જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Friday, January 24, 2025

સંસાર સ્વપ્ના સમાન વહી જાય

(માનવ બનતો ના ગાડાનો બેલ)

સંસાર સ્વપ્ના સમાન વહી જાય.....જીવ તારી અંતે ફજેતડી થાય 

ધંધા રોજગારમાં ઘણો ગુંચવાય.....જીવ તારી અંતે ફજેતડી થાય

વ્હાલાં વરુની વેઠ લાગે સોહામણી

સંતોની શીખ સારી લાગે અળખામણી

આશા તૃષ્ણાના દોરે બંધાય.....જીવ તારી અંતે ફજેતડી થાય

સ્વાર્થની દુનિયાને સ્વાર્થનું સગપણ 

સ્વાર્થ છૂટે કે જાણે લાગે એ વળગણ

ઉંધી ભાવનામાં ભટકાય.....જીવ તારી અંતે ફજેતડી થાય

આશાના કર્મો ને આશાના ધર્મો 

આશાનો ચિતડામાં બની રહે ફરમો 

ચુંથારામ સદગુરુ શરણે ના જાય.....જીવ તારી અંતે ફજેતડી થાય

કરી જાતરા જીવ ભરમાયા

(રાગ: ધરી માનવ દેહ શું કમાયા)

કરી જાતરા જીવ ભરમાયા - તોય નિર્મળ બની નહીં કાયા

ઘણા મંડપ મેળાવડા રચાયા - તોય એવાને એવા જણાયા

પંચ વિષયના પ્યાર - નથી છુટતા લગાર

ગંગા યમુનાના નીરમાં ન્હાયા - તોય નિર્મળ બની નહીં કાયા

સુણ્યાં પોથી પુરાણ - તોય રહ્યા છો અજાણ 

સ્સાત દિવસ સપ્તાહમાં ગુમાયા - તોય નિર્મળ બની નહીં કાયા

લાગ્યો પુરષોત્તમે રંગ - જાણ્યો મેશ્વો નદી ગંગ

ગંગા નદીમાં દીવડા પ્રગટાવ્યા - તોય નિર્મળ બની નહીં કાયા

તિલક માળાનો નેંમ - તોય મનમાં ઘણો વહેમ 

કંઠે તુલસીના મણકા લગાવ્યા - તોય નિર્મળ બની નહીં કાયા

મળ્યા સદગુરુ દેવ - કરી ચરણની સેવ

ચુંથા પૂરણ મનોરથ પાયા - તોય નિર્મળ બની નહીં કાયા 

જુઠા જગની જુઠી સંગત

(રાગ: એક પરદેશી મેરા દિલ લે ગયા)

જુઠા જગની જુઠી સંગત અંકોડે અંકાય.......

            ........મનના મેલા માનવીયોમાં ઢચુપચુ થાય 

ઘર ઘર ફરતા ગધેડા પર ગુણો લદાઈ જાય......

            ........મનના મેલા માનવીયોમાં ઢચુપચુ થાય

વાણીમાં વેદાંતનાં તત્વો સુણાવે - ઘેર જઈ દેવલાંની ટોકરી બજાવે

સ્વારથ હોય ત્યારે લટ્ટુ બની જાય......

            ........મનના મેલા માનવીયોમાં ઢચુપચુ થાય

ધનધાંખનામાં ધર્મ બગાડે - પરહિતમાં જઈ પથરો નંખાવે 

પર પ્રાણ દુભાવી પોતે મલકાય.............

            ........મનના મેલા માનવીયોમાં ઢચુપચુ થાય

અંતરમાં જુદુંને બહાર જુદું - પાખંડ મેળવવાથી વધી પડ્યું બિંદુ

ચુંથારામ સદગુરુ શરણમાં જાય.......

            ........મનના મેલા માનવીયોમાં ઢચુપચુ થાય

સુણો સંતો સુણાવું

(રાગ: વાડીમાં પધારજ્યો)

સુણો સંતો સુણાવું એક વાતડી 

            આજ મારે સૌભાગ્યે સાંપડી આ રાતડી

મલકતું મુખ જોઈ મન મારું મોહ્યું

            મુખમાં હીરલાની ભરી હાટડી......આજ મારે.....

સંતોની વાણી જાણે અમૃતનો ઘૂંટડો

            દરશનથી ધન્ય બની જાતાડી......આજ મારે.....

આજ મારે આંગણિયે માનસરોવર 

            કમળ ખીલ્યાં છે ભળી ભાતડી......આજ મારે.....

સંતોનો સંગ એ તો મુક્તિનું દ્વાર છે

            ચુંથારામ અમરાપુરની વાટડી......આજ મારે.....

શાને કરો તાણાતાણ

(રાગ: જમવા પધારો ભગવાન રે મારી પ્રેમ પ્રસાદી)

શાને કરો તાણાતાણ રે નથી રહેવાનું કોઈને

પ્રણવથી સુધારો પ્રાણ રે........નથી રહેવાનું કોઈને 

ચડતી-પડતી કેરો અસ્ત ઉદય છે

ચિંતાની બાળીદયો ખાણ રે .......નથી રહેવાનું કોઈને

તન મન ધનથી પરમારથ સાધો

ભલપણની વહેંચીદયો લ્હાણ રે.......નથી રહેવાનું કોઈને

ભવજળ સાગરે નામની નૈયા

ધર્મ નીતિ સત્ય જાણ રે .......નથી રહેવાનું કોઈને

તુજમાં ચૈતન્ય પરમેશ્વર પોતે 

ચુંથારામ એ ગુરુનાં એંધાણ રે .......નથી રહેવાનું કોઈને

તમે દેહનગરમાં આવ્યા

(રાગ: મારે સાસરીયે જઈ કોઈ કહેજ્યો)

તમે દેહનગરમાં આવ્યા જીવરામભાઈ નગરીને ઉજ્જવળ રાખજ્યો

તમે સંચીતનું ભાથું લાવ્યા જીવરામભાઈ નગરીને ઉજ્જવળ રાખજ્યો

પાંચ તત્વોનું તારણ કાઢજ્યો - દસે દ્વારે ચોકીદારો રાખજ્યો

ક્ષમા ધીરજના સંગી થાજ્યો જીવરામભાઈ નગરીને ઉજ્જવળ રાખજ્યો

તમે આશા આસક્તિથી ચેત્જ્યો - વડા વિવેક વૈરાગ્યને ભેટજ્યો

દિલ દરિયો દયાનો કરી દેજ્યો જીવરામભાઈ નગરીને ઉજ્જવળ રાખજ્યો

પળેપળનું સરવૈયું તમે કાઢજ્યો - ભૂલચૂક હોય તેને સુધારજ્યો

ચુંથારામ સુવીચારે ચઢી જાજ્યો જીવરામભાઈ નગરીને ઉજ્જવળ રાખજ્યો

રૂડો વિવેકી સતસંગ

(રાગ: જાગો જાગો જીવાભાઈ જાગજો રે)

રૂડો વિવેકી સતસંગ જો મળે રે

મટી જાયે સંસારનો મોહ...........સમાગમ સંતનો રે 

વધે દાન દયા દીનતા ઉદારતા રે

ઘટે ભય નિંદ્રા મૈથુન આહાર...........સમાગમ સંતનો રે 

શાસ્ત્ર સદગુરુ સતસંગ સુવિચારણા રે 

ચાર સાધનો સામટા સધાય રે...........સમાગમ સંતનો રે 

વિશ્વ, તૈજસ, પ્રાગ્ય ત્રિપુટી ટળે રે 

ચુંથારામ ગુરુગમથી ઓળખાય રે...........સમાગમ સંતનો રે 

સાંય સરીખા બાકોરામાં હથીડો

(રાગ: એક પરદેશી મેરા દિલ લે ગયા)

સાંય સરીખા બાકોરામાં હાથીડો સમાય...........

                ...........દસ દિશાએ દોડી રહેલો મનુડીયો ના માય

કલ્પનાનો કાળો ઘોડો પવન પહેલો જાય.........

                ...........દસ દિશાએ દોડી રહેલો મનુડીયો ના માય

માનસરોવર મોતી રે ઉલટયાં - હંસોનાં ટોળેટોળાં વછૂટયાં

મરજીવા મોતીડાં ચુગે બગલા બળી જાય........

               ...........દસ દિશાએ દોડી રહેલો મનુડીયો ના માય

સંત શબ્દોનાં ખીલ્યાં કમળો - હરનીશ ગુંજારવ કરે રે ભમ્મરો

ગ્યંગોગોટા વાળી ઘણો ઘણો ગુંચવાય...........

               ...........દસ દિશાએ દોડી રહેલો મનુડીયો ના માય

સરોવરમાં ભર્યાં દુધને પાણી - પાણી જુદા પાડે રૂડી સંતોની વાણી

ચુંથારામ અમૃત પીને અમર બની જાય.........

               ...........દસ દિશાએ દોડી રહેલો મનુડીયો ના માય

Thursday, January 23, 2025

આવ્યો હરિ ભજવાનો દાવ

(રાગ: જીવલડા ચડતી પડતી આવે સૌની શા માટે ફુલાય)

આવ્યો હરિ ભજવાનો દાવ - લઇ લ્યો મનુષ્ય દેહનો લ્હાવ

હૈયે નિજ સ્વરૂપ ટંકાવ - હરદમ આતમ જ્યોત જગાવ 

સેવા સમરણ નિત નિત કરીએ - નીતિ ધર્મ સદા આચરીએ

ધરીએ સંત સમાગમ ભાવ - લઇ લ્યો મનુષ્ય દેહનો લ્હાવ

પર ઉપકાર કરી દિલ રીઝો - પરના પ્રાણ દુભાવતાં બીજ્યો

સ્વાર્થ માટે ધર્મ ના તજશો - ઈર્ષા દ્વેષ કડી ના કરજો

ચુંથારામ નરતન મલી નાવ - લઇ લ્યો મનુષ્ય દેહનો લ્હાવ

જુદું જુદું રે સંતોનું ખાતું

(રાગ: છાનું છાનું છોકરા મારું તનમનીયું)

જુદું જુદું રે સંતોનું ખાતું જુદું રે પડ્યું

જુદું રે પડ્યું સત્ય સોનૈયે મઢ્યું....જુદું જુદું રે સંતોનું ખાતું.....

વેર-ઝેરના વલોપાતમાં નહીં સંતોનું મતું

નિજ ધર્મનું પાલન સઘળું સંતોમાં થતું....જુદું જુદું રે સંતોનું ખાતું.....

પરોપકાર કરી સંતોનું મન ઘણું મલકાતું

સરળ સ્વભાવે સંતોનું જીવન આનંદી બનતું....જુદું જુદું રે સંતોનું ખાતું.....

હું પણાનો નશોના આવે નિજ સ્વરૂપ ઓળખાતું 

ચુંથારામ સંતોના શરણે દિલ ઘણું હરખાતું....જુદું જુદું રે સંતોનું ખાતું.....  

મન માન્યો મફતનો માલ

(રાગ: લીલી પીળી મશુરની દાળ)

મન માન્યો મફતનો માલ - વહોળજ્યો વહેવારિયા 

નહીં આવે નુકશાની લગાર - વહોળજ્યો વહેવારિયા 

હીરા મોતી હરિનું નામ - વહોળજ્યો વહેવારિયા 

નિજ નામે અખંડ સુખ ધામ - વહોળજ્યો વહેવારિયા 

વન ઘોડાની ખેંચી લગામ - વહોળજ્યો વહેવારિયા 

હે...ચુંથારામ સુધરશે કામ - વહોળજ્યો વહેવારિયા 

એક સિંધુ ભર્યો છલોછલ

(હરિને ભજતાં હજુ કોઈની લાજ)

એક સિંધુ ભર્યો છલોછલ આત્મા રૂપી દરિયો રે 

બુદબુદા જગત જંજાળ વાયુ વેગે ચઢીયો રે 

લીલા પીળા ગુલાબી શ્યામ લાલ પાંચે તત્વો ભળીયા રે 

માયા મોઝાં ઉછળે છે વિશાળ તૃષ્ણાના રવે ચઢીયો રે

છાતી નૌકા રે છોડી ચાલ્યા સાગર મધ્યે પડીયો રે

શોધી જુઓતો પ્રાસે છે માલ તાળાં કુંચી જડીયો રે

ચુંથારામ સદગુરુ કરી દેશે ન્યાલ જો કોઈ શરણે પડીયો રે  


મોંઘો તારો અવસર જાય

(રાગ: ખમ્મા મારા નંદજીના લાલ)

મોંઘો તારો અવસર જાય જોઈ લે આંખડી ઉઘાડી

કોટી જન્મોના પુણ્ય કેરી પુંજી

મળીયો મનુષ્યનો દેહ......જોઈ લે આંખડી ઉઘાડી

જીવનમાં કેટલી સજ્જનતા મેળવી

કેટલાં કર્યાં સતકામ......જોઈ લે આંખડી ઉઘાડી

પરોપકારમાં કેટલું કમાયો

ખાતું તારું ખરાબના થાય......જોઈ લે આંખડી ઉઘાડી

ઈર્ષાની અગ્નિમાં દાઝીના મરતો

ક્ષમા દયા છટકી ના જાય......જોઈ લે આંખડી ઉઘાડી

નિજ સ્વરૂપ પર ઢાંકણ ના બનતો

ગુરુગ્મ વિસરાઈના જાય......જોઈ લે આંખડી ઉઘાડી

દિલમાં દાનવતાનો કચરો નાં પુરતો

સતસંગ સુકાઈ ના જાય......જોઈ લે આંખડી ઉઘાડી

ચુંથારામ સદગુરુ શરણમાં વસતો 

દુસંગે પલટાઈ ના જાય......જોઈ લે આંખડી ઉઘાડી

મારા મન મંદિરમાં દ્રષ્ટા બની બેઠા

(રાગ: મેં તો પહેરી લીધો ચૂડલો)

મારા મન મંદિરમાં દ્રષ્ટા બની બેઠા રે હરિ....બની બેઠા રે હરિ.....

                                        ......મૃગજળ જગતની ખબર પડી

ત્રિગુણી માયાનાં બીબાં રે રચીયાં......બીબાં રે રચીયાં

જેવું બીબું તેવી ભાત કલ્પી રે લીધી....ભાત કલ્પી રે લીધી.........મૃગજળ જગતની..

પાંચ તત્વોનું પુદગલ બનીયું.......પુદગલ બનીયું

તત્વોનું તારણ તું છે તત્વ રે મસી......તત્વ રે મસી.........મૃગજળ જગતની..

રજ્યુંમાં ભ્રાંતિ જેવી સ્વપ્નમાં સૃષ્ટિ.......સ્વપ્નમાં સૃષ્ટિ 

ચુંથારામ મમત્વને મુકે રે પરે......મુકો રે પરે.............મૃગજળ જગતની..

Wednesday, January 22, 2025

સંત શબ્દની નાભી છે દેહમાં

(રાગ: હંસા નેણ ઠરે ને નાભી હસે)

સંત શબ્દની નાભી છે દેહમાં

જ્ઞાન નાભી સુરતમાં સમય રે સમાગમ સંતનો 

સંતો દૈવી ગુણોથી દેવો સમા 

આહાર વિહાર નિયમે વરતાય રે સમાગમ સંતનો 

સંતો અક્ષરાતીતને અનુભવે

શાંત બની રહે શૂન્યકાળ રે સમાગમ સંતનો 

જગમાં જળકમળવ્રત રચતા

ભ્રાંતિ ટાળી રહે તદાકાળ રે સમાગમ સંતનો 

આઠે પહોરે ખુમારી અંગે રહે 

ચુંથારામ જેથી મન સ્થિર થાય રે સમાગમ સંતનો 

હો...દેહ નગરના રહેવાસી

(રાગ: હો....પ્રેમ નગરના પંખીડા)

હો....દેહ નગરના રહેવાસી તારું મૂળ સ્વરૂપ તું કહેતો જા...

તારું અસલ સ્વરૂપ તું કથતો જા

તું પાંચ વિષયમાં વળગી રહ્યો - મોહ માયા થાકી હેરાન થયો

તું જગનું આવરણ મુકતો જા....તારું અસલ સ્વરૂપ તું કથતો જા

હો....તારી નૈયા ભવ દરિયે ફરતી - સામે કિનારે જાવા તડફડતી 

તું શુદ્ધ બની હંકારે જા....તારું અસલ સ્વરૂપ તું કથતો જા

હો.....તું દેહમાં રહ્યોને ડોલે છે - તું વાણીમાં વાસિયો બોલે છે 

તું સંતના શબ્દો સુણતો જા....તારું અસલ સ્વરૂપ તું કથતો જા

હો.....તું નયને નીરખે છે - તું આનંદ આનંદ વર્તે છે

ચુંથારામ સનમુખ ઠરતો જા....તારું અસલ સ્વરૂપ તું કથતો જા

આવ્યો સદગુરુ મેધ અષાઢી

(રાગ: કોઈ કામરૂ દેશથી આવી રે કંસારી)

આવ્યો સદગુરુ મેઘ અષાઢી રે હાલો હળધારી

તન ખેતરમાં વાવણી વાવો રે હાલો હળધારી

ધંગી ધીરજના ધોરીલા જોડવો રે માંહી ખોરણનું ખાતર નંખાવો રે....હાલો હળધારી

હરિ નામનું હળ બનાવો ચિતનું ચૌડું લાવો

ધ્યાન સ્વરૂપી ધુંસળી જોડી એને સ્મરણ શાકનેથી ગંઠાવો રે....હાલો હળધારી

જ્ઞાનરૂપી નાડી બાંધી અને આચાર પરુણી રાખો

નિયમના જોતર બનાવો પછી ખેડો દિન રજની આખો રે....હાલો હળધારી 

ખેવટીયો ખેદ ઉપર રાખો તે સદગુણ રૂપી સમાળ

અમીરસ કેરાં ઝાડ રોપાવો પછી પ્રેમનાં પાણીડાં છંટાવો રે....હાલો હળધારી

સુધર્મના માંહી ફણગા ફૂટ્યા ને વિવેક કરી વાડ

લીલમ ફળ લટકી રહ્યાં ચુંથારામ ગુરુજીનો પૂરો થાળ રે....હાલો હળધારી

જ્ઞાન ચક્ષુ અંતર ખોલે

(રાગ: પ્યારા પ્રભુ શ્યામ તો ડોલે)

જ્ઞાન ચક્ષુ અંતર ખોલે ઘટો ઘટ શામળો બોલે

શામળો બોલે ઘટોઘટ શામળો બોલો........જ્ઞાન ચક્ષુ અંતર ખોલે

ચૈતન્યને ચિંતવે તો નામ ધૂન લાગે - ગુરુજ્ઞાને અંધકાર ભાગે 

બીજું ના'વે નામ તોલે રે (૨) ઘટો ઘટ શામળો બોલે......જ્ઞાન ચક્ષુ.........

કુંભક રેચક પુરકનો હ્રદય પલટો જાગે - સુરત નુરત સીંધીમેળો અજંપાજાપ લાગે

સૂક્ષ્મણા દ્વાર તો ખોલે (૨) ઘટો ઘટ શામળો બોલે......જ્ઞાન ચક્ષુ.........

રૂપગુણ નામ કેરો દ્રશ્ય ભાવ ભાગે - નિજમાં સ્વ-સ્વરૂપનો પ્રેમ દોર જાગે

ચુંથારામ આનંદે ડોલે (૨) ઘટો ઘટ શામળો બોલે......જ્ઞાન ચક્ષુ.........

Monday, January 20, 2025

જ્યાં નહીં ધ્યેય ધ્યાતા ને ધ્યાન

(રાગ: શિર પે ટોપી લાલ હાથમેં રેશમકા રૂમાલ)

જ્યાં નહીં ધ્યેય ધ્યાતા ને ધ્યાન - નહીં કોઈ શ્રેય જ્ઞાતા ને જ્ઞાન....હો અદ્વૈત ખડો

ટળી દૈત્ય ભાવની સુરતા - નહીં ક્રિયા કરણ ને કર્તા....હો અદ્વૈત ખડો

હો....ત્રિપુટી વિલય પામી - વેદની વાણી વિરમી...વેદની વાણી વિરામી 

દ્વૈત વાસના ટળે - જેને સાચા સદગુરુ મળે....હો અદ્વૈત ખડો

હો.....રજ્યું સર્પની ભ્રાંતિ તાસ - છીપમાં રજત પ્રકાશ.....રજત પ્રકાશ

ડાળ વિનાનું થડ નિશાએ તેનો ચોર જણાય....હો અદ્વૈત ખડો

હો......મિથ્યા જગતનો ભાસ - આત્મામાં આરોપે તાસ....અરોપે તાસ

અધ્યારોપ તણો અપવાદ કરીને જુઓ મૂકી પ્રમાદ....હો અદ્વૈત ખડો

હો.....માટે તજો મિથ્યાભાસ - એકાત્મા પૂર્ણ પ્રકાશ....પૂર્ણ પ્રકાશ

વસ્તુ નિરાકાર નથી કહેવા કથવાનો સાર....હો અદ્વૈત ખડો

હો......આત્મારામ અભેદરામ - એ રૂપમાં પામ્યો તાદાત્મ્ય...પામ્યો તાદાત્મ્ય 

ચુંથારામ એ આત્મ સમાધિમાં રહો ગુલતાન....હો અદ્વૈત ખડો

મન મરકટને વારો

(રાગ: દેખો દરિયા કેરી લ્હેરી)

મન મરકટને વારો પ્રપંચમાંથી મન મરકટને વારો.....હા

ક્ષમાનો દંડો દયાની દોરી - સહન સાણસે ઝાલોજી

બહાર ભટકતી ચિત્તવૃત્તિને સદગુરુ શબ્દે વારો...પ્રપંચમાંથી મન મરકટ...

અસ્થિરતા એ સ્વભાવ મનનો વાયુ લ્હેરે ફરનારો.....હા

સુદ્ધ બુદ્ધિએ સ્નાન કરાવી રાખો સોહંગ ભણનારો...પ્રપંચમાંથી મન મરકટ...

મનનું જાડાપણું એ માયા તેથી ચેતી ચાલો.......હા

અવળગતિ કરતુ દેખીને ઝટપટ તેને ઝાલો...પ્રપંચમાંથી મન મરકટ...

હંસપદમાં મનને સ્થાપી કાર્ય પોતાનું સાધો.......હા

ચુંથારામ સંતનકે શરણે સદગુરુને આરાધો...પ્રપંચમાંથી મન મરકટ...