(રાગ: મારે સાસરીયે જઈ કોઈ કહેજ્યો એટલડું, પ્રીતમજી આણાં......)
જીવ જુવાનીના જોરમાં, પૈસાના તોરમાં,.... ભૂલી ગયો ભગવાનને
તારા મનથી માને કે હું મોટો;
મારી પાસે ક્યાં બુદ્ધિનો તોટો;
રહ્યો ગાફેલને વાળ્યો છે ગોટો લ્યા માનવી.....ભૂલી ગયો ભગવાનને
પડ્યો પાંચ વિષયની પૂંઠમાં;
ખોવા માંડયો આખું જીવન જુઠમાં;
તેથી સાચું ના આવે સમજણમાં લ્યા માનવી.....ભૂલી ગયો ભગવાનને
મન માંકડું ઠેકડા મારતું;
જાય ઉકરડે જરી સંભાળ તું;
ખરું સાધન શું છે ખોળ તું જીવલડા....ભૂલી ગયો ભગવાનને
ભૂંડા વિચારી જો ને પેલો વાયદો;
પ્રભુ નહીં ભૂલું એવો કર્યો વાયદો;
છૂટો થયો ત્યારે પડી ગયો માંદો લ્યા માનવી.....ભૂલી ગયો ભગવાનને
ગણું કહ્યું છે ગાંઠે બાંધ તું;
ચુંથારામ ભ્રમણાને છોડ તું;
સત સાધનની સીડીએ ચઢ તું લ્યા માનવી.....ભૂલી ગયો ભગવાનને
No comments:
Post a Comment