જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Sunday, March 4, 2018

સદગુરુ

સદગુરુની ઓળખ

(રાગ: વીંછી ચડયો રે કમાડ વીંછી રામનો રે)

મનજી સંભાળજો ધરી પ્યાર સત્યના વિચારથી રે

જે હોય સદગુરુના બાળ એને શ્રવણ મનન અધિકાર સત્યના વિચારથી રે

સદગુરુ હોય હજારે એક સત્યના વિચારથી રે

આપે કંઠી ને ફૂંકે કાન, એવા ગુરુ શું કરાવે જ્ઞાન સત્યના વિચારથી રે

દેહમાં દર્શાવે નિજ નામ સત્યના વિચારથી રે

આત્મા અનુભવમાં જે લાવે, એવા સદગુરુ ઇષ્ટ કહાવે સત્યના વિચારથી રે

ગુરુ એ બાળકનું નહિ કામ સત્યના વિચારથી રે

તન મન માયા ને વળી દામ, સમર્પી પછી ભીડવો હામ સત્યના વિચારથી રે

તારું મૂળ સ્વરૂપ સંભાર્ય સત્યના વિચારથી રે

લાભ ને ખાધ ગુરુની ધાર, મનજી તારો પ્રેમ પગાર સત્યના વિચારથી રે

પ્રેમે ધર્મ સનાતન ધાર સત્યના વિચારથી રે

ચૂંથારામ ગુરુ નીહાળ પ્રેમે પ્રગટ પ્રભુને ભાળ સત્યના વિચારથી રે

-----------------------------------------------------------------------------------

(રાગ: મેરા જૂતા હૈ જાપાની, એ પતલૂન ઇન્ગ્લીશ્તાની...)

ગુરુજી કલ્પતરુનો છોડ, એ છે રંગીલો રણછોડ, એ છે મનડાં કેરો મોર, મારા ચિતડાનો ચોર

 

અનુપમ હીરલો હાથે ચડીયો, કર્મ તણી તે વ્હારી, તીબની બલિહારી

અમુલ્ય વસ્તુ લાધી અમને સેવું શારંગપાણી ..... સેવું શારંગપાણી

તારી મીઠી-મીઠી વાણી, કાશી ગંગા જેવી જાણી....તું છે કાળજડાંની કોર મારા ચિતડાનો ચોર

 

ડગલે-પગલે નમન કરું છું, પરમ પદના વાસી ... પરમ પદના વાસી

ગુણાતીત છો ગુણ ગંભીરા, અક્ષરાતીત અવિનાશી... અક્ષરાતીત અવિનાશી

જય જય અખંડ અંતર્યામી જય જય બળવંતા બહુ નામી, તું છે સતચિત આનંદ છોડ ચૂંથારામ ચરણકમળમાં જોડ

 

ગુરુજી કલ્પતરુનો છોડ, એ છે રંગીલો રણછોડ, એ છે મનડાં કેરો મોર, મારા ચિતડાનો ચોર

-----------------------------------------------------------------------------------

(રાગ: સર પે ટોપી લાલ હાથમે રેશમકા રૂમાલ હો તેરા ક્યા કહેના)

હો સમરથ ગુરુ મહારાજ પ્રભુજી દિલની શી કહું વાત હું દોડી આવ્યો છું

ટાળો મનના તાપ પૂરોને અંતરની અભિલાષ હું દોડી આવ્યો છું

                    હો......દિલમાં વસી છે તારી સુંદર મૂરતી મનોહર મુરતી

અંતરમાં તલસાટ ભર્યો છે મળવા તુંજ ને આજ હું દોડી આવ્યો છું

                    હો......તારી યાદ મુજને પળ-પળ આવે, ભાન ભુલાવે

ઘાયલ હૈયું આજ બન્યું છે કોને કહેવી વાત હું દોડી આવ્યો છું

                    હો......મન મારું ભમતું તુંજ સમીપમાં, તુંજ નજીકમાં

ભૂલ્યો તનનું ભાન, બન્યો છું તારામાં ગુલતાન હું દોડી આવ્યો છું

                    હો......દિલ દ્વાર ખોલી મારાં મન મેલ મેલી, મન મેલ મેલી

શરણે ચૂંથા બાળ ગુરુજી તું છે તારણહાર હું દોડી આવ્યો છું

-----------------------------------------------------------------------------------

(રાગ: તુમ ચલે ગયે પરદેશ.......)

ગુરુ રસિયા પુરણ કામ, ગુણોના ધામ....ગુરુજી અમારા દીનોના તારણહારા

                    હો......ગુરુ જ્ઞાનની ગોળી આપે છે

                              મહા રોગ સમૂળો કાપે છે

હા........રગ રગમાં જ્યોતિ તેજ તણા ધબકારા, દીનોના તારણહારા.......ગુરુ રસિયા પુરણ......(૧)

                    હો......મુક્યું નામનું નસ્તર સુખકારી

                              મારી અંતર વેદના સૌ ટાળી

હા........પર ઉપકારી ગુરુ સમરથ વૈદ્ય અમારા દીનોના તારણહારા.......ગુરુ રસિયા પુરણ.....(૨)

                    હો......ગુરુ નયનમાં નયન મિલાવ્યા કરો

                              ગુરુ ચરણમાં શીશ જુકાવ્યા કરો

હા........દાસ ચુથાભાઈના હૈયે અમૃતરસની ધારા, દીનોના તારણહારા.....ગુરુ રસિયા પુરણ....(૩)

-----------------------------------------------------------------------------------

Saturday, March 3, 2018

અમૃતબિંદુ

ઊંચી સ્વરૂપ કેરી જ્યોત

(રાગ: ઊંચી તલાવડીની કોર પાણી ગ્યાતા પાણી .....)

ઊંચી સ્વરૂપ કેરી જ્યોત મંદિર ગ્યાતા મંદિર, સંદેશો મળીયો વાટમાં

સુરતાને સગપણના કોડ મંદિર ગ્યાતા મંદિર, સંદેશો મળીયો વાટમાં

                                શબ્દ દેશના સળંગ શિખરે શૂન્ય સાગરનો રાજવી,

અન્વય અનામી પૂરે કોડ..... મંદિર ગ્યાતા મંદિર, સંદેશો મળીયો વાટમાં

                                સુમતિ સૈયરની સાથે રૂપ ગુણના દ્વાર ઉગાડી,

ગુરુગમનો પહેરી લીધો મોડ ......મંદિર ગ્યાતા મંદિર, સંદેશો મળીયો વાટમાં

                                મંદિરીયાને છેલ્લે શિખર સદગુરુ શાન બિછાવી

ચૂંથારામ ના આત્માને છોડ......મંદિર ગ્યાતા મંદિર, સંદેશો મળીયો વાટમાં

-----------------------------------------------------------------------------------------------

મને અંતરદેશી મળીયા

(રાગ: મારું રણ તમે છોડવો રે રણછોડરાયા ......)

મને અંતરદેશી મળીયા રે ભરમણાઓ ભાગી

મારા મનના મનોરથ ફળિયા રે વિટંબણાઓ ત્યાગી

                  ભવસાગરમાં ભટકાતો

                  મોહ-માયાની ખાતો લાતો

પંચ ભૂતોમાં ભટકાતો રે ....ભરમણાઓ ભાગી....મને અંતરદેશી...

                  મારે અંતરમાં અજવાળું

                  હું બહાર કશું ના ભાળું

મારું સરી પડ્યું જગનું લારું રે ....ભરમણાઓ ભાગી....મને અંતરદેશી...

                  સદગુરુની શાંનકા વાગી

                  મારી અંતર જ્યોતિ જાગી

ચૂંથારામ રહ્યો અનુરાગી રે ....ભરમણાઓ ભાગી....મને અંતરદેશી...

-----------------------------------------------------------------------------------------------

માનવતા જાળવવી

(રાગ: અંતર પ્રીતિ લાગી કનૈયા મળવા વહેલો આવજે)

માનવતા જાળવવી હોય તો નીતિ રીતી પાળજ્યો

સજ્જનતા જાળવવી હોય તો વિવેકબુદ્ધિ રાખજ્યો

ભક્તપણું જાળવવું હોય તો વાણીને વશ રાખજ્યો

સંતપણું જાળવવું હોય તો મોહ-મમતાને ટાળજ્યો

કર્તા-અકર્તા રહેવું હોય તો જળકમળવ્રત ચાલજ્યો

જીવનમુક્ત બનવું હોય તો દેહભાવ ને છોડજ્યો

ચૂંથારામ ગુરુમુખી બનવું હોય તો આત્મદ્રષ્ટિ જોડજ્યો

-----------------------------------------------------------------------------------------------

અગમ-નિગમ

(રાગ: ચાંદો તે ચાલે ઉતાવળો, ચાંદરણી તારાને સાથ રે)

અગમ-નિગમ જાણે જ્ઞાની રે - જ્ઞાની તો અનુંભવાર્થી હોય રે

જ્ઞાની તો વાંચે ફરી-ફરી - ખોટ કે કસર હોય શાની રે

જ્ઞાની જાગે ધ્યાનમાં લાગે - નિજ પદમાં સુરતા ઠહેરાણી રે

વિષયથી વિરક્ત દેખી લ્યો - સંત ના હોય માની કે તાની રે

જ્ઞાની બોલે જુઠ્ઠું ના છોલે - ગુરુમુખી જ્ઞાનીની એંધાણી રે

દ્રશ્ય કલ્પનાઓ તો દુર કરે - ચૂંથારામ સ્વ-સ્વરૂપમાં સમાય રે

-----------------------------------------------------------------------------------------------

સત્યના સરોવરે

(રાગ: પ્રભુ ઊંડો તે કુવો જળ ભર્યો રે)

               સંતો સત્યના સરોવરે સંચર્યા

ત્યાં છે દેવો ના દેવ મહાદેવ રે ...... સરોવરે સંચર્યા

               સંતો જ્ઞાન ગલી રે શેરી સાંકડી

હું તો જોવું મારા ગુરુજીની વાટરે .... સરોવરે સંચર્યા

               સંતો ઝગમગ જ્યોતો ઝળકી રહી

વાગે અનહદ નગારાંની ધુશ રે ..... સરોવરે સંચર્યા

               બારે મેઘ પડગમ રૂપે ગાજતાં

પલ-પલ થાય વીજના ચમકાર રે......સરોવરે સંચર્યા

               ગુરુજી અનભે સિંહાસને શોભતા

દાસ ચૂંથારામ વદે જય જયકાર રે ...... સરોવરે સંચર્યા

-----------------------------------------------------------------------------------------------

ના આવે ગુરુગમને તોલે

(રાગ: લીલો માંડવો રચાવો પીળી પાંદડીએ સજાવો મારા રાય)

ભલે વેશ બદલો, ભલે દેશ બદલો હંસારાય

               તોયે ના'વે ગુરુગમને તોલે મારા રાય

ભલે કેશ ચૂંટાવો, ભલે મુંડ મૂંડાવો હંસારાય

               તોયે ના'વે ગુરુગમને તોલે મારા રાય

જો કોઈ ભગવાં કરાવે કે કોઈ દાઢી રખાવે હંસારાય

               તોયે ના'વે ગુરુગમને તોલે મારા રાય

જો કોઈ મૌન ગ્રહે કે કોઈ કષ્ટ સહે હંસારાય

               તોયે ના'વે ગુરુગમને તોલે મારા રાય

પ્યારી નારી છોડો કે ભલે વ્યવહાર તોડો હંસારાય

               તોયે ના'વે ગુરુગમને તોલે મારા રાય

ભલે રહો ઉપવાસી ભલે તીરથ કરો કાશી હંસારાય

               તોયે ના'વે ગુરુગમને તોલે મારા રાય

ભલે શ્રોતા બનો કે ભલે વક્તા બનો હંસારાય

               તોયે ના'વે ગુરુગમને તોલે મારા રાય

ચૂંથારામ મીઠો-મીઠો સાદ કર્ણ સુણી લેજો નાદ હંસારાય

               તોયે ના'વે ગુરુગમને તોલે મારા રાય

-----------------------------------------------------------------------------------------------

Saturday, July 13, 2013

The Soul!!!


The Soul!!!
Nameless though having a name;
Let’s see the breeze of absolute joy.
The infinite with the finite forms;
Enjoys the only Divine pleasure.
All within It, It within all;
There resides the reason of joy

Monday, February 25, 2013

ઓ જિંદગી!!!!


ઓ જિંદગી!!!!

કાળા વસ્ત્રોમાં તું કામણગારી લાગે છે

સસ્મિત હોઠો પર જાણે કે લાલી લાગે છે

તારી હયાતી જાણે મદ ભરેલી પ્યાલી લાગે છે

તારા વીનાની તમામ જગા ખાલી લાગે છે

માટે જ તો તું લોકોને વ્હાલી લાગે છે.

સમયની સાથે સઘળુ ય રંગતાળી લાગે છે

અરમાનોની ઓથમાં કેવી સુંવાળી લાગે છે

જાણે કે ધોળી બિલાડી પાળી લાગે છે

તારા ઉછળતા મોજાંની મધ્યે ભરતી-ઓટની રમત ન્યારી લાગે છે

ભાવીના અંધકારથી છવયેલી તું

કાળા વસ્ત્રોમાં પણ કામણગારી લાગે છે

વિઠ્ઠલ પટેલ

વિચાર

હો ભાઈ કાચી માટીની કયા બની રે
પંચ ભૂતોનો સાથ સ્મરણ કરોને સીતા રામનું રે
હો ભાઈ બ્રહ્મ ભર્યો છે ત્રિલોકમાં રે
અચેત ચેતન થઇ જાય સ્મરણ કરોને સીતા રામનું રે
હો ભાઈ માયા બજારોમાં મ્હાલતા રે
ભાસ ભ્રમણાઓ થાય સ્મરણ કરોને સીતા રામ્નુંમ રે
હો ભાઈ સત્સંગ સાધન સાચવી રે
સાધો શબ્દ નિશાન સ્મરણ કરોને સીતા રામનું રે

Wednesday, July 13, 2011

સદગુરુ સેવે સુખ થાયે

સોમે તો સદગુરુજી મળીયા, કે તાપ ત્રિવિધ તણા ટળીયા

વર્ષ્યા મેઘ વચનામૃત ઝરીયા, કે સદગુરુ સેવે સુખ થાયે

મંગળવારે મંગળ પદ નિરખ્યાં, કે રૂપ ગુણ સમજાતાં મન હરખ્યાં

નામે તો ઇશ્વર પદ પરખ્યાં, કે સદગુરુ સેવે સુખ થાયે

બુધે પેલી બુદ્ધી બળ મોટુ, કે સમજાયુ સારુ ને ખોટુ

કે સમ થયુ નાનું ને મોટુ કે સદગુરુ સેવે સુખ થાયે

ગુરૂવારે ગુરૂજી ઘેર આવ્યા, આપી દિક્ષા અલખ ઓળખાવ્યા

કે નિરાકાર નજરે નિરખાવ્યા, કે સદગુરુ સેવે સુખ થાયે

શુક્રવારે સુક્રિત સુધરીયાં, ગુરુજીના વચને હું પદ ગળીયાં

કે મનમાં નિજ સ્વરૂપ ઠરીયાં કે સદગુરુ સેવે સુખ થાયે

શનિવારે શનિપાતો ટળીયાં, મળ્યા મને આનંદના દરિયા

કે બ્રહ્મસ્વરૂપમાં જઇ ભળીયાં, કે સદગુરુ સેવે સુખ થાયે

રવિવારે રથે સુરજ શોભે, સુરતાના મનડા ત્યાં લોપે

વિવાહ કિધા સદગુરૂજી શોભે,કે સદગુરુ સેવે સુખ થાયે

સાતે વારે સમજણમાં ધરતાં, કર ગુરૂ છગનરામ શિર ધરતાં

કે પરાંણ વાર નહિં ભવજળ તરતાં, કે સદગુરુ સેવે સુખ થાયે

રચયિતાઃ

પલાભાઇ ચુંથાભાઇ પટેલ

જંગ જામ્યો

જંગ જામ્યો રે જીવાભાઇ વિરા જંગ જામ્યો

તમને સંશયો સતાવે જીવા જંગ જામ્યો

તાપ ત્રિવિધના તપાવે જીવા જંગ જામ્યો

કાયા કર્મોની બંધાઇ જીવા જંગ જામ્યો

માયા સંચિતે સંધાઇ જીવા જંગ જામ્યો

મનથી મારૂ માની લીધું જીવા જંગ જામ્યો

આશા તૃષ્ણાએ અથડાયા જીવા જંગ જામ્યો

લોભ લાલચે લપટાયા જીવા જંગ જામ્યો

માન મોટપમાં મરડાયા જીવા જંગ જામ્યો

પરની પંચાતે ખરડાયા જીવા જંગ જામ્યો

ભજન સતસંગમાં શરમાયા જીવા જંગ જામ્યો

તમને સંતો સત સમજાવે જીવા જંગ જામ્યો

માર્ગ મુક્તિનો બતાવે જીવા જંગ જામ્યો

ગુરુ છગન પરહિતકારી જીવા જંગ જામ્યો

પરાંણ પલમાં ખોલે બારી જીવા જંગ જામ્યો

રચયિતાઃ

પલાભાઇ ચુંથાભાઇ પટેલ

Wednesday, February 16, 2011

ડાહ્યાંના દિલમાં દુઃખ લાગે

સમજુને શિખ શું દઇએ ડાહ્યાંના દિલમાં દુઃખ લાગેરે

નિર્લેપ વાણી ઉચ્ચરીએ ડાહ્યાંના દિલમાં દુઃખ લાગે રે

ગુણોથી પર ગુણાતિત કહેવાય

નયનોમાં નિજ સ્વરૂપ ઓળખાય

અરૂપને રૂપમાં શું લઇએ ડાહ્યાંના દિલમાં દુઃખ લાગે રે

મોહે ભરેલાં દ્રશ્યો દેખાય

ઝાકળ જળ જેમ ઊડીરે જાય

ચુંથારામ જગ ભ્રહ્મ ભળાય ડાહ્યાંના દિલમાં દુઃખ લાગે રે

Tuesday, February 15, 2011

ધાર્યું ધૂળ થઇ જાય

પોતે પોતાની પિછાણ કર્યા વિના આયુષ્ય એળે જાય

અરે રે જીવ આયુષ્ય એળે જાય

ઘડી પલકની ખબર નહીં કે ક્યારે તેડુ થાય

સર્પ મુખમાં મેડક બોલે, માખી પકડવા ત્રાટક જોડે

અણધાર્યો જ્યાં પડે તબાકો ધાર્યું ધૂળ થઇ જાય

અરે રે જીવ ધાર્યું ધૂળ થઇ જાય

ઘડી પલકની ખબર નહીં કે ક્યારે તેડુ થાય

વગર ભણે વાદીની વિદ્યા, મણી ખોરંતા ફણીધર ભેટ્યા

ભોરીંગ રાફડે પગ રોપ્યા તો ઊંધુ ચત્તુ થઇ જાય

અરે રે જીવ ઊંધુ ચત્તુ થઇ જાય

ઘડી પલકની ખબર નહીં કે ક્યારે તેડુ થાય

આત્મરામ રસાયણ ગોળી, પચ્યા વિણ સૌ વાત અધુરી

ચુંથારામ સદ્‍ગુરૂગમ હોય તો પાર બેડો થઇ જાય

અરે રે જીવ પાર બેડો થઇ જાય

ઘડી પલકની ખબર નહીં કે ક્યારે તેડુ થાય

Thursday, February 3, 2011

નિર્મળ બની નહી કાયા

કરી જાતરા જીવ ભરમાયા તોયે નિર્મળ બની નહી કાયા

ગણા મંડપ મેળાવડા રચાયા તોયે એવા ને એવા જણાયા

પંચ વિષયના પ્યાર

નથી છુટતા લગાર

ગંગા યમુનાના નિરમાં નાહ્યા તોયે નિર્મળ બની નહી કાયા

સુણ્યાં પોથી પુરાણ

તોય રહ્યા અજાણ

સાત દિવસ સપ્તાહમાં ગુમાવ્યા તોય એવ ને એવા જણાયા

લાગ્યો પુરુષોત્તમે રંગ

જાણ્યો મેશ્વો નદી ગંગ

ગંગા નદીમાં દિવડા જગાવ્યા તોય એવા ને એવા જણાયા

તિલક માળાનો ને'મ (નિયમ)

તોય મનમાં ગણો વ્હેમ

કંઠે તુલસીના મણકા લગાવ્યા તોય નિર્મળ બની નહી કાયા

મળ્યા સદ્‍ગુરૂ દેવ

કરી ચરણની સેવ

ચુંથારામ પુરણ મનોરથ પાયા પછી હરખે ગુરૂના ગુણ ગાયા

પ્રવાસી પંખી

અમે પંખી પ્રવાસી હવે ફરશું સ્વદેશમાં રહીશું ગુરુજીના દેશમાં

નથી વસવું વિદેશમાં ફરશું સ્વદેશમાં રહીશું ગુરુજીના દેશમાં

અમે વિવેક વિચારના ભેરુ

ક્ષમા ખડગે અહંકાર ગઢ ઘેરુ

મારી સુરતાને આવે રંગ લ્હેરું સ્વદેશમાં રહીશું ગુરુજીના દેશમાં

મારી સુરતા સોહાગણ નારી

મળી ગુરૂ શ્બ્દની બારી

જઇ બેઠી બની ઘરવારી સ્વદેશમાં રહીશું ગુરુજીના દેશમાં

મને અગમનિગમની લ્હે લાગી

દાસ ચુંથારામની ભ્રમણાઓ સૌ ભાગી

પરાપારનો અનુંભવ પામી સ્વદેશમાં રહીશું ગુરુજીના દેશમાં

શીખ

સમજુને શીખ શું દઇએ ડાહ્યાંના દિલમાં દુઃખ લાગેરે

નિર્લેપ વાણી ઉચ્ચરીએ ડાહ્યાંના દિલમાં દુઃખ લાગેરે

ગુણોથી પર ગુણાતિત કહેવાય

નયનોમાં નિજ સ્વરૂપ ઓળખાય

અરૂપને રૂપમાં શું લઇએ ડાહ્યાંના દિલમાં દુઃખ લાગેરે

મોહે ભરેલાં દ્રશ્યો દેખાય

ઝાકળ જળ જેમ ઉડીરે જાય

ચુંથારામ જગ ભ્રહ્મ ભરાય (દેખાય) ડાહ્યાંના દિલમાં દુઃખ લાગેરે

Tuesday, January 18, 2011

આશા ઓળખી ગઇ

અમે સતસંગ વીણવા ગ્યાંતા અમને આશા ઓળખી ગઇ

પેલા દરમાં ચરુ ચાર - તેનો કોઇ નથી રખવાળ અમને આશા ઓળખી ગઇ

મોકલ્યા મોહજી લોભજી સુત - સાથે તૃષ્ણા તનીયા રૂપ અમને આશા ઓળખી ગઇ

લીધો કર્મ કોદાળો હાથ - રાફડો ખોદી ભરાવી બાથ અમને આશા ઓળખી ગઇ

આતો દિશે કાળો નાગ - નાસી જવા મળે નહી માર્ગ અમને આશા ઓળખી ગઇ

આશા ભુખાવળી ચુડેલ - નાખે જનમ જનમની જેલ અમને આશા ઓળખી ગઇ

સંતો સમજાવે છે બહુ - ચુંથારામ છોડો આ સંખણી વહુ અમને આશા ઓળખી ગઇ

બ્રહ્મ સ્વરૂપ જીવ

હો ભાઇ ચિતના ચિત્રામણ બંધ પડે રે,

        ચિત્ત શુદ્ધ જો થાય બ્રહ્મ સ્વરૂપ જીવ થઇ રહે રે

હો ભાઇ જે વાસના મન ગ્રહણ કરે રે

        તે કલ્પેલુ દ્રઢ થઇ જાય બ્રહ્મ સ્વરૂપ જીવ થઇ રહે રે

હો ભાઇ શરીરના બંધન જીવને ના હોય રે

        સત્ય સંકલ્પ થાય બ્રહ્મ સ્વરૂપ જીવ થઇ રહે રે

હો ભાઇ જગતના વિચિત્ર તરંગોથી રે

        મન જો રંગાઇના જાય બ્રહ્મ સ્વરૂપ જીવ થઇ રહે રે

હો ભાઇ ચુંથારામ જગત જાળ તોડીને રે

        ઉંદર જેમ છુટો થાય બ્રહ્મ સ્વરૂપ જીવ થઇ રહે રે

સાચું ભણતર

સંસારના ઘેર આપણ પરોણા રે આવ્યા

જીવતાં મરવાની વિદ્યા રે લાવ્યા

આત્માનું દર્શન જે કરે રે તેનું ભણતર સાચું

માન, માયા, લાભ, ક્રોધ વગેરે

વિવેક વધારી પાછાં લાવે રે તેનું ભણતર સાચું

જ્ઞાન સ્વરૂપ આત્મા નિત્ય પ્રકાશે

અવિનાશી આનંદે દીન દમે રે તેનું ભણતર સાચું

મેઘધારાથી અગ્નિ બુજાઇ જાશે

ચુંથારામ ગુરૂગમથી અજ્ઞાન જાશે રે તેનુ ભણતર સાચું

જરા સીધે સીધા ચાલો

જરા સીધે સીધા ચાલો બળ્યું બોલો છો શું

હરિ ભજવા મુખડુ આપ્યું બળ્યું બોલો છો શું

          મનુષા જનમ મળીયો દિવાળીનો દહાડો

          હરતાં ફરતાં સ્મરણ કરીએ લાગ મળ્યો છે સારો

બળ્યું કંચન મુકી કાચ કથીરીયાં તોલો છો શું

          નામ કેરી નગરીમાં નારાયણનો વાસ

          જ્યાં જુઓ ત્યાં સગળે સ્થળે આત્માનો પ્રકાશ

બળ્યું માયા નશો કેફ ચડાવી બાજો છો શું

          રજ્જુમાં જેમ સર્પની ભ્રાંતિ અજ્ઞાને જણાય

          સદ્‍ગુરુની શાન મળે તો સાચુ સમજાય

ચુંથારામ સદ્‍ગુરુ હૈયે હોય પછી બાકી છે શું

Saturday, January 1, 2011

એક જ છે

આતો એક છે એક છે એક જ છે

ભુત પ્રાણીમાં આત્મા એક રે ગુરુજીની સમજણ લો

રહ્યો સાક્ષી રુપે ભેદ ભાસે નહીં

નામ રુપ ગુણ જોતાં અનેક રે ગુરુજીની સમજણ લો

એક સૂર્ય આકાસે ઝળકે છે

જળ પતિબિંબ જોતાં અનેક રે ગુરુજીની સમજણ લો

જેવું વસ્ત્રમાં તંતુ અનુંસ્થિત છે

વસ્ત્ર નામ રુપે અનેક જણાય રે ગુરુજીની સમજણ લો

જેવા મૃત્તિકા (માટી)ના ઘડા ઘાટ અનેક છે

ચુંથારામ ઘરેણામાં કનક સમાય રે ગુરુજીની સમજણ લો

નવધા ભક્તિ

ભક્તિ મરજીવા થઇને મોંજો માણીએ

મારા દિલડામાં વસીયા આતમરામ રે ભક્તિ મરજીવા થઇને મોંજો માણીએ

ભક્તિ પહેલી તે શ્રવણ શરણું લીજીએ

બીજી કિર્તન કરુણ ભવે કરીએ રે ભક્તિ મરજીવા થઇને મોંજો માણીએ

ત્રીજી સ્મરણ શ્વાસાએ અનુંસરીએ

ચોથી ભક્તિ તે પાઠ પૂજા થાય રે ભક્તિ મરજીવા થઇને મોંજો માણીએ

પાંચમી અર્ચન ભક્તિ દિલમાં ધારીએ

હરીનું ચંદન ચરણામૃત લેવાય રે ભક્તિ મરજીવા થઇને મોંજો માણીએ

છઠ્ઠી વંદન સક્ળ જીવને નમીએ

સાતમી દાસત્વે કોઇનું દિલના દમીએ રે ભક્તિ મરજીવા થઇને મોંજો માણીએ

આઠમી મિત્રભાવે રે નજરે નાણીએ

નવમી આત્મ સમર્પી હું ભાવ તજીએ રે ભક્તિ મરજીવા થઇને મોંજો માણીએ

દસમી પ્રેમ લક્ષણા ઉરમાં ધારીએ

ચુંથારામ નયનોમાં વરસે નુરાં રે ભક્તિ મરજીવા થઇને મોંજો માણીએ

Wednesday, December 29, 2010

અંતે તો જવાનું એકલુ

હો ભાઇ અંતે તો જવાનું એકલુ રે

સાથે પૂન્ય અને પાપ ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે

હો ભાઇ કર્મોના બાંધેલાં પોટલાં રે

લાગે શિર પર બહું ભાર ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે

હો ભાઇ સાચુ ભજન ભાથું વ્હોર જો રે

સ્મરણ છોડાવે માર ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે

હો ભાઇ ગુરુગમ કુંચી લ્યો હાથમાં રે

ખોલો હ્રદયનાં દ્વાર ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે

હો ભાઇ પોતે પોતાનામાં ભુલો પડ્યો રે

ચુંથારામ પોતે નિજ નામ ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે