જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Wednesday, November 20, 2024

મારી સુરતા સોહંગ સીડી ચઢતીતી

(રાગ: એક નાદી વાદીનો ખેલ અનાદિ ઓળખી લ્યો)

મારી સુરતા સોહંગ સીડી ચઢતીતી 

કરી પાંચ પગથીએ પહેલ - સોહંગ સીડી ચઢતીતી 

સામે ત્રિવેણી સંગમ શોભંતો 

દસ પગથીએ સૂક્ષમણા મહેલ - સોહંગ સીડી ચઢતીતી

આવી અનહદપૂરી રઢિયામણી

નાદ શરણાઈ નોબત ઢમ ઢોલ - સોહંગ સીડી ચઢતીતી

ચિત્ત શુદ્ધિ દેવી બન્યાં સહાયકારી 

નિર્વિકલ્પ સમાધિ સમતોલ - સોહંગ સીડી ચઢતીતી

અધિષ્ઠાન પ્રતીતિ થવા લાગી 

ચુંથારામ શ્યામ સુરતી રંગરેલ - સોહંગ સીડી ચઢતીતી

 

નામનો મહિમા નિજ નામ છે.......

(રાગ: ડંકો વાગ્યોને લશ્કર ઉપડ્યું ઝરમરીયા ઝાલા)

નામનો મહિમા નિજ નામ છે નામીશ્વર પોતે 

બીજા બધાને સીતારામ છે નામીશ્વર પોતે

થાક્યા પાક્યાનું અહિયાં કામ છે નામીશ્વર પોતે

સર્વે સાધનનું મૂળ નામ છે નામીશ્વર પોતે

એથી અમોને આરામ છે નામીશ્વર પોતે

ચારે વેદોનું કહેવું એ જ છે નામીશ્વર પોતે

પછી બીજાનું શું કામ છે નામીશ્વર પોતે

સર્વે તીર્થોનું મોટું ધામ છે નામીશ્વર પોતે

એવા નામની અમને હામ છે નામીશ્વર પોતે

જ્ઞાનનું મહાધ્યાન નામ છે નામીશ્વર પોતે

ચુંથારામ નામ મહીં વાસ છે નામીશ્વર પોતે

અંત:પૂરનો વિહવળ તપસી તપસ્યા...

(રાગ: હવે શાનાં માન રે વહુવર હવે શાનાં માન)

અંત:પૂરનો વિહવળ તપસી તપસ્યા કરવા બેઠો રે

તપની તાજણ નાડી ધબકે શ્વાસ હિલોળા નાખે રે 

પચરંગી તત્વોનો તુંબો હાલક ડોલક ઘૂમે રે

પવન પુતળું પ્રગટ બોલે ભારે હલકું તોલે રે 

ઊંઘે જાગે લય થઇ જાવે તોયે સમજણ ના'વે રે 

ઘટમાં ડુંલ્યો નિજ ઘર ભૂલ્યો ચુંથા ગુરુગમે ચાલો રે

અરે શું માનવનું અભિમાન....

(રાગ: જીવલડા ચડતી પડતી આવે સૌને શા માટે ફુલાય)

અરે શું માનવનું અભિમાન પલકમાં ટળી જશે રે 

કરેલાં અવળાં સવળાં કામો સામા મળી જશે રે 

શરીરની રાખ બનીને પવન ઝપાટે ઊડી જશે રે 

માનવ દેહ અમોલો મળીયો - મધ્યે આતમ હીરલો જડિયો

નિજ સ્વરૂપની યાદી સદગુરુ શરણે મળી જશે રે 

વિદેહ પણું જો આવે - બ્રહ્મસાગરમાં ભળવું ભાવે 

ચુંથારામ ગુરુગુણ ગાવે આનંદ મળી જશે રે  

ઝીણી ઝીણી જુગ્તીમાં જીવોભાઈ પરણાવો રે

(રાગ: ગુલાબવાડી ચૌટા વચ્ચે રોપી રે)

ઝીણી ઝીણી જુગ્તીમાં જીવોભાઈ પરણાવો રે 

વીરો જોઈએ તો વિવેકભાઈ ને લાવજો રે 

સ્થિરતાનાં સ્થાપન, ચિત્તના ચોખલિયા મન શ્રીફળ હોમાવજો રે 

વેદ ધરમની ઓટલીયો બંધાવજો રે 

વિરહ અગ્નિમાં, કર્મનાં કાષ્ટ ને અજ્ઞાન ઘી હોમાવજો રે

વિચાર વાડીથી ઝરણાં મીંઢળ લાવજો રે 

નિયમના દોરે, વિનયના ખોળે સુરતા સન્મુખ લાવજો રે 

અનહદ નગરીના શૂન્ય શિખર સાસરીયે રે 

બેહદનાં વાજાં, ઘમ ઘમ ગાજ્યાં, ચુંથા ચટપટી લાગી રે  

Tuesday, November 19, 2024

હરિ ભજવા અવશર આવેલો શીદ જવા દયો છો

(રાગ: મોટાંના રઈવર ઘોડવાર્યો શીદને રોકી રહ્યા છો)

હરિ ભજવા અવશર આવેલો શીદ જવા દયો છો

આજ તમારે સતનાં સંચિત ફળિયાં - લાખેણો અવશર આવેલો શીદ જવા દયો છો

મોજીલા મનવા જગતની ફિલ્મે ફસાઈ રહ્યા છો

મોજીલા મનવા સંસાર શારડીએ શીદ શેરાવ છે - હરિ ભજવા અવશર...

બુદ્ધિના બુઠાં બાવળીએ બાથ ભીડી રહ્યા છો

મોજીલા માનવા માયા બંધનને બંધાઈ જાવ છો - હરિ ભજવા અવશર.....

અજ્ઞાને મારું માનીને ભર્મે ભૂલ્યા છો

મોજીલા માનવા મૃગજળના પાણી પીવા જાવ છો - હરિ ભજવા અવશર....

નિજ સ્વરૂપ તજી દ્રશ્યના રૂપમાં મોહ્યા છો

મોજીલા મનવા ચુંથારામ જીતી બાજી શીદ હારો - હરિ ભજવા અવશર... 

જીવ જ્યાં જન્મ્યો ત્યાં ઘર, બીજે ગયો તો બીજું ઘર...

(રાગ: ભાંગ ભાંગલડી)

જીવ જ્યાં જન્મ્યો ત્યાં ઘર, બીજે ગયો તો બીજું ઘર વિચાર કરી લેજો રે 

ચોરાશી લાખ યોની ફરીયો વિચાર કરી લેજો રે 

કોઈ સદગુરુ ના મળિયા તેથી સંસારમાં ના હાર્યા વિચાર કરી લેજો રે 

સગું વહાલું શરીરનું છે, શરીર છૂટ્યા પછી શું થશે વિચાર કરી લેજો રે 

શરીરથી તન તરીયા ને સુત, શરીરના વિખરાશે પંચભૂત વિચાર કરી લેજો રે 

શરીરને બાળી દેશે માંથી, તે વેરા આત્માનું કોઈ નથી વિચાર કરી લેજો રે 

જીભથી જણાય ખાટું ખારું, કાનથી સંભળાય સાચું જુઠું વિચાર કરી લેજો રે 

તે સૌ આત્માનું જણાય વિચાર કરી લેજો રે 

જયારે સદગુરુ મળે જ્યાંથી, ચુંથા કલ્યાણ થાય ત્યાંથી વિચાર કરી લેજો રે

આ તો જગત અનાદી આડંબર ના કરીએ રે

(રાગ: લાડી લાડાને પૂછે મોટી શહેર બંગલા રે)

આ તો જગત અનાદી આડંબર ના કરીએ રે

મારા પ્રભુજીની વાડી આડંબર ના કરીએ રે

પાંચ તત્વોની કાયા આડંબર ના કરીએ રે

મારા પ્રભુજીની માયા આડંબર ના કરીએ રે

ત્રણ ગુણનો ગાલીચો આડંબર ના કરીએ રે

મારા પ્રભુનો બગીચો આડંબર ના કરીએ રે

પાંચ વિષયો છે તાજા આડંબર ના કરીએ રે

ચુંથારામ ગુરુજી મહારાજા આડંબર ના કરીએ રે

વીરા સતસંગત ને સાદું વચન નિત્ય જોઈએ રે

(રાગ: બેની નથી આપણા મોટા ઘરની રીત્યો)

વીરા સતસંગત ને સાદું વચન નિત્ય જોઈએ રે

વીરા જગત મિથ્યા જલદી સીધા થાય - અભ્યાસે ચિત્તમાં વશ લઈએ રે 

વીરા ભોગ માંહે રહેવા છતાં અભિમાન ના આવે રે

વીરા વાસના તે સંકલ્પોની ખોટી ભ્રાંતિ ક્રોધ....અભ્યાસે ચિત્તમાં વશ લઈએ રે 

વીરા ઇન્દ્રીઓને વશમાં રાખી સુખમાં રહેવું રે 

વીરા આત્મ મનન કરવું વૈરાગ ધારી રે....અભ્યાસે ચિત્તમાં વશ લઈએ રે

વીરા સતપુરુષોના ચરિત્ર જાણો દર્પણ જેવા રે 

ચુંથા જેના વચને નિર્વાણપદ પરખાય....અભ્યાસે ચિત્તમાં વશ લઈએ રે  

Monday, November 18, 2024

આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે રે

(રાગ: આભમાં ઝીણી ઝબુકે વીજળી રે)

આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે રે 

તેની આગળ બીજાં ગયાનો તુચ્છ - દુનિયા નાચી રહી તેનું નામ મોહ છે રે

જગના જીવોને નિત્યની ક્રિયા રહી રે 

તો પણ સંતોષ વિના નહીં સુખ - - દુનિયા નાચી રહી તેનું નામ મોહ છે રે

આત્મારામ વિના નહીં મોક્ષ છે રે 

સદગુરુ વિના નહીં સત્યનું ભાન - દુનિયા નાચી રહી તેનું નામ મોહ છે રે

જીવ ધન કારણ દુઃખી દુઃખી થઇ રહ્યો રે

હવે ધર્મ કરી શુરવીર થાય - દુનિયા નાચી રહી તેનું નામ મોહ છે રે

જીવવું મરવું પગલા હેઠ છે રે 

ધર્મ ધ્યાન વિના દિન ગયા સૌ વેઠ - દુનિયા નાચી રહી તેનું નામ મોહ છે રે

ભગવાનને પણ કર્મ ભોગવવાં પડ્યાં રે 

ચુંથા પૂર્વના કર્મ ભોગવાય - દુનિયા નાચી રહી તેનું નામ મોહ છે રે