જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Thursday, May 16, 2024

બંદા બોલનારો જોયો બોલી બોલી જાય

(રાગ: એક નામમાં નિમાયા નરહરિલાલ)

બંદા બોલનારો જોયો બોલી બોલી જાય

                    કંઠ કમળમાં બેસી બોલી બોલી જાય

બંદા દેખાનારો દેખ્યો, દેખી દેખી જાય

                    નયન કમળમાં બેસી દેખી દેખી જાય

બંદા ચાલનારો જોયો ચાલી ચાલી જાય

                    પગે પાવર દેનારો ચાલી ચાલી જાય

બંદા રુદિયે રહેનારો શક્તિ આપી જાય

                    ચુંથા ચિતમાં રમનારો નિત્ય મળી જાય

હું તો ત્રણે ભુવનમાં ફરી વળ્યો

(રાગ: પ્રભુ ઊંડો તે કુવો જળ ભર્યો)

હું તો ત્રણે ભુવનમાં ફરી વળ્યો

મુજને મળ્યો નહીં મારા જેવો, સ્વરૂપનાં ઋષણાં

જ્યાં જ્યાં જોવું ત્યાં હું નો હું થઇ રહ્યો

બીજો ખોળ્યો જડે નહીં એવો સ્વરૂપનાં ઋષણાં

સચ્ચિદાનંદ મારું સ્વરૂપ છે

તેનો જોટો જડે નહીં જગમાં સ્વરૂપનાં ઋષણાં

નિરાકાર અગમ્ય અમૃત જેવો

ચુંથારામ વિશ્વરૂપે ધારો સ્વરૂપનાં ઋષણાં

લીલા પીળા આંગણીયામાં મંડપડા રોપવો

(લીલા પીળા વાંસળિયા રે વઢવો)

લીલા પીળા આંગણીયામાં મંડપડા રોપવો

ચંદનીયો બંધાવો ગુરુગમ જ્ઞાનની રે લોલ

નભી કમળથી ઊર્મિની જાજમો પાથરવો

પચ્ચીસ પ્રકૃતિના તોરણીયા બંધાવજો રે લોલ

તનમાત્રાના સિંહાસનો જુગતિથી જડાવો

સંતોના સામૈયા રે ધન્ય ધન્ય ભાગ્ય જાણજો રે લોલ 

ભજન કીર્તન સતસંગતીમાં ચિત લાવો

ચુંથારામ ચિંતનમાં રે લક્ષ ઘણું રાખજો રે લોલ 

ચિત ચેતન સ્વરૂપે જગમાં મોકલ્યા

(રાગ: ઝટ ઝટ રે મોનીબા કાગળ મોકલે)

ચિત ચેતન સ્વરૂપે જગમાં મોકલ્યા

કરીયો માયાનો સંગ, લાગ્યો સંગતનો રંગ....ચિત ચેતન સ્વરૂપે જગમાં મોકલ્યા

પાંચે પાંચ વિષયમાં ગૂંચાઈ રહ્યા

કરી કુટુંબે પ્રીત, જગની ઉલટી છે રીત.......ચિત ચેતન સ્વરૂપે જગમાં મોકલ્યા

મારા તારાની ઘાણીમાં પીલાઈ રહ્યો

તેડાં આવશે તત્કાળ, ચિંતન કર્યું નહીં લગાર.....ચિત ચેતન સ્વરૂપે જગમાં મોકલ્યા

માનવ મોક્ષ દરવાજો, શીદને ભૂલ્યા

ચુંથારામ રક્ષેવ, કરો સદગુરુની સેવ........ચિત ચેતન સ્વરૂપે જગમાં મોકલ્યા

નામને રૂપ, ગુણના ભેગો રે ભરીયો

(રાગ: હારે (જોડે)ના બેસીએ વીરા જોડે ના બેસીએ)

                 નામને રૂપ, ગુણના ભેગો રે ભરીયો 

અસલ સ્વરૂપ તારું ભૂલ્યો, ભરમણા તારી વિસારી મેલજે  

                   તારા ને દેહના ધર્મો વિચારી જોજે 

દેહ તો આવે ને જાવે....તું તો અચલ કહેવાયે.....મનની ભરમણા તારી વિસારી મેલજે  

                    તન તો અંધેરી નગરી તું છે ઉજીયારો

તું તો અવિચલ પદમાં......જોટો જડે નહીં જગમાં .....મનની ભરમણા તારી વિસારી મેલજે 

                    શરીર છે જડ ને તું ચૈતન્ય સ્વરૂપ છે

તું છે ઘટ-ઘટનો વાસી.....તું તો સ્વયંપ્રકાશી.....ચુંથા ભવભયની ભીતિ વિસારી મેલજે 

વિષુચિકાનો રોગ લાગ્યો

(રાગ: પહેલા યુગમાં વાણિયો હતો તે ઓછી વસ્તુ તોલતો)

વિષુચિકાનો રોગ લાગ્યો રખ રખ કરતો રે.

ઘર ધંધામાં ઘડી ના જપતો તોય વલખાં વીણતો રે

આશા તાંતણે તણાઈ મરતો લાલચમાં લપટાતો રે

તૃષ્ણા ડાકણ જપવા ના દે હાયકારામાં મરતો રે

વ્હાલાં વરુની વેઠ જ વળગી જેમ-જેમ દા'ડા ગણતો રે

ધન ધાખનામાં ઊંઘ જ નાં આવે ઉજાગરા કરી મરતો રે

પાંચ વિષયોના રોગે કરીને ધર્મ પોતાનો ચૂકતો રે

કહે ચુંથારામ સદગરું હોય તો નિજ મારગમાં મળતો રે 

Tuesday, May 14, 2024

વીરા સ્વરૂપ જ્ઞાનનો તોડ, તત્વમસી ચિત જોડ

 (રાગ: મારા આંગણે ખાજુરીનો છોડ)

વીરા સ્વરૂપ જ્ઞાનનો તોડ.........તત્વમસી ચિત જોડ

વીરા એ આત્મ જ્ઞાનનો છોડ.........તત્વમસી ચિત જોડ

            અંત:કરણના છે ત્રણ દોષ

            મળ વિક્ષેપ ને આવરણ કોષ

વીરા નીષ્કામે જાય મળ મોડ.........તત્વમસી ચિત જોડ

            ભગવદ ઉપાસનાથી વિક્ષેપ જાય

            જ્ઞાન થયા પછી આવરણ જાય

વીરા વિવેક વૈરાગ્ય ધરી હો.........તત્વમસી ચિત જોડ

            સત્વ રજ તમો ગુણ નીધાન

            ત્રણે ગુણોથી જુદું તત્વજ્ઞાન

ચુંથા સદગુરુ પાડે ફોડ.........તત્વમસી ચિત જોડ 

જીવરામ આતે લીલા કેવી રે

(રાગ: બેની નથી આપણા મોટા ઘરની રીતો)

જીવરામ આતે લીલા કેવી રે તમને શું શું કહીએ

ચારે ચાર શરીરો પહેરી બેઠા

બનીયા જાડા ભીમ હવે તો તમને શું શું કહીએ 

મળ વિક્ષેપને આવરણ પડદે રોકાઈ રહ્યા રે

તમને મળ્યો મોંઘો મનુષ્ય અવતાર.....હવે તો તમને શું શું કહીએ

તમને વીંટળાઈ વળી લિંગ શરીરની વાસના રે

ચુંથા સદગુરુ શરણ સેવો તો સુખ થાય.....હવે તો તમને શું શું કહીએ

ચિત ચેતન સ્વરૂપમાં રહેના

(રાગ: જો તું પઢે પુરણ અઢારા)

ચિત ચેતન સ્વરૂપમાં રહેના

એક નામ અમરપદ લેના રે......ચિત ચેતન સ્વરૂપમાં રહેના

જેને આવન કે જાવન નાહી

સદા સ્થિર અચલ દિલ દેના રે......ચિત ચેતન સ્વરૂપમાં રહેના

અહે ત્રીગુણાતિત અવિકારી 

નહીં સર્જન વિસર્જન હોના રે......ચિત ચેતન સ્વરૂપમાં રહેના

નિરાકાર પરમ સુખકારી

ચુંથા સદગુરુ શબ્દે ચલના તે......ચિત ચેતન સ્વરૂપમાં રહેના

દિલડાં દર્પણ જેવાં રાખો

(રાગ: એક શૂન્યમાં લક્ષ્મી નારાયણ પોઢ્યા રે)

એક દિલડાં દર્પણ જેવાં રાખો રે પ્રતિબિંબ જડપી લેવાય;

એક હૈયામાં દયા ક્ષમા રાખો રે પ્રતિબિંબ જડપી લેવાય;

ગંગા યમુના જેવું મનડું ચોખ્ખું નિર્મળ રાખો રે.........

હો......એક વાણીમાં અમૃત સરખું ભાખો રે.......પ્રતિબિંબ જડપી લેવાય;

શ્રવણેન્દ્રીમાં સદગુરુના વચને ચિતડું રાખો રે.......

હો.....જનતા જનાર્દનમાં આતમ ભાવ લાવો રે......પ્રતિબિંબ જડપી લેવાય;

કર્મેન્દ્રીમાં કર્મ સમર્પણ, બ્રહ્મભાવ મન રાખો રે.......

હો....ચુંથારામની વાણી ખુબ વિચારો રે.......પ્રતિબિંબ જડપી લેવાય;