જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Monday, January 13, 2025

કાન તારી કચેરી માંય

(રાગ: આંબલા હેઠ તળાવ)

કાન તારી કચેરી માંય અરજદાર આવી ઊભો

ઊંડા અંતરના ઘાવ, ફરિયાદ નોંધાવી રહ્યો રે 

મારે તારી સાથે તકરાર, હૈયું તલસી રહ્યું રે

અંધેર દીઠું અપાર, કહેતાં લાજી મરું રે

વ્હાલા તારો આવો શો ન્યાય, અધવચ રખડી પડું રે

કાળજાં કૂણાં કોળાય, કેમ કરી આગળ ધસું રે 

મનડું મરી નાં જાય, વાસના વળગી પડી રે 

એક તારો સાચો આધાર, ચુંથારામ શોધી રહ્યો રે  

હું તો મનથી કરું સેવા

(રાગ: ધનુ ખરા બપોરે ધનુ માંયરામાં)

હું તો મનથી કરું સેવા, તમે માની લેજો દેવા 

રામ લક્ષ્મણ સીતા મારા શમણામાં 

હું તો આપું જળની ઝારી, દાતણ કરોને મોરારી 

ઝીલણ ઝીલવા પધારો દેવી સરયુમાં 

પીળા પીતામ્બર પહેરાવું, મોંઘી પામળીઓ ઓઢાડું 

સોના ચાખડીઓ પહેરી પધારો મંદિરમાં 

ભાલે ચંદન ચર્ચાવું, અંગે અત્તર છંટાવું

ગજરા ગૂંથીને સોહાવું બંને હાથોમાં

હાર હીરાના પહેરાવું, સોના મુંઘટ ધરાવું

કુંડળ ગુલરીયાં પહેરાવું બંને કાનોમાં

મનથી મોંઘા મેવા લાવું, પ્રેમે પાનબીડાં બનવું 

સેજ સંભાળીબિછાવું મન મંદિરમાં 

ગુરુગમ દિવલડે અજવાળું, અનહદ આરતીઓ ઉતારું

ચુંથા સાચાં સ્વપ્નો ધારું મારા અંતરમાં

જીવડા જુઠ્ઠો સંસાર

(રાગ: હંસલા જાજે ગોકુળીયા ગામમાં)

જીવડા જુઠ્ઠો સંસાર પ્રીત જોડ મા 

હરિ ચરણોની ચિત દોરી તોડ મા - જીવડા જુઠ્ઠો સંસાર પ્રીત જોડ મા

સુતદારા પરિવાર સ્વાર્થનો સંબંધ છે

અંધ બની આત્મદ્રષ્ટિ ભૂલ મા - જીવડા જુઠ્ઠો સંસાર પ્રીત જોડ મા

હું કરું આ મેં કર્યું સૌ ખોટી તાણા તાણ છે

તારે ઉડી જવાનું જોરમાં - જીવડા જુઠ્ઠો સંસાર પ્રીત જોડ મા

વિચારી લે જીવ તારે ઠરવાનો ઠામ છે 

તું તો પોઢ્યો પંથીના મુકામમાં - જીવડા જુઠ્ઠો સંસાર પ્રીત જોડ મા

ઝંઝાવાના નીર જોઈ ધસમસ્યો જાય છે 

ચુંથારામ શું મોહ્યા પ્રપંચમાં - જીવડા જુઠ્ઠો સંસાર પ્રીત જોડ મા

શામળા શાને લગાડો છો વાર

(રાગ: શામળા સુકાની થઈને સંભાળ)

શામળા શાને લગાડો વાર વેલ તારી સુકાઈ જાય છે 

અમીરસ સીંચો તો સજીવન થાય - વેલ તારી સુકાઈ જાય છે

જલતી સગડીઓ વછે નીકળીયો - કર્મોના પાપે કરમાઈ કળીઓ

જળ વિણ તડકો સહ્યો કેમ જાય - વેલ તારી સુકાઈ જાય છે

શાખા વિસ્તારી છે તારા આધારથી - તારે ભરોસે રહ્યો છું તે દિનથી 

તોય તારા લક્ષમાં ન આવે લગાર - વેલ તારી સુકાઈ જાય છે

એક જ તારો સહારો લીધો - તારા શરણમાં વિશ્વાસ કીધો 

તારે એની નહીં દરકાર - વેલ તારી સુકાઈ જાય છે

ધીંગો ધણી ધારી ઓથે રહ્યો છું - તેમ છતાં તું તો તગડી રહ્યો છું 

ચુંથારામ માગે તારો આધાર - વેલ તારી સુકાઈ જાય છે

Sunday, January 12, 2025

લગની લાગી તારા નામની

(રાગ: ખેંચી ખેંચીને ઘડો જળ ભર્યો હો રાજ)

લગની લાગી તારા નામની હો રામ 

ચિતડામાં તારા વિચાર રે અરજી સુણો ને મોરી શામળા હો રામ 

સંસારી વાત ગમતી નથી હો રામ 

રંગીલી લાગે તારી વાત રે અરજી સુણો ને મોરી શામળા હો રામ

માયા મમતાનો વેગ આકળો હો રામ

કેમ કરી પામી શકું પાર રે અરજી સુણો ને મોરી શામળા હો રામ

વ્યાધિઓ મનને મુંજવતી હો રામ

બચાવો બચાવો દીનાનાથ રે અરજી સુણો ને મોરી શામળા હો રામ

તુજ વિના મારે બીજા કોઈ નહીં હો રામ 

નીચે ધરતી ને ઉપર આભ રે અરજી સુણો ને મોરી શામળા હો રામ

ચુંથારામની એટલે છે વિનંતી હો રામ

શરણે રાખો સીતારામ રે અરજી સુણો ને મોરી શામળા હો રામ

મારા પ્રભુજીના પ્રેમીઓને

(રાગ: મારે સાસરીએ જઈ કોઈ કહેજો એટલડું)

મારા પ્રભુજીના પ્રેમીઓને કહેજો એટલડું હરિ ભજનમાં આવજો 

આજે મંડપની રચના બની છે - પધરામણી પ્રભુની કરી છે 

તજી ઘરનાં સૌ કામ ધરી હૈયામાં હામ - હરિ ભજનમાં આવજો 

સાથે વ્યસન કશું ના લાવશો - ઘણી દીનતાના ભાવ દર્શાવજો 

તજી સંસારી વાળ, સજી વેદ માર્યાદ - હરિ ભજનમાં આવજો 

સાચી પ્રીતિથી પગલાં ભરજો - ભાવ ઈર્ષાનો દિલથી તજજો 

સર્વે ભક્તોને વંદન મારા - સર્વેશ્વરને છો પ્રાણ થાકી પ્યારા 

જાણી ચુંથારામને દાસ, પૂરો મનડાની આશ - હરિ ભજનમાં આવજો  

જાગો જાગો રે તમે ભોળા મુસાફિર

(રાગ: મધ બેઠાં રે આંબલીયાની ડાળ.......)

જાગો જાગો રે તમે ભોળા મુસાફિર કે આળસ મરડીને કેમ સુઈ રહ્યા 

દિન ચડીયો રે તોય તારી ઊંઘ ના ઊડી કે પરદેશે આવી પડી રહ્યો 

તારા સાથીડા પહોંચ્યા પોતાને ધામ કે મૃગજળ દેખીને તું મોહી રહ્યો 

પરલોકે જઈ શો જવાબ દેવાશે કે પરભવ મળેલી મૂડી ખોઈ રહ્યો 

મારું માની બેઠો એમાં કાંઈ નથી તારું કે પાપના બાચકા બાંધી રહ્યો 

માયા જાળની અંધ પછેડી ઓઢીને કે પંચ વિષયોથી ફસાઈ રહ્યો

સ્મરણ કરીલ્યો રે સ્મરણ કરીલ્યો પ્રભુનું કે ચુંથારામ મોહનિંદ્રા ત્યાગજો 

જેના જીવનમાં શાંતિ સોહાય

(રાગ: આતો દેવાધિ દેવ કહેવાય)

જેના જીવનમાં શાંતિ સોહાય સંત રૂપ એ જ ગણાય 

જેના ગર્વનો પડદો ચીરાય સંત રૂપ એ જ ગણાય 

જેના અંતરથી ગર્વનો કાંટો ગળે 

દૂધ સાકળ મળે એમ સૌમાં ભળે

જેની મોટાઈ મનથી હણાય સંત રૂપ એ જ ગણાય 

જે જે નાના થયા તે ઊંચા બને 

જળ નીચાણમાં દોડી દોડી ઠરે 

નમ્ર બનવામાં ચિત્ત દોરાય સંત રૂપ એ જ ગણાય 

નાની કીડી સાકર સ્વાદ ચાખી લેતી 

મોટો હાથી તે ફાકે ધૂળ રેતી 

નમ્ર બનવાથી ગુણો ગ્રાહાય સંત રૂપ એ જ ગણાય 

તાડ વૃક્ષ ઊંચું ઊંચું જાય વધી 

કદળી ફળથી નીચી જાયે લચી 

પ્રભુ ચુંથાને કરજ્યોસહાય સંત રૂપ એ જ ગણાય 

નામ સ્મરી લે નામ સ્મરી લે

(રાગ: વૈશંપાયન એણીપેર બોલ્યા સુણ જન્મેજય રાય)

 નામ સ્મરી લે નામ સ્મરી લે નામ સ્મરી લે સાચો

નામ સ્મર્યા વિણ કરે ચતુરાઈ તેને ગણવો કાચો 

ચતુરાઈ તે ચૂલે પડશે ને ડા'પણ બધું ધૂળ ધાણી 

જુઠ્ઠામાં બધો જનમ ગુમાવ્યો તે પથ્થર ઉપર પાણી 

આખર એક દિન જાવું રે પ્રાણી દેહની માટી થાશે 

પાંચ પાંચમાં મળી રહેશે રે પાછળથી પસ્તાશે 

નામ વિના કયે ઠામે રે ઠરશો ભટકી ભટકી મરશો

અજ્ઞાનપણામાં તાણી તોરલીયાં નિશ્ચય ચોરાશીમાં ભરશો 

નામ જગતમાં ઉત્તમ જાણો નામથી પ્રાણી તરશો 

કહે ચુંથારામ સદગુરુના પ્રતાપે જમના હાથથી બચશો

કૃષ્ણજીનું મુખડું સ્નેહાળ જો

(રાગ: ત્યાં પેલી ગોપીઓનો સંગ જો)

કૃષ્ણજીનું મુખડું સ્નેહાળ જો - ત્યાં મારી સુરતાનો ઠામ જો 

શીરપર પર શોભે છે પંચ પાઘડી - પાઘડીમાં લીલા પીળા ફૂલ જો 

મુખપે શોભે છે સોના બંસરી - બંસરીમાં મહ્યું ગોકુળ ગામ જો

વાંકી અણીયારી ભમ્મર આંખડી - આંખડીએ ભૂલ્યા બ્રહ્મા ભાન જો 

હાથે હીરા હેમ સાંકળાં - આંગળી પર તોળ્યો ગિરિરાજ જો 

શ્રી વત્સ ચિહ્ન છાતી માંય જો  - ભૃગુ લાંછન જોડા જોડ જો 

કેડે શોભે છે કટી મેખલા - નાભી ધરાનો રૂડો ઘાટ જો 

પાયે ઝાંઝર ઝીણા વાગતા - સુરસરી ગંગાનાં સ્નાન જો 

એરે ચરણે ત્રિલોક માપીયું - બલીને ચાંપ્યો પાતાળ જો 

શલ્યાની કરી અહલ્યા સુંદરી - ચુંથાને શરણની આશા જો 

પાશેર પેટ માટે પાપો

(રાગ: ગઝલ)

પાશેર પેટ માટે પાપો અમાપ કીધાં

કીધી કમાણી કુડી ધૂળ તો ધમાણી પૂરી 

તન પોષવાજ માટે પાપો અમાપ કીધાં

આવે ગયું ના પાછુ જાણ્યું છતાંય માણ્યું 

ધન ધુતવા જ માટે પાપો અમાપ કીધાં 

અનમોલ આ ઘડીમાં નહીં નામ રૂપ જાણ્યું

વ્હાલાં થાવ માટે પાપો અમાપ કીધાં

દોષો થકી ડર્યા ના ભલી ભાવના ભરી ના

ચુંથારામ દેહ ભાવ માટે પાપો અમાપ કીધાં 

ધાર્યું ના થાય કો'નું

(રાગ: ગઝલ)

ધાર્યું ના થાય કો'નું પ્રબળ રામ ઈચ્છાય 

છે ના સ્વતંત્ર કોઈ સૌ યંત્રમાં પડેલા 

ઈચ્છ્યું ન થાય કો'નું પ્રબળ રામ ઈચ્છાય 

સંયોગ ને વિયોગ બહુ શાંતિ દિલ રાખે 

ચાહ્યું ન થાય કો'નું પ્રબળ રામ ઈચ્છાય 

મળવું, થવું વિખુટા નિયમો મહાન જગમાં 

માગ્યું મળે ન કો'ને પ્રબળ રામ ઈચ્છાય 

સ્વજન, પરજન તે સૌ આત્મરૂપ જાણો 

ચુંથારામ જય શ્રી રામ બોલો પ્રબળ રામ ઈચ્છાય 


રૂડી રામ રટ્યાની તક

 (રાગ: કૃષ્ણ શરણ જેને લીધું છે રે)

રૂડી રામ રટ્યાની તક જાય છે રે 

નાહક કિમ ગુમાવે મારા મનવા - રૂડી રામ રટ્યાની.......

રામ ભજન વિના મારું તારું રે 

મિથ્યા બધા છે મુલક મારા મનવા - રૂડી રામ રટ્યાની.......

હિરલો તે હાથ આવ્યો નાથજી રે 

ખોવા તણો છે નહીં હક મારા મનવા - રૂડી રામ રટ્યાની.......

વારે વારે વખત આવે નહીં રે 

ખોઇશ મા આવેલી તક મારા મનવા - રૂડી રામ રટ્યાની.......

હરિગુણ ગાન વિનાની વાણી રે 

શ્વાન સમી છે બક બક મારા મનવા - રૂડી રામ રટ્યાની.......

જોને વિચારી મનમાં જરી રે 

માથે છે જમનો મોટો શક મારા મનવા - રૂડી રામ રટ્યાની.......

રામ નામ વિના વાતો બીજી રે 

જાણો તે તો છે મોળી ફક મારા મનવા - રૂડી રામ રટ્યાની.......

સમજી લે મન ભવ દરિયામાં રે 

મોટા મોટા છે ખડક મારા મનવા - રૂડી રામ રટ્યાની.......

ચુંથારામ જો ભજશો ભાવ ધરીને રે 

તેને નહીં આવે વિઘન મારા મનવા - રૂડી રામ રટ્યાની.......

મારું મન રામ રટણ લાગ્યું

(રાગ: ધનુ ખરા બપોરે ધનુ માંયરામાં)

મારું મન રામ રટણ લાગ્યું મનજી બીજું નહીં ગમે 

આ સંસાર બન્યો છે ઝેરી મનજી બીજું નહીં ગમે 

વ્હાલું દેખાય છે વેરી મનજી લાગી ભજનની લ્હેરી મનજી બુજુ નહીં ગમે 

ભમતા વિચારો ભેગા કીધા શ્યામ શરણાં બાંધી દીધાં

હરિ સન્મુખ મારગ લીધા મનજી બીજું નહીં ગમે 

જેને જગત કહે છે સારી તે લાગે સૌ ખારું ખારું 

મારે રામ ભજન મન પ્યારું મનજી બીજું નહીં ગમે

ખોટ પડી ખાતામાં ઝાઝી તેથી અંતર ઉઠ્યું દાઝી 

ચુંથારામ ભજું થઇ રાજી રાજી મનજી બીજું નહીં ગમે

મને કેમ વિસારો નાથ

(રાગ: હું તો છાણા વીણવા ગઇતી)

મને કેમ વિસારો નાથ વિચારો અવસર ચાલ્યો જાયે 

ખરો ખોટો પણ દાસ તમારો હું છું દિન દયાળ 

વિશ્વપતિ વગદાં ના વીણાવો રામ થાજ્યો રખવાળ 

છોળું કછોળું થાય કદી નહીં માત-પિતાથી થવાય 

ભૂંડો થયો ભૂલ ખાધી ખરી મેં તુજથી કેમ થવાય 

વિઠ્ઠલા વેગે કરજયો સહાય 

પતિતપાવન દીનદયાળ બિરુદ તારું ગવાય 

બાનું સુણી તુજ બારણે બાળક આવ્યો હરિ ન હઠાય 

વિઠ્ઠલા વેગે કરજો સહાય 

દેવ દયાધન બીજું નાં માંગું બાનાની પત રાખ 

દાસ ચુંથા પર દયા કરી રામજી કૃપા દ્રષ્ટિ નાખ 

વિઠ્ઠલા વેગે કરજ્યો સહાય 

મનજી માન મુકીને માન

 (રાગ: વીંછી ચઢ્યો રે કમાડ)

મનજી માન મૂકીને માન દિવસ વહી જાય છે રે 

અથડાય છે અંધારે સત્ય માન દિવસ વહી જાય છે રે 

જો જે જન્મ ગયો બધો હારી - હાથે કરીને કરી ખુંવારી 

તારી કાળે કરી તૈયારી દિવસ વહી જાય છે રે 

વિષય ઝેર હળાહળ પીધું - હરિ રસ અમૃત ઢોળી દીધું 

હેતે હરિ સ્મરણ નવ કીધું દિવસ વહી જાય છે રે 

બચપણ અણસમજણમાં ગાળ્યું - જોબન ભેરુ સંગ ગાળ્યું 

આખી ઉંમર એળે ગાળી દિવસ વહી જાય છે રે 

વચલી વાય ધન અર્થે ગાળી ઘડપણમાં મતી થઇ દુઃખકારી

અંતે હારી મોઢું વાળ્યું દિવસ વહી જાય છે રે 

ઘડપણે દિકરાના દિકરા રમાડે - અપમાન સાંખે ને લાડ લડાવે 

હજીએ સમજણ કાંઈ નાં આવે દિવસ વહી જાય છે રે 

મનવા મોહ મદ મમ્મત મેલી કરુણારૂ પ્રભુ કરીલ્યો બેલી

ચુંથા આ તક છે હવે છેલ્લી દિવસ વહી જાય છે રે 

Saturday, January 11, 2025

મનજી એવા તે દિન

(રાગ: મારા દિલડામાં વસિયા સુંદીર શ્યામ મારે....)

મનજી એવા તે દિન ક્યારે દેખીશું?

ઠરશું ઠામે વરીશું દિન દયાળ મનજી એવા તે દિન ક્યારે દેખીશું?

જગત મૃગજળ મિથ્યા કરી માનીશું 

ફરીશું જાણી જુઠ્ઠી જગ જંજાળ - મનજી એવા તે દિન ક્યારે દેખીશું?

લાભ હાની સમાન ગણી રાચીશું 

મમતા મુકીશું મનથી થાશું અસંગ - મનજી એવા તે દિન ક્યારે દેખીશું?

હરિગુરું સંત ચરણમાં રહેશું સ્નેહથી

જ્યાં ત્યાં સતપુરુષનો કરશું સંગ - મનજી એવા તે દિન ક્યારે દેખીશું?

અસંત મટીને સંત સ્વભાવ થઇ રહે 

રમશે મનડું તે શ્યામ રંગના દાવ - મનજી એવા તે દિન ક્યારે દેખીશું?

કઠણ વચન કહેવાની રીતી છોડીશું 

કડવી વાણી સાંભરશું ધરી પ્યાર - મનજી એવા તે દિન ક્યારે દેખીશું?

માન ત્યજી અપમાનો ખમવા દોડીશું

અપરાધી જનનો માનીશું આભાર - મનજી એવા તે દિન ક્યારે દેખીશું?

ગુણ અવગુણ સરખા ગની માનીશું 

છૂટી જાશે દેહ તણું અભિમાન - મનજી એવા તે દિન ક્યારે દેખીશું?

મિત્ર શત્રુમાં સમદ્રષ્ટિ ધારીશું 

ધરશું ચુંથા શ્રી રામ તમારું ધ્યાન - મનજી એવા તે દિન ક્યારે દેખીશું?  

કર મન જોર હરિ ભજવામાં

(રાગ: થઇ પ્રેમવશ પાતળીયા)

કર મન જોર હરિ ભજવામાં 

ચેત ચેત દુર્ગુણ તાજવામાં...કર મન જોર હરિ ભજવામાં

ધારો હિંમત હરિ જપવામાં 

લલકારી ભજન ગાવામાં....કર મન જોર હરિ ભજવામાં

ડોળ દેખાડી દંભી થા મા

એકડા વિના મીંડાં નકામાં...કર મન જોર હરિ ભજવામાં

મન ઘોડાને રાખો વશમાં 

શાને જાઓ ડરી સતસંગમાં.....કર મન જોર હરિ ભજવામાં

ફોગટ ફંદ કરી ફસી જા મા 

ઝીલી સતની દોરી પડી જા મા....કર મન જોર હરિ ભજવામાં

ભાન ભૂલોને જુઠ્ઠા હરિરસમાં

રસ રેલાવો પ્રભુ નામ ધૂનમાં.....કર મન જોર હરિ ભજવામાં

પ્રેમ ભાવ ખરીદ્યો દિલમાં 

ચુંથારામ હરિકૃષ્ણ શરણમાં....કર મન જોર હરિ ભજવામાં 

જગત બગીચની માંય

(રાગ: વાડીમાં રેલા રેલ રીંગણું ચોરી ગઈ)

જગત બગીચની માંય - સુખદુઃખ કાયમ નહીં

ભજતો નથી ભગવાન - વેળા ત્ગો ઘટતી ગઈ 

ગર્ભે નવ માસ જઈ - લટક્યો ઊંધો જ થઇ 

તે દુઃખ ભૂલ્યો નાદાન - સુખદુઃખ કાયમ નહીં

હરિજન જોઇને હસ્યો - સ્થાવરમાં ખુબ ધસ્યો 

સાંજ સવારની માંય - સુખદુઃખ કાયમ નહીં

નરદેહ મોંઘો જ મોતી - દળે શું ઘંટીમાં રેતી 

કાચ સાટે પારસ જાણ - સુખદુઃખ કાયમ નહીં

અનમોલ રતન ગુમાવ્યું - શંખલાથી મન મનાવ્યું 

ચુંથારામને તું ખોળ - સુખદુઃખ કાયમ નહીં

જાગોને જંજાળી જીવડા

 (રાગ: મનોડીને લ્હેરું લાગ્યું)

જાગોને જંજાળી જીવડા 

હેત હરિથી લાવો રે મોતનાં નગારાં વાગ્યાં

દેહ ઘર માન્યાં મારાં

માયામાં ભરમાયા રે મોતનાં નગારાં વાગ્યાં

ભ્રમણામાં દુખ પામ્યો 

ઝાઝો ભાર જામ્યો રે મોતનાં નગારાં વાગ્યાં 

વાતો કરતો મોટી મોટી 

પકડી વાત ખોટી રે મોતનાં નગારાં વાગ્યાં

અનેક મેં જન્મો લોધા 

અવળા કરી દીધા રે મોતનાં નગારાં વાગ્યાં

સુખ ના દીઠયું એક ઘડી

આયુષ દોરી તૂટી રે મોતનાં નગારાં વાગ્યાં

ભવની ભૂલવણી ભારી

ડુંલ્યો શોક આરે રે મોતનાં નગારાં વાગ્યાં

ચુંથારામ પ્રભુ છો બેલી 

સંભાળ લેજ્યો વહેલી રે મોતનાં નગારાં વાગ્યાં