જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Monday, April 22, 2024

એક અમદાવાદી વાદીડો

 (રાગ: એક પૈસાની ગુગરી મંગાવો રે....)

એક અમદાવાદી વાદીડો તેડાવો રે...સોના ડુંગરો....

પેલા જગતપુરના ઝેર ઉતારવો રે...સોના ડુંગરો....

એના જાદુની જુગતિ-મુક્તિ લાવો રે...સોના ડુંગરો....

એના નયનકમળમાં નિજ સ્વરૂપ નિહાળો રે...સોના ડુંગરો....

એના શબ્દોમાં વસ્તુનો વિસ્તારો રે...સોના ડુંગરો....

એના નામ જોતાં રૂપ-ગુણથી ન્યારો રે...સોના ડુંગરો....

એતો અલગ ઉભો, અલગ રહીને બોલે રે...સોના ડુંગરો....

ચુંથારામ જગતપુરમાં નહીં કોઈ એના તોલે રે...સોના ડુંગરો....

જો...જે રે... તારું મોત ના બગાડે....

(રાગ: ખોળજો રે ખારા સમુદ્રમાં મોતી....)

જો...જે રે... તારું મોત ના બગડે....
મોત ના બગડે ઓલ્યા જમડા ના રગડે...જો...જે રે... તારું

લખ ચોરાશી અંતે દેહ મળ્યો છે;
ઝીણી નજરે જોઈ લેજે શું શું રળ્યો છે;
એળે આંટો ગયો છે કે ફેરો ફળ્યો છે...જો...જે રે... તારું

ધાપ મારી ધન બીજા તણું ઓળવેલું;
માની લેજે આખર માટી માંહે મળેલું
આંકી દેવું પડશે અંતે જે-જે ગળેલું...જો...જે રે... તારું

કંચનવર્ણી કાયા તારી રાખમાં રોળાશે;
સગાં ને સબંધી પાછળ ગુણ દોષ ગાશે;
એક દિન હતો નો'તો નક્કી થઇ જાશે...જો...જે રે... તારું

ભલું કોઈનું કર્યું એ છે સાચી કમાણી;
નહીતર તારી જિંદગી થવાની ધૂળ ધાણી;
કડવી મીઠી વાણીએ કિંમત અંકાણી...જો...જે રે... તારું

ભાથું ભવનું બંધો લેજો નામ સ્મરણથી;
ભાગી જશે ભય તને લાગ્યો જે મરણથી;
તરશે ચુંથારામ જીવન નૈયા શામળા શરણથી...જો...જે રે... તારું

જેણે સદગુરૂ સંતને સેવ્યા રે....

(રાગ: સંતો ભક્તિ શ્રવણ પહેલી સાધો રે...)

જેણે સદગુરૂ સંતને સેવ્યા રે, એને મળિયા અમૃત રસના મેવા રે;

અમૃત પીતા તૃષ્ણા સમાય રે, તેને ક્ષુધા મટી સુખ થાય રે;

વાલો મારો છે બૂડતાનો બેલી રે, શ્રદ્ધા વાળાને નહીં મુકે ઠેલી રે;

સાંકળ શ્રદ્ધાની પકડો પહેલી રે, વીરા ત્યાં વરસે આનંદની હેલી રે;

મોતીડાં તો હંસાનો ચારો રે, બગલો ડોળે કાદવને ગાળો રે;

ચુંથારામ આવ્યો તે અવસર સુધારો રે, ફરી નહીં મળે માનવ અવતારો રે;


Saturday, April 20, 2024

સ્મશાનીયો વૈરાગ

(રાગ: મને જડતો નથી મારો શ્યામ, શોધું શામળિયો)

આતો સ્મશાનીયો વૈરાગ કહેવાય, કોઈનું ચાલે નહીં;

પા કલાક અરરર થાય, કોઈનું ચાલે નહીં;

કથા સુણી સુણી ને કાન ફૂટ્યા;
પગે નમી-નમી ને કપાળ ફૂટ્યા;
વક્તા સમજાવે અમલ ના થાય, કોઈનું ચાલે નહીં;

ઘણો આચાર પાળું છું એવો ડોળ કરે;
હાંકે કુતરું, બિલાડું માંહી ચાટ્યા કરે;
એતો સગવડીયો ધરમ કહેવાય, કોઈનું ચાલે નહીં;

મોઢે બોલે માયા બધી જુઠી...જુઠી;
થૂંકેલું ગળે પાછો વહેલો ઊઠી
એવો હૈયાનો કઠોર કહેવાય, કોઈનું ચાલે નહીં;

સ્વામી સમજાવે ત્યારે હાજી...હાજી કહે;
શિર હાલે પણ વિચારો તો ઘરના રહે;
સાચો ચેલો લાડીનો કહેવાય, કોઈનું ચાલે નહીં;

જરૂર કરતાં વસ્તુ વધુ ભેગી કરે;
દીન જનો રજળતા ભૂખે મારે;
એ તો બગલો ભગત કહેવાય, કોઈનું ચાલે નહીં;

નારી આંખ બતાવે કે હાજર રહે;
તેની પાસે બળદ નાથ વિનાનો બને;
નારી નચાવે એમ નચાય, કોઈનું ચાલે નહીં;

સાચા વૈરાગવાળા સંતો પહેલા થયા;
સાદા સીધા ગયા જેના નામો રહ્યા;
ચુંથારામ દ્રશ્ય દેખીને હરખાય, કોઈનું ચાલે નહીં;

Friday, April 19, 2024

જીવ જુવાનીના જોરમાં

(રાગ: મારે સાસરીયે જઈ કોઈ કહેજ્યો એટલડું, પ્રીતમજી આણાં......)

જીવ જુવાનીના જોરમાં, પૈસાના તોરમાં,.... ભૂલી ગયો ભગવાનને

તારા મનથી માને કે હું મોટો;
મારી પાસે ક્યાં બુદ્ધિનો તોટો;
રહ્યો ગાફેલને વાળ્યો છે ગોટો લ્યા માનવી.....ભૂલી ગયો ભગવાનને

પડ્યો પાંચ વિષયની પૂંઠમાં;
ખોવા માંડયો આખું જીવન જુઠમાં;
તેથી સાચું ના આવે સમજણમાં લ્યા માનવી.....ભૂલી ગયો ભગવાનને

મન માંકડું ઠેકડા મારતું;
જાય ઉકરડે જરી સંભાળ તું;
ખરું સાધન શું છે ખોળ તું જીવલડા....ભૂલી ગયો ભગવાનને

ભૂંડા વિચારી જો ને પેલો વાયદો;
પ્રભુ નહીં ભૂલું એવો કર્યો વાયદો;
છૂટો થયો ત્યારે પડી ગયો માંદો લ્યા માનવી.....ભૂલી ગયો ભગવાનને

ગણું કહ્યું છે ગાંઠે બાંધ તું;
ચુંથારામ ભ્રમણાને છોડ તું;
સત સાધનની સીડીએ ચઢ તું લ્યા માનવી.....ભૂલી ગયો ભગવાનને

જે નુગરા મનના મેલા રે......

(રાગ: આ દુનિયામાં છે ડંકો રે કોઈ ના આવે સંત તોલે)

જે નુગરા મનના મેલા રે તે સાથ કોણ બોલે,

તે સાથ કોણ બોલે રે...... તે સાથ કોણ બોલે,

આપપણું જો ખોશે , તો મોક્ષ દ્વારો જોશો;

પછી આનંદ આનંદ કરશો રે....... તે સાથ કોણ બોલે,

જેણે આત્મજ્ઞાન ના જાણ્યું, તેણે મિથ્યા તરણું તાણ્યું,

પછી માયાનું દુખ માણ્યું રે......તે સાથ કોણ બોલે,

જો નિજ સ્વરૂપ ભુલાશે, તો અંતે ફજેતી થશે,

તે અધવચથી લુંટાશે રે......... તે સાથ કોણ બોલે,

છે સહુનો આત્મા એક, ના સમજો કાંઈ ભેદ,

જેને એવો નથી વિવેક રે ......... તે સાથ કોણ બોલે,

ચુંથારામ બન્યો છે ગાંડો, ભલે તમે ભાંડો રે,

મોટાઈમાં ચાલે આડો રે.......... તે સાથ કોણ બોલે,

ખરી વસ્તુને ખોળજો......

(રાગ: નદી કિનારે નાળીયેરી રે ભાઈ........)

ખરી વસ્તુને ખોળજ્યો રે..... નહીં ખોવાય રે,

સાચી વસ્તુનું શોધન કરો...... નહીં ખોવાય રે,

જુઠાનું જાય જડામૂળ, તે વેરાએ સુખી થશો....નહીં ખોવાય રે,

સત્સંગ સાધન સાર છે રે...... નહીં ખોવાય રે,

સ્મરણ સાધન ટોળે કરો, બેડો પાર થશે......નહીં ખોવાય રે,

અંતર પડદા ખોલી જુઓ, સૌ સમજાશે........નહીં ખોવાય રે,

પ્રભુ વસે તારી પાસ, કે દર્શન દઈ જશે........નહીં ખોવાય રે,

ચુંથારામના ભાવનો ભુદરો........નહીં ખોવાય રે,

તન, મન દઈ તમ શરણે આવ્યો સ્વીકારજો, નહીં ખોવાય રે,

અભણ હોય તે ભણેલા - ગુરુ સંગે વસેલા

(રાગ: જેણે ભજ્યા જદુરાયા, નર એજ કમાયા)

અભણ હોય તે ભણેલા - ગુરુ સંગે વસેલા....

ગુરુની સેવા તે મીઠડા મેવા - આતમ જ્ઞાને વળેલા - ગુરુ સંગે વસેલા...

છળ કપટ પરનિંદા ત્યજીને - જ્ઞાનની ગોળી ગાળેલા - ગુરુ સંગે વસેલા...

જાસા ના કરે અશુદ્ધ ના બોલે - સાચાના સંગે વળેલા - ગુરુ સંગે વસેલા...

સંતોષ, શાંતિને ગ્રહણ કરીને - સ્વર્ગની સીડી ચઢેલા - ગુરુ સંગે વસેલા...

પ્રેમ લક્ષણા ભક્તિના ચુકે - સંતોને સન્માન કરેલા - ગુરુ સંગે વસેલા...

ભૂખ્યાને ભોજન, તરસ્યા ને પાણી - ગોવિંદ ગુણના ગણેલા - ગુરુ સંગે વસેલા...

ચુંથારામ અભણ, ગુરુ ભણાવે - શિશ અર્પીને શરણે કરેલા - ગુરુ સંગે વસેલા... 

Thursday, April 18, 2024

જે કોઈ ગુરુ રટણમાં રહેતા.....

 (રાગ: મારા મન ગમતા મહારાજ મારે ઘેર આવોને....)

જે કોઈ ગુરુ રટણમાં રહેતા, ભજન તેને પ્યારું લાગે...

કરે ગુરુ સ્મરણ બેઠા બેઠા, ભજન તેને પ્યારું લાગે....

એક આસને સ્થિર ઠરીને બેસે, નીંદ ના કરે જરી....

ગુરુ વચન પર વિશ્વાસ રાખે - જેને નામની નિશાની ખરી - ભજન તેને પ્યારું લાગે....

સમાગમ કરવા તલપી રહે ને કરે શબ્દનો વિવેક....

મેરુ ચળે પણ મન ના ચળે - જેની ટીંટોડા જેવી ટેક - ભજન તેને પ્યારું લાગે....

સંતગુરુને સન્માન કરે, પગે નમે લગાવી માથું....

નમ્યો તે તો સર્વ ને ગમ્યો - તેણે છેવટનું લીધું ભાથું - ભજન તેને પ્યારું લાગે....

ઘરકામ પરવારી, ઝટ કરી ને ભજનમાં આવે વહેલા....

રામ તણો રસ હૃદયમાં ઠરે - પછી બને છે ગાંડા ને ઘેલા - ભજન તેને પ્યારું લાગે....

સહજ સમાધિ જાગ્રતમાં કરે, ને આંખોમાં ઊંઘ ના આવે....

દુરીજન વાતો બીજી કરે - પણ શાણાને તેવું ના ફાવે - ભજન તેને પ્યારું લાગે....

ચુંથારામ ગરજવંત થઇને જાવો ગુરુજીના શરણે....

પ્રેમી પુરુષનું પારખું - જેના સ્નેહ ભરેલ નેણ - ભજન તેને પ્યારું લાગે....

વાગ્યાં વચન ગુરુજીના બાણ....

 (રાગ: વા'લા વનમાં કેમ લાગી વાર...)

વાગ્યાં વચન ગુરુજીના બાણ - ભલે જાય પ્રાણ - રૂઝાયાં રુઝે નહીં 

એવું સ્મરણ આઠે પહોર કીજીએ....

થાય જ્ઞાન દીપક પ્રકાશ - છૂટે સર્વે આશ - રૂઝાયાં રુઝે નહીં 

એવો ખટકો લાગ્યો મારા ચિત્તમાં.....

છોડું નહીં એક પલવાર - છૂટે જમ માર - રૂઝાયાં રુઝે નહીં 

એવું શાંતિનું સાધન સાધતાં ......

લક્ષ ચોર્યાસી મિથ્યા થાય - બંધન છૂટી જાય - રૂઝાયાં રુઝે નહીં 

એ અવિચલ નામ જે આપનું....

તેમાં વિકાર નહીં કેશ માત્ર - ઢીલાં પડ્યાં ગાત્ર - રૂઝાયાં રુઝે નહીં 

દાસ ચુંથારામ આપનો જાણી ને.....

પ્રેમ કરી લેજો તમ સાથ - કરો ગુના માફ - રૂઝાયાં રુઝે નહીં 

Tuesday, April 16, 2024

નિજ સ્વરૂપ નીરખી રહો રે...

(રાગ: મંદિરમાં આંબો ને આંબલી રે...)

નિજ સ્વરૂપ નીરખી રહો રે...
સદગુરુગમની શાન રે હંસા રાજા......નિજ સ્વરૂપ નીરખી રહો રે...

નિજ પદનો રસ્તો છે પધારો રે....
સ્મરણ સીડીની શાન રે હંસા રાજા......નિજ સ્વરૂપ નીરખી રહો રે...

સ્મરણ વિના સુરતા આંધળી રે.....
ક્યાં જઈને ઠહેરાય રે હંસા રાજા......નિજ સ્વરૂપ નીરખી રહો રે...

સુરતા તો એવી ચાંચવી રે.....
પલ પલ પલટાઈ જાય રે હંસા રાજા......નિજ સ્વરૂપ નીરખી રહો રે...

મનડુ છે એવું મરકટ સમું રે.....
જ્યાં ત્યાં કુદકા ખાવા જાય રે હંસા રાજા......નિજ સ્વરૂપ નીરખી રહો રે...

દાસ ચુંથારામ બોલીયા રે......
ગુરુગમની વાતો તો ન્યારી રે હંસા રાજા......નિજ સ્વરૂપ નીરખી રહો રે...

જો જીવડા તું કેમ ડર્યો છે

(રાગ: જાય છે જુવાની તારી જાય છે જુવાની...)

જો જીવડા તું કેમ ડર્યો છે....
પોતે છો સિહ, શાને અજામાં ભળ્યો છે...જો જીવડા તું.....

શસ્ત્રો છેડે નહીં, અગ્નિ બાળે નહીં.....
એવો અમર, માયા પંથે ફસ્યો છે...જો જોવડા તું.....

કસ્તુરી મૃગની નાભી વસે છે.....
શોધન કરતાં કયા ઠામે ઠર્યો છે....જો જીવડા તું....

સુક્રિત કમાઈ, આ દેહ મળ્યો છે.....
હવે થી ભૂતો માં શાને ભળ્યો છે......જો જીવડા તું.....

ચેતીશ નહીતો ચુકી જવાનો.....
મનુષ્યનો દેહ મળ્યો, તારો દહાડો વળ્યો છે......જો જીવડા તું......

સમજ્યા તે નર મૌન રહ્યા છે.....
ચુંથારામ ગુરુગમ જ્ઞાને ગળ્યા છે......જો જીવડા તું....

ભક્તિની સાત ભૂમિકાઓ

 (રાગ: સર્વે સગાં બદ્રીપતીને સાંભળો રે.........)

પહેલી ભૂમિકા શુભ ઈચ્છા કહેવાય રે...

મનમાં સ્ફુરણ બ્રહ્મ જાણવાનું થાય રે....

જપ, તપ, તીરથ, વ્રત, નિયમ દિલ રખાય રે.....

સંસાર ઉપર અરુચિ વર્તાય રે.....

બીજી ભૂમિકા શુભ વિચારણા થાય રે......

શ્રવણ, મનન ને નિદિધ્યાસન કહેવાય રે....

થોડે થોડે શરીરભાવ છોડાય રે......

ટેક પ્રમાણે અનુષ્ઠાન ઉજવાય રે.....

ત્રીજી ભૂમિકા તું મનસા કહેવાય રે......

સદબુધ્ધિએ બ્રહ્મની ભાવના થાય રે.....

ચોથી ભૂમિકા સત્વાપતિ કહેવાય રે.....

સાક્ષાત્કારનો ક્ષણિક ભાવ સ્ફૂરાય રે.....

પાંચમી ભૂમિકા અસંશક્તિ કહેવાય રે.....

સંવિકલ્પમાં નિર્વિકલ્પ અનુભવ થાય રે....

પદાર્થ ભાવના છઠ્ઠી ભૂમિકા કહેવાય રે....

નિર્વિકલ્પ રહે પણ જાગૃત અવસ્થા થાય રે.....

સાતમી ભૂમિકા તુર્યાગા કહેવાય રે.....

તે અવસ્થામાં દેહનું ભાન ભૂલાય રે.....

વઢાય, કપાય તોય સુખ દુઃખ ભાન ભૂલાય રે....

ચુંથારામ દેહનું પ્રારબ્ધ પૂરું થાય રે....

થાળ : (વાલો વિશ્વના પોષણહાર હું શું જમાડું રે...)

 (રાગ: જમો...જમોને જુગદાધાર જુગતે જમાડું રે...)

વા'લો વિશ્વના પોષણહાર....... હું શું જમાડું રે...

જે જમે તે હરિ અવતાર..... રંગે રમાડું રે....

વા'લો નહીં નજીક નહીં દુર..... હું શું જમાડું રે...

ઠાંસી ઠાંસી ભર્યો ભરપુર..... રંગે રમાડું રે....

વા'લો શસ્ત્રોથી ના રે છેદાય......હું શું જમાડું રે...

જો છેદાય તો ખલિત કહેવાય......રંગે રમાડું રે.... 

વા'લો અગ્નિથી ના રે બળાય......હું શું જમાડું રે... 

ના પલળે કે ના રે શોષાય......રંગે રમાડું રે...... 

જેની ઉત્ત્પત્તિ કે પ્રલય નહીં......હું શું જમાડું રે...

સર્વે જીવોના જીવન સહી......રંગે રમાડું રે...... 

ચુંથારામની ભાગી ભૂખ......હું શું જમાડું રે...

થયાં દર્શનતો શાંતિ સુખ......રંગે રમાડું રે......

Monday, April 15, 2024

ગુરુજીની અજબ કળા અતિ ન્યારી

(રાગ: સાયાજી અમને ડર તો લાગ્યો એક દિન કો ....)

ગુરુજીની અજબ કળા અતિ ન્યારી.....

મારી સુરતા બની સુખકારી - ગુરુજીની અજબ કળા અતિ ન્યારી.....

ગુરુજીએ સમજણનો કોટ બનાવીયો....

તેમાં સમજણની વાતો રૂપાળી - ગુરુજીની અજબ કળા અતિ ન્યારી.....

પહેલાં પહેલાં વિકારી દ્રષ્ટિ હરાવી.....

કંચન જેવી કાયા બનાવી - ગુરુજીની અજબ કળા અતિ ન્યારી.....

જુગે જુગના તે પાપ નાસાડ્યા....

પોઢ્યા પ્રારબ્ધ તુરંત જગાડ્યા - ગુરુજીની અજબ કળા અતિ ન્યારી.....

અહંતા ને મમતાની આડ્યો છોડવા....

મુક્તિની જુગતિ જગાવી - ગુરુજીની અજબ કળા અતિ ન્યારી.....

તન, મન, ધન દીધાં દયા કરીને....

સદગુરુ સેવા સ્વીકારી - ગુરુજીની અજબ કળા અતિ ન્યારી.....

નિજ પદ પૂરણ દીધું પરખાવી...

દાસ ચુંથારામ જાય વારી - ગુરુજીની અજબ કળા અતિ ન્યારી.....

સદગુરુને મન કર્મ વચને શીશ નમાવે......

(રાગ: સદગુરુજીને મળિયા, તેમના સંશય ટળીયા ....)

સદગુરુને મન, કર્મ, વચને શીશ નમાવે તેનાં....
જન્મ મરણ ભય ભાગે હો....જીવો રામ ભાગે...

ચારધામ ને અડસઠ તીરથ ઘેર ગંગા ફળ પાવે ગુરુજી....
નિર્ભયે નામ સુણાવે હો....જીવો રામ સુણાવે

શેષ સહસ્ત્ર મુખે પાર ન પાવે સૌ કોઈ....
અગમ અગમ કહી ચલાવે હો....જીવો રે રામ ચલાવે

કર્મ જાળમાં ગૂંચાયું સૌ બ્રહ્માદી દ્વંદ મચાવે જીવને....
ગુરુ વિના કોણ છોડાવે હો....જીવો રે રામ છોડાવે

હરિગુરુ સંતની સેવા રે શોધી નિજમાં નિજ મિલાવે ચુંથારામ....
ગુરુકૃપાએ મંગળ ગાવે હો....જીવો રે રામ ગાવે

અલખ નામ નિશાની જગમાં ......

 (રાગ:સરોવરની પાળે ગુરુ મારા આંબલો રે ઉભા...)

અલખ નામ નિશાની જગમાં ગુરુ વિના કોણ લખાવે... હરિ ગુરુ વિના કોણ લખાવે 
ભર્મે ભૂલેલા જીવને વારાં રે હા....જી....રે....જી....

અનેક વૃત્તિઓ પાછી વાળી, જ્ઞાન ઇષ્ટ જગાવી...ગુરુ જ્ઞાન ઇષ્ટ જગાવી 
નિજમાં નીજને રૂપે આતમ જાણ્યો રે હા....જી....રે....જી....

આદિ-અનાદિ વધે ઘટે નહીં, મનમાં સમજી લેવો....ગુરુ મનમાં સમજી લેવો
સંત સમાગમ શોધી ને લાહવો લેવો રે હા....જી....રે....જી....

વાણીથી વર્ણાય નહીં ને, નયને નહીં નીરખાય...ગુરુ નયને નહીં નીરખાય
સદગુરુની શાને સમજી લેવો રે હા....જી....રે....જી....

જ્ઞાને સમજ્યા જે જન, ચુંથારામ ગુરુ પ્રતાપે ગાજ્યા...હરિ ગુરુ પ્રતાપે ગાજ્યા 
અજ્ઞાન અંકુરો છેદી નાખ્યા રે હા....જી....રે....જી....

Sunday, April 14, 2024

પત્ર (તારી વાણી મનોહર...)

 (રાગ: ગાયેજા ગીત મિલન કે તું અપની લગન કે સજન ઘર જાના હૈ...)

તારી વાણી મનોહર, કે ચટપટી જાગી - ગુરુનું મુખ જોવાને..

ઘેરી બંસી સુણી રાચી કે મન રહ્યું નાચી - ગુરુનું મુખ જોવાને..

સાણોદા ગામે જન્મ ધર્યો, અમરાઈ કીધો વાસ - ગુરુનું મુખ જોવાને..

બબા-મોહનભાઈની પાસ છે સોમાભાઈનો વાસ - ગુરુનું મુખ જોવાને..

બોધ પમાડી, લેહ લગાડી, ઉમેદવારી જગાડી - ગુરુનું મુખ જોવાને..

હવે આવો હરજી વહેલા, કે પગ ધોવું પહેલા - ગુરુનું મુખ જોવાને..

દસ-વીસ વ્યક્તિની થઇ ગુરુ ભક્તિ, ભક્તિ લેવાની છે શક્તિ - ગુરુનું મુખ જોવાને..

માટે કર જોડી કરગરીએ, અમે તલસી તલસી મરીએ - ગુરુનું મુખ જોવાને..

વહેલા પધારો સ્વામી સલુણા, દાસને દેજ્યો કરુણા - ગુરુનું મુખ જોવાને..

લિખિતંગ ચુંથાભાઈ, છે સત્યની સગાઇ - ગુરુનું મુખ જોવાને..

ગુરુજીને પત્ર (અક્ષરોના સ્વામી)

 (રાગ: પ્રેમનો પુજારી .....)

અક્ષરોના સ્વામી (૨) સદગુરૂ પ્રેમે લાગુ પાય રે....
મુક્તિના દેનાર ગુરુજી મુક્તિના દેનાર રે....

દર્શનનો છું પ્યાસી (૨), જીવડો આકુલ વ્યાકુળ થાય રે 
મુક્તિના દેનાર ગુરુજી મુક્તિના દેનાર રે....

નિજ નામની શાન બતાવી, પ્રકાશ જ્યોતિ જગાવી
જડ ચેતન, સ્થાવર જંગમમાં અદ્વૈત દિયો દર્શાવી
છો ભવના તારણહાર રે.... મુક્તિના દેનાર ગુરુજી....

ભાઈલાલ ગંગારામ નામની પલપલ જાવું બલિહારી
સંત શિરોમણી બબાભાઈ ને સોમાભાઈ શુભ જ્ઞાની
છે મોહનભાઈ મરજાદ રે....મુક્તિના દેનાર ગુરુજી....

જીંડવા ગામે સંત ચરણરજ ચૂંથાભાઈ લખે છે
જય જય ગુરુમહારાજ અખંડ બ્રહ્મ કથતાં આનંદ વહે છે
છે નરસિંહભાઈ પણ પાસ રે....મુક્તિના દેનાર ગુરુજી.....

પધારવાને માટે ગુરુજી ક્યારે કરુણા કરશો
નિજ જનના ઘર પાવન કરવા પુનિત પગલાં ભરશો
અંતરમાં મોટી આશ રે...મુક્તિના દેનાર ગુરુજી....

પત્ર આપનો નયને નીરખી હૈયે હરખ ન માતો
શબ્દે-શબ્દ અમીરસ પરખી વેદનો ભેદ સમાતો
છો તુર્યાતિત અવિનાશ રે ....મુક્તિના દેનાર ગુરુજી....

હું-તું ના આ ઝગડા સૌ છોડી સહજ સમાધી લાગી
સુરતા નિજ સ્વામી સંગ જોડી ભેદ ભ્રમણા ભાગી
પ્રભુ દીસો પરાત્પર પાર્થ રે...મુક્તિના દેનાર ગુરુજી....

અમરાઈ સ્થળની અમર વાડી અમર હંસો વસતા
અમદાવાદી જય ગુરૂગાદી બકરાને સિંહ કરતા
છે ચુંથારામ ચરણનો દાસ રે.....મુક્તિના દેનાર ગુરુજી ....

Saturday, April 13, 2024

ગુરુમુખી હોયતો ભજન ભાવેથી કરજો

 (રાગઃ જાવું તો પડશે જીવને જાવું તો પડશે)


ગુરુમુખી હોયતો ભજન ભાવેથી કરજો

દેહ છતાં વિદેહી ઠરજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો

આત્મ જ્ઞાની સંતોની સોબતો કરજો

મનડાંની વિટંબણાઓ તજજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો

આનંદ સ્વરુપી જ્યોતિ પ્રગટાવી દેજો

સત ચિત્તે શાંતિ અનુંભવજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો

વાણીનું સંયમ પણું જાળવી રાખજો

સૂરત નૂરતના મેળા કરજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો

છિદ્રો જોવાની આદત છોડી રે દેજો

એકાન્તે આત્મ મનન કરજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો

મળ વિક્ષેપ તજી સતસંગે રહેજો

ચુંથારામ નિજ સ્વરુપે રહેજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો