(રાગ: કોઈ કામરૂ દેશથી આવી રે કંસારી)
આવ્યો સદગુરુ મેઘ અષાઢી રે હાલો હળધારી
તન ખેતરમાં વાવણી વાવો રે હાલો હળધારી
ધંગી ધીરજના ધોરીલા જોડવો રે માંહી ખોરણનું ખાતર નંખાવો રે....હાલો હળધારી
હરિ નામનું હળ બનાવો ચિતનું ચૌડું લાવો
ધ્યાન સ્વરૂપી ધુંસળી જોડી એને સ્મરણ શાકનેથી ગંઠાવો રે....હાલો હળધારી
જ્ઞાનરૂપી નાડી બાંધી અને આચાર પરુણી રાખો
નિયમના જોતર બનાવો પછી ખેડો દિન રજની આખો રે....હાલો હળધારી
ખેવટીયો ખેદ ઉપર રાખો તે સદગુણ રૂપી સમાળ
અમીરસ કેરાં ઝાડ રોપાવો પછી પ્રેમનાં પાણીડાં છંટાવો રે....હાલો હળધારી
સુધર્મના માંહી ફણગા ફૂટ્યા ને વિવેક કરી વાડ
લીલમ ફળ લટકી રહ્યાં ચુંથારામ ગુરુજીનો પૂરો થાળ રે....હાલો હળધારી
No comments:
Post a Comment