જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Saturday, February 22, 2025

આજ ધન્ય ઘડીને ધન્ય રાતલડી

(રાગ: માં અંબાજી ગરબે ઘૂમે છે)

આજ ધન્ય ઘડીને ધન્ય રાતલડી 

ઘેર પધાર્યા નર-નારાયણ મહારાજ ધન્ય ઘડીને ધન્ય રાતલડી

લાવો લાવો ચંદન લાવો ચોખલીયા

ખોબે ખોબે ઉડાડો ગુલાલ મહારાજ ધન્ય ઘડીને ધન્ય રાતલડી

ફૂલ માળા ગૂંથીને હાર પહેરવો

કર જોડીને લાગીએ પાય મહારાજ ધન્ય ઘડીને ધન્ય રાતલડી

આજ ભક્તિ ભજનનો સુમેળ મળ્યો 

દાસ ચુંથા આનંદની લહેર્યો મહારાજ ધન્ય ઘડીને ધન્ય રાતલડી 

અંતર ખોલે વસ્તુ બોલે....

(રાગ: કાન ઝૂલે ભગવાન ઝૂલે રે તને ઝુલાવે જશોદામાત રે)

અંતર ખોલે વસ્તુ બોલે ભાઈ જોને ઉલટ તપાસી રે........

                            ....................ગુરુજી બજાવે બંસરીયાં

મનડું ડોલે તનડું તોડે મારી મારી વેણુના ઘાવ રે........

                            ....................ગુરુજી બજાવે બંસરીયાં

ડરતો ડરતો સન્મુખ બેઠો...અંતરમાં અકળાયો 

મળ વિક્ષેપને આવરણ પડદો હેત ધરીને હટાવ્યો....

                    .....................ગુરુજી મારે હેત ધરીને હટાવ્યો 

મૌરખો જાણી, કરુણા આણી મુજ રંકને કીધો છે નાથ રે........

                            ....................ગુરુજી બજાવે બંસરીયાં

મારા-તારાનું ભાન ભુલાવી....તત્વમસી સમજાવ્યું

સ્થાવર-જંગમ, જડ-ચેતનમાં અદ્વૈત રૂપ દર્શાવ્યું.............

                    ....................ગુરુજી મારે અદ્વૈત રૂપ દર્શાવ્યું 

અણઘડ ઘટે, ગુરુગમ વાટે, ચુંથાભાઈ રટે દિન રાત રે........

                            ....................ગુરુજી બજાવે બંસરીયાં

સદગુરુની ગાદી મારા.....

(રાગ: મેં તો જાણ્યું કે વેવાઈ મજીયાં રે લાવશે..)

સદગુરુની ગાદી મારા અંતરપટમાં સોહીએ

જ્ઞાનગલીમાં નીરખીયા મહારાજ રે સોહાગી ગુરુજી....

.............હરખને હિલ્લોરે ગુરુની આરતીયો મનાવીએ

ભૂચર નભચર જળચર સઘળે વ્યાપક એક સમાન છો

વિસ્વ સકળમાં વિશ્વંભર છો નાથ રે સોહાગી ગુરુજી....

.............હરખને હિલ્લોરે ગુરુની આરતીયો મનાવીએ

જ્યાં જ્યાં સુરતા ત્યાં ત્યાં સઘળે સુરતનો શિરતાજજી

માળામાં જેમ સૂત્રમણીનો જોગ રે સોહાગી ગુરુજી....

.............હરખને હિલ્લોરે ગુરુની આરતીયો મનાવીએ

ગુરુ ચરણ રજ જ્યાં પડે ત્યાં સ્વર્ગભૂમી દીસતી

આનંદ આનંદ આનંદ ચુંથારામ રે સોહાગી ગુરુજી....

.............હરખને હિલ્લોરે ગુરુની આરતીયો મનાવીએ 

અમે પંખી પ્રવાસી હવે.......

(રાગ: મારે સાસરીયે જઈ કોઈ કહેજો એટલડું)

અમે પંખી પ્રવાસી હવે ફરશું સ્વદેશમાં, રહીશું ગુરુજીના સંગમાં

નથી વસવું વિદેશમાં  ફરશું સ્વદેશમાં, રહીશું ગુરુજીના સંગમાં

અમે વિવેક વિચારના ભેરુ

ક્ષમા ખડગે અંહકાર ગઢ ધેરું

મારી સુરતને આવે રંગ લ્હેરું સ્વદેશમાં, રહીશું ગુરુજીના સંગમાં

મારી સુરતા સોહાગણ નારી

મળી ગુરુ શબદની બારી

જઈ બેઠી નબી ઘરવાળી સ્વદેશમાં, રહીશું ગુરુજીના સંગમાં

મને અગમનિગમની લ્હે લાગી 

દાસ ચુંથારામની ભ્રમણાઓ સૌ ભાગી

પરાપારનો અનુભવ પામી સ્વદેશમાં, રહીશું ગુરુજીના સંગમાં

ગુરુજી જ્ઞાન દીપક પ્રગટાવે...

(રાગ: વીરા હળવે હળવે હેંડો વીરા માદળિયાં)

ગુરુજી જ્ઞાન દીપક પ્રગટાવે સુરતા આનંદ મંગળ ગાવે

ગુરુજી તુરીયાતીતને ત્યાગી, લગની અલખપુરુષની લાગી

સુતાં, બેઠાં સમરણ હોય હરતાં ફરતાં નજરે જોય 

સુરતા સાત ઝરૂખાવાળી બેઠી નિજનાં ઘર સંભાળી

સુરતા ચઢી ગગનને પાયે, મેરુ શિખર ગઢની બાંયે

કુદી બવાનીયો બજાર ચાલી અલખને દરબાર 

આવી સદગુરુ સામા ઊભા, ચુંથારામ શરણમાં લીધા


Wednesday, February 19, 2025

સમજાવી રાખો જીવને

(રાગ: માંજોમાં રહેજો રઈવર માંજોમાં રહેજો)

સમજાવી રાખો જીવને સમજાવી રાખજો 

તૃષ્ણાની નદીએ ના તણાશો જંજારી જીવને સમજાવી રાખજ્યો

મોહ નગરનાં સુખડાં ખંખેરી નાખજ્યો

નિયમનીતિના પંથે ચાલો જંજારી જીવને સમજાવી રાખજ્યો

લાલચની માતા આશા જોરે બોલાવતી 

ચુંથારામ સદગુરુજીની છાયામાં રહેજો જીવને સમજાવી રાખજ્યો

સમજુને શીખ શું દઈએ.....

(રાગ: આવ્યો'તો નગરે ધુતારો.....)

સમજુને શીખ શું દઈએ ડાહ્યાંના દિલમાં દુઃખ લાગે રે 

નિર્લેપ વાણી ઉચ્ચારિયે ડાહ્યાંના દિલમાં દુઃખ લાગે રે 

ગુણોથી પર ગુણાતીત કહેવાય 

નયનોમાં નિજ સ્વરૂપ ઓળખાય

અરૂપને રૂપમાં શું લઈએ ડાહ્યાંના દિલમાં દુઃખ લાગે રે 

મોહે ભરેલાં દ્રશ્યો દેખાય 

ઝાકળ જળ જેમ ઉડી રે જાય 

ચુંથારામ જગ બ્રહ્મ ભરાય ડાહ્યાંના દિલમાં દુઃખ લાગે રે 

Monday, February 17, 2025

હસો સદગુરુ સંગે બેઠો......

(રાગ: બેની પાટ બેઠાં બોલો બેની હારડો રે)

હંસો સદગુરુ સંગે બઠો છોડી કલ્પના રે

હંસો નામ નગરમાં પેઠો છોડી કલ્પના રે 

જ્યાં ત્યાં નજરે આવે નામ છોડી કપલના રે

એને સઘળે સુખનું ધામ છોડી કલ્પના રે 

જેની અખંડ સુરતા જાગી છોડી કલ્પના રે 

તેણે લખચોરાશી ત્યાગી છોડી કલ્પના રે 

ગુરુજી અગમ વાણી ભાખી છોડી કલ્પના રે

ચુંથારામ દાસ હૃદયમાં રાખી છોડી કલ્પના રે 

એક જોગ જુગ્તીમાં હંસો......

 (રાગ: એક ભાર રે જોબનીયામાં બેઠા પાલીબા)

એક જોગ જુગ્તીમાં હંસો સ્થિર થઈને બેઠો........

                        .............ગુરુએ હરખે બોલાવીયો 

એક ઊંચી સંગતની ગુરુએ વેદિકા બનાવી............

            ..............ઝરણાનાં પાથરણાં પથરાવીયાં

પાપી પાખંડી નુગરા નાચવાને લાગ્યા...................

            ..................અગમનિગમનાં દ્વારા ખુલીયાં

અજયા વૃત્તિઓ ચાલી નિરાંત નામે રે નાચતી........

                .............ચુંથારામ સદગુરુ સંગે મ્લહાતા

જો જો ભક્તિમાં અસંગતિ.....

 (રાગ: તમે એકવાર મારવાડ જાજ્યો રે મારવાડા)

જો જો ભક્તોમાં અસંગતિ થાય ના રે હો નામવાળા 

જો જો નિજનામ બદનામ થાય ના રે હો નામવાળા 

તમે ચેતી ચાલો.........હો....નિજાનંદે માલો 

જો જો ગુરુએ આપેલું ગુમ થાય ના રે હો નામવાળા 

આપ્યાં વચન પાળો.....હો....બોલેલા બોલ સંભાળો 

જો જો જુબાનીમાં જુઠ પણું થાય ના રે હો નામવાળા

ગુરુ ચરણ ચીંધ્યું......હો......મસ્તક મૂકી દીધું

ચુંથારામ સદગુરૂએ નામ નિવેદન દીધું રે હો નામવાળા 

 

જ્ઞાની પુરુષો જ્ઞાન તાજું.....

 (રાગ: આંબો મોર્યો ને ચંપો રોપવા જ્યાં'તાં રાજ)

જ્ઞાની પુરુષો જ્ઞાન તાજું રે રાખજ્યો 

સત્સંગ સાબુથી મનના મેલો રે કાઢજ્યો

વિચાર વાડીમાં ઝરણાં, ઝાડ રોપાવજ્યો

શાંતિના શીતળ પાણી હરખે છંટવજ્યો

કડવા વચનોના કાંટા બાળી નંખાવજ્યો

મીઠી વાણીનાં ફૂલડાં વીણી મંગાવજ્યો 

ભલપણના તારે ગુંથી હાર બનાવજ્યો

ચુંથારામ સદગુરુજીના કંઠે સોહાવજ્યો