(રાગ: માનવ બનતો ના ગાડાનો બેલ.......)
જાવું સાહેબને દરબાર...લેખાં લેવાશે તલ તલ ભાર
બંદગી કરીલે વારંવાર...લેખાં લેવાશે તલ તલ ભાર
મમતાના મોહમાં ફળ્યો ફૂલ્યો ફરતો;
વિષયની વાસનામાં ઊંધો પડી રળતો;
પડશે જમના કિંકરનો માર...લેખાં લેવાશે તલ તલ ભાર
સ્વાર્થમાં ફાંકડા ને પરહિતમાં સાંકડા;
કટકો રોટલાને માટે લડે જાણે માંકડા;
ભૂલી ગયો જમને આપેલો કરાર...લેખાં લેવાશે તલ તલ ભાર
સંતોની શીખ સારી રુદિયામાં રાખજે;
મનના તોરંગડાને ચોકઠું ચઢાવજે;
ચુંથારામ સમરીલ્યો સર્જનહાર...લેખાં લેવાશે તલ તલ ભાર
No comments:
Post a Comment