જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Sunday, May 5, 2024

કરેલાં કર્મો ભોગવવાં પડશે.......

 કરેલાં કર્મો ભોગવવાં પડશે....અંત સમયની માંહ્ય રે માંહ્યલા 

                    ચેતી ચાલોને મારા ભાઈ...

છે આ મિથ્યા જગતની સગાઇ રે માંહ્યલા....ચેતી ચાલોને મારા ભાઈ

                    દોષ ના દીઠો....સ્વાર્થ મીઠો.......

પાપની પોટલી થઇ રે માંહ્યલા....ચેતી ચાલોને મારા ભાઈ

                    દેહ, ગેહ, સુતદારામાં ડૂબ્યો......

અવળી ઉજવણી થઈ રે માંહ્યલા....ચેતી ચાલોને મારા ભાઈ

                    મારા તારામાં ગણો ગૂંચવાયો........

મારવા વેળા થઇ રે માંહ્યલા....ચેતી ચાલોને મારા ભાઈ

                    સંતોની શીખ તારા રુદિયેના લાગી......

ધંધામાં ધરપત નહીં રે માંહ્યલા....ચેતી ચાલોને મારા ભાઈ

                    દાસ ચુંથારામ સદગુરુ શરણે.......

ગુરુજી વિના તો ગમ નહીં રે માંહ્યલા....ચેતી ચાલોને મારા ભાઈ

Saturday, May 4, 2024

રસબસ થઇ રંગ લાગીયો રે

(રાગ: બાળા જોબનનો માંડવો રે......)

            હો......ભાઈ રસબસ થઇ રંગ લાગીયો રે....

મોંઘાં મોતી જડાવ........ગુરુજીની આપેલી વાણીઓ રે...

            હો......ભાઈ પત્થર જેવાં રૂદિયાં પીગળ્યાં રે....

ભર્યા સદગુણ ભંડાર........ગુરુજીની આપેલી વાણીઓ રે...

            હો....ભાઈ કુકર્મ કાંટા વળાવિયા રે....

કીધી સદગુણી વાડ........ગુરુજીની આપેલી વાણીઓ રે...

            હો....ભાઈ નાના મોટા સર્વે સમ ગણ્યા રે...

ચાલે વસ્તુ વેપાર........ગુરુજીની આપેલી વાણીઓ રે...

            હો......ભાઈ અક્ષર શરીર પહેરાવીયાં રે....

છોડ્યા જન્મેલા દેહ........ગુરુજીની આપેલી વાણીઓ રે...

            હો......ભાઈ અહંકાર શિર ઉતરાવીયું રે....

સોપ્યાં નિશ્ચયનાં ઘર........ગુરુજીની આપેલી વાણીઓ રે...

            હો.......ભાઈ ગુરુ પ્રતાપે ચુંથારામ બોલીયા રે....

નિજપદમાં પૂર્યો વાસ........ગુરુજીની આપેલી વાણીઓ રે...


ત્રણ ગુણ ને ચાર ધામ

 (રાગ: શામળિયાની સાથે રે.....સુરતા તો લહેરો લે છે.)

            ત્રણ ગુણ ને ચાર ધામ;

પાંચમો મોરાળી રે......કંઠમાં કોણ કોણ બોલે...

            પાંચ પ્રાણ ઉપપ્રાણ;

દસની રખવારી રે......કંઠમાં કોણ કોણ બોલે....

            તત્વોના થાંભલા;

બંગલાની શોભા સારી રે......કંઠમાં કોણ કોણ બોલે....

            ચૌદ માળે ઉજળી;

હવાની દસ બારી રે......કંઠમાં કોણ કોણ બોલે....

            મૂળ બાંધે નાગણી;

અમૃત પી જનારી રે......કંઠમાં કોણ કોણ બોલે....

            સ્થૂળ, સુક્ષ્મ, કારણથી;

જુદો તું ગિરિધારી રે......કંઠમાં કોણ કોણ બોલે....

            તું હલાવે, તું ચલાવે;

ચુંથારામ ધીરધારી રે......કંઠમાં કોણ કોણ બોલે....

તમે જગની મુસાફરીમાં ખુબ ભમ્યા

 (રાગ: સૂના સૂના ગોકુળિયામાં કેમ રહીએ....)

તમે જગની મુસાફરીમાં ખુબ ભમ્યા......

તમે ભૂલ્યા પોતાનું સ્વધામ........મુસાફરીમાં ખુબ ભમ્યા......

            તમે દેહ નગરના ખુબ રસિયા......

તમે ફર્યા ચોરાસી બજાર........મુસાફરીમાં ખુબ ભમ્યા......

            તમે જન્મ-મરણ ફેરા ખુબ ફર્યા......

ઘણું વીત્યું તોય ના આવ્યું ભાન........મુસાફરીમાં ખુબ ભમ્યા......

            તમે સંતોની શીખ ના સાંભરી......

ચુંથારામ ગુરુજ્ઞાન લઈને ગાજો........મુસાફરીમાં ખુબ ભમ્યા......

એક પરમેશ્વર પર પડદો છે.

(રાગ: ઘોડી ચમકે છે ચમકાવે છે....)

એક પરમેશ્વર પર પડદો છે...

તારો અહંકાર પડદો ઉઠાવી લે.....સ્વરૂપ તારું નીરખી લે

            તારી વચ્ચે પડ્યા ત્રણ અહંકાર

તૈજસ, કૂટસ્થ ને પ્રાગ્ય પડ્યા મેલ રે......સ્વરૂપ તારું નીરખી લે

            તું તો ત્રણેય અવસ્થાથી ન્યારો છે

ચારેય દેહથી અલગ રહેનારો રે.....સ્વરૂપ તારું નીરખી લે

            તું તો દ્રષ્ટા સ્વરૂપે દેખાનારો છે

ચુંથારામ બ્રહ્મભાવમાં રહેનારો રે.....સ્વરૂપ તારું નીરખી લે

Friday, May 3, 2024

મેં તો જાણી પ્રારબ્ધની વાત.........

(રાગ: મારા આંગણે ખજુરીનો છોડ....)

મેં તો જાણી પ્રારબ્ધની વાત.......નહીં બોલું, નહીં બોલું 

મારા કર્મે મળેલો સંગાથ.......નહીં બોલું, નહીં બોલું 

            લેણું ચૂકવવાનો બની ગયો મેળ 

            જેવા હતા તેવા આવ્યા, પુદગલનો ફેર 

મારી પૂર્વની કરેલી ખેડ.......નહીં બોલું, નહીં બોલું 

            દમદાટી થાય તીખી નજરનો તાવ

            સ્વાર્થ સધાઈ ગયો, હવે શેનો ભાવ 

મારા મનમાં સમજી રહું છું અલબેલડા.......નહીં બોલું, નહીં બોલું 

ચુંથા શાનો કરે સંતાપ.......નહીં બોલું, નહીં બોલું   

રજ ભર તાળું, ગજ ભર કુંચી

રજ ભર તાળું, ગજ ભર કુંચી......ધરિયું ગુરુજીનું જ્ઞાન....ભ્રમણા ગઈ ભાગી

ગુરુજી મારા ખોલો અખૂટ ભંડાર......ભ્રમણા ગઈ ભાગી 

        અસ્તિ, ભાતી ને પ્રિય પ્રેમ સ્વરૂપની બલિહારી 

ગુરુજી મારા સતચિત આનંદની લહેરી......ભ્રમણા ગઈ ભાગી

        તતપદ, ત્વં પદ ત્યાગી જોવું અવિનાશી 

ગુરુજી મારા અસિપદે પૂર્યોવાસ........ભ્રમણા ગઈ ભાગી

        મન, બુદ્ધિથી પર પેખીયો જોવું અવિનાશી

ગુરુજી મારા ચુંથારામ છે શરણ મોજાર........ભ્રમણા ગઈ ભાગી 

કાવા-દાવા છોડો જગમાં

(રાગ: ચતુરાઈ નવલા વેવાઈ)

કાવા-દાવા છોડો જગમાં....મોહના બંધન તોડો મનજી....એ ચતુરાઈની રીતો.

પરસ્ત્રી સામે ન હસીએ જગમાં....સંતો સામે ધસીયે મનજી....એ ચતુરાઈની રીતો.

ખૂણે ખત ના લખીએ જગમાં....વહેવારે વટ રહીએ મનજી....એ ચતુરાઈની રીતો.

ગૌ બ્રહ્માણને ગાળ ના દીજીએ....વ્હાલાંમાં વેર ના કીજીએ મનજી....એ ચતુરાઈની રીતો.

ઘર કુટુંબના કજિયા માટે....સરકારે ના જઈએ મનજી....એ ચતુરાઈની રીતો.

પેસો પ્રભુએ આપ્યો હોયતો ચુંથા પરહિત તાકો મનજી....એ ચતુરાઈની રીતો. 

સ્થુલને છોડો...સૂક્ષ્મને છોડો...

(રાગ: નિજિયા ધરમની વાત પુરાણી.......)

સ્થુલને છોડો...સૂક્ષ્મને છોડો...કારણ છોડો ભાઈ.....

            મહાકારણની છોડો ઉપાધી 

સ્વરૂપમાં લક્ષણા રાખી શાંત બનો સુખદાઈ 

અક્ષરદેહે લીધી પ્રતિજ્ઞા તે કેમ ચૂકો ભાઈ.....

            તન-મન-ધનની કીધી કુરબાની 

સદગુરુએ શાન બતાવી ખોલો હ્રદયની બારી 

શીશ સમર્પી નામ જ લીધું અવિચલ પડાવી આપી 

            સદગુરુના ચરણ સેવી 

ચુંથારામ એ આત્મ સમાધિમાં રહો ચિત્તલાઈ

ગોમતી રત્નાગર સાગરમાં ઝૂલતી....

(રાગ: ઢોલ રે નવા નગરનો વાગીયો...)

ગોમતી રત્નાગર સાગરમાં ઝૂલતી....

હો....રણછોડજી રાય દ્વારાપુરીમાં મતી દોડતી

        શૂન્યમાં શાંતિ પામેલી પરા જાગતી...

અંતર ખોલી ઉમળકા વધારતી...........હો....રણછોડજી...

        ઊંચા આસમાને રામ ઢોલ વાગતો....

અનહદ ઝણકારે ગણણણ ગાજતો...........હો....રણછોડજી...

        નાદ નાદી-અનાદી મળે એક....

બ્રહ્માનંદનાં બીડેલાં તાળાં ખોલતી...........હો....રણછોડજી...

        નિજ સ્વરૂપે શિવ સભા ઓપતી....

ચુંથારામને આનંદની લહેર્યો આવતી...........હો....રણછોડજી...