જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Monday, January 20, 2025

પોતે પોતાની પીછાણ કર્યા વિણ

(રાગ: પતિ વિના પ્રેમદાના મનના પુરાય ક્યાંથી કોડ)

પોતે પોતાની પીછાણ કર્યા વિણ આયુષ એળે જાય 

અરેરે જીવ આયુષ એળે જાય 

ઘડી પલકની ખબર નહીં કે ક્યારે તેડું થાય 

સર્પ મુખમાં મેડક બોલે - માખી પકડવા ત્રાટક જોડે 

અણધાર્યો જ્યાં થાય તબાકો ધાર્યું ધૂળ થઇ જાય 

અરેરે જીવ ધાર્યું ધૂળ થઇ જાય......ઘડી પલકની ખબર નહીં....

વગર ભણે વાદીની વિદ્યા - મણી ખોળંતા ફણીધર ભેટ્યા 

ભોરીંગ રાફડે પગ રોપ્યા તો ઊંધું ચત્તું થઇ જાય 

અરેરે જીવ ઊંધું ચત્તું થઇ જાય......ઘડી પલકની ખબર નહીં....

આતમરામ રસાયણ ગોળી - પચ્યા વિના સૌ વાત અધુરી 

ચુંથારામ સદગુરુગમ હોય તો પાર બેડો થઇ જાય

અરેરે પાર બેડો થઇ જાય......ઘડી પલકની ખબર નહીં....

Sunday, January 19, 2025

આ દુનિયામાં છે ડંકો

(રાગ: જાઓ જાઓ ભક્તિ હીણા તમ સાથ કોણ બોલે)

આ દુનિયામાં છે ડંકો રે કોઈ ના આવે સંત તોલે

ગુણી ભજનનો છે ભપકારો રે કોઈ ના આવે સંત તોલે

તરુવર સરોવર ને સંતો પરમાર્થમાં પરવરતો

પરહિતમાં નિશદિન ડોલે રે કોઈ ના આવે સંત તોલે

સંતો પારસમણી જેવા કરે લોહ ને કંચન તેવા

નિજ જાની અંતર ખોલે રે કોઈ ના આવે સંત તોલે

સંત કલ્પતરુ સુખકારી ત્રિતાપ ટળે ભયકારી

ચુંથારામ સંતોની જય બોલે રે કોઈ ના આવે સંત તોલે

આજે આનંદના મેળા

(રાગ: તારી વાણી મનોહર લાગી)

આજે આનંદના મેળા, હવે ક્યાં થઈશું ભેળા - સંતોને છેલ્લા રામ રામ છે

લ્હાવા લીધા અનેરા, સંતો સંગે ઘણેરા - સંતોને છેલ્લા રામ રામ છે

હું અપરાધી રંત ચરણનો દુર્વાસનાનો ભરેલો

સંતોનો ટાંણો વાગ્યો, કે ભવાટવીથી ભાગ્યો રે - સંતોને છેલ્લા રામ રામ છે

માઢ મંડળના વિવેકી સંતો, નિજ નિહારે ગુણવંતો

ચુંથારામને શોભાવે સદગુરુજીના ગુણ ગાવે - સંતોને છેલ્લા રામ રામ છે

આવજ્યો સંભારી રાખ્જ્યો

(જાણી શબરીની ઝુંપડીને મહેલ)

આવજ્યો સંભારી રાખ્જ્યો બોલ - ગુરુ આગળ કીધો કરારી જે કોલ

તન મન ધન અરપ્યાં કરી તોલ - ગુરુ આગળ કીધો કરારી જે કોલ

અક્ષર દેહ ધરી શીશ સમર્પ્યાં - ચરણામૃત લઈને ગુરુ પૂંજન કીધાં

આપ્યો નિજ સ્વરૂપનો બોધ - ગુરુ આગળ કીધો કરારી જે કોલ

પાપ તાપ આવરણ પળમાં હટાવ્યાં - જામીન લઈ દેવ સરીખા બનાવ્યાં

રૂપગુણ નામમાં બતાવ્યો ઘટખોલ - ગુરુ આગળ કીધો કરારી જે કોલ

સુતવિત્ત દારાને ધામ દઈ દીધાં - ગુરુજીએ બ્રહ્મ સંબંધ કરી દીધાં

ચુંથારામ ગુરુ આશીર્વાદ અનમોલ - ગુરુ આગળ કીધો કરારી જે કોલ

કાયા કિલ્લે શિખર ગઢ

(રાગ: રંગ પહેલો વધાવો મારે આવીયો)

કાયા કિલ્લે શિખર ગઢ હું તો જઈ ચઢ્યો

આવ્યો આવ્યો રે મણી કંકણકેર ઘાટ રે અઘાટે મોતી નીપજે

અનહદ શેરીનાં વાજીન્તરો ધણ ધણે

વીજળી ચમકારે મેઘ ગરજના થાય રે અમૃતના વરસે વરસણાં

શૂન્ય મંડળમાં ઝગમગ હીરલો ટમટમે

સુરત નુરતે સજ્યા શણગાર રે નીરખીને પાયે જઈ પડી

પાંચ તત્વોના તોરણ બંધાવીયાં

પાંચ પ્રાણોના રોપ્યા સ્ફટિક સ્થંભ રે ઉતારે ચુંથારામ આરતી

હવે અમે તાણી નિરાંતની સોડ

 (રાગ: જાણી શબરીની ઝૂંપડીને મહેલ)

હવે અમે તાણી નિરાંતની સોડ - દુનિયા ભલે ફાકી ખાય ખાંડ

દુનિયાના રંગ ભોગ અમને પોસાય ના 

કાવા દાવા પ્રપંચનું પુતળું બનાય ના 

તીખી રહેણીના તકિયા વછોડ - દુનિયા ભલે ફાકી ખાય ખાંડ

દેહમાં વશ્યા અમે દેહ થાકી જુદા

નિજ સ્વરૂપે અમે નિરાકાર ખુદા

અમે જાગતા ઊંઘ્યા માંડ માંડ - દુનિયા ભલે ફાકી ખાય ખાંડ

નિજ સ્વરૂપની લહેરે સમાશું

આત્મા સર્વાત્માનું ઐક્ય જણાવશું

ચુંથા સદગુરુ સન્મુખ મીટ માંડ - દુનિયા ભલે ફાકી ખાય ખાંડ

સત્યનો રંગ ચઢાવો

(રાગ: દેખો દરિયા કેરી લહેરી)

સત્યનો રંગ ચઢાવો હ્રદય પર સત્યનો રંગ ચઢાવો...હા....

માંહ્યલી ભરમણાઓ ટાળો...હ્રદય પર સત્યનો રંગ ચઢાવો...હા....

આખા જગતમાં એક જ આત્મા જાણીને મોહ મટાડો....હા.....

મળ વિક્ષેપને આવરણ જાતાં - મળે આનંદ રૂપાળો...હ્રદય પર સત્યનો......

ભેદ ભ્રાંતિના મુળિયા ઉખેડી કજિયા કંકાસને ટાળો....હા......

વિવેક સાથે વૈરાગ્યને લઈને - જુઠ કપટને સંહારો...હ્રદય પર સત્યનો......

શૂન્ય મંડળમાં ઊંચે ગગનમાં જઈને ઠામ બિરાજો....હા....

જડ-ચેતનની ગાંઠને છોડો - ચુંથારામ સદગુરુજી નિહારો...હ્રદય પર સત્યનો......

હરિને ભરોસે રહીએ

(રાગ: વારુ મારા વીરા રે સંગ ના કરીએ નીચનો)

હરિને ભરોસે રહીએ રે આતમ લ્હાવો લીજીએ રે જી...

મોંઘો મનખો નહીં આવે વારંવાર....હરિને ભરોસે રહીએ.......

ભજનાનંદે ફરીએ રે સંત સમાગમ કીજીએ રે જી....

દયા, દીનતા, નયનોમાં નિર્મળ પ્યાર....હરિને ભરોસે રહીએ.......

સંતો દેખી નમીએ રે બ્રહ્મ ભાવે ભેટીએ રે જી....

ભેદભ્રમણા રાખો નહીં જ લગાર....હરિને ભરોસે રહીએ.......

હરિ ગુરુ સંત એક રૂપે રે વેદ વાણી એમ વદે રે જી....

ચુંથારામ કહે માનો સંતોનો ઉપકાર....હરિને ભરોસે રહીએ.......

જેની જગમાંથી રૂચી

 (રાગ: જાગો જાગો જીવાભાઈ જાગજો રે)

જેની જગમાંથી રૂચી ઊઠી ગઈ રે

જેની મતીમાં શામળો સોહાય....અલખધણી અળગો નથી

જેના નયનોમાં આત્મતેજજળકી રહ્યું 

જેની વાણીમાં સત્યનો પ્રકાશ....અલખધણી અળગો નથી

જેના શ્રવણમાં સંતોના શબ્દો રહ્યા

જેના હૈયામાં સદગુરુ છાંય....અલખધણી અળગો નથી

જેની સુરતામાં સ્વ-સ્વરૂપ હીરલો રમે 

જેના કંઠે કરુણ રણકાર....અલખધણી અળગો નથી

જેને રોમ-રોમ વિહવળતા પ્રગટી રહી 

ચુંથારામ ગુરુકૃપાનાં એંધાણ....અલખધણી અળગો નથી

જીવાભાઈ તમને શું થયું

(રાગ: ચીયાભાઈને વચમાંથી કાઢો રે હું તો લાજી મારું છું)

જીવાભાઈ તમને શું થયું, માયા બંધે બંધાયા

બ્રહ્મ સ્વરૂપ તે ક્યાં ગયું, માયા બંધે બંધાયા 

ગગનમાં ગાદી - અચ્યુતમાં યાદી 

મારા તારામાં લપટાયા.....માયા બંધે બંધાયા 

મૃગજળ દેખી - આશક્તિ વેઠી

મોહ મદીરામાં ભરમાયા....માયા બંધે બંધાયા 

આશાને તૃષ્ણા - ચોંટી પુત્રેષ્ણા

માન મહંતામાં ખરડાયા.....માયા બંધે બંધાયા 

લાભને હાની - વળગી ભવાની 

ચુંથારામ સદગુરુ મરડાયા.....માયા બંધે બંધાયા 

(થાળ) સતચિત આનંદ રૂપા

(રાગ: જમવા પધારો ભગવાન રે નંદજીના રે લાલ) 

સતચિત આનંદ રૂપા ગુરજી જમવા પધારો 

જમવા પધારો વ્હાલા જમવા પધારો 

ભક્તોના પ્રાણ સ્વરૂપા ગુરુજી જમવા પધારો 

ભાવનાં ભોજન પ્રેમની પૂરી 

સ્નેહ ભરેલી કટોરી.....ગુરુજી જમવા પધારો 

સુધર્મ શાક છે નિજ પ્રસાદ છે 

ભ્રહ્માકાર દાળ બનેલી.....ગુરુજી જમવા પધારો 

બોધ સ્વરૂપી દૂધપાક રે બનાવ્યો 

જમજો  ગુરુજી સુખકારી.....ગુરુજી જમવા પધારો 

સુક્ષ્મણા નારી જળની જાળી 

આચામ્નની બલિહારી.....ગુરુજી જમવા પધારો 

સુરતા છબીલી ચમ્મર ઢોળે

ચુંથારામ ગુરુશરણ ચોળે.....ગુરુજી જમવા પધારો 

સદગુરુ આરતી

(રાગ: કૃષ્ણ આરતી)

સદગુરુ આરતી હોન લગી હૈ 

જગમગ જગમગ જ્યોત જલી હૈ......સદગુરુ આરતી......

સત્ય સિંહાસન બેઠે ગુરુ દાતા 

શિષ્ય સમુદાય ગુરુગુણ ગાતા......સદગુરુ આરતી......

ભવજળ તારણ શોક નિવારણ 

ગુરુબિન દુજો નહીં ઉદ્ધારણ......સદગુરુ આરતી......

ગોવિંદ સે ગુરુ અધિક કહાવે 

ભવરણમાંથી મુક્ત કરાવે......સદગુરુ આરતી......

ચુંથારામ ગુરુ તરણ તારણ

શરણ પડે તેનો થાય ઉદ્ધારણ......સદગુરુ આરતી......


પ્રભુજી દાસ તારો દુભાય

(રાગ: કરજો કરજો નૈયા પાર કનૈયા તારો છે આધાર)

પ્રભુજી દાસ તારો દુભાય તમોને નવ શોભે યદુરાય

પ્રભુજી રંક તણા છો બેલી - શાસ્ત્ર પુરાણે વાત લખેલી 

જગમાં જન તારો અટવાય....તમોને નવ શોભે યદુરાય

પ્રભુજી પહેલાં લાડ લડાવ્યો - ભક્તિ રસનો ઉમળકો આવ્યો 

શીદ તરછોડો લાગુ પાય....તમોને નવ શોભે યદુરાય

પ્રભુજી નિર્દયતા કેમ ધારી - શું અપરાધ અમારો મોરારી

જગમાં બાનાની પત જાય....તમોને નવ શોભે યદુરાય

અધમ ઉદ્ધારણ નામ તમરુ - તે શું ફોગટ કરવા ધાર્યું

અમીરસ બિંદુ નવ દેખાય....તમોને નવ શોભે યદુરાય

ભજજળ કુંપમાં ગોથા ખાતો - નામની દોરી ચઢવા ચાહતો

ચુંથારામ હિંમત હારી જાય....તમોને નવ શોભે યદુરાય

Saturday, January 18, 2025

જીવ ભૂલો પડ્યો ભવ જાળ

(રાગ: નાનકડી નાજુક નાર હું બહું નાનકડી)

જીવ ભૂલો પડ્યો ભવ જાળ ચલંતી મુસાફરી 

જીવ અથડાયો કઈ કાળ ચલંતી મુસાફરી 

મારે સામે કિનારે જાવું છે - મારે હવે થી નહીં પસ્તાવું છે 

દઉં ફેકી ભરેલો ભાર.......ચલંતી મુસાફરી 

મને નરતન નાવડી હાથ ચઢી - સતસંગ પવનની ઝાપટ અડી 

મારે જાવું નિજપદ દ્વાર.......ચલંતી મુસાફરી 

મારી હૃદય કમળમાં નજર પડી - મને શાંતિ કાતર ત્યાંથી જડી

જાઉં કાતરી ભવની જાળ.......ચલંતી મુસાફરી 

મારે હાથ હલેસાં હરિ પદનાં - સ્થિરતાનો શઢ લાવે તીરમાં 

ચાલો ચુંથારામ આપણા ધામ.......ચલંતી મુસાફરી 

શ્યામ વિના સુખ ધામ જગતમાં

(રાગ: પતિ વિના પ્રેમદાના ક્યાંથી પુરાય કોડ)

શ્યામ વિના સુખ ધામ જગતમાં વાઘણ કેરી બોડ ....જગતમાં વાઘણ......

અંતરગ્રંથી દુર કર્યા વિણ પુરાય ક્યાંથી કોડ 

હરિ સનમુખ પાતક સૌ ટળતાં દરશનથી સુક્રિત સૌ ફળતાં

મન મંદિર પધરાવી જોને નર નારાયણ જોડ....અંતરગ્રંથી દુર કર્યા વિણ.....

પ્રેમ પંથ પાવકની જ્વાળા ચાલે શુરા હિંમત વાળા

મરજીવા થઇ ખેલે જગની મૂકી માથા ફોડ....અંતરગ્રંથી દુર કર્યા વિણ.....

સતચિત આનંદ મંગલકારી ચુંથા સંત ચરણ બલિહારી 

નિજ ઘર જીવતા દે બતલાવી લાવે ભવનો તોડ....અંતરગ્રંથી દુર કર્યા વિણ..... 

Friday, January 17, 2025

ગોવિંદ ગોકુળમાં મોટા થયા રે

(રાગ: આભમાં ઝીણી ઝબુકે વીજળી રે)

ગોવિંદ ગોકુળમાં મોટા થયા રે 

નંદજીના ભુવનમાં થૈ થૈ ફરતા મોરારી ગોકુળમાં મોટા થયા રે

ગોપિકાઓ તાળીએ નટવર નચાવતી રે 

વાછડાંના પુચ્છ ગ્રહી ફૂંદડી ફરતા મોરારી ગોકુળમાં મોટા થયા રે

ગોપીયો બાજઠ પવાલી મંગાવતી રે 

જેમ તેમ પકડી લાવે લથડતા મોરારી ગોકુળમાં મોટા થયા રે

જમના કિનારે રમતા સંતામણી રે

રોહિણી બોલાવે બલરામ ભ્રાતા મોરારી ગોકુળમાં મોટા થયા રે

કૃષ્ણ હે કૃષ્ણ યશોદા બોલાવતાં રે

ધાવીલે ભૂખ લાગી હશે કાના મોરારી ગોકુળમાં મોટા થયા રે

ઘરે જાઓ છોકરાં રમત બંધ કરી રે 

ચાલ પુત્ર થાક્યો હોઈશ બ્રીજબાલા મોરારી ગોકુળમાં મોટા થયા રે

શરીરે પરસેવો ધૂળ ખરડી ઘણી રે

યશોદા નવડાવે ચુંથારામનો સ્વામી મોરારી ગોકુળમાં મોટા થયા રે

વનડાવનની કુંજગલીમાં

(રાગ: મેં તો જાણ્યું કે વેવાઈ મજીયાં રે લાવશી)

વનડાવનની કુંજગલીમાં કેશર વર્ણા ઝાડ છે

ઝાડે ઝાડે ફરતી વાટો જોતી રે અલબેલા હરિ.....

આવડો નમેળો થયો નંદજીના લાલજી 

કલીન્દ્રીના કાંઠે ફરતી જોતી ગીરીધર લાલને 

જોતી જોતી મધુવનમાં ચાલી રે અલબેલા હરિ...

આવડો નમેળો થયો નંદજીના લાલજી 

કુંજ વનમાં શોધી વળી નજરે જ આવ્યા નાથજી 

જ્ઞાન ગલીમાં આવી જોવા લાગી રે અલબેલા હરિ....

આવડો નમેળો થયો નંદજીના લાલજી 

આંખ મીંચી દઈ ધ્યાને ધારણ ધારી જોયું ખાસજી 

સનમુખ આવી છેલ છબીલો ઉભા રે અલબેલા હરિ.....

આવડો નમેળો થયો નંદજીના લાલજી 

ચુંથારામના હ્રુદિયે વસીયા રોમે રોમે રામજી 

નિત નિત દર્શન દેજ્યો દીનાનાથ રે અલબેલા હરિ....

આવડો નમેળો થયો નંદજીના લાલજી 

આજે કૃષ્ણ પ્રભુજી મારે મંદિરે

(રાગ: મારો માંડવો રઢિયાળો લીલી પામળીએ સોહાવો મારારાજ)

આજે કૃષ્ણ પ્રભુજી મારે મંદિરે પધાર્યા દીનાનાથ 

ચાલો જઈએ દર્શન કરવાને કાજ 

એમને હાથોમાં બાંહે બાજુબંધ પહોંચીઓ જડાવ

કાને કુંડળ ચિંતામણીની રે જોડ.....આજે કૃષ્ણ પ્રભુજી...

માથે મુગટમાં લીલાપીળા હીરલા ટાંક્યા ઠારો ઠાર

કંઠે શોભે સવાસો મોતીની માળ.....આજે કૃષ્ણ પ્રભુજી...

મોંઘો મરકત મણીનો હારડો સોહાયો નંદલાલ 

પંચ પટકુળ દિસે તે વીજળી સમાન.....આજે કૃષ્ણ પ્રભુજી...

દાસ ચુંથારામના સ્વામીને લળી લળી લાગીએ પાય

વંદન કરીએ કર જોડી વારંવાર.....આજે કૃષ્ણ પ્રભુજી...

વ્હાલા આરે અવસરે

(રાગ: વ્હાલા વૈકુંઠથી વેલડી જોડાવાજો)

વ્હાલા આરે અવસરે વહેલા આવજો

વ્હાલા વિનંતી કરું કર જોડી...અવસરે વહેલા આવજો 

વ્હાલા સેજ પલંગે પોઢ્યા હશો

વ્હાલા રૂક્ષમણી ચરણ પખારે...અવસરે વહેલા આવજો

વ્હાલા સુખ શૈયાઓ છોડી આવજો 

તમ આવે થયે લીલાલહેર...અવસરે વહેલા આવજો

સાથે લક્ષ્મી માતાને તેડી લાવજો 

વ્હાલા ગરુડે ચઢી અસવાર...અવસરે વહેલા આવજો

તમ આવે રૂડા વાન નીપજે 

તમ આવે પડે પકવાન...અવસરે વહેલા આવજો

વ્હાલા ચુંથારામની છે એટલી વિનંતી 

તારા દર્શનની છે મુજને આશ...અવસરે વહેલા આવજો

મીઠી મીઠી મોરલી

(રાગ: ઘોડીલે બેસીને પાન ચાવો લાડકડા)

મીઠી મીઠી મોરલી બજાવો કનૈયા

ઊંચા નીચા સુર મિલાવો કનૈયા.....મીઠી મીઠી મોરલી...

બંસરી બજાવી કાના ઘેલી કીધી રાધિકા 

હળવા હળવા બંસરી બજાવો કનૈયા.....મીઠી મીઠી મોરલી...

મોરલી સુણીને મારું માંદુ ઝોલા ખાય છે

કાળજડાંમાં ખટકા લાગે કનૈયા.....મીઠી મીઠી મોરલી...

ભોજનીયા ના ભાવે કાના નીંદરડી ના આવે 

ઘડીએ ઘડીએ ઉભી થઇને જોતી કનૈયા.....મીઠી મીઠી મોરલી...

છાનીમાની આસું લુછતી ડૂસકે ડૂસકે રોતી

ઊંચીનીચી નજરે નિહારું કનૈયા.....મીઠી મીઠી મોરલી...

ચુંથારામના સ્વામીને નિત નિત નમતી 

વારી વારી વારણાં લેતી કનૈયા.....મીઠી મીઠી મોરલી...