(રાગ: વા'લા વૈકુંઠથી વેલડી જોડાવાજો રે)
ચાલો સુરતાદેવી બ્રહ્મ સદનમાં
ત્યાં છે નિજ નિરાકૃતિ દેવ - મારે રે જાવું નિજ પદમાં
ક્ષીરસાગર ઓમકારે ઉમટ્યો
નવસે નવ્વાણું નીર ઉભરાય - મારે રે જાવું નિજ પદમાં
અહંબ્રહ્મ શ્રુતિ વાક્ય પરખીયું
સર્વાતીત અને સર્વાધાર - મારે રે જાવું નિજ પદમાં
આત્મ બ્રહ્મ વિના બીજું કાંઈ નહીં
બ્રહ્મ વિના ઠાલો કોઈ નહીં ઠામ - મારે રે જાવું નિજ પદમાં
સત્ય સ્વરૂપ સદા જેનું રાચતું
સર્વ નિરંતર બ્રહ્મ પ્રકાશ - મારે રે જાવું નિજ પદમાં
બ્રહ્મ થકી જગત અળગું નથી
જે જે દ્રશ્ય તે બ્રહ્મનો આભાસ - મારે રે જાવું નિજ પદમાં
જગ ઉપજે શમે લહેર વૃત્ત છે
ચુંથારામ સદગુરુથી સમજાય - મારે રે જાવું નિજ પદમાં
No comments:
Post a Comment