જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Friday, January 17, 2025

આજે કૃષ્ણ પ્રભુજી મારે મંદિરે

(રાગ: મારો માંડવો રઢિયાળો લીલી પામળીએ સોહાવો મારારાજ)

આજે કૃષ્ણ પ્રભુજી મારે મંદિરે પધાર્યા દીનાનાથ 

ચાલો જઈએ દર્શન કરવાને કાજ 

એમને હાથોમાં બાંહે બાજુબંધ પહોંચીઓ જડાવ

કાને કુંડળ ચિંતામણીની રે જોડ.....આજે કૃષ્ણ પ્રભુજી...

માથે મુગટમાં લીલાપીળા હીરલા ટાંક્યા ઠારો ઠાર

કંઠે શોભે સવાસો મોતીની માળ.....આજે કૃષ્ણ પ્રભુજી...

મોંઘો મરકત મણીનો હારડો સોહાયો નંદલાલ 

પંચ પટકુળ દિસે તે વીજળી સમાન.....આજે કૃષ્ણ પ્રભુજી...

દાસ ચુંથારામના સ્વામીને લળી લળી લાગીએ પાય

વંદન કરીએ કર જોડી વારંવાર.....આજે કૃષ્ણ પ્રભુજી...

વ્હાલા આરે અવસરે

(રાગ: વ્હાલા વૈકુંઠથી વેલડી જોડાવાજો)

વ્હાલા આરે અવસરે વહેલા આવજો

વ્હાલા વિનંતી કરું કર જોડી...અવસરે વહેલા આવજો 

વ્હાલા સેજ પલંગે પોઢ્યા હશો

વ્હાલા રૂક્ષમણી ચરણ પખારે...અવસરે વહેલા આવજો

વ્હાલા સુખ શૈયાઓ છોડી આવજો 

તમ આવે થયે લીલાલહેર...અવસરે વહેલા આવજો

સાથે લક્ષ્મી માતાને તેડી લાવજો 

વ્હાલા ગરુડે ચઢી અસવાર...અવસરે વહેલા આવજો

તમ આવે રૂડા વાન નીપજે 

તમ આવે પડે પકવાન...અવસરે વહેલા આવજો

વ્હાલા ચુંથારામની છે એટલી વિનંતી 

તારા દર્શનની છે મુજને આશ...અવસરે વહેલા આવજો

મીઠી મીઠી મોરલી

(રાગ: ઘોડીલે બેસીને પાન ચાવો લાડકડા)

મીઠી મીઠી મોરલી બજાવો કનૈયા

ઊંચા નીચા સુર મિલાવો કનૈયા.....મીઠી મીઠી મોરલી...

બંસરી બજાવી કાના ઘેલી કીધી રાધિકા 

હળવા હળવા બંસરી બજાવો કનૈયા.....મીઠી મીઠી મોરલી...

મોરલી સુણીને મારું માંદુ ઝોલા ખાય છે

કાળજડાંમાં ખટકા લાગે કનૈયા.....મીઠી મીઠી મોરલી...

ભોજનીયા ના ભાવે કાના નીંદરડી ના આવે 

ઘડીએ ઘડીએ ઉભી થઇને જોતી કનૈયા.....મીઠી મીઠી મોરલી...

છાનીમાની આસું લુછતી ડૂસકે ડૂસકે રોતી

ઊંચીનીચી નજરે નિહારું કનૈયા.....મીઠી મીઠી મોરલી...

ચુંથારામના સ્વામીને નિત નિત નમતી 

વારી વારી વારણાં લેતી કનૈયા.....મીઠી મીઠી મોરલી...

સંત સભામાં મારે જાવું છે

(રાગ: નવું નગર મારે જોવું છે)

સંત સભામાં મારે જાવું છે - કૃષ્ણ ભજન મારે ગાવું છે

નટવરજીનાં નામ રટીને ભવસાગર તરી જાવું છે....શ્રી કૃષ્ણ ભજન....

રણછોડ રસીયો હ્રદયમાં વસીયો

એને ન્યારી ન્યારીને ન્યાલ થાવું છે.....શ્રી કૃષ્ણ ભજન.....

રંગે રૂપાળો ને છેલ છબીલો 

કાનુડા પર વારી જાવું છે.....શ્રી કૃષ્ણ ભજન.....

રસીયા રસિકની છબી નિહાળી 

અંતરમાં અતિ હરખાવું છે.....શ્રી કૃષ્ણ ભજન.....

કળીયુગમાં હરિ કીર્તન કરીને 

ભવજળ પાર તરી જાવું છે.....શ્રી કૃષ્ણ ભજન.....

ચુંથારામનું સ્મરણ કરીને 

લક્ષ ચોરાશી ટળી જાવું છે.....શ્રી કૃષ્ણ ભજન.....

Wednesday, January 15, 2025

મોંઘો મનુષ્યનો દેહ

 (રાગ: મારે સાસરીયે જઈ કોઈ કહેજો એટલડું...)

મોંઘો મનુષ્યનો દેહ તને મળીયો જીવલડા સમરીલે સીતા રામને 

પછી નહીં મળે અવસર આવો જીવલડા સમરીલે સીતા રામને 

થોડું જીવવું ને કામ તારે ભારે - ઘણો ગૂંચવાયો જગના વહેવારે 

તારું જીવતર એળે જાશે જીવલડા સમરીલે સીતા રામને....મોંઘો મનુષ્યનો...

તુંતો બાંધી મુઠી લઇ આવ્યો - કશું સાથે નહીં લઇ જાવો 

તારો ફોગટ ફેરો થાશે જીવલડા સમરીલે સીતા રામને....મોંઘો મનુષ્યનો...

આ સુખ સંસારનું કેવું - જાણવું ઝંઝાવાના જળ જેવું

તેને જાતાં નહીં લાગે વાર જીવલડા સમરીલે સીતા રામને....મોંઘો મનુષ્યનો...

એવું જાણીને પ્રભુને ભજીએ - સ્નેહ માયાને મનથી તજીએ 

દાસ ચુંથારામના સ્વામીને રટીએ જીવલડા સમરીલે સીતા રામને....મોંઘો મનુષ્યનો...

પ્રિતડી બાંધો હરિના નામની

(હંસલો ચાલ્યો જવાનો એકલો રે)

પ્રિતડી બાંધો હરિના નામની 

જીવનમાં નાવ મળી નામની - પ્રિતડી બાંધો હરિના નામની 

પ્રિત કરીને જેણે ભુદરજી ભજીયા 

ધન્ય ધન્ય ધન્ય તેની જાતડી - પ્રિતડી બાંધો હરિના નામની 

પ્રથમ પ્રીતડી કરી પ્રહલાદજી

સ્થંભે પ્રગટ્યા મારા શ્મયાજી - પ્રિતડી બાંધો હરિના નામની 

સચી રે પ્રિતથી શ્યામ મારો રીઝશે 

મનના વિકારો બધા તૂટશે - પ્રિતડી બાંધો હરિના નામની 

જગમાં જન્મીને જેણે હરિ ના જાણીયા

તેને જીવિત શા કામની - પ્રિતડી બાંધો હરિના નામની  

દાસ ચુંથારામના સ્વામીને વિનવું 

જીવનમાં નાવ મળી નામની - પ્રિતડી બાંધો હરિના નામની 

મારા અંતર જ્યોતિ રામ

(રાગ: વિધિના લખીયા લેખ લલાટે ઠોકર......)

મારા અંતર જ્યોતિ રામ રઘુવીર જાગજો રે 

મુજને પોતાનો જાણીને દર્શન આપજો રે 

વિશ્વ સકળમાં રહ્યા છો માલી - તમ વિણ ઠામ ના દીસે ખાલી

વ્હાલા સેવકને દીન જાણી કરુણા ઉર લાવજો રે...મારા અંતર જ્યોતિ.... 

કામ ક્રોધ મદ લોભને કાઢી - નિર્મળ કરજો બુદ્ધિ અમારી 

જેથી ગાઈએ તમારા ગાન અતિ ઉમંગથી રે....મારા અંતર જ્યોતિ.....

જળમાં સ્થળમાં જડ-ચેતનમાં - સઘળે આપ બિરાજી રહ્યા છો

ચુંથારામ દાસ તણી આ અરજી ઉરમાં ધારજ્યો રે....મારા અંતર જ્યોતિ...

નરતન નગરીમાં

(રાગ: મોજમાં રહેજો રહીવર મોજમાં રહેજો)

નરતન નગરીમાં મેં તો જાગીને જોયું

બ્રહ્મ ભુવનમાં હીરલો ટમકે જુક્તિની રીતિ વર્તીને જોયું

કરમ ભરમની સાંકળ ગુરુ શબ્દે તોડી 

નિજ સ્વરૂપે હું પદ ખોયું  જુક્તિની રીતિ વર્તીને જોયું

સોહમ શબ્દોની શાને સમજીને લીધું 

ઘટ ઘટમાં રામ રમૈયા જોવું  જુક્તિની રીતિ વર્તીને જોયું

સ્વરુપાનંદે આત્મા સદગુરુની સાક્ષી 

ચુંથા સ્વરૂપે મનડું મોહ્યું  જુક્તિની રીતિ વર્તીને જોયું

Monday, January 13, 2025

નરતન નગરીમાં કૌતુક થાય

(રાગ: એકવાર બોલો મારી મરનારસી)

નરતન નગરીમાં કૌતુક થાય - ચાર-પાંચ ફેરિયા લુંટી ખાય 

નવ દરવાજે વેપાર થાય - કાળા બજારનો માલ વેચાય 

બોત્તેર દેશનો અવળો ન્યાય - તેથી નગરના લોક પીડાય 

પચ્ચીસ પોલીસ જેમ તેમ અથડાય - પકડી લે તો ઝગડો ઓલવાય

નવસે નવ્વાણું નદી ફેલાય - તોય બળતરા ના ઓલવાય 

માયા તૃષ્ણાથી માર સૌ ખાય - સમજુને સૌ સમજાય 

જો સમજે તો સુખિયા થાય - ચુંથા હરિના ગુણલા ગાય 

લાલજી એક જ વડનાં ઝાડ

( રાગ: વીંછી ચઢ્યો રે કમાડ)

લાલજી એક જ વડનાં ઝાડ છુપા શાને રહ્યા રે

લેતા પળપળની સંભાળ છુપા શાને રહ્યા રે 

તમારી થાય તેવી મરજી, અમને તેવું સર્જન હરજી છુપા શાને......

તમારી કર કૂંચી આધારે સઘળી દુનિયા ફેરા મારે છુપા શાને...

તમે છો દોરીના સંચાર છુપા શાને રહ્યા રે 

તમે જે ઠરાવીયું નિર્માણ એનું એજ આવે પ્રમાણ છુપા શાને....

તમે જો કૃપા કરો કિરતાર તો તો સંચિતના શા ભાર છુપા શાને....

તમે છો સમરથ સર્જનહાર છુપા શાને રહ્યા રે 

તમે છે પતિતપાવનકારી ચુંથા જુએ રાહ તમારી છુપા શાને....

તન ખેતર ખેડાં

(રાગ: કાંગ ખેતર ગ્યાંતાં રે)

તન ખેતર ખેડાં રે જીવન જાય છે 

તન ખેતર ખેડાં રે ધીરજના ધોરી જોડો 

ઝરણાનું ખાતર વેળાં રે જીવન જાય છે 

ચિત્ત ચોવાળ જોડાં હરિ નામ દાણા ઓળાં

નીર્ભયનો માગો વાળાં રે જીવન જાય છે 

કર્તવ્ય કરાવી કાઠાં અજ્ઞાન અંકુર પાડો

પડવા ન દેવાં છીંડાં રે જીવન જાય છે 

સતસંગ સાધનારાં હરિ માર્ગે જનારાં 

સંતોની સેવા ધારાં રે જીવન જાય છે 

ક્ષમા ખાળું વારાં રે સંતોષ પાક પામાં 

ચુંથા દિન ગાળાં રે જીવન જાય છે  

વાલા કેમ કરી વળગી રહીએ

(રાગ: બેની બરોબરી ના કરીએ)

વાલા કેમ કરી વળગી રહીએ

સામા દુરીજન લોકો દેખે દયાળુ કેમ કરી વળગી રહીએ

વાલા કેમ કરી કીર્તન કરીએ

જ્યાં ત્યાં ઈર્ષાળુ જન હુંકે કાનુડા કેમ કરી કીર્તન કરીએ

વાલા સમાજમાં શીદ ફરીએ 

જ્યાં ત્યાં ભડભડ ભડકા લાગે કાનુડા કેમ કરી ભેગા રહીએ

વાલા વાલાંમાં કેમ કરી વસીએ 

જ્યાં ત્યાં સ્વારથ સગડી સળગે છબીલા કેમ કરી આગળ ધસીએ

તારા વિયોગે રોઈ રોઈ રહીએ

તારો ચુંથા શરણે આવ્યો શામળીયા દીન પર કરુણા કરજો 


કાન તારી કચેરી માંય

(રાગ: આંબલા હેઠ તળાવ)

કાન તારી કચેરી માંય અરજદાર આવી ઊભો

ઊંડા અંતરના ઘાવ, ફરિયાદ નોંધાવી રહ્યો રે 

મારે તારી સાથે તકરાર, હૈયું તલસી રહ્યું રે

અંધેર દીઠું અપાર, કહેતાં લાજી મરું રે

વ્હાલા તારો આવો શો ન્યાય, અધવચ રખડી પડું રે

કાળજાં કૂણાં કોળાય, કેમ કરી આગળ ધસું રે 

મનડું મરી નાં જાય, વાસના વળગી પડી રે 

એક તારો સાચો આધાર, ચુંથારામ શોધી રહ્યો રે  

હું તો મનથી કરું સેવા

(રાગ: ધનુ ખરા બપોરે ધનુ માંયરામાં)

હું તો મનથી કરું સેવા, તમે માની લેજો દેવા 

રામ લક્ષ્મણ સીતા મારા શમણામાં 

હું તો આપું જળની ઝારી, દાતણ કરોને મોરારી 

ઝીલણ ઝીલવા પધારો દેવી સરયુમાં 

પીળા પીતામ્બર પહેરાવું, મોંઘી પામળીઓ ઓઢાડું 

સોના ચાખડીઓ પહેરી પધારો મંદિરમાં 

ભાલે ચંદન ચર્ચાવું, અંગે અત્તર છંટાવું

ગજરા ગૂંથીને સોહાવું બંને હાથોમાં

હાર હીરાના પહેરાવું, સોના મુંઘટ ધરાવું

કુંડળ ગુલરીયાં પહેરાવું બંને કાનોમાં

મનથી મોંઘા મેવા લાવું, પ્રેમે પાનબીડાં બનવું 

સેજ સંભાળીબિછાવું મન મંદિરમાં 

ગુરુગમ દિવલડે અજવાળું, અનહદ આરતીઓ ઉતારું

ચુંથા સાચાં સ્વપ્નો ધારું મારા અંતરમાં

જીવડા જુઠ્ઠો સંસાર

(રાગ: હંસલા જાજે ગોકુળીયા ગામમાં)

જીવડા જુઠ્ઠો સંસાર પ્રીત જોડ મા 

હરિ ચરણોની ચિત દોરી તોડ મા - જીવડા જુઠ્ઠો સંસાર પ્રીત જોડ મા

સુતદારા પરિવાર સ્વાર્થનો સંબંધ છે

અંધ બની આત્મદ્રષ્ટિ ભૂલ મા - જીવડા જુઠ્ઠો સંસાર પ્રીત જોડ મા

હું કરું આ મેં કર્યું સૌ ખોટી તાણા તાણ છે

તારે ઉડી જવાનું જોરમાં - જીવડા જુઠ્ઠો સંસાર પ્રીત જોડ મા

વિચારી લે જીવ તારે ઠરવાનો ઠામ છે 

તું તો પોઢ્યો પંથીના મુકામમાં - જીવડા જુઠ્ઠો સંસાર પ્રીત જોડ મા

ઝંઝાવાના નીર જોઈ ધસમસ્યો જાય છે 

ચુંથારામ શું મોહ્યા પ્રપંચમાં - જીવડા જુઠ્ઠો સંસાર પ્રીત જોડ મા

શામળા શાને લગાડો છો વાર

(રાગ: શામળા સુકાની થઈને સંભાળ)

શામળા શાને લગાડો વાર વેલ તારી સુકાઈ જાય છે 

અમીરસ સીંચો તો સજીવન થાય - વેલ તારી સુકાઈ જાય છે

જલતી સગડીઓ વછે નીકળીયો - કર્મોના પાપે કરમાઈ કળીઓ

જળ વિણ તડકો સહ્યો કેમ જાય - વેલ તારી સુકાઈ જાય છે

શાખા વિસ્તારી છે તારા આધારથી - તારે ભરોસે રહ્યો છું તે દિનથી 

તોય તારા લક્ષમાં ન આવે લગાર - વેલ તારી સુકાઈ જાય છે

એક જ તારો સહારો લીધો - તારા શરણમાં વિશ્વાસ કીધો 

તારે એની નહીં દરકાર - વેલ તારી સુકાઈ જાય છે

ધીંગો ધણી ધારી ઓથે રહ્યો છું - તેમ છતાં તું તો તગડી રહ્યો છું 

ચુંથારામ માગે તારો આધાર - વેલ તારી સુકાઈ જાય છે

Sunday, January 12, 2025

લગની લાગી તારા નામની

(રાગ: ખેંચી ખેંચીને ઘડો જળ ભર્યો હો રાજ)

લગની લાગી તારા નામની હો રામ 

ચિતડામાં તારા વિચાર રે અરજી સુણો ને મોરી શામળા હો રામ 

સંસારી વાત ગમતી નથી હો રામ 

રંગીલી લાગે તારી વાત રે અરજી સુણો ને મોરી શામળા હો રામ

માયા મમતાનો વેગ આકળો હો રામ

કેમ કરી પામી શકું પાર રે અરજી સુણો ને મોરી શામળા હો રામ

વ્યાધિઓ મનને મુંજવતી હો રામ

બચાવો બચાવો દીનાનાથ રે અરજી સુણો ને મોરી શામળા હો રામ

તુજ વિના મારે બીજા કોઈ નહીં હો રામ 

નીચે ધરતી ને ઉપર આભ રે અરજી સુણો ને મોરી શામળા હો રામ

ચુંથારામની એટલે છે વિનંતી હો રામ

શરણે રાખો સીતારામ રે અરજી સુણો ને મોરી શામળા હો રામ

મારા પ્રભુજીના પ્રેમીઓને

(રાગ: મારે સાસરીએ જઈ કોઈ કહેજો એટલડું)

મારા પ્રભુજીના પ્રેમીઓને કહેજો એટલડું હરિ ભજનમાં આવજો 

આજે મંડપની રચના બની છે - પધરામણી પ્રભુની કરી છે 

તજી ઘરનાં સૌ કામ ધરી હૈયામાં હામ - હરિ ભજનમાં આવજો 

સાથે વ્યસન કશું ના લાવશો - ઘણી દીનતાના ભાવ દર્શાવજો 

તજી સંસારી વાળ, સજી વેદ માર્યાદ - હરિ ભજનમાં આવજો 

સાચી પ્રીતિથી પગલાં ભરજો - ભાવ ઈર્ષાનો દિલથી તજજો 

સર્વે ભક્તોને વંદન મારા - સર્વેશ્વરને છો પ્રાણ થાકી પ્યારા 

જાણી ચુંથારામને દાસ, પૂરો મનડાની આશ - હરિ ભજનમાં આવજો  

જાગો જાગો રે તમે ભોળા મુસાફિર

(રાગ: મધ બેઠાં રે આંબલીયાની ડાળ.......)

જાગો જાગો રે તમે ભોળા મુસાફિર કે આળસ મરડીને કેમ સુઈ રહ્યા 

દિન ચડીયો રે તોય તારી ઊંઘ ના ઊડી કે પરદેશે આવી પડી રહ્યો 

તારા સાથીડા પહોંચ્યા પોતાને ધામ કે મૃગજળ દેખીને તું મોહી રહ્યો 

પરલોકે જઈ શો જવાબ દેવાશે કે પરભવ મળેલી મૂડી ખોઈ રહ્યો 

મારું માની બેઠો એમાં કાંઈ નથી તારું કે પાપના બાચકા બાંધી રહ્યો 

માયા જાળની અંધ પછેડી ઓઢીને કે પંચ વિષયોથી ફસાઈ રહ્યો

સ્મરણ કરીલ્યો રે સ્મરણ કરીલ્યો પ્રભુનું કે ચુંથારામ મોહનિંદ્રા ત્યાગજો 

જેના જીવનમાં શાંતિ સોહાય

(રાગ: આતો દેવાધિ દેવ કહેવાય)

જેના જીવનમાં શાંતિ સોહાય સંત રૂપ એ જ ગણાય 

જેના ગર્વનો પડદો ચીરાય સંત રૂપ એ જ ગણાય 

જેના અંતરથી ગર્વનો કાંટો ગળે 

દૂધ સાકળ મળે એમ સૌમાં ભળે

જેની મોટાઈ મનથી હણાય સંત રૂપ એ જ ગણાય 

જે જે નાના થયા તે ઊંચા બને 

જળ નીચાણમાં દોડી દોડી ઠરે 

નમ્ર બનવામાં ચિત્ત દોરાય સંત રૂપ એ જ ગણાય 

નાની કીડી સાકર સ્વાદ ચાખી લેતી 

મોટો હાથી તે ફાકે ધૂળ રેતી 

નમ્ર બનવાથી ગુણો ગ્રાહાય સંત રૂપ એ જ ગણાય 

તાડ વૃક્ષ ઊંચું ઊંચું જાય વધી 

કદળી ફળથી નીચી જાયે લચી 

પ્રભુ ચુંથાને કરજ્યોસહાય સંત રૂપ એ જ ગણાય