જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Monday, January 20, 2025

દુનિયાના દર્પણમાં

(રાગ: ગગન તારી બૈયરના હાથે મારી વીંટી રે)

દુનિયાના દર્પણમાં અમ્મર દીવો દીઠો રે

કાયાના નગરમાં - માયાના લગનમાં અમ્મર દીવો દીઠો રે

મેરુ દંડના શિખરમાં અમ્મર દીવો દીઠો રે 

ગંગા યમુના સંગમમાં - બંસીબટના ચોકમાં અમ્મર દીવો દીઠો રે

જ્ઞાનગલીની કુંજમાં અમ્મર દીવો દીઠો રે 

સદબુદ્ધિ વિચારમાં - અંતરના આભાસમાં અમ્મર દીવો દીઠો રે

સદગુરુના જ્ઞાનમાં અમ્મર દીવો દીઠો રે

સંતોના સંગાથમાં - સુરતના સહેવાસમાં અમ્મર દીવો દીઠો રે

સંત અનુભવ વાણીમાં અમ્મર દીવો દીઠો રે

બ્રહ્મ સદનના ભુવનમાં - ચુંથારામ શું નામમાં અમ્મર દીવો દીઠો રે

ન્યારો તો નિર્મળ કહાવ્યો

(રાગ: દેખો દરિયા કેરી લ્હેરી)

ન્યારો તે નિર્મળ કહાવ્યો નિજાનંદ ન્યારો તે નિર્મળ કહાવ્યો....હા

શબ્દ વિચારે હ્રદય આકાશે શબ્દની પાસે રહેનારો.....હા

પૂરણ બ્રહ્મ પરમાત્મા પ્રકાશે તુરીયાથી અતીત સોહાવ્યો...નિજાનંદ ન્યારો.....

ત્રણે અવસ્થાથી વેગળો દીસે સુખ દુઃખ થાકી છેટો.....હા

બુદ્ધિ અથારથ સુરત વિકસે મન મરઘો નાદે ઘવાયો...નિજાનંદ ન્યારો.....

હાલતાં ચાલતાં સ્થિર રહીને નિંદ્રાથી જાગી જનારો....હા

ચુંથારામ કહે ત્રણેનો સાક્ષી પાપ પુણ્યથી રહે ન્યારો...નિજાનંદ ન્યારો.....

કાચાં પાકાં કરનારો

(રાગ: દેખો દરિયા કેરી લ્હેરી)

કાચાં પાકાં કરનારો અલખધણી કાચાં પાકાં કરનારો....હા

પંગુકું આસમાન ચઢાવે - મૂંગેકું વેદ પઢાવે....હા

શક્તિહીનને શક્તિ અર્પે - અંધેકો જ્ઞાન દેનારો.......અલખધણી.....

અહમપદ ઠેલી, તતપદ મેલી, અસી પદે ચાલનારો......હા

જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુરીયા - તુરીયાથી અતીત અહેનારો.......અલખધણી.....

મધ્યમા, વૈખરી, પરા પશ્યન્તિ પરાથી પાર્ય ઝબકારો.....હા

ચુંથારામ સદગુરુ પ્રતાપે નિજાનંદે મ્હાલનારો.......અલખધણી.....

એક કૌરવ પાંડવનો ખેલ

(રાગ: એક સુકા બાવળની વેલ)

એક કૌરવ પાંડવનો ખેલ કાયા નગરીમાં

સત્ય દયા ધર્મ નીતિ ક્ષમા બળીયો

પાંચ પાંડવ બિરાજ્યા દેવ......કાયા નગરીમાં 

અંધ અજ્ઞાનના દુર્બુદ્ધિ સો દીકરા

દેવ દાનવનો સંગ્રામ......કાયા નગરીમાં 

દેવોના શ્રીકૃષ્ણજી સહાયકારી 

પડ્યા દાનવ નરકની જેલ......કાયા નગરીમાં 

પાંડવોને શરીર દેશ રાજ મળ્યું

ચુંથારામ રામ રંગ રેલ......કાયા નગરીમાં 

સુક્રિત સજવા દેહ મળ્યો

(રાગ: લીલુડા વાંસની વાંસળી રે....)

સુક્રિત સજવા દેહ મળ્યો રે કોડે કોડે ભજો ભગવાન 

ચાર દિવસનું ચાંદરણું રે મિથ્યા મિથ્યા જગતનો વહેવાર

દુન્યવી વિચારો દુર કરી રે કેડ બાંધી ભજો કિરતાર 

મૂળ સ્વરૂપે તમે કોણ હતા રે તેનો શોધવાનો આવ્યો છે દાવ

માયામાં મલકાય મૂઢમતિ રે તેની અંતે ફજેતી રે થાય 

ચુંથારામ ગુરુ શરણમાં રે નીશ દિન અજંપા જાપ જપાય 

મળ્યો માનવનો દેહ

(રાગ: ઝટ ઝટ રે ગહનબા કાગળ મોકલે)

મળ્યો માનવ દેહ મોંઘા મુલનો

તારી લાખેણી પળ વહી જાય પ્રાણી....શોધી લે તું તારા સ્વરૂપને 

જાણી જોઇને તું શીદ પડે જાળમાં 

જરા જાગીને જુંએ તો જણાય પ્રાણી...શોધી લે તું તારા સ્વરૂપને

તું છે અનાદી નિર્ગુણ ચેતન અવિનાશી 

ચુંથારામ એ સદગુરુનાં એધાણ પ્રાણી...શોધી લે તું તારા સ્વરૂપને

બ્રહ્મ વિના બીજું ભાળતા નથી

(રાગ: છાનું છાનું રે છોકરા મારું તનમનીયું)

અમે બ્રહ્મ વિના બીજું કાંઈ ભાળતા નથી 

ભાળતા નથી ભાળતા નથી....અમે બ્રહ્મ વિના બીજું કાંઈ ભાળતા નથી 

એક જાતી જ્યાં છે નહીં ત્યાં ક્યાં જાતી ચાર

એક વર્ણ જ્યાં છે નહીં ત્યાં ક્યાં વર્ણ અઢાર

આત્મદ્રષ્ટિથી અમે વટલાતા નથી....અમે બ્રહ્મ વિના બીજું.....

અમે સાંભળતા નથી કોઈ કહે કટુ વેણ 

કરવા દર્શન અશુભનું અમને છે નહીં નેણ 

મિથ્યા મોહ શોકથી પ્રજળતા નથી....અમે બ્રહ્મ વિના બીજું.....

નિજ સ્વરૂપનો અમને ઉરમાં રહે અખંડ બોધ

ચુંથારામ ભય ચિંતા કેરો ક્યાંથી પ્રગટે ક્રોધ

વિપત્તિ વૃષ્ટિથી અમે પલળતા નથી....અમે બ્રહ્મ વિના બીજું.....

તત્વમસી તું વિચાર

તત્વમસી તું વિચાર રે વીરા અનાદમાં આનંદ 

તતપદ ઈશ્વર ત્વં પદ જીવ હી 

અસીપદ બ્રહ્મ નિહાર રે.......વીરા આનંદમાં આનંદ

આત્મા સ્વરૂપે અખંડ છે તારો

અહમ મમ ભેદ નિહાર રે.......વીરા આનંદમાં આનંદ 

તું સબમાં સબ હૈ તુજ ભીતરમાં 

વ્યાપક એક અપાર રે.......વીરા આનંદમાં આનંદ

નિજમાં હી નિજ ભૂલી રહ્યો છે 

નિજ સે નિજકો સંભાળ રે.......વીરા આનંદમાં આનંદ

તું સતચિત ઘન જ્યોતિ સ્વરૂપ છે 

આનંદ ઘન જગ સાર રે.......વીરા આનંદમાં આનંદ

ગુરુ કૃપા ચુંથારામ બતાવે 

તબ ભવજલ હો પાર્ય રે.......વીરા આનંદમાં આનંદ

નરતન નગરીમાં ફરવું છે

(રાગ: નવું નગર મારે જોવું છે)

નરતન નગરીમાં મારે ફરવું છે - આત્મા હીરલો ખોળવો છે

પ્રકૃતિ કિલ્લે દસ દરવાજા 

દરવાજે દીવડા કરવા છે - આત્મા હીરલો ખોળવો છે 

પોળો બજારો ને શેરીઓ વટાવી 

અંત:કરણ મ્હેલ જોવા છે - આત્મા હીરલો ખોળવો છે

હ્રદય આકાશની ગેબી ગરજના 

બુદ્ધિ સાગર સ્નાન કરવાં છે - આત્મા હીરલો ખોળવો છે

ઇંગલા પિંગલા સુક્ષમણા સંગમ 

નુરત સુરત ચપોચપ ચાલવું છે - આત્મા હીરલો ખોળવો છે

ભવસાગરના સદગુરુ ખેવટિયા 

ચુંથારામ ગુરુ સંગ મહાલવું છે - આત્મા હીરલો ખોળવો છે

પોતે પોતાની પીછાણ કર્યા વિણ

(રાગ: પતિ વિના પ્રેમદાના મનના પુરાય ક્યાંથી કોડ)

પોતે પોતાની પીછાણ કર્યા વિણ આયુષ એળે જાય 

અરેરે જીવ આયુષ એળે જાય 

ઘડી પલકની ખબર નહીં કે ક્યારે તેડું થાય 

સર્પ મુખમાં મેડક બોલે - માખી પકડવા ત્રાટક જોડે 

અણધાર્યો જ્યાં થાય તબાકો ધાર્યું ધૂળ થઇ જાય 

અરેરે જીવ ધાર્યું ધૂળ થઇ જાય......ઘડી પલકની ખબર નહીં....

વગર ભણે વાદીની વિદ્યા - મણી ખોળંતા ફણીધર ભેટ્યા 

ભોરીંગ રાફડે પગ રોપ્યા તો ઊંધું ચત્તું થઇ જાય 

અરેરે જીવ ઊંધું ચત્તું થઇ જાય......ઘડી પલકની ખબર નહીં....

આતમરામ રસાયણ ગોળી - પચ્યા વિના સૌ વાત અધુરી 

ચુંથારામ સદગુરુગમ હોય તો પાર બેડો થઇ જાય

અરેરે પાર બેડો થઇ જાય......ઘડી પલકની ખબર નહીં....

Sunday, January 19, 2025

આ દુનિયામાં છે ડંકો

(રાગ: જાઓ જાઓ ભક્તિ હીણા તમ સાથ કોણ બોલે)

આ દુનિયામાં છે ડંકો રે કોઈ ના આવે સંત તોલે

ગુણી ભજનનો છે ભપકારો રે કોઈ ના આવે સંત તોલે

તરુવર સરોવર ને સંતો પરમાર્થમાં પરવરતો

પરહિતમાં નિશદિન ડોલે રે કોઈ ના આવે સંત તોલે

સંતો પારસમણી જેવા કરે લોહ ને કંચન તેવા

નિજ જાની અંતર ખોલે રે કોઈ ના આવે સંત તોલે

સંત કલ્પતરુ સુખકારી ત્રિતાપ ટળે ભયકારી

ચુંથારામ સંતોની જય બોલે રે કોઈ ના આવે સંત તોલે

આજે આનંદના મેળા

(રાગ: તારી વાણી મનોહર લાગી)

આજે આનંદના મેળા, હવે ક્યાં થઈશું ભેળા - સંતોને છેલ્લા રામ રામ છે

લ્હાવા લીધા અનેરા, સંતો સંગે ઘણેરા - સંતોને છેલ્લા રામ રામ છે

હું અપરાધી રંત ચરણનો દુર્વાસનાનો ભરેલો

સંતોનો ટાંણો વાગ્યો, કે ભવાટવીથી ભાગ્યો રે - સંતોને છેલ્લા રામ રામ છે

માઢ મંડળના વિવેકી સંતો, નિજ નિહારે ગુણવંતો

ચુંથારામને શોભાવે સદગુરુજીના ગુણ ગાવે - સંતોને છેલ્લા રામ રામ છે

આવજ્યો સંભારી રાખ્જ્યો

(જાણી શબરીની ઝુંપડીને મહેલ)

આવજ્યો સંભારી રાખ્જ્યો બોલ - ગુરુ આગળ કીધો કરારી જે કોલ

તન મન ધન અરપ્યાં કરી તોલ - ગુરુ આગળ કીધો કરારી જે કોલ

અક્ષર દેહ ધરી શીશ સમર્પ્યાં - ચરણામૃત લઈને ગુરુ પૂંજન કીધાં

આપ્યો નિજ સ્વરૂપનો બોધ - ગુરુ આગળ કીધો કરારી જે કોલ

પાપ તાપ આવરણ પળમાં હટાવ્યાં - જામીન લઈ દેવ સરીખા બનાવ્યાં

રૂપગુણ નામમાં બતાવ્યો ઘટખોલ - ગુરુ આગળ કીધો કરારી જે કોલ

સુતવિત્ત દારાને ધામ દઈ દીધાં - ગુરુજીએ બ્રહ્મ સંબંધ કરી દીધાં

ચુંથારામ ગુરુ આશીર્વાદ અનમોલ - ગુરુ આગળ કીધો કરારી જે કોલ

કાયા કિલ્લે શિખર ગઢ

(રાગ: રંગ પહેલો વધાવો મારે આવીયો)

કાયા કિલ્લે શિખર ગઢ હું તો જઈ ચઢ્યો

આવ્યો આવ્યો રે મણી કંકણકેર ઘાટ રે અઘાટે મોતી નીપજે

અનહદ શેરીનાં વાજીન્તરો ધણ ધણે

વીજળી ચમકારે મેઘ ગરજના થાય રે અમૃતના વરસે વરસણાં

શૂન્ય મંડળમાં ઝગમગ હીરલો ટમટમે

સુરત નુરતે સજ્યા શણગાર રે નીરખીને પાયે જઈ પડી

પાંચ તત્વોના તોરણ બંધાવીયાં

પાંચ પ્રાણોના રોપ્યા સ્ફટિક સ્થંભ રે ઉતારે ચુંથારામ આરતી

હવે અમે તાણી નિરાંતની સોડ

 (રાગ: જાણી શબરીની ઝૂંપડીને મહેલ)

હવે અમે તાણી નિરાંતની સોડ - દુનિયા ભલે ફાકી ખાય ખાંડ

દુનિયાના રંગ ભોગ અમને પોસાય ના 

કાવા દાવા પ્રપંચનું પુતળું બનાય ના 

તીખી રહેણીના તકિયા વછોડ - દુનિયા ભલે ફાકી ખાય ખાંડ

દેહમાં વશ્યા અમે દેહ થાકી જુદા

નિજ સ્વરૂપે અમે નિરાકાર ખુદા

અમે જાગતા ઊંઘ્યા માંડ માંડ - દુનિયા ભલે ફાકી ખાય ખાંડ

નિજ સ્વરૂપની લહેરે સમાશું

આત્મા સર્વાત્માનું ઐક્ય જણાવશું

ચુંથા સદગુરુ સન્મુખ મીટ માંડ - દુનિયા ભલે ફાકી ખાય ખાંડ

સત્યનો રંગ ચઢાવો

(રાગ: દેખો દરિયા કેરી લહેરી)

સત્યનો રંગ ચઢાવો હ્રદય પર સત્યનો રંગ ચઢાવો...હા....

માંહ્યલી ભરમણાઓ ટાળો...હ્રદય પર સત્યનો રંગ ચઢાવો...હા....

આખા જગતમાં એક જ આત્મા જાણીને મોહ મટાડો....હા.....

મળ વિક્ષેપને આવરણ જાતાં - મળે આનંદ રૂપાળો...હ્રદય પર સત્યનો......

ભેદ ભ્રાંતિના મુળિયા ઉખેડી કજિયા કંકાસને ટાળો....હા......

વિવેક સાથે વૈરાગ્યને લઈને - જુઠ કપટને સંહારો...હ્રદય પર સત્યનો......

શૂન્ય મંડળમાં ઊંચે ગગનમાં જઈને ઠામ બિરાજો....હા....

જડ-ચેતનની ગાંઠને છોડો - ચુંથારામ સદગુરુજી નિહારો...હ્રદય પર સત્યનો......

હરિને ભરોસે રહીએ

(રાગ: વારુ મારા વીરા રે સંગ ના કરીએ નીચનો)

હરિને ભરોસે રહીએ રે આતમ લ્હાવો લીજીએ રે જી...

મોંઘો મનખો નહીં આવે વારંવાર....હરિને ભરોસે રહીએ.......

ભજનાનંદે ફરીએ રે સંત સમાગમ કીજીએ રે જી....

દયા, દીનતા, નયનોમાં નિર્મળ પ્યાર....હરિને ભરોસે રહીએ.......

સંતો દેખી નમીએ રે બ્રહ્મ ભાવે ભેટીએ રે જી....

ભેદભ્રમણા રાખો નહીં જ લગાર....હરિને ભરોસે રહીએ.......

હરિ ગુરુ સંત એક રૂપે રે વેદ વાણી એમ વદે રે જી....

ચુંથારામ કહે માનો સંતોનો ઉપકાર....હરિને ભરોસે રહીએ.......

જેની જગમાંથી રૂચી

 (રાગ: જાગો જાગો જીવાભાઈ જાગજો રે)

જેની જગમાંથી રૂચી ઊઠી ગઈ રે

જેની મતીમાં શામળો સોહાય....અલખધણી અળગો નથી

જેના નયનોમાં આત્મતેજજળકી રહ્યું 

જેની વાણીમાં સત્યનો પ્રકાશ....અલખધણી અળગો નથી

જેના શ્રવણમાં સંતોના શબ્દો રહ્યા

જેના હૈયામાં સદગુરુ છાંય....અલખધણી અળગો નથી

જેની સુરતામાં સ્વ-સ્વરૂપ હીરલો રમે 

જેના કંઠે કરુણ રણકાર....અલખધણી અળગો નથી

જેને રોમ-રોમ વિહવળતા પ્રગટી રહી 

ચુંથારામ ગુરુકૃપાનાં એંધાણ....અલખધણી અળગો નથી

જીવાભાઈ તમને શું થયું

(રાગ: ચીયાભાઈને વચમાંથી કાઢો રે હું તો લાજી મારું છું)

જીવાભાઈ તમને શું થયું, માયા બંધે બંધાયા

બ્રહ્મ સ્વરૂપ તે ક્યાં ગયું, માયા બંધે બંધાયા 

ગગનમાં ગાદી - અચ્યુતમાં યાદી 

મારા તારામાં લપટાયા.....માયા બંધે બંધાયા 

મૃગજળ દેખી - આશક્તિ વેઠી

મોહ મદીરામાં ભરમાયા....માયા બંધે બંધાયા 

આશાને તૃષ્ણા - ચોંટી પુત્રેષ્ણા

માન મહંતામાં ખરડાયા.....માયા બંધે બંધાયા 

લાભને હાની - વળગી ભવાની 

ચુંથારામ સદગુરુ મરડાયા.....માયા બંધે બંધાયા 

(થાળ) સતચિત આનંદ રૂપા

(રાગ: જમવા પધારો ભગવાન રે નંદજીના રે લાલ) 

સતચિત આનંદ રૂપા ગુરજી જમવા પધારો 

જમવા પધારો વ્હાલા જમવા પધારો 

ભક્તોના પ્રાણ સ્વરૂપા ગુરુજી જમવા પધારો 

ભાવનાં ભોજન પ્રેમની પૂરી 

સ્નેહ ભરેલી કટોરી.....ગુરુજી જમવા પધારો 

સુધર્મ શાક છે નિજ પ્રસાદ છે 

ભ્રહ્માકાર દાળ બનેલી.....ગુરુજી જમવા પધારો 

બોધ સ્વરૂપી દૂધપાક રે બનાવ્યો 

જમજો  ગુરુજી સુખકારી.....ગુરુજી જમવા પધારો 

સુક્ષ્મણા નારી જળની જાળી 

આચામ્નની બલિહારી.....ગુરુજી જમવા પધારો 

સુરતા છબીલી ચમ્મર ઢોળે

ચુંથારામ ગુરુશરણ ચોળે.....ગુરુજી જમવા પધારો