ગોથાં ખાધાં રે ગણા ભવનાં ચિંતાને ડુંગર જઇ ચઢ્યો રે
ભાન ભુલ્યો કે હું કોણ છું ભજન વિના ભવ ભટક્યો રે
જાળવી જાણી નહી જાત્રા કલેશ દૂર નવ કર્યો રે
કાયા દમીને ક્લેશ વ્હોરીયા સમજણ દૂર સહી ગઇ રે
ઝીણાં ઝીણાં જીવડાંને જાળવે જાણે કે કલ્યાણ કરીએ રે
તીર તાકે માણસના તૂંબડા ઇર્ષા અગ્નિ જળહળે રે
ગળાં રહેંશીને ભેગુ કરીયું ના ખર્ચે ના વાપરે રે
પાપનો બાંધીને બચકો નરક પંથે જઇ ચઢ્યો રે
પ્રપંચે પટલાઇ ડહોળવા ઊંધું બોલે જાણી જોઇ રે
લાંચ ખાધાના છે લાલચુ ચોરાશીમાં ડૂબી મરે રે
હરિનું ભજન કરી હારિયો કહે છે કે નવરાશ નથી રે
રખડવું રઝડવું ગામમાં ઉંમર આખી ખોઇ નાખી રે
ઠઠ્ઠા બાજીમાં છે ઠાવકા બહેકેલા બોલે તાણી તાણી રે
કહે ચુંથારામ શી ગત થાશે લેવાશે લેખાં પળપળનાં રે
--------------------------------------------------------------------------------
ભવજળ તરવા ઉમંગે હરિ ભજીએ મારા પ્રેમીઓ
વિષય સુખમાં રચ્ય પચ્ય શીદ રહીએ રે સોહાગી મનવા...... મોંઘો મનુષ્ય જનમ ફરી ફરી નહી પામીએ
સંતસમાગમ દેવોને દુર્લભ કોડે કોડે કીજીએ
ભજન ભુલાવે તેવાનો સંગ તજીએ રે સોહાગી મનવા...... મોંઘો મનુષ્ય જનમ ફરી ફરી નહી પામીએ
વણમતીયા દુનિયાની વાદે ફોગટ ફેરા શીદ ફરીએ
હરિ ભજન કરી જન્મ સફળ કરી લઇએ રે સોહાગી મનવા...... મોંઘો મનુષ્ય જનમ ફરી ફરી નહી પામીએ
રૂડું કરતાં કુંડું કહે તેવા દુરિજનિયાંથી શીદ ડરીએ
અંતરમાં સમરીએ સુંદર શ્યામ રે સોહાગી મનવા...... મોંઘો મનુષ્ય જનમ ફરી ફરી નહી પામીએ
કરજોડીને કહેછે ચુંથારામ સમરો સીતારામને
પળઘડી નવ રાખો ન્યારા નાથ રે સોહાગી મનવા...... મોંઘો મનુષ્ય જનમ ફરી ફરી નહી પામીએ