જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Sunday, April 14, 2024

પત્ર (તારી વાણી મનોહર...)

 (રાગ: ગાયેજા ગીત મિલન કે તું અપની લગન કે સજન ઘર જાના હૈ...)

તારી વાણી મનોહર, કે ચટપટી જાગી - ગુરુનું મુખ જોવાને..

ઘેરી બંસી સુણી રાચી કે મન રહ્યું નાચી - ગુરુનું મુખ જોવાને..

સાણોદા ગામે જન્મ ધર્યો, અમરાઈ કીધો વાસ - ગુરુનું મુખ જોવાને..

બબા-મોહનભાઈની પાસ છે સોમાભાઈનો વાસ - ગુરુનું મુખ જોવાને..

બોધ પમાડી, લેહ લગાડી, ઉમેદવારી જગાડી - ગુરુનું મુખ જોવાને..

હવે આવો હરજી વહેલા, કે પગ ધોવું પહેલા - ગુરુનું મુખ જોવાને..

દસ-વીસ વ્યક્તિની થઇ ગુરુ ભક્તિ, ભક્તિ લેવાની છે શક્તિ - ગુરુનું મુખ જોવાને..

માટે કર જોડી કરગરીએ, અમે તલસી તલસી મરીએ - ગુરુનું મુખ જોવાને..

વહેલા પધારો સ્વામી સલુણા, દાસને દેજ્યો કરુણા - ગુરુનું મુખ જોવાને..

લિખિતંગ ચુંથાભાઈ, છે સત્યની સગાઇ - ગુરુનું મુખ જોવાને..

ગુરુજીને પત્ર (અક્ષરોના સ્વામી)

 (રાગ: પ્રેમનો પુજારી .....)

અક્ષરોના સ્વામી (૨) સદગુરૂ પ્રેમે લાગુ પાય રે....
મુક્તિના દેનાર ગુરુજી મુક્તિના દેનાર રે....

દર્શનનો છું પ્યાસી (૨), જીવડો આકુલ વ્યાકુળ થાય રે 
મુક્તિના દેનાર ગુરુજી મુક્તિના દેનાર રે....

નિજ નામની શાન બતાવી, પ્રકાશ જ્યોતિ જગાવી
જડ ચેતન, સ્થાવર જંગમમાં અદ્વૈત દિયો દર્શાવી
છો ભવના તારણહાર રે.... મુક્તિના દેનાર ગુરુજી....

ભાઈલાલ ગંગારામ નામની પલપલ જાવું બલિહારી
સંત શિરોમણી બબાભાઈ ને સોમાભાઈ શુભ જ્ઞાની
છે મોહનભાઈ મરજાદ રે....મુક્તિના દેનાર ગુરુજી....

જીંડવા ગામે સંત ચરણરજ ચૂંથાભાઈ લખે છે
જય જય ગુરુમહારાજ અખંડ બ્રહ્મ કથતાં આનંદ વહે છે
છે નરસિંહભાઈ પણ પાસ રે....મુક્તિના દેનાર ગુરુજી.....

પધારવાને માટે ગુરુજી ક્યારે કરુણા કરશો
નિજ જનના ઘર પાવન કરવા પુનિત પગલાં ભરશો
અંતરમાં મોટી આશ રે...મુક્તિના દેનાર ગુરુજી....

પત્ર આપનો નયને નીરખી હૈયે હરખ ન માતો
શબ્દે-શબ્દ અમીરસ પરખી વેદનો ભેદ સમાતો
છો તુર્યાતિત અવિનાશ રે ....મુક્તિના દેનાર ગુરુજી....

હું-તું ના આ ઝગડા સૌ છોડી સહજ સમાધી લાગી
સુરતા નિજ સ્વામી સંગ જોડી ભેદ ભ્રમણા ભાગી
પ્રભુ દીસો પરાત્પર પાર્થ રે...મુક્તિના દેનાર ગુરુજી....

અમરાઈ સ્થળની અમર વાડી અમર હંસો વસતા
અમદાવાદી જય ગુરૂગાદી બકરાને સિંહ કરતા
છે ચુંથારામ ચરણનો દાસ રે.....મુક્તિના દેનાર ગુરુજી ....

Saturday, April 13, 2024

ગુરુમુખી હોયતો ભજન ભાવેથી કરજો

 (રાગઃ જાવું તો પડશે જીવને જાવું તો પડશે)


ગુરુમુખી હોયતો ભજન ભાવેથી કરજો

દેહ છતાં વિદેહી ઠરજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો

આત્મ જ્ઞાની સંતોની સોબતો કરજો

મનડાંની વિટંબણાઓ તજજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો

આનંદ સ્વરુપી જ્યોતિ પ્રગટાવી દેજો

સત ચિત્તે શાંતિ અનુંભવજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો

વાણીનું સંયમ પણું જાળવી રાખજો

સૂરત નૂરતના મેળા કરજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો

છિદ્રો જોવાની આદત છોડી રે દેજો

એકાન્તે આત્મ મનન કરજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો

મળ વિક્ષેપ તજી સતસંગે રહેજો

ચુંથારામ નિજ સ્વરુપે રહેજો ગુરુજીના શબ્દો અંતરમાં ધરજો

હું કરું, આ મેં કર્યું

(રાગ: જગત ભગતને ચાલતું સર્જન જૂનું વેર)

હું કરું, આ મેં કર્યું એમ જાણવું મુશ્કેલ છે.

ભક્તજનોની પ્રેમ પ્યાસી વાણીમાં રંગરેલ છે......હું કરું, આ મેં કર્યું

રચે, પાળે, લય કરે જે જગતને એક પલકમાં,

તેની કૃપા વિના કોઈ તરે ના કામ કપરો ખેલ છે.......હું કરું, આ મેં કર્યું

જે જગતને જ જમાડતા, નૈવેદ્ય તેને શું ધરું.

જે વિશ્વને રમાડતા, તે પાસ રમવું ફેલ છે.......હું કરું, આ મેં કર્યું

જળની અંજલી સાગરને શું, કુબેરને શું પૈ ધરે,

સુરજને દીપક ધરે શું, ચુંથારામ અટકેલ છે.......હું કરું, આ મેં કર્યું

 

પંડિત ભૂલ્યા - પાઠમાં ડૂલ્યા

 (રાગ : ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ મહારાજ આનંદ રૈયત વર્તે છે)

પંડિત ભૂલ્યા - પાઠમાં ડૂલ્યા, ચઢ્યા વાળ વિવાદોમાં.

અહમ પણેથી ઊંધું વળીયું, શ્રોતા ચાખે સ્વાદોમાં.

દીન થવું તે ઘણું દોહ્યલું, મનને મારવું મુશ્કેલ છે.

લય ચિંતવન વિવેક વધારી,આપ સ્વરૂપે રહેલ છે.

વેદાંતે અનુભવ સાર ગ્રહીને, નિજ સ્વરૂપમાં મશગુલ છે.

ચુંથારામ જ્ઞાન જન જગમાં, દૂધ મીસરી રૂપ સંમેલ છે.

કાયા નગરીમાં કોણ છે....

 (રાગ: લાડી લાડાને પૂછે, મોતી શહેર બંગલા રે...)

કાયા નગરીમાં કોણ છે... વિવેકે વિચારો રે....

આંખે કોણ દેખે છે... વિવેકે વિચારો રે....

ખાધે કોણ ધરાય છે... વિવેકે વિચારો રે....

જીભે કોણ બોલી જાય છે... વિવેકે વિચારો રે....

કાને સંભારાય છે કોને ... વિવેકે વિચારો રે....

પાણી કોણ પીવે છે ... વિવેકે વિચારો રે....

પગે ચાલે તે કોણ ... વિવેકે વિચારો રે....

ઊંઘે - જાગે તે કોણ ... વિવેકે વિચારો રે....

સુખ-દુ:ખ કોને રે થાય છે ... વિવેકે વિચારો રે....

મારું-તારું તે કોને ... વિવેકે વિચારો રે....

હું તો પોતે છું કોણ ... વિવેકે વિચારો રે....

જો કોઈ એ ગમ જાણે ... વિવેકે વિચારો રે....

ચુંથારામ ગુરુજી વખાણે ... વિવેકે વિચારો રે....

ચૈતન્ય ચિંતન કરશું...

 (રાગ: ઘડપણમાં ગોવિંદ ગાશું......)

ચૈતન્ય ચિંતન કરશું ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું.

અમે આત્મ-વિજ્ઞાન દીવો ધરશું...ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું.

અમે આત્મ સ્વરૂપમાં રમશું - અમે અખંડ આનંદમાં ફરશું.

અમે નિજમાં નિજ અનુસરશું....ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું.

અમે નિરાવરણ પ્રકાશશું  - અમે સુત્રાત્મા સર્વમાં વ્યાપશું

અમે અદ્વૈત સાક્ષીરૂપ ઠરશું...ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું.

અમે બ્રહ્મ ભાવે સ્વચ્છ બની રહીશું - અમે નિરાકારે નિર્મળ રહીશું

ચુંથારામ શાંતિ: શાંતિ: અનુભવશું...ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું. 

હું તો અસંગ નિર્લેપ છું રે....

(રાગ: દ્વારિકાથી પ્રભુ આવિયા રે....) 

હું તો અસંગ નિર્લેપ છું રે....

સચ્ચિદાનંદ મારું રૂપ મારા વા'લા...હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે..

નિરાકાર રૂપે નિત્ય મુક્ત છું રે....

પૂર્ણાનંદે પરિધાન મારા વા'લા........હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે..

હું અચ્યુત નિર્દોષ નિત્ય છું રે.....

ચૈતન્યરૂપ પરમાનંદ મારા વા'લા........હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે..

અખંડાનંદ આત્મ રૂપ છું રે.......

પ્રકૃતિથી પર શાંત રૂપ મારા વા'લા.......હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે..

મહતવાદી તત્વોથી પર રહ્યો રે....

જ્યોતિ સ્વરૂપ ચુંથારામ મારા વા'લા......હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે..


મારા ગુરુજીનો આદેશ આવીયો....

 (રાગ: દ્વારિકામાં વાજાં વાગીયાં રે...)

મારા ગુરુજીનો આદેશ આવીયો રે....

મારી સુરતાએ ઝીલ્યો આદેશ...શ્રીજી અમને પાકી પરવાનગી મોકલી..

સંત શાખે અભયદાન આપ્યું....

જાણી પોતાનો પ્રગટ્યો સ્નેહ....શ્રીજી અમને પાકી પરવાનગી મોકલી..

આવન-જાવનના સંદેશા તોડીયા....

અમરધામના સંદેશા હોય...શ્રીજી અમને પાકી પરવાનગી મોકલી..

દ્વૈત ટાળી, અદ્વૈતમાં ભેળવ્યો....

આપી દીક્ષા તોડ્યું અભિમાન....શ્રીજી અમને પાકી પરવાનગી મોકલી..

પરહિતમાં પ્રેરક બનાવીયો.....

ચુંથારામ ચઢ્યો ગુરુ રંગ....શ્રીજી અમને પાકી પરવાનગી મોકલી..

થાળ - દિલ દ્વારિકાપૂરી રળીયામણી......

(રાગ: પરભુ ઊંડો તે કૂવો જળ ભર્યો....) 

                        દિલ દ્વારિકાપૂરી રળીયામણી......

વૃત્તિ રૂક્ષ્મણી રાંધે રસોઈ....પુરષોત્તમને પીરસવા

                        પ્રેમ પૂરી પકવાન બનાવિયા........

ભાવે ઓસાવ્યો આનંદી ભાત રે....પુરષોત્તમને પીરસવા

                        ધર્મ નીતિના વ્યંજનો નીપજ્યા......

માખણ,  મીસરીને કઢિયેલ દૂધ રે....પુરષોત્તમને પીરસવા

                        દયા દાળ, સમતા શાકની શોભા બની......

બ્રહ્મ ખુમારી ચટણી અથાણાં રે....પુરષોત્તમને પીરસવા

                        જમુના સુક્ષમણા જળની જાળી ભરી......

પ્રેમ પાટલે પધાર્યા સુંદર શ્યામ રે...પુરષોત્તમને પીરસવા

                        જોતાં જમનાર જમાડનાર કોઈ નહિ......

ચૂંથારામ આકાર નીરાકારમાં જાય રે....પુરષોત્તમને પીરસવા