જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Friday, May 3, 2024

સ્થુલને છોડો...સૂક્ષ્મને છોડો...

(રાગ: નિજિયા ધરમની વાત પુરાણી.......)

સ્થુલને છોડો...સૂક્ષ્મને છોડો...કારણ છોડો ભાઈ.....

            મહાકારણની છોડો ઉપાધી 

સ્વરૂપમાં લક્ષણા રાખી શાંત બનો સુખદાઈ 

અક્ષરદેહે લીધી પ્રતિજ્ઞા તે કેમ ચૂકો ભાઈ.....

            તન-મન-ધનની કીધી કુરબાની 

સદગુરુએ શાન બતાવી ખોલો હ્રદયની બારી 

શીશ સમર્પી નામ જ લીધું અવિચલ પડાવી આપી 

            સદગુરુના ચરણ સેવી 

ચુંથારામ એ આત્મ સમાધિમાં રહો ચિત્તલાઈ

ગોમતી રત્નાગર સાગરમાં ઝૂલતી....

(રાગ: ઢોલ રે નવા નગરનો વાગીયો...)

ગોમતી રત્નાગર સાગરમાં ઝૂલતી....

હો....રણછોડજી રાય દ્વારાપુરીમાં મતી દોડતી

        શૂન્યમાં શાંતિ પામેલી પરા જાગતી...

અંતર ખોલી ઉમળકા વધારતી...........હો....રણછોડજી...

        ઊંચા આસમાને રામ ઢોલ વાગતો....

અનહદ ઝણકારે ગણણણ ગાજતો...........હો....રણછોડજી...

        નાદ નાદી-અનાદી મળે એક....

બ્રહ્માનંદનાં બીડેલાં તાળાં ખોલતી...........હો....રણછોડજી...

        નિજ સ્વરૂપે શિવ સભા ઓપતી....

ચુંથારામને આનંદની લહેર્યો આવતી...........હો....રણછોડજી...

રુમઝુમ રુમઝુમ ચાલી સુરતીયા......

(રાગ: ઊંચી ઊંચી વાદળીમાં રંગતાળી રંગતાળી......)

રુમઝુમ રુમઝુમ ચાલી સુરતીયા નાસાગ્રે નુરતા ધારી છે......અનુભવની વાર્તા ન્યારી છે.

શિવોહં શિવોહં રુદિયામાં ધારતા......રુદિયામાં ધારતા

અહં બ્રહ્માસ્મિ ચિતડામાં ઠારતા......ચિતડામાં ઠારતા

સોહમ-સોહમ ટેક ધારી છે......અનુભવની વાર્તા ન્યારી છે.

ઘટાકાશ, મહાકાશ સરવૈયું આપતા......સરવૈયું આપતા

બિંબ-પ્રતિબિંબમાં એકતા મેળવતા......એકતા મેળવતા

ચુંથારામ નિજમાં નિહાળી છે......અનુભવની વાર્તા ન્યારી છે. 

Thursday, May 2, 2024

જાવું સાહેબને દરબાર

(રાગ: માનવ બનતો ના ગાડાનો બેલ.......)

જાવું સાહેબને દરબાર...લેખાં લેવાશે તલ તલ ભાર

બંદગી કરીલે વારંવાર...લેખાં લેવાશે તલ તલ ભાર

        મમતાના મોહમાં ફળ્યો ફૂલ્યો ફરતો;

        વિષયની વાસનામાં ઊંધો પડી રળતો;

પડશે જમના કિંકરનો માર...લેખાં લેવાશે તલ તલ ભાર

        સ્વાર્થમાં ફાંકડા ને  પરહિતમાં સાંકડા;

        કટકો રોટલાને માટે લડે જાણે માંકડા;

ભૂલી ગયો જમને આપેલો કરાર...લેખાં લેવાશે તલ તલ ભાર

        સંતોની શીખ સારી રુદિયામાં રાખજે;

        મનના તોરંગડાને ચોકઠું ચઢાવજે;

ચુંથારામ સમરીલ્યો સર્જનહાર...લેખાં લેવાશે તલ તલ ભાર

મનજી માયાના ઘડનારા

(રાગ: શ્રીજી બાવા તે નાથ હમારા..........)

મનજી માયાના ઘડનારા........તારા દિશે મલકના ચાળા...

સુના સુના મંદિરમાં મહાલે.....હોય ઊંચા તે વિચાર પાડે રે.......મનજી માયાના ઘડનારા........

તને વહાલી અવિદ્યા રાણી.....તેથી કામ થયું ધૂળધાણી રે.......મનજી માયાના ઘડનારા........

તને સંત ઘણું સમજાવે.....તને રામ રામકડે રીઝાવે રે.......મનજી માયાના ઘડનારા........

તમે મૂળ સ્વરૂપે શિવ જેવા....તમે સમજો અખંડ સુખ લેવા રે.......મનજી માયાના ઘડનારા........

તમે ચૈતન્ય સાગરનું મોજું.....ચુંથારામ સરવૈયે નહીં બીજું રે.......મનજી માયાના ઘડનારા........

આજકાલ કરતાં આયુષ વહી જાય છે

(રાગ: ઢોલ રે નવા નગરનો વાગીયો...)

આજકાલ કરતાં આયુષ વહી જાય છે....

                હો......રઢિયાળા જીવ ભાડું ભરેલું પૂરું થાય છે 

વાયરા ઝેરીલા ભેદ પાડી જાય છે.......

તારે કહેવાનું કામ રહી જાય છે......

               હો......રઢિયાળા જીવ ભાડું ભરેલું પૂરું થાય છે

તારું અસલ સ્વરૂપ ચિત્ત લાવજે....

મનની વહેતી વૃત્તિઓને વાળજે.......

               હો.....રઢિયાળા જીવ ભાડું ભરેલું પૂરું થાય છે 

જીવપણું છોડજે ને શિવપણું જોડજે.....

ચૈતન્ય સાગરમાં નિજ સ્વરૂપે માં'લજે.......

               હો.....રઢિયાળા જીવ ભાડું ભરેલું પૂરું થાય છે 

સત્સંગ ઊંચા વિચાર કેરો વહોરજે........

ચુંથારામ સદગુરુની શીખ માનજે......

               હો.....રઢિયાળા જીવ ભાડું ભરેલું પૂરું થાય છે 

જગતમાં મોહ માયાની ખાઈ.....

(રાગ: આરતી કુંજબિહારી કી.........)

જગતમાં મોહ-માયાની ખાઈ, જીવલડા ચેતી ચાલો ભાઈ 

લોભ ને ક્રોધ કરે બહુ જોર, ઠગારી તૃષ્ણા બાંધે દોર;

જતી રહી શાન, નથી કઈ ભાન.... ભુલાવે આશ ગંભીર થઇ.......જીવલડા ચેતી ચાલો ભાઈ

સ્વાર્થમાં દેખીને અંજાઈ જાય, પરમારથમાં ચિત્ત નવ ચ્હાય;

મન મુંજાય, મલીન બહુ થાય.....દીધેલી બુદ્ધિ વંઠી ગઈ.......જીવલડા ચેતી ચાલો ભાઈ 

હરિએ કીધેલો ઉપકાર, મનુષ્યનો જન્મ મળ્યો સુખકાર;

દયા કરી દાન, દીધાં ભગવાન....ચુંથારામ વદે ગઈ ગઈ.......જીવલડા ચેતી ચાલો ભાઈ

સંત સરોવળ શબ્દોનાં મોંઘાં મોંઘાં મોતી

(રાગ: શ્યામ સુંદીર હરિ ગોવિંદ જય જય......)

સંત સરોવળ શબ્દોનાં મોંઘાં મોંઘાં મોતી

શબ્દોનાં મોતીમાં દિશે દિવ્ય જ્યોતિ......સંત સરોવળ.........

ગંગા, યમુના, સરસ્વતી સંત પ્રયાગે હોતી...

બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વરની સાથે ગણપતિ......સંત સરોવળ.........

આદ્યશક્તિ જે પ્રકૃતિ, દેવી સંતો સામે જોતી...

આત્મજ્ઞાનમાં નીર્મગ્ન થઇ, સમરાંગણમાં સુતી......સંત સરોવળ.........

ભૂત, ભવિષ્ય ને વર્તમાનમાં એ એવી એની જુક્તિ...

ચુંથારામના રુદિયમાં હરદમ એની સુરતી......સંત સરોવળ.........

Wednesday, May 1, 2024

જીવ મનુષ્ય જનમ સુધાર

(રાગ:મન ભજીલે સીતારામ ચેતી જા, ચેતી જા)

જીવ મનુષ્ય જનમ સુધાર, માની જા, માની જા

તારો આવેલો અવસર જાય, માની જા, માની જા

કાયા તારી જળ પરપોટો, ફૂટી જાતાં નહીં વાર 

સુખ દુઃખમાં સદી રહેલો, તેનો શો ઇતબાર

હારી ભજવાની વેળા વીતી જાય, માની જા, માની જા

આ સમય છે સાચવવાનો, આગળ છે અવસાન 

ચુકી ગયા તો ચોરાસીનું જબરું છે તોફાન 

તારું પુણ્ય પરવારી જાય, માની જા, માની જા

આ સંસારે ભવજળ તરવા, નરતન મળિયું નાવ

સાતસંગતને આત્મ મનનમાં ભરવો જોઈએ ભાવ 

ચુંથારામ સદગુરુ શરણ સ્વીકાર, માની જા, માની જા

Tuesday, April 30, 2024

આવો રૂડો અવસર આવ્યો.....

(રાગ: હાટડીયામાં કેમ રે'વાશે ભાઈ.....)

આવો રૂડો અવસર આવ્યો ભાઈ - જુવાની જેમ-તેમ વિખરાઈ ગઈ.

બાળપણામાં બોધ ના લાગે રળવાની વેળા થઇ;

ઘડપણમાં માટી થઈ દુઃખકારી, ત્રણે અવસ્થાઓ ગઈ...આવો રૂડો અવસર.....

આળસ ને અજ્ઞાન, અતિશય અવિદ્યા પકડાઈ;

બાળ બચ્ચાં વિષે દોષો જોયા વિના, અવળી ઉજવણી થઇ...આવો રૂડો અવસર

દેહદર્શીઓના સંગમાં ચાલી, આત્મા ગયો વિસરાઈ;

સદગુરુનું શરણું ના લીધું, ચુંથારામ આવેલી તક ગઈ...આવો રૂડો અવસર

જેના નયનોમાં સૂર્ય ચંદ્ર જ્યોતિ રે......

(રાગ: એક શૂન્યમાં લક્ષ્મીનારાયણ પોઢ્યા રે......)

જેના નયનોમાં સૂર્ય ચંદ્ર જ્યોતિ રે.....ઝગમગ દીવડા જગે....

જેના મુખમાં રામનામ મોતી રે..........ઝગમગ દીવડા જગે....

કંઠે કરુણા, દિલમાં દરિયા જેવી શાંતિ છાઈ રે......

હો.......જેની નાભિમાં સમદ્રષ્ટિ સમાઈ રે..........ઝગમગ દીવડા જગે....

હ્રદય કમળમાં નિજ સ્વરૂપની અખંડ લગની લાગી રે.......

હો....... જેની સુરતમાં ચૈતન્ય અવિકારી રે..........ઝગમગ દીવડા જગે....

સતસંગતમાં પ્રેમ વધારી જેણે લ્હાવો લીધો રે........

હો........ ચુંથારામના હૈયે આનંદ ભારી રે..........ઝગમગ દીવડા જગે....

ત્યાં હતા ઊંચા આસમાને......

(રાગ: સમજુને શીખ શું દઈએ......)

ત્યાં હતા ઊંચા આસમાને.....ભ્રમિત આવ્યા જગપુરમાં રે;

જગતપુરમાં રૂપ, ગુણ, નામ;

પાંચ વિષયોના કલ્પિત ધામ;

પાંચ ભૂતોની આ કાયા.....ભ્રમિત આવ્યા જગપુરમાં રે;

અંધારી ઘમ્મર ઘટે પૂર્યો વાસ;

ભર્મે ભૂલેલાને જઠરાનો તાપ;

વાસના બાંધે બંધાઈ.....ભ્રમિત આવ્યા જગપુરમાં રે;

જ્યાં રે જુઓ ત્યાં માયાનો પાસ;

હરિ ગુરુ સંતોમાં અવિચળ વાસ;

ચુંથા ચૈતન્યને ચુકી.....ભ્રમિત આવ્યા જગપુરમાં રે;

Monday, April 29, 2024

બ્રહ્મ કપાલીમાં ઝગમગ જ્યોતિ....

 (રાગ: આજ મારો બંદલોજી શાના રે હુંશી.....)

બ્રહ્મ કપાલીમાં ઝગમગ જ્યોતિ....

જ્યોતિમાં જ્યોત મિલાવો જીવાભાઈ....રામ ઝરુખે નીતિની રીતી...

દુનિયાના ડા'પણમાં શીદ કરો પ્રીતિ.....

અંતે કનડશે કરેલી અનીતિ.......રામ ઝરુખે નીતિની રીતી...

મમતા ધરી શીદ વહોરો વિપત્તિ........

સુક્ષમ દેહથી છોડો આશક્તિ........રામ ઝરુખે નીતિની રીતી...

નરતન નગરીમાં નામનાં મોતી......

ચુંથારામ ગુરુગમથી મોતી લેવાં ગોતી......રામ ઝરુખે નીતિની રીતી...

દુનિયા દેવ તણો દરબાર

(રાગ: અરે જીવ શું કરવા આથડે, પ્રભુની ગમ ગુરુ વિના નહીં પડે)

દુનિયા દેવ તણો દરબાર, મનવા માની લે નિર્ધાર જી

મારું તારું જુઠી કલ્પના, શિર પર સર્જનહાર જી

જ્યાં જુઓ ત્યાં આપ સરીખો, બીજો નહીં બોલનહાર - મનવા માની લે.......... 

હું કરું, આ મેં કર્યું સૌ ખોટી તાણાતાણ

પ્રાણ પવનને જે ચલાવે, સૌનો સર્જનહાર - મનવા માની લે.......... 

જગત નિયંતા રાખે નિયમમાં ત્રિલોકનો રચનાર

ચુંથારામ કહે યંત્ર નો યંત્રી જોઈ રહ્યો કિરતાર મનવા માની લે.......... 

હંસા ધરતી ધબકારે ના ચાલીએ રે...જી

(રાગ: ઓ.....માં.... પહેલા ચોગડીયાની રાત રે.....)

હંસા ધરતી ધબકારે ના ચાલીએ રે......જી

હંસા તાપ તપેલું ધૂળ થાય રે હંસા રાજા - ભવસાગર તરવો દોહ્યલો રે....જી

હંસા ભાવ દેખીને વાણી ભાખીએ રે.....જી

તેનું મોઘેરું થાય ઘણું મૂળ રે હંસા રાજા - ભવસાગર તરવો દોહ્યલો રે....જી

હંસા વેણ ને નેણ નિહાળીએ રે......જી

તેના દિલની પતીજ પડી જાય રે હંસા રાજા - ભવસાગર તરવો દોહ્યલો રે....જી

હંસા ચિંતન કરીએ નિજ નામનું રે.....જી

ચુંથારામ ગુરુ શરણ મળી જાય રે હંસા રાજા - ભવસાગર તરવો દોહ્યલો રે....જી

Friday, April 26, 2024

ઊંચી ઊંચી વાદળીમાં........

(રાગ: મનસ્વી)

ઊંચી ઊંચી વાદળીમાં રંગતાળી રંગતાળી;

આસમાને સુરતા ઠાળી છે...નીચેની દુનિયા ખારી છે.

ઓહમ સોહમના ઝણકારા મારતા, ઝણકારા મારતા;

ચંદ્ર, સૂર્ય વચ્ચે સરસ્વતી ધારતા, સરસ્વતી ધારતા;

નાસાગ્રે નુરતા ધારી છે...નીચેની દુનિયા ખારી છે.

નયને નિરંજન નામું તપાસતા, નામું તપાસતા;

ત્રિપુટી મંડળમાં જ્યોતિ ચમકાવતા, જ્યોતિ ચમકાવતા;

ચુંથારામ નિજ છબી ન્યારી છે...નીચેની દુનિયા ખારી છે.

અંતે તો જવાનું એકલું

(રાગ: બાળા જોબનનો માંડવો રોપ્યો રે....)

હો ભાઈ.......અંતે તો જવાનું એકલું રે.....

સાથે પુણ્ય અને પાપ, ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે....

હો ભાઈ......કર્મોના બાંધેલા પોટલા રે.....

લાગે શિર પર ભાર, ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે....

હો ભાઈ......સાચું ભજન ભાથું વ્હોરજો રે......

સ્મરણ છોડાવે માર, ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે....

હો ભાઈ......ગુરુગમ કુંચી લ્યો હાથમાં રે........

ખોલો હૃદયના દ્વાર, ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે....

હો ભાઈ.......પોતે પોતાનામાં ભૂલો પડ્યો રે......

ચુંથારામ પોતે નિજ નામ, ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે....

પાંચ પાંચ સ્થંભનો બંગલો

(રાગ:તમે ના આવો તો મારા સમ છે અંબે માં....)

એક પાંચ પાંચ સ્થંભનો બંગલો છે....

એમાં આત્મારામની પથારી મનજીભાઈ....છાનાં છાનાં દાવ તમે રમશો નહીં;

તારો બાવન બજારે ડંકો છે......

વાગે નવસો નવ્વાણું પોળ માંય મનજીભાઈ....છાનાં છાનાં દાવ તમે રમશો નહીં;

તમે ચાલો તો સુરતા ચાલે છે......

તમે સ્થંભો તો સુરતા થંભી જાય મનજીભાઈ....છાનાં છાનાં દાવ તમે રમશો નહીં;

તમે અક્કલ બુદ્ધિને બાંધી છે.....

તારા વિચાર તોરંગે સવાર મનજીભાઈ....છાનાં છાનાં દાવ તમે રમશો નહીં;

તમે સ્થિર થાઓ તો બહું સારું છે....

દાસ ચુંથારામને ધીરુ ધીરનાર મનજીભાઈ....છાનાં છાનાં દાવ તમે રમશો નહીં;

વાતાવરણની અસર

(રાગ: કર્યા કર્મોના અંત સમય લેખાં લેવાશે જીવાભાઈ)

જ્યાં ત્યાં વાતાવરણની જબરી અસર શિરે થાય;

ઘરના જંજારી વાતાવરણમાં ચિત્ત ચાહય;

વિક્ષેપ થવાના પ્રસંગો નિત્ય નવા થાય;

રજો ગુણની રજથી ચેતન ઢંકાઈ જાય;

તમો ગુણના ઘોર અંધારા પડે ચિત્ત માંય;

આત્મ જ્ઞાનની વાર્તા ગમે નહીં કાંય;

સત્વ ગુણી સંતોની જો સંગતમાં રહેવાય;

ચુંથારામને તો દૈવીય આનંદ મળી જાય; 

Thursday, April 25, 2024

રત્ન પદાર્થ દેહ મળ્યો છે......

(રાગ: સોના કોદાળી પાણા ખોદીયાં......)

રત્ન પદાર્થ દેહ મળ્યો છે....હ્રદય મદિરમાં રામ....મંથન કરી જુઓ...

તલમાં તેલ જેમ, દહીંમાં ઘી તેમ, તવમાં આતમરામ....મંથન કરી જુઓ...

બ્રહ્મ પ્રકાશ તે ભાવનામાં પ્રગટે, સંતોનું દીધેલું દાન....મંથન કરી જુઓ...

દીવાથી દીવો, કાંટાથી કાંટો, સૂર્યથી સૂર્ય દેખાય....મંથન કરી જુઓ...

શરીરના લાખો ટુકડા કરો તોય, આત્મા નહીં સમજાય....મંથન કરી જુઓ...

ધર્મનો ધારનાર, આત્માનો જાણનાર, જ્ઞાની ઉતારે ભાવ પાર....મંથન કરી જુઓ...

ભૂખ,દુઃખ તનને શીદને વેઠાવે, ચુંથા સમજવાનું રહી જાય....મંથન કરી જુઓ...