરૂપમાં રમશું - અમે અખંડ આનંદમાં ફરશું.

અમે નિજમાં નિજ અનુસરશું....ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું.

અમે નિરાવરણ પ્રકાશશું  - અમે સુત્રાત્મા સર્વમાં વ્યાપશું

અમે અદ્વૈત સાક્ષીરૂપ ઠરશું...ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું.

અમે બ્રહ્મ ભાવે સ્વચ્છ બની રહીશું - અમે નિરાકારે નિર્મળ રહીશું

ચુંથારામ શાંતિ: શાંતિ: અનુભવશું...ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું. 

હું તો અસંગ નિર્લેપ છું રે....

(રાગ: દ્વારિકાથી પ્રભુ આવિયા રે....) 

હું તો અસંગ નિર્લેપ છું રે....

સચ્ચિદાનંદ મારું રૂપ મારા વા'લા...હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે..

નિરાકાર રૂપે નિત્ય મુક્ત છું રે....

પૂર્ણાનંદે પરિધાન મારા વા'લા........હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે..

હું અચ્યુત નિર્દોષ નિત્ય છું રે.....

ચૈતન્યરૂપ પરમાનંદ મારા વા'લા........હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે..

અખંડાનંદ આત્મ રૂપ છું રે.......

પ્રકૃતિથી પર શાંત રૂપ મારા વા'લા.......હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે..

મહતવાદી તત્વોથી પર રહ્યો રે....

જ્યોતિ સ્વરૂપ ચુંથારામ મારા વા'લા......હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે..


મારા ગુરુજીનો આદેશ આવીયો....

 (રાગ: દ્વારિકામાં વાજાં વાગીયાં રે...)

મારા ગુરુજીનો આદેશ આવીયો રે....

મારી સુરતાએ ઝીલ્યો આદેશ...શ્રીજી અમને પાકી પરવાનગી મોકલી..

સંત શાખે અભયદાન આપ્યું....

જાણી પોતાનો પ્રગટ્યો સ્નેહ....શ્રીજી અમને પાકી પરવાનગી મોકલી..

આવન-જાવનના સંદેશા તોડીયા....

અમરધામના સંદેશા હોય...શ્રીજી અમને પાકી પરવાનગી મોકલી..

દ્વૈત ટાળી, અદ્વૈતમાં ભેળવ્યો....

આપી દીક્ષા તોડ્યું અભિમાન....શ્રીજી અમને પાકી પરવાનગી મોકલી..

પરહિતમાં પ્રેરક બનાવીયો.....

ચુંથારામ ચઢ્યો ગુરુ રંગ....શ્રીજી અમને પાકી પરવાનગી મોકલી..

થાળ - દિલ દ્વારિકાપૂરી રળીયામણી......

(રાગ: પરભુ ઊંડો તે કૂવો જળ ભર્યો....) 

                        દિલ દ્વારિકાપૂરી રળીયામણી......

વૃત્તિ રૂક્ષ્મણી રાંધે રસોઈ....પુરષોત્તમને પીરસવા

                        પ્રેમ પૂરી પકવાન બનાવિયા........

ભાવે ઓસાવ્યો આનંદી ભાત રે....પુરષોત્તમને પીરસવા

                        ધર્મ નીતિના વ્યંજનો નીપજ્યા......

માખણ,  મીસરીને કઢિયેલ દૂધ રે....પુરષોત્તમને પીરસવા

                        દયા દાળ, સમતા શાકની શોભા બની......

બ્રહ્મ ખુમારી ચટણી અથાણાં રે....પુરષોત્તમને પીરસવા

                        જમુના સુક્ષમણા જળની જાળી ભરી......

પ્રેમ પાટલે પધાર્યા સુંદર શ્યામ રે...પુરષોત્તમને પીરસવા

                        જોતાં જમનાર જમાડનાર કોઈ નહિ......

ચૂંથારામ આકાર નીરાકારમાં જાય રે....પુરષોત્તમને પીરસવા

Saturday, April 17, 2021

આંખ વિનાનું......

 (રાગ:ત્રાંબા તે કુંડી સવા ગજ ઊંડી ......)


આંખ વિનાનું દર્પણ કેવું જાણો છાણા જેવું રે.
ગુરુ વિનાનો જ્ઞાન કરે તો વન્જ્યા દીહ્યા જેવું રે.
ગુરુ નહિ તો આંખ વિનાનો એવું વેદ કહે છે રે,

દેખા દેખી ગાય ખરો પણ દર્શન કોણ જ દેશે રે.
વેદો પણ પોકારી કહે છે ગુરુ વિનાનું શું ગાવું રે.
અંધેઅંધા પંથ ના દેખે, ભીંતોમાં ભટકાવું રે.

જ્ઞાન ગ્રહીને ગુરુ કરે તો સત્ય સ્વરૂપ લે શોધી રે.
ચૂંથારામ સદગુરુને શરણે, જે જન જઈને અટકે રે.
કુળ એકોતેર પેઢી રે તારે, અમરાપુરમાં મહાલે રે.

અંતરદેશી મળીયા..........

(રાગ: મારું રણ તમે છોડાવો રે રણછોડ રાયા.....)

મને અંતરદેશી મળીયા રે ભ્રમણાઓ ભાગી
મારા મનના મનોરથ ફળીયા રે વિટંબણાઓ ત્યાગી

ભાવસાગરમાં ભટકાતો ...........
ખાતો માયાની લાતો ........

પંચ ભૂતોમાં ભટકાતો રે .... ભ્રમણાઓ ભાગી 

મારે અંતરમાં અજવાળું .........
હું બહાર કશુ ના ભાળું.........

મારું સળી પડ્યું જગનું લાળુ રે .....ભ્રમણાઓ ભાગી

સદગુરુની શાંનકા વાગી.........
મારી અંતરજ્યોતિ જાગી ............

ચૂંથારામ રહ્યો અનુરાગી રે ..... ભ્રમણાઓ ભાગી


____________________________________________________________________



 

Sunday, January 5, 2020

ગુરુ મહિમા


(રાગઃ મારા માંડવે ઉડે રે ગુલાલ ...........)

ગુરુ વચને ગળીયાં છે મન, ગુરુ વચને ગળીયાં છે મન

                     ત્રિવિધના તાપ ટળીયાં મનના હો રામ

મળી અમને ગુરુગમની શાન, મળી અમને ગુરુગમની શાન

                      ગુરુગમ ચાવીએ તાળાં ખોલીયાં હો રામ

ખોલી દીધાં અગમઘરનાં દ્વાર, ખોલી દીધાં અગમઘરનાં દ્વાર

                      અગમ સુગમે સાહ્યબો શોભતા હો રામ

જાણી લીધી જીવાભાઈની જાત, જાણી લીધી જીવાભાઈની જાત

                      ગુણની ગાદીએ જીવરામ શોભતા હો રામ

જોઈ લીધા માયાનાં રૂપ,જોઈ લીધા માયાનાં રૂપ

                      રૂપના રૂશણે માયા માલતી હો રામ

રૂપ ગુણે ભાળ્યો રે ભગવાન, રૂપ ગુણે ભાળ્યો રે ભગવાન

                      અનામીના નામે નક્કી કરીયો હો રામ

તૂટી પડ્યા મમતાના મહેલ, તૂટી પડ્યા મમતાના મહેલ

                      ગગનગીરાએ તંબુ તાંણીયા હો રામ

છૂટી ગયો કર્તાપણાનો ભાવ, છૂટી ગયો કર્તાપણાનો ભાવ

                      અકર્તાના ઘેર પગરણ માંડિયા હો રામ

પૂરણ પદ પરખાયો રે નિર્વાણ, પૂરણ પદ પરખાયો રે નિર્વાણ

                     અગમ ઘરના ભેદુ સંતો ભેટીયા હો રામ

શોભે સુંદર શાધારામની જોડ. શોભે સુંદર શાધારામની જોડ

                     છગનરામની શાને સંશય ટળીયા હો રામ

આનંદ સાગર છલકાઈ જાય, આનંદ સાગર છલકાઈ જાય

                     પરાંણ પરાની પાળે મલતા હો રામ

--------------------------------------------------------------------------------

(રાગઃ ખાખમેં ખપજાના જીવડા...........)

સદ્‍ગુરુ મળીયા, સંસય ટળીયા, નામ નગરમાં નિર્માયા હા...............હા

પંચ તત્વોકી કાયા માયા યુક્તિથી સમજાયા હા...............

શી કહું શોભા નામ નગરની જ્યાં જોવું ત્યાં જગરાયા હા..................હા

સંત વિદેહી તે રસ માણે જેણે ગુરુગમ પાયા હા.........

અલખ નામ નિર્વાણ લખાવે કોઇ અદ્‌લ ધરીપે આયા હા.............હા

નહીં સંન્યાસી નહીં ઉદાસી અખંડાનંદ ઘર પાયા હા..............

અક્ષરાતિત સંબંધકો મૂલા નહીં કોઇ થાપ ઉથાપા હા.................હા

દાસ ચુંથારામ સદ્‌ગુરુ સંગ મળીયા તેણે પૂર્ણ પદ પાયા હા....................



--------------------------------------------------------------------------------

- શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ, જિંડવા