(રાગ: મને જડતો નથી મારો શ્યામ, શોધું શામળિયો)
આતો સ્મશાનીયો વૈરાગ કહેવાય, કોઈનું ચાલે નહીં;
પા કલાક અરરર થાય, કોઈનું ચાલે નહીં;
કથા સુણી સુણી ને કાન ફૂટ્યા;
પગે નમી-નમી ને કપાળ ફૂટ્યા;
વક્તા સમજાવે અમલ ના થાય, કોઈનું ચાલે નહીં;
ઘણો આચાર પાળું છું એવો ડોળ કરે;
હાંકે કુતરું, બિલાડું માંહી ચાટ્યા કરે;
એતો સગવડીયો ધરમ કહેવાય, કોઈનું ચાલે નહીં;
મોઢે બોલે માયા બધી જુઠી...જુઠી;
થૂંકેલું ગળે પાછો વહેલો ઊઠી
એવો હૈયાનો કઠોર કહેવાય, કોઈનું ચાલે નહીં;
સ્વામી સમજાવે ત્યારે હાજી...હાજી કહે;
શિર હાલે પણ વિચારો તો ઘરના રહે;
સાચો ચેલો લાડીનો કહેવાય, કોઈનું ચાલે નહીં;
જરૂર કરતાં વસ્તુ વધુ ભેગી કરે;
દીન જનો રજળતા ભૂખે મારે;
એ તો બગલો ભગત કહેવાય, કોઈનું ચાલે નહીં;
નારી આંખ બતાવે કે હાજર રહે;
તેની પાસે બળદ નાથ વિનાનો બને;
નારી નચાવે એમ નચાય, કોઈનું ચાલે નહીં;
સાચા વૈરાગવાળા સંતો પહેલા થયા;
સાદા સીધા ગયા જેના નામો રહ્યા;
ચુંથારામ દ્રશ્ય દેખીને હરખાય, કોઈનું ચાલે નહીં;
No comments:
Post a Comment