(રાગ: જીવલડા ચડતી પડતી આવે જગમાં જીવન ઝોલા ખાય)
જીવલડા રમત ન્યારી રમનારો ઘટ ઘટમાં વાસિયો કિરતાર
જીવલડા દાસના દુઃખ હરનારો ઘટ ઘટમાં વાસિયો કિરતાર
ભક્તના કઠણ વચનો ખમતો - સગુણ થઈ ભક્તોની રચના કરતો
દુષ્ટને દંડ દઈ દમનાર ઘટ ઘટમાં વાસિયો કિરતાર
ભક્તની સંગે નિશદિન ફરતો - મોટપ મેલીને સંચરતો
ક્ષમા ધરી શાંતિનો દેનાર ઘટ ઘટમાં વાસિયો કિરતાર
જ્યાં ત્યાં જીવની પાસે ઊભો - દ્રશ્ય ટગ ટગ જોઈ રહ્યો સિદ્ધો
ભક્તિ ભાવ ભારી ધસનાર ઘટ ઘટમાં વાસિયો કિરતાર
કર્મ કરાવી કસોટી કરતો - નિજ જનને કસી કસી શુદ્ધ કરતો
પ્રીતિ પ્રેમ તણો પીનાર ઘટ ઘટમાં વાસિયો કિરતાર
વિષય રૂપી વ્હાલને હરિવર હરતા - ગરુડ રૂપ ધરી ગ્રાસ જ કરતા
ચુંથારામ વિઘ્ન હરનાર ઘટ ઘટમાં વાસિયો કિરતાર