(રાગ: આંબો મોર્યો ને ચંપો રોપવા જ્યાં'તાં રાજ)
જ્ઞાની પુરુષો જ્ઞાન તાજું રે રાખજ્યો
સત્સંગ સાબુથી મનના મેલો રે કાઢજ્યો
વિચાર વાડીમાં ઝરણાં, ઝાડ રોપાવજ્યો
શાંતિના શીતળ પાણી હરખે છંટવજ્યો
કડવા વચનોના કાંટા બાળી નંખાવજ્યો
મીઠી વાણીનાં ફૂલડાં વીણી મંગાવજ્યો
ભલપણના તારે ગુંથી હાર બનાવજ્યો
ચુંથારામ સદગુરુજીના કંઠે સોહાવજ્યો