જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Thursday, May 9, 2024

મેં તો જાણ્યો સંસારીયો ખારો.....

(રાગ: મારે સાસરીએ જઈ કોઈ કહેજો એટલડું પ્રીતમજી.......)

મેં તો જાણ્યો સંસારીયો ખારો સમુંદર.....નાવિક વિના કેમ ચાલશે...

                    શઢ તૂટશે ને થાંભલો ભાગશે;

                    તને જાજુ જોખમ વિશ લાગશે;

તારી નાવડી તો ડગુંમગું થશે જીવલડા.....નાવિક વિના કેમ ચાલશે...

                    ખારા સંસારે ખટપટ ઝાઝી છે;

                    કુળ કુટુંબની રંગ બાજી છે;

તારી કિનારે નવ કેમ જાશે જીવલડા.....નાવિક વિના કેમ ચાલશે...

                    તારો ખેવટીયો નાવ ખેડનારો;

                    તેને શોધો તો ભવ તારનારો;

ચુંથારામ ગુરુ શરણ સ્વીકારો જીવલડા.....નાવિક વિના કેમ ચાલશે...

સદગુરુની સાહ્યબીમાં ભરીયો નીરકારો રે....

(રાગ: આછી પાછી લીંબોડી ને લચ્ચર પચ્ચર ફાલી રે....)

સદગુરુની સાહ્યબીમાં ભરીયો નીરકારો રે....અલક મલક છે

ત્રિવેણીના નીરમાં જબરો એનો ઝબકારો રે....અલક મલક છે

નયનકમળની ન્યોછાવરમાં નુરા ટપકાવનારો રે....અલક મલક છે

સંત સરોવર શાંતિનાં કમળ ખીલવનારો રે....અલક મલક છે

મોતી ખીલ્યાં માનસરોવર હંસો કેરો ચારો રે....અલક મલક છે

ચુંથારામના હ્રુદિયા આતમનો ઉજીયારો રે....અલક મલક છે

પડદો ખોલી પરાંણીયા જો જે

(રાગ: નવષા નવી હવેલી વાળો...)

                    પડદો ખોલી પરાંણીયા જો જે;

ધારણા બાંધીને ધીરધાર કરજે, પરાંણીયા જગતની રીતભાત જુદી છે.

                    હીરા, મોતી હરિનું નામ છે;

ગરજુ ઘરાક જોઈ તોલ કરજે, પરાંણીયા જગતની રીતભાત જુદી છે.

                    અંતર જૂદું ને મુખડે મીઠાશ છે;

નીરખી-પરખીને સદબોધ કરજે, પરાંણીયા જગતની રીતભાત જુદી છે.

                    ગોરાં-ગોરાં મુખડાં ને કૂડાં કૂડાં કર્મો;

એવા દુરીજનથી દુર રહેજે, પરાંણીયા જગતની રીતભાત જુદી છે.

                    ચુંથારામની રચના સાંભળજે;

સદા સદગુરુ શરણમાં રહેજે, પરાંણીયા જગતની રીતભાત જુદી છે.

મને વૈદ મળ્યા ગુરુદેવ

(રાગ: મારી કાયા માટીના ઘડનારા......)

મને વૈદ મળ્યા ગુરુદેવ........ગોળી રે આપી જ્ઞાનની

                નિજ નામનાં નસ્તર મુકીયાં,

મારો કાઢ્યો ચોરાસીનો તાવ........ગોળી રે આપી જ્ઞાનની

                હું તો જ્યાં રે જોવું ત્યાં મારા જેવા;

સહુમાં ચેતન ખેલે અભયરામ........ગોળી રે આપી જ્ઞાનની

                તાળાં, કુંચી હૃદય મારાં ખોલિયાં;

મુજને દેખાડ્યું અવિચળ ધામ........ગોળી રે આપી જ્ઞાનની

                મારા ત્રીવિધના તાપ સમાવિયા;

મારી દ્રષ્ટિમાં આતમરામ........ગોળી રે આપી જ્ઞાનની

                મારી સુરતામાં સદગુરુ શોભતા;

દાસ ચુંથા વદે વારંવાર........ગોળી રે આપી જ્ઞાનની 

ઘર દુકાનો સર્વેશ્વરની.....મારી શીદને માનો રે.....

(રાગ: હવે શાનાં માન રે વહુવર......હવે શાનાં માન....)

ઘર દુકાનો સર્વેશ્વરની......મારી શીદને માનો રે......

નફો-નુકશાન સર્વેશ્વરનાં........તારી વફાદારી રે.......

મારું માનો તે છે ચોરી........લંપટ થઈને લાજો રે........

વિવેકનો વહેપાર જ કરીએ.......તો ભવસાગર તરીએ રે.......

સાચું બોલો, સાચું તોલો........સાચે રીઝે રામ રે.......

અંતર્યામી સહુમાં સરખો........સમજી સમજી ચાલો રે......

ચુંથારામ એ સહુમાં વસિયો........આનંદ મંગલકારી રે......

તેજ તેજ દિશે આકાશ....ગુરુના દેશમાં

(રાગ: સાહ્યબા સડકો બંધાવ.........)

તેજ તેજ દિશે આકાશ....ગુરુના દેશમાં

લાખ લાખ સૂર્ય પ્રકાશ......ગુરુના દેશમાં

ગુરુના દેશમાં ને આત્માના તેજમાં;

મનના મેલો ધોવાય........ગુરુના દેશમાં 

પાપ બળી જાય છે ને પુણ્ય ઘણું થાય છે;

નીચા...ઊંચા બની જાય.........ગુરુના દેશમાં 

કર્મ છૂટી જાય છે ને જન્મ મરણ જાય છે;

આત્મા અમર ઓળખાય........ગુરુના દેશમાં 

સંતોની શાનમાં ને ગુરુજીની શાનમાં;

ચુંથારામ આનંદ ઉભરાય...........ગુરુના દેશમાં 

અગમની વાતો મારા ગુરુજીના ઘરની

(રાગ: ધોળ)

                અગમની વાતો મારા ગુરુજીના ઘરની,

સ્થિરતાના સ્થંભે જડાવું શો રંજીલાલ......અગમની વાતો મારા......

                અનભેનાં આસન ઢાળી મુખ બંધ કરાવું,

ગુરુગમના ઘૂઘરા બંધાવું શો રંજીલાલ......અગમની વાતો મારા......

                મહાપદના દેશેથી કહો તો ઘોડલા માંગવું,

કરુણાના ચોકમાં કુદાવું શો રંજીલાલ......અગમની વાતો મારા......

                શાંતિ બનાતની કહો તો મોજડી સીવાડવું,

અલકની સાહ્યબી સોહાવું શો રંજીલાલ......અગમની વાતો મારા......

                સતસંગ સોનાની આતશબાજી બનાવું,

નિશ્ચયના મહેલમાં રમાડું શો રંજીલાલ......અગમની વાતો મારા......

                દાસ ચુંથાના ગુરુજી ઘરમાં બિરાજે,

અંતરમાં આનંદ વર્તાવું શો રંજીલાલ......અગમની વાતો મારા......

Sunday, May 5, 2024

તોફાન જાગ્યું દરિયા મોજાર

(રાગ: બેસો બેસો મંડપની માંય ઉતાવળ શીદને કરો છો)

તોફાન જાગ્યું દરિયા મોજાર....હોડી મારી હલકારા મારતી 

                આફતના વાયરા મનને મુંઝવતા 

કેમ કરી ઉતરવું પાર......હોડી મારી હલકારા મારતી

                આશાને તૃષ્ણાનાં મોજાં ઘણાં ઉછળે

સ્થિરતાનો શઢ ઢળી......હોડી મારી હલકારા મારતી

                ઘણું ઘણું ગુમીયો, મળ્યો નહીં ભુમીયો 

આવરદા એળે વહી જાય......હોડી મારી હલકારા મારતી

                હાથનાં હલેસાં તો કામ નથી આવતાં

અવિદ્યા અંધારી રાત......હોડી મારી હલકારા મારતી

                વદે ચુંથારામ સદગુરુ જો હોય તો

સંતો ઉતારે ભવ પાર......હોડી મારી હલકારા મારતી 

તનમાં તોરંગ ઘોડો તીખો

 (રાગ: મેં તો ફરતાં મેલ્યાં ફૂલ રે શામળિયા)

એક તનમાં તોરંગ દ\ઘોડો તીખો રે......

નિયમ ચોકઠું ચઢાવી ચલન શીખો રે...

                ક્ષમા ખેતમાં ને દયાજીની રેતમાં

ચિત ચાબુકે ચલાવી ચલન શીખો રે......

                દમ ડાબલા મઢાવી સુરત સડકે રે 

ધીરજ જીણી જીણી ચાલે ચલન શીખો રે.......

                જીન ઝરણાં ઉદારતા પલાણીયાં રે 

નામી ઝૂલ્યો સમતાની ચલન શીખો રે......

                ચુંથારામ નિજ નામ લેવું જાણી રે

ગુરુ શાંતિથી સમજાવે ચલન શીખો રે.......

વચન વિચારીને બોલીએ

 (રાગ: વીરા વસ્તુ વિચારીને વહોરીએ)

                વીરા...વચન વિચારીને બોલીએ

જેથી, અંતરમાં થાય પ્રકાશ....સત્યની રીતે ચાલીએ

                સદાચારે સાચી નીતિ વહોરીએ

કોઈનું કરીએ નહીં અપમાન....વિચારીને બોલીએ

                સર્વે જીવોમાં આત્મા નીરખીએ

આખા જગમાં સૌ આપણા જેવા......વિચારીને બોલીએ

                કુળ કુટુંબમાં ઝગડો ના કીજીએ

આપણ ચાર ઘડીના મહેમાન......વિચારીને બોલીએ 

                વાણી જેવું વર્તન કરી જાણીએ

ચુંથારામ સત્ય ધર્મ નીતિ ધારી......વિચારીને બોલીએ