(રાગ: ખોળજો રે ખારા સમુદ્રમાં મોતી....)
જો...જે રે... તારું મોત ના બગડે....
મોત ના બગડે ઓલ્યા જમડા ના રગડે...જો...જે રે... તારું
લખ ચોરાશી અંતે દેહ મળ્યો છે;
ઝીણી નજરે જોઈ લેજે શું શું રળ્યો છે;
એળે આંટો ગયો છે કે ફેરો ફળ્યો છે...જો...જે રે... તારું
ધાપ મારી ધન બીજા તણું ઓળવેલું;
માની લેજે આખર માટી માંહે મળેલું
આંકી દેવું પડશે અંતે જે-જે ગળેલું...જો...જે રે... તારું
કંચનવર્ણી કાયા તારી રાખમાં રોળાશે;
સગાં ને સબંધી પાછળ ગુણ દોષ ગાશે;
એક દિન હતો નો'તો નક્કી થઇ જાશે...જો...જે રે... તારું
ભલું કોઈનું કર્યું એ છે સાચી કમાણી;
નહીતર તારી જિંદગી થવાની ધૂળ ધાણી;
કડવી મીઠી વાણીએ કિંમત અંકાણી...જો...જે રે... તારું
ભાથું ભવનું બંધો લેજો નામ સ્મરણથી;
ભાગી જશે ભય તને લાગ્યો જે મરણથી;
તરશે ચુંથારામ જીવન નૈયા શામળા શરણથી...જો...જે રે... તારું
No comments:
Post a Comment