જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Thursday, January 9, 2025

સંત શરણે જઈ નિર્મળ

(રાગ: શેરી વળાવી સજ કરાવું ઘેર આવો ને)

સંત શરણે જઈ નિર્મળ સંત બની જઈએ રે 

મૂરખ લોકડિયાંનાં મહેણાં સુણી ન સુખી થઈએ રે - સંત શરણે....

હરી રીઝવવા કૃષ્ણ ભજન રૂડી કહેણી રે 

કહેણી કથીયે એવી હૃદયમાં રાખો રહેણી રે - સંત શરણે.....

શોક સંશય ઉપાધી ટાળી જગ આશરે 

દયાળુ ગંભીર બનીને પ્રભુના દાસ રે - સંત શરણે....

વેદ મર્યાદા નીતિ રીતી ગણી વ્હાલી રે 

હરી ભક્તિ વિના પળ એક જાય ના ખાલી રે - સંત શરણે.....

પ્રભુમાં ભાન ભૂલી ઘેલી બની મતવાલી રે 

તે તો ઓળખનારા ઓળખે પ્રભુની પ્રીત પ્યારી રે - સંત શરણે......

લોઢું ને ચુંબક જેમ એક મેક થાય તેમ ભાળીએ રે

તન મન ધન સોંપી દઈએ હરીના કહેવાઈએ રે - સંત શરણે.....

એક ચિત્તથી હરી ભજીએ દુર્જન સંગ તજીયે રે

કહે ચુંથા મુક્તિની માર્ગ સફળ કરી લઇએ રે - સંત શરણે.... 

મારું મારું કરતો મૂરખ

(રાગ: હાટાં બજારો વચ્ચે નીકળ્યો રે ઉભો ઉભો)

મારું મારું કરતો મૂરખ ઠામ ઠરી નવ બેઠો રે જગ મેળામાં 

સત સંગતમાં ભાવ ના રાખ્યો પાપ સભામાં પેઠો રે જગ મેળામાં 

થોડું જીવતર આશા લાંબી આતે કૌતુક કેવું રે જગ મેળામાં 

માથા ઉપર મોત ભમે છે જેમ તેતર ઉપર બાજ રે જગ મેળામાં 

કીડા વાળું કુતરું જેમ દોડે જપે નહિ તે જરીયે રે જગ મેળામાં 

વિષય વારો વલખાં કરે ડૂબ્યો દુઃખના દરિયે રે જગ મેળામાં 

માયા નશો કેફ ચડાવી છાતી કાઢી બોલે રે જગ મેળામાં 

ઝડપ કરીને કાળે પકડ્યો બાંધી ઢસડી દોરે રે જગ મેળામાં 

ભીંડો જોને ફૂલ્યો ફાલ્યો વિલાઈ જાશે વહેલો રે જગ મેળામાં 

મૃગજળ દેખી મોહ્યો પ્રાણી ચુંથા શીખ ના માની રે જગ મેળામાં 

હરી રસ મોંઘા મુલનો

(રાગ: પેલો સામે ઉભો કદમ ડાળને છાંયડે રે મનહર મોતી)

હરી રસ મોંઘા મુલનો જેણે પીધો તે નર પાય રે - રામ ભજીલ્યો 

શિર સાટે એ પીજીએ બને કંચન સરખી કાય રે - રામ ભજીલ્યો 

નિર્મળ પાણી નદી તણા પણ નમીએ તો જ પીવાય - રામ ભજીલ્યો 

નીચે નમ્યા વિના ના મળે કાંઈ તરસે જીવડો જાય - રામ ભજીલ્યો 

હરીના જન જ્યાં સામા મળે ત્યાં નમીએ ચરણની માંય રે - રામ ભજીલ્યો 

સંતપુરુષની કૃપા હોય તે હરીરસ પામીએ ત્યાંય રે - રામ ભજીલ્યો 

પ્રેમભક્તિથી નામ જ રટીએ ભવસાગર તરી જઈએ રે - રામ ભજીલ્યો 

ચુંથા હરીરસ પીધો જેણે જન્મ મરણ નવ હોય રે - રામ ભજીલ્યો 

આવો અવસર ફરી નહીં આવે

(રાગ: લીમડે ઝાઝી લીંબોડી)

આવો અવસર ફરી નહીં આવે રે મન કરજે વિચાર 

પ્રભુ નામ રટણ જે કર્શેકારશે રે તેનો બેડો પાર 

આવ્યા ક્યાંથી ને ક્યાં જાવું રે તેનો કરજે વિચાર 

સ્થિર ઠેકાણે થઈ ઠરવું રે - નવ પાછો પગ લગાર

હરી નામ વિના નર સુતકી રે - શુદ્ધ કડી નવ થાય 

પાપી પણ પ્રભુ નામથી રે - સહેજે પાવન થાય 

ચુંથારામ પ્રેમ નગરમાં મહાલે રે - આનંદ લીલા લહેર 

હરી નામ સ્મરણમાં લોટે રે - હરખે આનંદ ભેર  

રંગતાળી રંગતાળી રંગતાળી

(રાગ: દિવાળી દિવાળી કે આજ મારે દિવાળી રે)

રંગતાળી રંગતાળી વાલમડાની રંગતાળી રે 

મારે પૂર્વની પ્રીત ઘણી જાગી વાલમડાની રંગતાળી રે 

મન રૂપી ઘોડીલાને ચિત્ત રૂપી ચાબુક

તાણી તાણી લાવું વાળી વાલમડાની રંગતાળી રે 

દયાજીની રેતમાં ને ક્ષમાજીના ખેતમાં 

ફેરવી ભણાવી ચાલ સારી વાલમડાની રંગતાળી રે 

જ્ઞાન રૂપી ઘાસ વૈરાગ્ય રૂપી દાણો 

શાંતિ સાંકળ બાંધનારી વાલમડાની રંગતાળી રે 

નીરમાન નીર જીન ઝરણા ઉદારતા 

શમદમ પેંગડે સવારી વાલમડાની રંગતાળી રે 

ચુંથારામ નામની નોબતો બાજે 

ઊર્મિની નાયિકા નાચડી વાલમડાની રંગતાળી રે 

ભજન કરલે ભાઈ

ભજન કરલે, ભજન કરલે, ભજન કરલે ભાઈ રે - આ રે સંસારમાં 

માતા-પિતા તેરે, કુટુંબ કબીલા સાથ ન આવે કોઈ રે 

પલ પલ છીન-છીન આયુષ્ય જાય છે 

કરીલે કાંઈ કમાઈ રે - ભજ કરલે .........

સુતવિત દારા, મિત્ર પ્યારા 

સ્વાર્થની સગાઇ રે - ભજન કરલે.......

ધન જોબનને માલ ખજાના 

કુછ ન આવે તેરે સાથ રે - ભજન કરલે 

રામ નામની બંધો ગાંસડી 

ચુંથારામ લઇ જાઓ સંગાથ રે - ભજન કરલે 

Saturday, November 30, 2024

પ્રાણીયા હરખે પ્રભુને સંભાળ....

(રાગ: શામળા સુકાની થઈને સંભાળ નૈયા ભવદરિયે ડૂબતી)

 પ્રાણીયા હરખે પ્રભુને સંભાળ (૨) સંસાર આળપંપાળ છે

એક જ સાચો પ્રભુનો આધાર (૨) સંસાર આળપંપાળ છે

કાયાનો ઘડનાર કાયાનો પાળનાર 

અંતરનો જાણનાર મનડાનો વારનાર 

તનમાં વ્યાપી રહ્યો કિરતાર (૨) સંસાર આળપંપાળ છે

પ્રભુમાં પ્રીત એ મુક્તિનું દ્વાર છે 

સ્વપ્ના જેવો આ જુઠો સંસાર છે

વા'લા પ્રભુમાં ચિતડાને વાળ (૨) સંસાર આળપંપાળ છે

એ જ પ્રભુ શ્યામસુંદિર એ જ સુખધાર છે 

એ જ પ્રેમી ભક્તોને ઠરવાનું ઠામ છે 

ચુંથારામ અખંડ સુખનું ધામ (૨) સંસાર આળપંપાળ છે

રામ રતનધન પાયો....

(રાગ: ગીરીધારને મન ભાવી રાણાજી...)

રામ રતનધન પાયો ગુરુજી મેં તો રામ રતનધન પાયો

રામનામમાં મારી લાગણી જોડણી 

શામળામાં સુરતા ઠહેરાણી ગુરુજી મેં તો રામ રતનધન પાયો 

રામનું નામ મારે હૈયે વસ્યું છે 

કોટી તીરથ કોટી કાશી ગુરુજી મેં તો રામ રતનધન પાયો 

દાસ ચુંથાનો સ્વામી શામળીયો 

સાચી પ્રીતિથી મળવા વાળો ગુરુજી મેં તો રામ રતનધન પાયો

Wednesday, November 27, 2024

સંત સમાગમ કરીએ રે મુકીને વાતો

(રાગ: ગાંડું ગોતર વહોર્યું રે જીવાભાઈ વીરા)

સંત સમાગમ કરીએ રે મુકીને વાતો

અહંતા મમતા તજીએ રે  મુકીને વાતો

લક્ષ્મીવરને વરીએ રે મુકીને વાતો

સંતો દેખી નમીએ રે મુકીને વાતો

પરમારથ કાંઈ કરીએ રે મુકીને વાતો

જ્ઞાન ગંગામાં નાહીએ રે મુકીને વાતો

સદગુરુ સંગે રહીએ રે મુકીને વાતો

ચુંથા ચિત્તમાં ધરીએ રે મુકીને વાતો

નુરતા સુરતા સખી બંને બેનડી

(રાગ: હંસા નેણ ઠરે ને નાભી હસે)

નુરતા સુરતા સખી બંને બેનડી 

હરખે ખેલી રહી નાટા રંગ અમરવરને ભેટવા

નિર્વાણીના નેજા ફરકતા

સૂક્ષ્મણા શાંતિ પથારાવે અમરવરને ભેટવા

પાન-અપાનની ગતિ ધીમી પડી 

ત્રિકુટીના તાળાં ખુલી જાય રે અમરવરને ભેટવા

છતા દેહે વિદેહીપણું દાખવે 

ચુંથારામ ગુરુગમથી સમજાય રે અમરવરને ભેટવા   


Tuesday, November 26, 2024

એક જુગ્તીમાં ભક્તિ ભળી ભાવે રે

(રાગ: મને દર્શન દેજો દોડી દોડી રે મોરારી)

એક જુગ્તીમાં ભક્તિ ભળી ભાવે રે સર્વેશ્વરની

ઊંડા અંતરમાં જ્યોત પ્રગટાવી રે સર્વેશ્વરની

ઘટ ઘટમાં પ્રગટપણું નામનું દીસે 

જળ સ્થળમાં નામનું બિંદ હસે

 સદગુરૂએ શાનકા બતાવી રે સર્વેશ્વરની

રજ્જુમાં સર્પની ભ્રાંતિ પડી 

આ દુનિયા દોરંગી ચિત્તમાં પડી 

સદગુરૂએ નિર્ભયતા સમજાવી રે સર્વેશ્વરની

તન પ્રેસમાં શબ્દની રચના બની 

પરા, પશ્યંતી મધ્યમા ને વૈખરી ખરી 

ચુંથારામ ગુરુજીએ ચાવી દર્શાવી રે સર્વેશ્વરની 

દગાવાળો દલાલી દિશે દમતો

(રાગ: તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે.....)

દગાવાળો દલાલી દિશે દમતો રે, નથી ગમતો રે 

                    તોંય બાવન બજારે દિશે ભમતો રે 

દ્રશ્ય દુકાનોમાં ફરી વળતો રે, નથી જપતો રે

                   તોંય જરીએ નરમ નથી પડતો રે 

સમરી સિંચાણે શિરે ઝડપી રહ્યો છે જરા ભાનમાં આવે તો પડે ગમ

તારા ચિંતનનો ચિત્રો ચળવળતો રે, કુટાઈ મારતો રે,

                      તોંય બાવન બજારે દિશે ભમતો રે 

માયા મદિરાની કેફે ચડ્યો છે જરા જાગી જુવે તો પડે ગમ

ચુંથારામ સદગુરુ પાય પડતો રે, નથી ડરતો રે,

                        તોંય સમજી સમજીને ડગ ભરતો રે 


ચાલો સુરતાદેવી બ્રહ્મ સદનમાં

(રાગ: વા'લા વૈકુંઠથી વેલડી જોડાવાજો રે)

ચાલો સુરતાદેવી બ્રહ્મ સદનમાં 

ત્યાં છે નિજ નિરાકૃતિ દેવ - મારે રે જાવું નિજ પદમાં  

ક્ષીરસાગર ઓમકારે ઉમટ્યો

નવસે નવ્વાણું નીર ઉભરાય  - મારે રે જાવું નિજ પદમાં  

અહંબ્રહ્મ શ્રુતિ વાક્ય પરખીયું

સર્વાતીત અને સર્વાધાર - મારે રે જાવું નિજ પદમાં  

આત્મ બ્રહ્મ વિના બીજું કાંઈ નહીં 

બ્રહ્મ વિના ઠાલો કોઈ નહીં ઠામ - મારે રે જાવું નિજ પદમાં  

સત્ય સ્વરૂપ સદા જેનું રાચતું 

સર્વ નિરંતર બ્રહ્મ પ્રકાશ - મારે રે જાવું નિજ પદમાં  

બ્રહ્મ થકી જગત અળગું નથી 

જે જે દ્રશ્ય તે બ્રહ્મનો આભાસ - મારે રે જાવું નિજ પદમાં  

જગ ઉપજે શમે લહેર વૃત્ત છે

ચુંથારામ સદગુરુથી સમજાય - મારે રે જાવું નિજ પદમાં  

Saturday, November 23, 2024

સંસારનાં નામ રૂપ બાદ જ કરતાં

(રાગ: નિર્ધનનો અવતાર બળ્યો નિર્ધનનો અવતાર)

સંસારના નામ રૂપ બાદ જ કરતાં 

બ્રહ્મની પ્રતીતિ જેને થાય તે  હાલની બ્રહ્મની મૂર્તિ ગણાય

આત્માને ધર્મ-અધર્મ સ્પર્શે નહીં

એ મર્મ જેને સમજાય - તે  હાલની બ્રહ્મની મૂર્તિ ગણાય

દેહમાં વર્તે તોય વિદેહી રહે છે 

બ્રહ્મ સાક્ષાત્કાર થાય - તે  હાલની બ્રહ્મની મૂર્તિ ગણાય

રજ્જુમાં સર્પની ભ્રાંતિ ટળી જાય છે 

બ્રહ્મ ભાવ સહેજે સહેજે થાય - તે  હાલની બ્રહ્મની મૂર્તિ ગણાય

પ્રકૃતિ-પુરુષનો ખેલ જગત છે 

સાગર લહેરી જણાય - તે  હાલની બ્રહ્મની મૂર્તિ ગણાય

ભીંત ઉપરનાં જુદા-જુદા ચિત્રો

દીવાલ રૂપ જણાય - તે  હાલની બ્રહ્મની મૂર્તિ ગણાય

સ્વરૂપમાં કર્મોનું જેમ બંધન નહીં

એવો અનુભવ થાય - તે  હાલની બ્રહ્મની મૂર્તિ ગણાય

વેદ વાક્ય જે તત્વમસી છે 

ચુંથારામ જે બ્રહ્મમાં ભળાય - તે  હાલની બ્રહ્મની મૂર્તિ ગણાય

અમે બ્રહ્મ સ્વરૂપે ભગવાન રે

(રાગ: લીલી પીળી મશુરની દાળ રે ઉજળા ચોખલીયા)

અમે બ્રહ્મ સ્વરૂપે ભગવાન રે ભેગા ભાળીએ છીએ 

અમે સાગર લહેર સમાન રે ભેગા ભાળીએ છીએ 

અમે જાતી વર્ણ નહીં વાન રે ભેગા ભાળીએ છીએ 

અમને અશુભ જોવા નહીં નેણ રે ભેગા ભાળીએ છીએ 

અમે નામ રૂપ રહિત અનામ રે ભેગા ભાળીએ છીએ 

અમે આકાર રહિત સૌ ઠામ રે ભેગા ભાળીએ છીએ 

અમે અવ્યય અચિંત્યના ધામ રે ભેગા ભાળીએ છીએ 

ચુંથારામ નામમાં ગુલતાન રે ભેગા ભાળીએ છીએ 

મારું આત્મ સ્વરૂપ મણી જેવું

(રાગ: શ્રીજી બાવા તે નાથ હમારા હું તો શરણ સેવું રે)

મારું આત્મ સ્વરૂપ મણી જેવું - તન નગરીના કમળમાં રહેવું.

તેને શ્રદ્ધા રૂપી નદીમાં નવડાવું - શુદ્ધ ધ્યાન રૂપી પુષ્પોથી વધાવું

મારું આત્મ સ્વરૂપ મણી જેવું

હું નિર્ગુણ શિવ સ્વરૂપ છું - આત્મ ચિંતનરૂપી આસન કરાવું રે 

પુણ્ય પાપનો સંબંધ મને નથી - એ જ અર્ધ્યને પાધ્ય સમજવું રે 

મારું આત્મ સ્વરૂપ મણી જેવું

નિરાવરણ હું ચૈતન્ય સ્વરૂપ છું - એવું ચિંતનને વસ્ત્ર સમજવું રે

મારું આત્મ સ્વરૂપ મણી જેવું

ત્રિગુણાત્મક માળાનું હું સૂત્ર - એવો નિશ્ચય તે જનોઈ ધારેલું રે 

મારું આત્મ સ્વરૂપ મણી જેવું

બધી વાસનાનો ત્યાગ તે ધૂપ સમજું - આત્મ જ્ઞાન દીવડો જગાવું રે

મારું આત્મ સ્વરૂપ મણી જેવું

આનંદ રસ રૂપી નૈવેદ્ય પીણું ધરવું - વિષય અભાવરુપી પાનબીડું ધરવું રે 

મારું આત્મ સ્વરૂપ મણી જેવું

આત્મ બ્રહ્મપણાનું જ્ઞાન તે આરતી - પૂર્ણાનંદ આત્મ દ્રષ્ટિ તે પુષ્પાંજલી રે 

મારું આત્મ સ્વરૂપ મણી જેવું

હું કુટ્સ્થ નિર્વિકારી અચલ છું - ચુંથારામ એ પ્રદક્ષિણા રે

મારું આત્મ સ્વરૂપ મણી જેવું 

પોથી પઢે પ્રભુ નહીં જડે

(રાગ: ચાંદો તે ચાલે ઉતાવળો; ચાંદરણી તારા ને સાથ રે)

પોથી પઢે પ્રભુ નહીં જડે; પ્રભુ વસ્યા ગુરુગમની ગતમાંય રે 

તપ, તીર્થ વ્રત નિયમ તે; સદગુરૂ જ્ઞાનથી શુદ્ધિ થાય રે

મન, વચન, કર્મથી કોઈનું; હિતનું અહિત બની ના જાય રે 

ક્ષણે ક્ષણે સાવધાન રહી; આનંદની લહેરોમાં લહેરાય રે 

જો અનંત સુખની ઈચ્છા કરે; ચુંથા સદગુરુ શરણે ચિત્ત ધાર રે 

Wednesday, November 20, 2024

મારી સુરતા સોહંગ સીડી ચઢતીતી

(રાગ: એક નાદી વાદીનો ખેલ અનાદિ ઓળખી લ્યો)

મારી સુરતા સોહંગ સીડી ચઢતીતી 

કરી પાંચ પગથીએ પહેલ - સોહંગ સીડી ચઢતીતી 

સામે ત્રિવેણી સંગમ શોભંતો 

દસ પગથીએ સૂક્ષમણા મહેલ - સોહંગ સીડી ચઢતીતી

આવી અનહદપૂરી રઢિયામણી

નાદ શરણાઈ નોબત ઢમ ઢોલ - સોહંગ સીડી ચઢતીતી

ચિત્ત શુદ્ધિ દેવી બન્યાં સહાયકારી 

નિર્વિકલ્પ સમાધિ સમતોલ - સોહંગ સીડી ચઢતીતી

અધિષ્ઠાન પ્રતીતિ થવા લાગી 

ચુંથારામ શ્યામ સુરતી રંગરેલ - સોહંગ સીડી ચઢતીતી

 

નામનો મહિમા નિજ નામ છે.......

(રાગ: ડંકો વાગ્યોને લશ્કર ઉપડ્યું ઝરમરીયા ઝાલા)

નામનો મહિમા નિજ નામ છે નામીશ્વર પોતે 

બીજા બધાને સીતારામ છે નામીશ્વર પોતે

થાક્યા પાક્યાનું અહિયાં કામ છે નામીશ્વર પોતે

સર્વે સાધનનું મૂળ નામ છે નામીશ્વર પોતે

એથી અમોને આરામ છે નામીશ્વર પોતે

ચારે વેદોનું કહેવું એ જ છે નામીશ્વર પોતે

પછી બીજાનું શું કામ છે નામીશ્વર પોતે

સર્વે તીર્થોનું મોટું ધામ છે નામીશ્વર પોતે

એવા નામની અમને હામ છે નામીશ્વર પોતે

જ્ઞાનનું મહાધ્યાન નામ છે નામીશ્વર પોતે

ચુંથારામ નામ મહીં વાસ છે નામીશ્વર પોતે

અંત:પૂરનો વિહવળ તપસી તપસ્યા...

(રાગ: હવે શાનાં માન રે વહુવર હવે શાનાં માન)

અંત:પૂરનો વિહવળ તપસી તપસ્યા કરવા બેઠો રે

તપની તાજણ નાડી ધબકે શ્વાસ હિલોળા નાખે રે 

પચરંગી તત્વોનો તુંબો હાલક ડોલક ઘૂમે રે

પવન પુતળું પ્રગટ બોલે ભારે હલકું તોલે રે 

ઊંઘે જાગે લય થઇ જાવે તોયે સમજણ ના'વે રે 

ઘટમાં ડુંલ્યો નિજ ઘર ભૂલ્યો ચુંથા ગુરુગમે ચાલો રે