જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Tuesday, May 14, 2024

ચિત ચેતન સ્વરૂપમાં રહેના

(રાગ: જો તું પઢે પુરણ અઢારા)

ચિત ચેતન સ્વરૂપમાં રહેના

એક નામ અમરપદ લેના રે......ચિત ચેતન સ્વરૂપમાં રહેના

જેને આવન કે જાવન નાહી

સદા સ્થિર અચલ દિલ દેના રે......ચિત ચેતન સ્વરૂપમાં રહેના

અહે ત્રીગુણાતિત અવિકારી 

નહીં સર્જન વિસર્જન હોના રે......ચિત ચેતન સ્વરૂપમાં રહેના

નિરાકાર પરમ સુખકારી

ચુંથા સદગુરુ શબ્દે ચલના તે......ચિત ચેતન સ્વરૂપમાં રહેના

દિલડાં દર્પણ જેવાં રાખો

(રાગ: એક શૂન્યમાં લક્ષ્મી નારાયણ પોઢ્યા રે)

એક દિલડાં દર્પણ જેવાં રાખો રે પ્રતિબિંબ જડપી લેવાય;

એક હૈયામાં દયા ક્ષમા રાખો રે પ્રતિબિંબ જડપી લેવાય;

ગંગા યમુના જેવું મનડું ચોખ્ખું નિર્મળ રાખો રે.........

હો......એક વાણીમાં અમૃત સરખું ભાખો રે.......પ્રતિબિંબ જડપી લેવાય;

શ્રવણેન્દ્રીમાં સદગુરુના વચને ચિતડું રાખો રે.......

હો.....જનતા જનાર્દનમાં આતમ ભાવ લાવો રે......પ્રતિબિંબ જડપી લેવાય;

કર્મેન્દ્રીમાં કર્મ સમર્પણ, બ્રહ્મભાવ મન રાખો રે.......

હો....ચુંથારામની વાણી ખુબ વિચારો રે.......પ્રતિબિંબ જડપી લેવાય;

જીવાભાઈ તું જગમાં ફરી વળ્યો

(રાગ: બંદા નિજમાં નીરખ્યા વિના શીદ ભમ્યો)

જીવાભાઈ તું જગમાં ફરી વળ્યો

તને જડ્યો નહીં ભગવાન રે........તારા નિજમાં નૈયામિક થઇ રહ્યો

તારા અંતર ચક્ષુ ના ઉઘડ્યાં 

તારી બા'ર વૃત્તિઓને વાર રે........તારા નિજમાં નૈયામિક થઇ રહ્યો

જીવ ભાવે તું કર્મો કરી રહ્યો

તારું મૂળ સ્વરૂપ સંભાર રે........તારા નિજમાં નૈયામિક થઇ રહ્યો

પુણ્ય પાપના ફળમાં મોહી રહ્યો

તેથી જન્મ મરણ નહીં જાય રે........તારા નિજમાં નૈયામિક થઇ રહ્યો

સાચા સદગુરુ સ્વામીને સેવતાં 

ચુંથાભાઈ ભવ સહેજે તરાય રે ........તારા નિજમાં નૈયામિક થઇ રહ્યો

Monday, May 13, 2024

ગુરુગમની કુંચીએથી બ્રહ્મતાળું ખોલું રે..

(સોના સોના લોટે ગંગાજળ ભરવા ગ્યાતાં રે)

ગુરુગમની કુંચીએથી બ્રહ્મતાળું ખોલું રે..

નટવર નાનકડાને જુગતીથી જગાડું રે...

ત્રિવેણીના ઘાટેથી ગંગાજળ ભરી લાવું રે....

પાસે રહીને પાતળિયાનાં ચરણાં પખાળું રે.....

સરસ્વતીનો સંગમ મેળો ત્યાં બેસી નવડાવું રે.....

ગુરુજીના ઘાટેથી અઘાટે પધરાવું રે.....

નિરાકારી ધોતિયાં આસમાનેથી મંગાવું રે.....

બ્રહ્મરંગના જરિયાની જામા પહેરાવું રે......

ભમર ગુફાના સિંહાસનથી મુગટ માંગવું રે....

ચુંથારામના રુદિયામાં ગમ ગાદી બેસાડું રે....


રામ ઝરુખે લેખાં લેવાશે

(રાગ: કન્યા છે કાચનું પુતળું...)

રામ ઝરુખે લેખાં લેવાશે

પળપળ પગ થરથરશે રે...જીવનાં લેખાં લેવાશે

લેખાં લેવાશે ને દોષો જોવાશે

જામીન લીધેલા જમડા મારશે રે...જીવનાં લેખાં લેવાશે

સ્ત્રીનાં શિયાળ જેને ભંગ જ કીધાં

ચોરીની થશે તપાસણી રે...જીવનાં લેખાં લેવાશે

ચોરે બેસીને જેણે ચાડીઓ ખાધી

નરકના કુંડે નાખશે રે...જીવનાં લેખાં લેવાશે

સ્વાર્થ માપે, પરમાર્થ કાપે

પરપ્રાણ દુઃખે થાય રાજી રે...જીવનાં લેખાં લેવાશે

કથા કીર્તન જેને જરીએ ના રુચે

ચુંથારામ એ જમના કેદી થશે રે...જીવનાં લેખાં લેવાશે

જાવું છે મરી મહેરમ

(રાગ: દુબળી પડી)

જાવું છે મરી, મહેરમ, જાવું છે મરી...લ્હે લગાડી રામ ભજીલે.....જાવું છે મરી

મહેલ ને મહેલાતો તારી અહિયાં પડી રહેશે

તારે માટે સ્મશાનોમાં ચિતાઓ ખડી...લ્હે લગાડી રામ ભજીલે.....જાવું છે મરી

ધનના ધમકારા તારા કામમાં નહીં આવે

તારે માટે તૂટી-ફૂટી હાંડલી ખરી...લ્હે લગાડી રામ ભજીલે.....જાવું છે મરી

જગતમાં શેઠ ને સાહેબ થઈને ફરતા

જમડાની ચોટ ગળે બાંધશે દોરી...લ્હે લગાડી રામ ભજીલે.....જાવું છે મરી

રાગ દ્વેષ ઈર્ષાની ભરી લીધી થેલીઓ 

જમડા ઉપડાવશે મોટા પથરા ભરી...લ્હે લગાડી રામ ભજીલે.....જાવું છે મરી

અવિદ્યાએ અંધ બની સંત નહીં સેવિયા

ચુંથારામ રામ ભજીલ્યો ફરી રે ફરી...લ્હે લગાડી રામ ભજીલે.....જાવું છે મરી 


હું તો જગના જંજાળેથી પરવળ્યો

(રાગ: હું તો ગંગા વધાવવાને જઈશ મારે.......)

હું તો જગના જંજાળેથી પરવળ્યો

મુજને સહેજે મળ્યા ગુરુદેવ.....મારે સોના સરીખો સુરજ ઊગીયો

મેં તો શાંતિ ઘદુલે શ્રીફળ મુકીયાં

મેં તો સંતો તેડાવ્યા આનંદભેર.....મારે સોના સરીખો સુરજ ઊગીયો

મેં તો મંડપ રોપાવી તોરણ બાંધીયા

મારા હૈડામાં હરખા ના માય.....મારે સોના સરીખો સુરજ ઊગીયો

કંકુ કેસરની ભરી રે કંકાવટી

ચૌવા, ચંદનને ફૂલડાંના હાર.....મારે સોના સરીખો સુરજ ઊગીયો

મેં તો ચરણ ધોઈ ચરણામૃત પી લીધા

મારો સફળ બન્યો અવતાર.....મારે સોના સરીખો સુરજ ઊગીયો

પૂજન વિધિ પરવારી ભોજન આપીયાં

મારા મનનો પીરસાવ્યો મોહનથાળ.....મારે સોના સરીખો સુરજ ઊગીયો

મેં તો અગમનિગમના પાસા ઢાળિયા

ચુંથારામ રમે સદગુરુ સાથ.....મારે સોના સરીખો સુરજ ઊગીયો

શિલા પૂંજે દા'ડો નહીં વળે....

(રાગ: લીલુડા વાંસની વાંસળી રે આડા મારગે વાગતી જાય)

શિલા પૂંજે દા'ડો નહીં વળે રે........માંહ્યલો કેમ કરી નીકળશે કાટ;

મોહ માયામાં ફસાઈ રહ્યો રે......અંતે કોણ આવી કધ્તશે બહાર;

સાધન સામગ્રીમાં લીન થયો રે..........તારી વેળા અવર્થા રે જાય;

દેહનો જીવભાવ ના મટ્યો રે.........તને આત્મા ક્યાંથી ઓળખાય;

સદગુરુ સંતો ના સેવિયા રે...........તારો એળે જન્મારો રે જાય;

કહે ચુંથારામ સ્નેહથી રે.........ગુરુ વિના ભવબંધન ના જાય;

Friday, May 10, 2024

આખા કુળમાં રે એક ભક્ત જો પાકે......

(રાગ:મધ બેઠાં રે આંબલીયાને ડાળ કે મધ રે......)

આખા કુળમાં રે એક ભક્ત જો પાકે તો કુળ એકોતેર તારશે...

તેના સમરણથી નાસે જન્મોના પાપ કે આત્મામાં પ્રીતિ જાગશે....

તેની વાણીમાં વસી રહ્યો રે મોરારી કે સતસંગીને સુખ આપશે.....

તેના દર્શનથી દુઃખ, દરિદ્ર નાસે કે ભવનાં બંધન કાપશે......

તેના સહવાસથી ભવ રોગ મટાડે કે આતમ જ્યોત જગાવશે......

તેના શરણે પડેલાને નકરો બનાવે કે ચુંથારામ ભેગો ભરાઈ જાશે.....

ઊભા વાટમાં રે ........

(રાગ: પરજીયો)

ઉભા વાટમાં રે લમણું વારી વારી શું જુઓ...જીવન ચાલ્યું જાય છે

મોટા રે ઘરનાં તેડાં આવવાની થઇ તૈયારી......

વૃત્તિ ના પરવારી....જીવન ચાલ્યું જાય છે;

કાયા કોઠડી રે હવે લાગી છે કરમાવા...... 

તોય ચિત્ત લાગ્યું છે કમાવા......જીવન ચાલ્યું જાય છે

જ્યાંથી આવ્યો રે ત્યાં જવાબ શો દેવાશે;

કાંઈ લેખાં તો પૂછાશે......જીવન ચાલ્યું જાય છે

નથી નીરખ્યા કે નથી પરખ્યા મોરારી;

નથી ગુરુ કર્યા ગિરિધારી......જીવન ચાલ્યું જાય છે

ચુંથારામને રે ગુરુ પ્રાણ થાકી પણ પ્યારા;

ઘટ-ઘટના જાણનહારા......જીવન ચાલ્યું જાય છે

મત ખોવો રે ભજનીયા રાતલડી

(રાગ: છાનું છાનું છોકરા મારું તનમનીયું)

                    મત ખોવો રે ભજનીયા રાતલડી

તમે છોડો ભવાટવીની વાતલડી......મત ખોવો રે ભજનીયા રાતલડી

                    સહસ્ત્ર મુખે શેષ નામ જપે છે

શિવજી જપે રે જેને ઘડી રે ઘડી......મત ખોવો રે ભજનીયા રાતલડી 

                    એક એક ઘડી લાખ કેરી વહી જાય છે

ધન્ય બનાવો હવે જાતલડી......મત ખોવો રે ભજનીયા રાતલડી 

                    અંજલિના નીર પેઠે આયુષ વહી જાય છે;

શાંત બની ને ઠારો શીતલડી......મત ખોવો રે ભજનીયા રાતલડી 

                    સતસંગ સમરણ સદગુરુ કૃપા;

આનંદ વર્તાવે ચુંથા ચિત્તમાં પડી......મત ખોવો રે ભજનીયા રાતલડી  

રંગ રહેશે મનજીભાઈ રંગ રહેશે

 (આજ ધન્ય ઘડી ને ધન્ય રાતલડી)

રંગ રહેશે મનજીભાઈ રંગ રહેશે

હરિ ભજવાનો અવસર મળીયો છે આજ....જપો મનજીભાઈ રંગ રહેશે

તમે ચારે અવસ્થાઓ ઘૂમી વળ્યા;

તમે તુરીયામાં થઇ રહો તદાકાર....જપો મનજીભાઈ રંગ રહેશે

તમે વાસનાઓ બાળીને ધૂપ કરજ્યો;

તમને આસક્તિ છોડવાનો મળી જશે લાગ....જપો મનજીભાઈ રંગ રહેશે

તમે સંશયનાં મૂળિયાં ઉખાડી દેજ્યો;

તમને હરિગુરુ સંતના મળશે આશીર્વાદ....જપો મનજીભાઈ રંગ રહેશે

તમે અમર પદના અધિકારી;

ચુંથારામના હિતમાં નિત્ય રમનાર....જપો મનજીભાઈ રંગ રહેશે


અમે જાણ્યો જગતનો ઢંગ

(રાગ: લેતાં લેતાં શ્રી રામનું નામ દુનિયા લાજી મારે છે)

અમે જાણ્યો જગતનો ઢંગ.........માંહ્યલો મલકે છે

અમે રાખ્યો વિવેકનો સંગ.........માંહ્યલો મલકે છે

એકને બેસાડું ત્યાં ચાર ખડા થાય છે.

બીજા બને છે તૈયાર.........માંહ્યલો મલકે છે

ચોકીમાં ચૂક છે ને બજવણીમાં ભૂલ છે

સી.આઈ.ડી. બને તો પકડાય.........માંહ્યલો મલકે છે

આવતા-જતાને સુરતમાં સમાવી લે 

ચુંથારામ ગુરુ સંગ ભળી જાય.........માંહ્યલો મલકે છે

Thursday, May 9, 2024

મેં તો જાણ્યો સંસારીયો ખારો.....

(રાગ: મારે સાસરીએ જઈ કોઈ કહેજો એટલડું પ્રીતમજી.......)

મેં તો જાણ્યો સંસારીયો ખારો સમુંદર.....નાવિક વિના કેમ ચાલશે...

                    શઢ તૂટશે ને થાંભલો ભાગશે;

                    તને જાજુ જોખમ વિશ લાગશે;

તારી નાવડી તો ડગુંમગું થશે જીવલડા.....નાવિક વિના કેમ ચાલશે...

                    ખારા સંસારે ખટપટ ઝાઝી છે;

                    કુળ કુટુંબની રંગ બાજી છે;

તારી કિનારે નવ કેમ જાશે જીવલડા.....નાવિક વિના કેમ ચાલશે...

                    તારો ખેવટીયો નાવ ખેડનારો;

                    તેને શોધો તો ભવ તારનારો;

ચુંથારામ ગુરુ શરણ સ્વીકારો જીવલડા.....નાવિક વિના કેમ ચાલશે...

સદગુરુની સાહ્યબીમાં ભરીયો નીરકારો રે....

(રાગ: આછી પાછી લીંબોડી ને લચ્ચર પચ્ચર ફાલી રે....)

સદગુરુની સાહ્યબીમાં ભરીયો નીરકારો રે....અલક મલક છે

ત્રિવેણીના નીરમાં જબરો એનો ઝબકારો રે....અલક મલક છે

નયનકમળની ન્યોછાવરમાં નુરા ટપકાવનારો રે....અલક મલક છે

સંત સરોવર શાંતિનાં કમળ ખીલવનારો રે....અલક મલક છે

મોતી ખીલ્યાં માનસરોવર હંસો કેરો ચારો રે....અલક મલક છે

ચુંથારામના હ્રુદિયા આતમનો ઉજીયારો રે....અલક મલક છે

પડદો ખોલી પરાંણીયા જો જે

(રાગ: નવષા નવી હવેલી વાળો...)

                    પડદો ખોલી પરાંણીયા જો જે;

ધારણા બાંધીને ધીરધાર કરજે, પરાંણીયા જગતની રીતભાત જુદી છે.

                    હીરા, મોતી હરિનું નામ છે;

ગરજુ ઘરાક જોઈ તોલ કરજે, પરાંણીયા જગતની રીતભાત જુદી છે.

                    અંતર જૂદું ને મુખડે મીઠાશ છે;

નીરખી-પરખીને સદબોધ કરજે, પરાંણીયા જગતની રીતભાત જુદી છે.

                    ગોરાં-ગોરાં મુખડાં ને કૂડાં કૂડાં કર્મો;

એવા દુરીજનથી દુર રહેજે, પરાંણીયા જગતની રીતભાત જુદી છે.

                    ચુંથારામની રચના સાંભળજે;

સદા સદગુરુ શરણમાં રહેજે, પરાંણીયા જગતની રીતભાત જુદી છે.

મને વૈદ મળ્યા ગુરુદેવ

(રાગ: મારી કાયા માટીના ઘડનારા......)

મને વૈદ મળ્યા ગુરુદેવ........ગોળી રે આપી જ્ઞાનની

                નિજ નામનાં નસ્તર મુકીયાં,

મારો કાઢ્યો ચોરાસીનો તાવ........ગોળી રે આપી જ્ઞાનની

                હું તો જ્યાં રે જોવું ત્યાં મારા જેવા;

સહુમાં ચેતન ખેલે અભયરામ........ગોળી રે આપી જ્ઞાનની

                તાળાં, કુંચી હૃદય મારાં ખોલિયાં;

મુજને દેખાડ્યું અવિચળ ધામ........ગોળી રે આપી જ્ઞાનની

                મારા ત્રીવિધના તાપ સમાવિયા;

મારી દ્રષ્ટિમાં આતમરામ........ગોળી રે આપી જ્ઞાનની

                મારી સુરતામાં સદગુરુ શોભતા;

દાસ ચુંથા વદે વારંવાર........ગોળી રે આપી જ્ઞાનની 

ઘર દુકાનો સર્વેશ્વરની.....મારી શીદને માનો રે.....

(રાગ: હવે શાનાં માન રે વહુવર......હવે શાનાં માન....)

ઘર દુકાનો સર્વેશ્વરની......મારી શીદને માનો રે......

નફો-નુકશાન સર્વેશ્વરનાં........તારી વફાદારી રે.......

મારું માનો તે છે ચોરી........લંપટ થઈને લાજો રે........

વિવેકનો વહેપાર જ કરીએ.......તો ભવસાગર તરીએ રે.......

સાચું બોલો, સાચું તોલો........સાચે રીઝે રામ રે.......

અંતર્યામી સહુમાં સરખો........સમજી સમજી ચાલો રે......

ચુંથારામ એ સહુમાં વસિયો........આનંદ મંગલકારી રે......

તેજ તેજ દિશે આકાશ....ગુરુના દેશમાં

(રાગ: સાહ્યબા સડકો બંધાવ.........)

તેજ તેજ દિશે આકાશ....ગુરુના દેશમાં

લાખ લાખ સૂર્ય પ્રકાશ......ગુરુના દેશમાં

ગુરુના દેશમાં ને આત્માના તેજમાં;

મનના મેલો ધોવાય........ગુરુના દેશમાં 

પાપ બળી જાય છે ને પુણ્ય ઘણું થાય છે;

નીચા...ઊંચા બની જાય.........ગુરુના દેશમાં 

કર્મ છૂટી જાય છે ને જન્મ મરણ જાય છે;

આત્મા અમર ઓળખાય........ગુરુના દેશમાં 

સંતોની શાનમાં ને ગુરુજીની શાનમાં;

ચુંથારામ આનંદ ઉભરાય...........ગુરુના દેશમાં 

અગમની વાતો મારા ગુરુજીના ઘરની

(રાગ: ધોળ)

                અગમની વાતો મારા ગુરુજીના ઘરની,

સ્થિરતાના સ્થંભે જડાવું શો રંજીલાલ......અગમની વાતો મારા......

                અનભેનાં આસન ઢાળી મુખ બંધ કરાવું,

ગુરુગમના ઘૂઘરા બંધાવું શો રંજીલાલ......અગમની વાતો મારા......

                મહાપદના દેશેથી કહો તો ઘોડલા માંગવું,

કરુણાના ચોકમાં કુદાવું શો રંજીલાલ......અગમની વાતો મારા......

                શાંતિ બનાતની કહો તો મોજડી સીવાડવું,

અલકની સાહ્યબી સોહાવું શો રંજીલાલ......અગમની વાતો મારા......

                સતસંગ સોનાની આતશબાજી બનાવું,

નિશ્ચયના મહેલમાં રમાડું શો રંજીલાલ......અગમની વાતો મારા......

                દાસ ચુંથાના ગુરુજી ઘરમાં બિરાજે,

અંતરમાં આનંદ વર્તાવું શો રંજીલાલ......અગમની વાતો મારા......