(રાગ: મારા દિલડામાં વસિયા સુંદીર શ્યામ મારે....)
મનજી એવા તે દિન ક્યારે દેખીશું?
ઠરશું ઠામે વરીશું દિન દયાળ મનજી એવા તે દિન ક્યારે દેખીશું?
જગત મૃગજળ મિથ્યા કરી માનીશું
ફરીશું જાણી જુઠ્ઠી જગ જંજાળ - મનજી એવા તે દિન ક્યારે દેખીશું?
લાભ હાની સમાન ગણી રાચીશું
મમતા મુકીશું મનથી થાશું અસંગ - મનજી એવા તે દિન ક્યારે દેખીશું?
હરિગુરું સંત ચરણમાં રહેશું સ્નેહથી
જ્યાં ત્યાં સતપુરુષનો કરશું સંગ - મનજી એવા તે દિન ક્યારે દેખીશું?
અસંત મટીને સંત સ્વભાવ થઇ રહે
રમશે મનડું તે શ્યામ રંગના દાવ - મનજી એવા તે દિન ક્યારે દેખીશું?
કઠણ વચન કહેવાની રીતી છોડીશું
કડવી વાણી સાંભરશું ધરી પ્યાર - મનજી એવા તે દિન ક્યારે દેખીશું?
માન ત્યજી અપમાનો ખમવા દોડીશું
અપરાધી જનનો માનીશું આભાર - મનજી એવા તે દિન ક્યારે દેખીશું?
ગુણ અવગુણ સરખા ગની માનીશું
છૂટી જાશે દેહ તણું અભિમાન - મનજી એવા તે દિન ક્યારે દેખીશું?
મિત્ર શત્રુમાં સમદ્રષ્ટિ ધારીશું
ધરશું ચુંથા શ્રી રામ તમારું ધ્યાન - મનજી એવા તે દિન ક્યારે દેખીશું?
No comments:
Post a Comment