જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Sunday, January 24, 2010

શબ્દ-સ્મૃતિ

(રાગઃ મન વણજારા બહાર ભટકતી ચિતવૃત્તિને વારજે)

હો સદગુરુજી માંહે ભટકુ છું ભુદરજી ભવરણ ટાળજો

મને માયા મોહ ઉપજાવે છે

માન મોટપ મનને ભમાવે છે

મને મમતા માર ખવરાવે છે હો સદગુરુજી માંહે ભટકુ છું......... (ટેક)

મને આશા બહું અથડાવે છે

મને તૃષ્ણા તારે તટલાવે છે

મને લાલત લાત લગાવે છે હો સદગુરુજી માંહે ભટકુ છું............

મને દગો દોટે ચઢાવે છે

મને કપટ કેદ કરાવે છે

મને પ્રપંચ પોક પાડાવે છે હો સદગુરુજી માંહે ભટકુ છું............

મને પાંચ વિષય રસ ભાવે છે

મને ત્રિગુણના રંગ નચાવે છે

મને દેહમાં હું પદ આવે છે હો સદગુરુજી માંહે ભટકુ છું..............

પરઉપકારી ગુરુ વ્હારે ચઢજો

મારા અવગુણ સગળા પરહરજો

સેવકની અરજી ઉર ધરજો હો સદગુરુજી માંહે ભટકુ છું................

ગુરુ દીન દુખીયાના બેલી છો

સુખ સાગર સુખની હેલી છો

ડાળી પીંપળ પરાંણ અડેલી છે હો સદગુરુજી માંહે ભટકુ છું................



-- શ્રી પલાભાઇ ચુંથાભાઇ પટેલ, જિંડવા

શબ્દ-સ્મૃતિ

(રાગઃ વાણીમાં વેવલો વાતોમાં શૂરો વાણી થકી વર્તાય........)

અદ્દભૂત યોગી સદગુરુજી મળીયા; ભવનાં ભટકણ જાય હોવ હોવ ભવનાં ભટકણ જાય હું તો નમુ ગુરુજીને પાય

ત્રિવિધના તાપથી બળતા ઉગાળ્યા; વચનામૃતની ધાર હોવ હોવ વચનામૃતની ધાર હું તો નમુ ગુરુજીને પાય

હતું, હશે ને હોય ખોટી કલ્પના; પ્રત્યક્ષ સત્ય પ્રમાણ હોવ હોવ પ્રત્યક્ષ સત્ય પ્રમાણ હું તો નમુ ગુરુજીને પાય

દાનવ વૃત્તિ દુર કરાવી; સોહાવ્યું માનવ શરીર હોવ હોવ સોહાવ્યું માનવ હું તો નમુ ગુરુજીને પાય

પાંચ પ્રતિજ્ઞા ગુરુજીએ આપી મુક્યા; સંકલ્પે જળ હોવ હોવ મુક્યા સંકલ્પે હું તો નમુ ગુરુજીને પાય

શુદ્ધ બની ગુરુદક્ષિણારે આપી, સર્વ સમર્પણ થાય હોવ હોવ સર્વ સમર્પણ થાય હું તો નમુ ગુરુજીને પાય

અક્ષરદેહે ગુરુ સન્મુખ બેઠા; ઇશ્વર દર્શનની આશ હોવ હોવ ઇશ્વર દર્શનની આશ હું તો નમુ ગુરુજીને પાય

યોગની યુક્તિ ગુરુએ બતાવી; મહીમા કહ્યો નવ જાય હોવ હોવ મહીમા કહ્યો નવ જાય હું તો નમુ ગુરુજીને પાય

રુપ, ગુણ, નામ સદગુરુ સમજાવે; નામે ઇશ્વર ઓળખાય હોવ હોવ નામે ઇશ્વર ઓળખાય હું તો નમુ ગુરુજીને પાય

નાના મોટાનો ભેદ ગુરુએ ભગાવ્યો; સાંય મુશર સમ થાય હોવ હોવ સાંય મુશર સમ થાય હું તો નમુ ગુરુજીને પાય

રુપાળી માયા નજરોમાં માલતી; ગુણમાં જીવાભાઇની જાત હોવ હોવ ગુણમાં જીવાભાઇની જાત હું તો નમુ ગુરુજીને પાય

નાભી કમળ દિલ ગુરુએ ખોલાવ્યાં; બોલે, બોલાવે, બોલાય હોવ હોવ બોલે, બોલાવે, બોલાય હું તો નમુ ગુરુજીને પાય

રુપ, ગુણ, નામએ ત્રિવેણી સંગમ; સુરતા ચોથા પદ જાય હોવ હોવ સુરતા ચોથા પદ જાય હું તો નમુ ગુરુજીને પાય

સાકરનો ગાંગળો દાંતની વચ્ચે; ઇશારો અલખ ઍંધાણ હોવ હોવ ઇશારો અલખ ઍંધાણ હું તો નમુ ગુરુજીને પાય

પૂર્ણ બનાવી સ્થુળ દેહ સોપ્યા; પર્માર્થને કાજ હોવ હોવ પર્માર્થને કાજ હું તો નમુ ગુરુજીને પાય

સતની ગાદી ગુરુજી બિરાજ્યા; પ્રેમથી પૂજન થાય હોવ હોવ પ્રેમથી પૂજન થાય હું તો નમુ ગુરુજીને પાય

ચરણ ધોઇ ચરણામૃત પીધાં; કંકુ, ચોખા, ફૂલના હાર હોવ હોવ પહેરાવ્યા ફૂલડાના હાર હું તો નમુ ગુરુજીને પાય

પાંચ પ્રણાલીકા પૂર્ણ પરાંણભાઇ; ભેટ્યા છગન મહારાજ હોવ હોવ ભેટ્યા છગન મહારાજ હું તો નમુ ગુરુજીને પાય


-- શ્રી પલાભાઇ ચુંથાભાઇ પટેલ, જિંડવા

શબ્દ-સ્મૄતિ

(રાગઃ સંત સ્વભાવે શબ્દે શબ્દે ચાલો જો, અંતર લક્ષે મા'લો જો)

ભવસાગરમાં ભટકી ભટકી આવ્યા જો, દુઃખના દિન વિતાવ્યા જો,

આ અવશરીયો હરી ભજવાનો આવીયો મન માણી લે

અહંકારને અભિમાનમાં ડુલ્યાજો, હરી ભજવાનું ભુલ્યા જો,

નિર્મળતા દાસાતણ દિલમાં ધારીને મન માણી લે

કામ ક્રોધ તે કલેશ કેરુ મૂળ જો, એવું ઉપડે શૂળ જો,

સહનશિલતા શાંતિ દિલમાં ધારીને મન માણી લે

ચોરી જારી ચિત્તમાં ચિંતા ચાલે જો, અંતર વેદના શાલેજો,

પરધન પત્થર પરસ્ત્રી માતા માનીને મન માણી લે

મોહ મદિરા દુર્ગુણથી દુર રહીયે જો, સદગુરુ શોધી લઇએ જો,

સદગુણથી સદમતી મળે સુખ થાય છે મન માણી લે

જુઠ કપટએ જુગાર બાજી જાણો જો, એથી મનને વારો જો,

સત્ય વચન સદગુરુના દિલમાં ધારીને મન માણી લે

મારુ તારુ એતો જગની માયા જો, એથી બની આ કાયા જો,

કાયાનો ઘડનારો સદગુરુ મેળવે મન માણી લે

સુખ દુઃખ રચના સંચિતનાં ફળ ધારો જો, ભમતા મનને વારો જો,

સાચાં સંચિત તારાં તુજને મળી જશે મન માણી લે

પૂન્ય પૂર્વનું ગુરુ છગનરામ મળીયા જો, ભવના ફેરા ટળીયા જો,

પરાંણ ગુરુજીને સર્વ સમર્પણ કરીને મન માણી લે


- શ્રી પલાભાઇ ચુંથાભાઇ પટેલ, જિંડવા

શબ્દ-સ્મૄતિ

સોમે તો સદગુરુજી મળીયા, તાપ ત્રિવિધ તણા ટળીયા,

વર્ષ્યા મેઘ વચનામૃત ઝરીયા, કે સદગુરુ સેવે સુખ થાયે,

મંગળવારે મંગળ પદ નિરખ્યાં, રુપ ગુણ સમજાતાં મન હરખ્યાં,

નામેતો ઇશ્વર પદ પરખ્યાં, કે સદગુરુ સેવે સુખ થાયે,

બુધે પેલી બુદ્ધિ બળ મોટું, સમજાયું સારુ ને ખોટું,

કે સમ થયું નાનું ને મોટું, કે સદગુરુ સેવે સુખ થાયે

ગુરુવારે ગુરુજી ઘેર આવ્યા, આપી દિક્ષા અલખ ઓળખાવ્યા,

કે નિરાકાર નજરે નિરખાવ્યા, કે સદગુરુ સેવે સુખ થાયે,

શુક્ર્વારે સુક્રિત સુધરીયાં, ગુરુજીના વચને હું પદ ગળીયાં,

કે મનમાં નીજ સ્વરુપ ઠરીયાં, કે સદગુરુ સેવે સુખ થાયે

શનીવારે શનીપાતો ટળીયાં, મળ્યા મને આનંદના દરીયા,

કે બ્રહ્મ સ્વરુપમાં જઇ ભળીયા કે સદગુરુ સેવે સુખ થાયે

રવિવારે રથે સુરજ શોભે, કે સુરતાના મનડા ત્યાં લોપે,

વિવાહ કીધા સદગુરુજી શોભે, કે સદગુરુ સેવે સુખ થાયે

સાતે વાર સમજણમાં ધરતાં, કર ગુરુ છગનરામ શિર ધરતાં,

પરાંણ વાર નહીં ભવજળ તરતાં કે સદગુરુ સેવે સુખ થાયે



- શ્રી પલાભાઇ ચુંથાભાઇ પટેલ, જિંડવા

શબ્દ સ્મૃતિ

(રાગઃ સંગ ચાલ્યો રે ભવાની માં સંગ ચાલ્યો)

જંગ જામ્યો રે જીવાભાઇ વિરા જંગ જામ્યો

તમને સંસયો સતાવે જીવા જંગ જામ્યો

તાપ ત્રિવિધના તપાવે જીવા જંગ જામ્યો

કાયા કર્મોની બંધાઇ જીવા જંગ જામ્યો

માયા સંચિતે સંધાઇ જીવા જંગ જામ્યો

મનથી મારુ માની લીધું જીવા જંગ જામ્યો

આશા તૃષ્ણાએ અથડાયા જીવા જંગ જામ્યો

લોભ લાલચે લપટાયા જીવા જંગ જામ્યો

માન મોટપમાં મરડાયા જીવા જંગ જામ્યો

પરની પંચાતે ખરડાયા જીવા જંગ જામ્યો

મોટાઇ મોભામાં ભરમાયા જીવા જંગ જામ્યો

ભજન સતસંગમાં શરમાયા જીવા જંગ જામ્યો

તમને સંતો સત સમજાવે જીવા જંગ જામ્યો

માર્ગ મુક્તિનો બતાવે જીવા જંગ જામ્યો

ગુરુ છગન પરહિતકારી જીવા જંગ જામ્યો

પરાંણ પલમાં ખોલે બારી જીવા જંગ જામ્યો

- શ્રી પલાભાઇ ચુંથાભાઇ પટેલ, જિંડવા