જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Wednesday, November 20, 2024

મારી સુરતા સોહંગ સીડી ચઢતીતી

(રાગ: એક નાદી વાદીનો ખેલ અનાદિ ઓળખી લ્યો)

મારી સુરતા સોહંગ સીડી ચઢતીતી 

કરી પાંચ પગથીએ પહેલ - સોહંગ સીડી ચઢતીતી 

સામે ત્રિવેણી સંગમ શોભંતો 

દસ પગથીએ સૂક્ષમણા મહેલ - સોહંગ સીડી ચઢતીતી

આવી અનહદપૂરી રઢિયામણી

નાદ શરણાઈ નોબત ઢમ ઢોલ - સોહંગ સીડી ચઢતીતી

ચિત્ત શુદ્ધિ દેવી બન્યાં સહાયકારી 

નિર્વિકલ્પ સમાધિ સમતોલ - સોહંગ સીડી ચઢતીતી

અધિષ્ઠાન પ્રતીતિ થવા લાગી 

ચુંથારામ શ્યામ સુરતી રંગરેલ - સોહંગ સીડી ચઢતીતી

 

નામનો મહિમા નિજ નામ છે.......

(રાગ: ડંકો વાગ્યોને લશ્કર ઉપડ્યું ઝરમરીયા ઝાલા)

નામનો મહિમા નિજ નામ છે નામીશ્વર પોતે 

બીજા બધાને સીતારામ છે નામીશ્વર પોતે

થાક્યા પાક્યાનું અહિયાં કામ છે નામીશ્વર પોતે

સર્વે સાધનનું મૂળ નામ છે નામીશ્વર પોતે

એથી અમોને આરામ છે નામીશ્વર પોતે

ચારે વેદોનું કહેવું એ જ છે નામીશ્વર પોતે

પછી બીજાનું શું કામ છે નામીશ્વર પોતે

સર્વે તીર્થોનું મોટું ધામ છે નામીશ્વર પોતે

એવા નામની અમને હામ છે નામીશ્વર પોતે

જ્ઞાનનું મહાધ્યાન નામ છે નામીશ્વર પોતે

ચુંથારામ નામ મહીં વાસ છે નામીશ્વર પોતે

અંત:પૂરનો વિહવળ તપસી તપસ્યા...

(રાગ: હવે શાનાં માન રે વહુવર હવે શાનાં માન)

અંત:પૂરનો વિહવળ તપસી તપસ્યા કરવા બેઠો રે

તપની તાજણ નાડી ધબકે શ્વાસ હિલોળા નાખે રે 

પચરંગી તત્વોનો તુંબો હાલક ડોલક ઘૂમે રે

પવન પુતળું પ્રગટ બોલે ભારે હલકું તોલે રે 

ઊંઘે જાગે લય થઇ જાવે તોયે સમજણ ના'વે રે 

ઘટમાં ડુંલ્યો નિજ ઘર ભૂલ્યો ચુંથા ગુરુગમે ચાલો રે

અરે શું માનવનું અભિમાન....

(રાગ: જીવલડા ચડતી પડતી આવે સૌને શા માટે ફુલાય)

અરે શું માનવનું અભિમાન પલકમાં ટળી જશે રે 

કરેલાં અવળાં સવળાં કામો સામા મળી જશે રે 

શરીરની રાખ બનીને પવન ઝપાટે ઊડી જશે રે 

માનવ દેહ અમોલો મળીયો - મધ્યે આતમ હીરલો જડિયો

નિજ સ્વરૂપની યાદી સદગુરુ શરણે મળી જશે રે 

વિદેહ પણું જો આવે - બ્રહ્મસાગરમાં ભળવું ભાવે 

ચુંથારામ ગુરુગુણ ગાવે આનંદ મળી જશે રે  

ઝીણી ઝીણી જુગ્તીમાં જીવોભાઈ પરણાવો રે

(રાગ: ગુલાબવાડી ચૌટા વચ્ચે રોપી રે)

ઝીણી ઝીણી જુગ્તીમાં જીવોભાઈ પરણાવો રે 

વીરો જોઈએ તો વિવેકભાઈ ને લાવજો રે 

સ્થિરતાનાં સ્થાપન, ચિત્તના ચોખલિયા મન શ્રીફળ હોમાવજો રે 

વેદ ધરમની ઓટલીયો બંધાવજો રે 

વિરહ અગ્નિમાં, કર્મનાં કાષ્ટ ને અજ્ઞાન ઘી હોમાવજો રે

વિચાર વાડીથી ઝરણાં મીંઢળ લાવજો રે 

નિયમના દોરે, વિનયના ખોળે સુરતા સન્મુખ લાવજો રે 

અનહદ નગરીના શૂન્ય શિખર સાસરીયે રે 

બેહદનાં વાજાં, ઘમ ઘમ ગાજ્યાં, ચુંથા ચટપટી લાગી રે  

Tuesday, November 19, 2024

હરિ ભજવા અવશર આવેલો શીદ જવા દયો છો

(રાગ: મોટાંના રઈવર ઘોડવાર્યો શીદને રોકી રહ્યા છો)

હરિ ભજવા અવશર આવેલો શીદ જવા દયો છો

આજ તમારે સતનાં સંચિત ફળિયાં - લાખેણો અવશર આવેલો શીદ જવા દયો છો

મોજીલા મનવા જગતની ફિલ્મે ફસાઈ રહ્યા છો

મોજીલા મનવા સંસાર શારડીએ શીદ શેરાવ છે - હરિ ભજવા અવશર...

બુદ્ધિના બુઠાં બાવળીએ બાથ ભીડી રહ્યા છો

મોજીલા માનવા માયા બંધનને બંધાઈ જાવ છો - હરિ ભજવા અવશર.....

અજ્ઞાને મારું માનીને ભર્મે ભૂલ્યા છો

મોજીલા માનવા મૃગજળના પાણી પીવા જાવ છો - હરિ ભજવા અવશર....

નિજ સ્વરૂપ તજી દ્રશ્યના રૂપમાં મોહ્યા છો

મોજીલા મનવા ચુંથારામ જીતી બાજી શીદ હારો - હરિ ભજવા અવશર... 

જીવ જ્યાં જન્મ્યો ત્યાં ઘર, બીજે ગયો તો બીજું ઘર...

(રાગ: ભાંગ ભાંગલડી)

જીવ જ્યાં જન્મ્યો ત્યાં ઘર, બીજે ગયો તો બીજું ઘર વિચાર કરી લેજો રે 

ચોરાશી લાખ યોની ફરીયો વિચાર કરી લેજો રે 

કોઈ સદગુરુ ના મળિયા તેથી સંસારમાં ના હાર્યા વિચાર કરી લેજો રે 

સગું વહાલું શરીરનું છે, શરીર છૂટ્યા પછી શું થશે વિચાર કરી લેજો રે 

શરીરથી તન તરીયા ને સુત, શરીરના વિખરાશે પંચભૂત વિચાર કરી લેજો રે 

શરીરને બાળી દેશે માંથી, તે વેરા આત્માનું કોઈ નથી વિચાર કરી લેજો રે 

જીભથી જણાય ખાટું ખારું, કાનથી સંભળાય સાચું જુઠું વિચાર કરી લેજો રે 

તે સૌ આત્માનું જણાય વિચાર કરી લેજો રે 

જયારે સદગુરુ મળે જ્યાંથી, ચુંથા કલ્યાણ થાય ત્યાંથી વિચાર કરી લેજો રે

આ તો જગત અનાદી આડંબર ના કરીએ રે

(રાગ: લાડી લાડાને પૂછે મોટી શહેર બંગલા રે)

આ તો જગત અનાદી આડંબર ના કરીએ રે

મારા પ્રભુજીની વાડી આડંબર ના કરીએ રે

પાંચ તત્વોની કાયા આડંબર ના કરીએ રે

મારા પ્રભુજીની માયા આડંબર ના કરીએ રે

ત્રણ ગુણનો ગાલીચો આડંબર ના કરીએ રે

મારા પ્રભુનો બગીચો આડંબર ના કરીએ રે

પાંચ વિષયો છે તાજા આડંબર ના કરીએ રે

ચુંથારામ ગુરુજી મહારાજા આડંબર ના કરીએ રે

વીરા સતસંગત ને સાદું વચન નિત્ય જોઈએ રે

(રાગ: બેની નથી આપણા મોટા ઘરની રીત્યો)

વીરા સતસંગત ને સાદું વચન નિત્ય જોઈએ રે

વીરા જગત મિથ્યા જલદી સીધા થાય - અભ્યાસે ચિત્તમાં વશ લઈએ રે 

વીરા ભોગ માંહે રહેવા છતાં અભિમાન ના આવે રે

વીરા વાસના તે સંકલ્પોની ખોટી ભ્રાંતિ ક્રોધ....અભ્યાસે ચિત્તમાં વશ લઈએ રે 

વીરા ઇન્દ્રીઓને વશમાં રાખી સુખમાં રહેવું રે 

વીરા આત્મ મનન કરવું વૈરાગ ધારી રે....અભ્યાસે ચિત્તમાં વશ લઈએ રે

વીરા સતપુરુષોના ચરિત્ર જાણો દર્પણ જેવા રે 

ચુંથા જેના વચને નિર્વાણપદ પરખાય....અભ્યાસે ચિત્તમાં વશ લઈએ રે  

Monday, November 18, 2024

આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે રે

(રાગ: આભમાં ઝીણી ઝબુકે વીજળી રે)

આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે રે 

તેની આગળ બીજાં ગયાનો તુચ્છ - દુનિયા નાચી રહી તેનું નામ મોહ છે રે

જગના જીવોને નિત્યની ક્રિયા રહી રે 

તો પણ સંતોષ વિના નહીં સુખ - - દુનિયા નાચી રહી તેનું નામ મોહ છે રે

આત્મારામ વિના નહીં મોક્ષ છે રે 

સદગુરુ વિના નહીં સત્યનું ભાન - દુનિયા નાચી રહી તેનું નામ મોહ છે રે

જીવ ધન કારણ દુઃખી દુઃખી થઇ રહ્યો રે

હવે ધર્મ કરી શુરવીર થાય - દુનિયા નાચી રહી તેનું નામ મોહ છે રે

જીવવું મરવું પગલા હેઠ છે રે 

ધર્મ ધ્યાન વિના દિન ગયા સૌ વેઠ - દુનિયા નાચી રહી તેનું નામ મોહ છે રે

ભગવાનને પણ કર્મ ભોગવવાં પડ્યાં રે 

ચુંથા પૂર્વના કર્મ ભોગવાય - દુનિયા નાચી રહી તેનું નામ મોહ છે રે

આ બધા ગયા તે વિચારી લેજ્યો

(રાગ: ત્યાંથી હરિવર સંચર્યા)

આ બધા ગયાં તે વિચારી લેજ્યો

સંસાર છે વહેતા ઝરણાં જેવો રે 

સાસર વહેવારનું ઘણું કર્યું - હવેથી આત્મદેવને સેવો રે....

ડાળથી પાન છુટું પડે તેમ - આવેલાં સઘળાં વેરો રે.....

જ્યાં જશો ત્યાં તમે જ હશો - તમે છો નિત્ય તમારું કોઈ નથી 

સ્વયં પ્રકાશી તમે છો - ચુંથા છો દ્રષ્ટા અવિકારી રે.....

અજ્ઞાની જીવોની દશા કેવી કેવી હોય છે

(રાગ: ચોક વછે ચોખલીયા ખંડાવો મારી સહિયારો)

અજ્ઞાની જીવોની દશા કેવી કેવી હોય છે 

બે પૈસાની ગુરુજીની સેવા કરવી હોય તો......

ટાઢિયો ને એકાંતરિયો તાવ આવી જાય છે 

ગુરુજીના દોષો જોવા તત્પર થઇ જાય છે

વ્યવહારો ને વ્યસનોમાં હજારોની હોળી......

અજ્ઞાને આનંદ માણી ખર્ચો બમણો થાય છે

જે માણસો ભજન કીર્તનમાં વિષ કરતા હોય છે

તેવા જીવને ભવબંધન ને ચોરાશીની ફેરી......

યમરાજાનો મુકામ ચુંથા તેમના ઘરે થાય છે

તમે સદગુરુ વચને ચાલજો રે જ્ઞાનવાળા

(રાગ: તમે એકવાર મારવાડ જાજો રે મારવાડા)

તમે સદગુરુ વચને ચાલજો રે જ્ઞાનવાળા 

તમે શ્રદ્ધાની સાંકળ ઝાલજો રે જ્ઞાનવાળા

મલીન મન સુધારો - દોષો સઘળા બાળો

તમે આસક્તિ ધૂળ પડી મૂકજો રે જ્ઞાનવાળા

જો કોઈ જ્ઞાન માટે ખર્ચ કરતાની સુણો જ્ઞાનવાળા 

ધાર્મિક પુસ્તકોમાં સત્સંગ વધારવા માટે 

હાથ ટૂંકા કરી ખર્ચના કરે સુણો જ્ઞાનવાળા 

તેનો પૈસો નાટક સિનેમામાં જાય છે રે સૂણો જ્ઞાનવાળા 

ચુંથારામ પછી પાયમાલ થાય છે રે સુણો જ્ઞાનવાળા

શ્રવણ મનન નિદિધ્યાસન વડે

(રાગ:- સુખના રે મારો શ્યામ સુંદરજી)

શ્રવણ, મનન, નિદિધ્યાસન વડે

કુસંસ્કારો બળી જાશે રે ત્યારે આત્મા ઓળખાશે 

વાસના બળે પછી ફરીથી ના ઉગે 

ત્યારે સ્વરૂપ સમજાશે રે ત્યારે આત્મા ઓળખાશે 

મોહ ને મમતા વધી જતાં અટકે 

અજ્ઞાન અંધાપો ટળી જશે રે ત્યારે આત્મા ઓળખાશે 

અહમ બ્રહ્માસ્મિ હું બ્રહ્મ સ્વરૂપ છું 

ચુંથારામ એવું ભાન થશે રે ત્યારે આત્મા ઓળખાશે 

માયામાં અંધ બનેલા જીવો દુઃખને સુખ માને છે

(રાગ:- ગોળ કરો રે ઉતાવળ ગોર ચટપટીયા)

માયામાં અંધ બનેલા જીવો દુઃખને સુખ માને છે

વાસનાની બેડીઓ પહેરી બેઠા તોય સુખ માને છે 

લોભ ક્રોધની ભયંકર બેડી પહેરી તોય સુખ માને છે

રાત્રી-દિવસ મનમાં સળગ્યા કરે તોય સુખ માને છે

પાંચ વિષયમાં મચી રહેલા અજ્ઞાનીઓ સૌ જીવો દુઃખને સુખ માને છે 

ભરી સભામાં તાળીઓ પડાવી પત્થર જેવા 

ચુંથા કોરે કોરા જાય દુઃખને સુખ માને છે 

સંસારમાં સુખ છે જ નહીં સુખ સમજણમાં

 (રાગ:- અંબા તે રમવા નીસર્યા દેવી અન્નપૂર્ણા)

સંસારમાં સુખ છે જ નહીં સુખ સમજણમાં

દુઃખીને દિલાસો આપવો - સુખ સમજણમાં

કોઈનું ભલું કરી મદદ કરવી પરમાર્થ છે

આત્મ બ્રહ્મ પરમાત્મા - સુખ સમજણમાં

બ્રહ્મને જાણનાર થાય બ્રહ્મ ખરું સુખ સમજણમાં

આત્માને જાણનાર શોકને તરી જાય સમજણમાં

સર્વે સ્થળે પરમાત્મા અનાદી જોનાર સુખ સમજણમાં

સંભાળનાર જાણનાર વિચારનાર એક સમજણમાં

ચુંથા અંતર આત્મા છે એક ખરું સુખ સમજણમાં

પોતાના પિંડની માંહે રે.....

 (રાગ:- વાલા વિરા રે સર્વેશ્વરને સાહજ્યો)

પોતાના પિંડની માંહે રે એ ભગવાન બિરાજે છે

પોતાનું આવરણ નડતું હોવાથી

દેખી શકાય નહીં શાણો રે એ ભગવાન બિરાજે છે

શાંતિનો સાગર આનંદનો ભંડાર

આપણા અંતર માંહે રે એ ભગવાન બિરાજે છે

સદગુરુની કૃપા મળે તો

યુક્તિ બતાવે દેખવાની રે એ ભગવાન બિરાજે છે

આત્મ ચિંતનને પ્રભુ ભજનમાં

ચુંથા રહો ચિત્ત પરોવી રે એ ભગવાન બિરાજે છે

સંસારના ઘેર આપણ પરોણા રે આવ્યા

 (રાગ:- ખેલંતા ખેલંતા વન ગયા રે વનમાં ખેલે છે ઘોડા)


સંસારના ઘેર આપણ પરોણા રે આવ્યા

જીવતાં મારવાની વિદ્યા રે લાવ્યા

આત્માનું દર્શન જે કરે રે તેનું ભણતર સાચું


માન માયા લોભ ક્રોધ વગેરે

વિવેક વધારી પાછાં લાવે રે તેનું ભણતર સાચું


જ્ઞાન સ્વરૂપ આત્મા નિત્ય પ્રકાશે

અવિનાશી આનંદે દીન દમે રે તેનું ભણતર સાચું 


મેઘ ધારાથી અગ્નિ બુજાઈ જાશે

ચુંથા ગુરુગમથી અજ્ઞાન જાશે રે તેનું ભણતર સાચું

જરા સીધે સીધા ચાલો....

 (રાગ:- લાડીજી બનીને બળ્યું બોલો છો શ્યું)


જરા સીધે સીધા ચાલો બળ્યું બોલો છો શ્યું

હરિ ભજવા મુખડું આપ્યું બળ્યું બોલો છો શ્યું


મનુષ્ય જનમ મળિયો દિવાળીનો દહાડો

હરતાં ફરતાં સ્મરણ કરીએ લાગ મળ્યો છે સારો

બળ્યું કંચન મૂકી કાચ કથીરીયા તોલો છો શ્યું


નામ કેરી નગરીમાં નારાયણનો વાસ 

જ્યાં જુઓ ત્યાં સઘળે સ્થળે આત્માનો પ્રકાશ

બળ્યું માયા નશો કેફ ચડાવી બાજો છો શ્યું.


રજ્જુમાં જેમ સર્પની ભ્રાંતિ આજ્ઞાને જણાય

સદગુરુ શાન મળે તો સાચું સમજાય

ચૂંથા સદગુરુ હૈયે હોય પછી બાકી છે શ્યું

આત્મ ચિંતન લગની રે લાગી

 (રાગ:- હું તો તમને પૂછું રે મારા કેસરભીના વીરા રે)

આત્મ ચિંતન લગની રે લાગી દેહનું ભાન ના હોય રે.

કોણ છે સારું કોણ છે ખોટું ભાંજગડ હોય શાની રે.

દુનિયાના રસ ઢોંગી લે છે સાચાને કેમ ફાવે રે.

દૂધપાક જેવા ભોજન મૂકી વાસી અન્ન કોણ ખાય રે.

હીરા મોતી હાર ત્યજીને કાચ કથીર કેમ ગમશે રે.

શેરડીનો રસ મળવા છતાં લીમડો કોણ પીશે રે.

આત્મદેવનો આનંદ મૂકી ભૌતિકમાં કોણ ભમશે રે.

ચૂંથા ગુરુના શરણે રહીને આત્મ મનન ચિત્ત લાવો રે.


પાંજરામાંથી પક્ષી છૂટું થઈને ચાલ્યું જાય

 (રાગ:- વણજાર જોવા ગ્યાતાં)

પાંજરામાંથી પક્ષી છૂટું થઈને ચાલ્યું જાય, છૂટું થઈને ચાલ્યું જાય

સંશયની જાળમાંથી મન જો છૂટું થાય, મન જો છૂટું થાય.

અજ્ઞાન અંધારું છોડી સતસંગે જાય, મન જો સતસંગે જાય.

ધર્મ નીતિ ધારી મન જો સ્વરૂપે સંધાય, મન જો સ્વરૂપે સંધાય.

આસક્તિની જાળું છોડી નિજમાં સમાય, મન જો નિજમાં સમાય.

પાર બેડો થાય ચુંથા ગુરુ શરણ જાય, મન જો ગુરુ શરણ જાય.

હો ભાઈ ચિત્તના ચિતરામણ બંધ પડે રે

 (રાગ:- બાળા જોબનનો માંડવો રોપ્યો રે)

હો ભાઈ ચિત્તનાં ચિતરામણ બંધ પડે રે

ચિત્ત શુદ્ધ જો થાય, બ્રહ્મ સ્વરૂપ જીવ થઈ રહે રે.

હો ભાઈ જે વાસના મન ગ્રહણ કરે રે,

તો કલ્પેલું દ્રઢ થઈ જાય, બ્રહ્મ સ્વરૂપ જીવ થઈ રહે રે.

હો ભાઈ શરીરના બંધન જીવને ના હોય રે,

સત્ય સંકલ્પ થાય, બ્રહ્મ સ્વરૂપ જીવ થઈ રહે રે.

હો ભાઈ જગના વિચિત્ર તરંગોથી રે,

મન જો રંગાઈ ના જાય, બ્રહ્મ સ્વરૂપ જીવ થઈ રહે રે.

હો ભાઈ ચૂંથા જગત જાળ તોડીને રે,

ઉંદર જેમ છૂટો થાય, બ્રહ્મ સ્વરૂપ જીવ થઈ રહે રે.

Sunday, August 11, 2024

અમે સતસંગ વીણવા ગ્યાંતાં

(ગોળ થોડો રે ચિયાભાઈ અમને શીદ તેડ્યાં'તાં)

અમે સતસંગ વીણવા ગ્યાંતાં અમને આશા ઓળખી ગઈ 

પેલા દરમાં ચારુ ચાર - તેનો કોઈ નથી રખવાળ - અમને આશા ઓળખી ગઈ 

મોકલ્યા મોહજી લોભજી સુત - સાથે તૃષ્ણા તનીયા રૂપ - અમને આશા ઓળખી ગઈ 

લીધો કર્મ કોદાળો હાથ - રાફડો ખોદી ભરવી બાથ - અમને આશા ઓળખી ગઈ 

આ તો દિશે કાળો નાગ - નાસી જવાનો નહીં મળે લાગ - અમને આશા ઓળખી ગઈ 

આશા ભુખાવળી ચુડેલ - નાખે જનમ જનમની જેલ - અમને આશા ઓળખી ગઈ 

સંતો સમજાવે છે બહુ - ચુંથારામ છોડો એ શંખણી વહુ - અમને આશા ઓળખી ગઈ 

મન તો વાયુથી બળવાન

 (રાગ: ઊંચી સ્વરૂપ કેરી જ્યોત મદિર .........)

મન તો વાયુથી બળવાન ચિત્તમાં ચેતો ચિત્તમાં...વૈરાગે મન વશ થાય છે 

ચંચળ ગતિથી ભૂલે ભાન ચિત્તમાં ચેતો ચિત્તમાં...વૈરાગે મન વશ થાય છે 

ઘડી ઘડીમાં ભોગો ભોગવવામાં લલચાય છે 

ઘડીકમાં જંગલમાં નાસી જાય ચિત્તમાં ચેતો ચિત્તમાં...વૈરાગે મન વશ થાય છે 

ઘડીકમાં ઘર સંસારના સુખોમાં લલચાય છે 

ઘડીકમાં સતસંગની ઈચ્છા થાય ચિત્તમાં ચેતો ચિત્તમાં...વૈરાગે મન વશ થાય છે 

ઘડીકમાં તો મોજ મજાના સાધનો મેળવાય છે 

સંકલ્પ વિકલ્પમાં દોડી જાય ચિત્તમાં ચેતો ચિત્તમાં...વૈરાગે મન વશ થાય છે 

ગુરુ સ્મરણમાં રહી ને જે કઈ પ્રભુ સમરણ થાય છે 

ચુંથારામ સ્વરૂપે મનડું વાર ચિત્તમાં ચેતો ચિત્તમાં...વૈરાગે મન વશ થાય છે 

આ દેહ તો કંપણ જેવી રે

 (રાગ: કાન હજુની મોરલી રે ગોવાળીલાલ )

આ દેહ તો કંપણ જેવી રે તોલનારો તોલે છે 

ભલે મણ કે સો મણ તોલો રે કંપણ ક્યાં બોલે છે 

હોય વધતું કે ઓછું રે કંપણને નહીં પાપ લાગે

દેહ હુકમ બજાવે રે પાપી તોલનારો છે

આ દેહનો ચલાવનારો રે માંહ્યલો મલકે છે 

તેની કરો તપાસણી રે તેની શી ખામી છે 

ચુંથારામ પોતાને પરખો રે જનમની આંટી છે 

એકમાં અનેક જોયા

(રાગ: મનોડી ને લહેરુ લાગ્યું)

એકમાં અનેક જોયા 

નામમાં અનામી રે......મનોડી ને લહેરુ લાગ્યું

નિજરૂપે આત્મા 

ગુરુજી જણાયો રે......મનોડી ને લહેરુ લાગ્યું

કદ ને આકાર નહીં

નીરકારે જોયો રે......મનોડી ને લહેરુ લાગ્યું

રૂપ-ગુણ-નામ નહીં

અઘાટે સમજાયો રે......મનોડી ને લહેરુ લાગ્યું

ઠંડો કે ગરમ નહીં

સુર્સ્તે સમાયો રે......મનોડી ને લહેરુ લાગ્યું

દુર કે નજીક નહીં 

અનુભવે જાણ્યું રે......મનોડી ને લહેરુ લાગ્યું

ગુરુજીના ઘાટે રહી

ચુંથારામે જાણ્યો રે......મનોડી ને લહેરુ લાગ્યું

હમેશા પ્રભુ પ્રયત્ન વધે તેવો પ્રેમ જોઈએ રે

 (રાગ: આવડા અહુંડા શું ઉઠયા મારા વેવાઈઓ)

હમેશા પ્રભુ પ્રયત્ન વધે તેવો પ્રેમ જોઈએ રે 

હૈયે જ્ઞાન બુદ્ધિ પામે વિચાર એવા જોઈએ રે 

ત્યાગ-વૈરાગ્યનો વિકાસ થાય - એવો સંગો મળી જો જાય

માયા રૂપી જવર સૌને લાગુ પડ્યો રે - હમેશા પ્રભુ પ્રયત્ન વધે........

વિષય સુખનું અથાણું ખાય - તેથી ભાવ તો વધી જાય 

જેમ બને તેમ માયાવી જનથી વેગળા રહેવું રે - હમેશા પ્રભુ પ્રયત્ન વધે........

સંગનો રંગ લાગી જાય - કેસંગથી તો મહામુની ફસાય 

સામાન્ય સાધક તો ચુંથારામ કેમ બચે રે - હમેશા પ્રભુ પ્રયત્ન વધે........


ચાલ્યું તો ગયું રે જીવન ચાલ્યું તો ગયું

 (રાગ: મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું)

ચાલ્યું તો ગયું રે જીવન ચાલ્યું તો ગયું

વૈભવ ભોગોના વિલાસે જીવન ચાલ્યું તો ગયું 

માયા મોહ મદિરા પીને ભાન ભૂલી રખડ્યો રે 

કુટુંબ પરિવારને માટે દુ:ખ ના સહ્યું - વૈભવ ભોગોના વિલાસે......

જમની જમાની ભૂલ્યો, ભૂલ્યો નિજ રૂપને રે 

મનની વિટંબણાનું વમળ તો થયું - વૈભવ ભોગોના વિલાસે......

માયા બેડીમાં પટકાયો, તૃષ્ણા ફાંસી એ લટક્યો 

અંત સમયમાં ચુંથારામ ભાન તો થયું - વૈભવ ભોગોના વિલાસે......

Saturday, August 10, 2024

હંસારાજા રે અમે હંસારાજા

(કાળી તારી કામળી લઇજા લઇજા શું કરું રે બંસીવાલા)

હંસારાજા રે અમે હંસારાજા 

અમરાપુરી ધામના મોટા મહારાજા અમે હંસારાજા

અગ્નિથી બળાય ના અમે હંસારાજા

પવન તાણી ના શકે - પાણીથી પલાળાય ના અમે હંસારાજા

શસ્ત્રોથી છેદાય ના અમે હંસારાજા

વાણીથી વર્ણાય નહીં - બુદ્ધિથી વરતાય ના અમે હંસારાજા

કદ આકાર વિના અમે હંસારાજા

ચુંથારામ નામ નહીં - નામમાં અનામ અમે હંસારાજા

એક હંસો આવ્યો જગ્પુરમાં

(રાગ: માં અંબા તે રમવા નીસર્યા દેવી અન્નપુર્ણા)

હરે..એક હંસો આવ્યો જગપુરમાં પેઠો પુગદલમાં 

હે....એને લાગી જગતની લહેરી....હંસો આવ્યો જગપુરમાં

હરે...કામકાજ મોહરાજ મિત્રો બન્યા...આવ્યો જગપુરમાં

હે...એને તૃષ્ણા વળગી પટરાણી.....હંસો આવ્યો જગપુરમાં

હરે...આશા સાસુની ઓથમાં...આવ્યો જગપુરમાં

હે....એને અંતરમાં પ્રગતિ હોળી....હંસો આવ્યો જગપુરમાં

હરે...એતો ભાન ભૂલ્યો પોતાતણું ...આવ્યો જગપુરમાં

હે...એતો બન્યો તન તરીયાનો બેલ....હંસો આવ્યો જગપુરમાં

હરે...પરહિતકારી સંત જો મળે ...આવ્યો જગપુરમાં

હે...ચુંથારામ જીવનનો લાવે અંત....હંસો આવ્યો જગપુરમાં

એક જડ ચેતનની ગ્રંથી

(એક દિલ્હીના દરવાજે - તંબોળી વેચે પાન રાયજાદા)

એક જડ ચેતનની ગ્રંથી - પકડાયો જુનો જોગી રામલીલા 

એને જડમાં પ્રીતિ જાગી - નિજસ્વરૂપ ભૂલ્યો હરામી રામલીલા

એને સંતો બહું સમજાવે - મુરખાને ભાન ના આવે રામલીલા

એને કર્મો આડાં આવે - એને માયા મોહ ઉપજાવે રામલીલા

એને દેહમાં હું પદ આવે - એને આત્મા નહીં સમજાયે રામલીલા

એના સુક્ષ્મના વિચારો - તેને તે બંધનનો ભારો રામલીલા

તેને સદગુરુ પુરા મળે - ચુંથારામ કિસ્મત ફળે રામલીલા

એક સંત પુરુષ જગ માંહે

(એક દિલ્હીના દરવાજે - તંબોળી વેચે પાન રાયજાદા)

એક સંત પુરુષ જગ માંહે - માયાની ગાંઠ છોડાવે બોધ તાજા

અમૃતની વૃષ્ટિ થાયે - મનડાંનો મેલ ધોવાયે બોધ તાજા

બધી કામના છોડાવે - નિષ્કામી જીવ બનાવે બોધ તાજા

તત્વ જ્ઞાનથી સમજાવે - ભવ બંધનથી છોડાવે બોધ તાજા 

કર્મોનો મર્મ બતાવે - પછી નીડર બનાવે બોધ તાજા

અધિકારી સંતો આવે - ગર્ભવાસથી છોડાવે બોધ તાજા

આશા તૃષ્ણાને ત્યાગે - ચુંથારામ આનદ લાવે બોધ તાજા 

આશા તૃષ્ણાનો પાર ના આવે

(રાગ: ભજન કરો તાણ ભે મારી જાવે રામ રૂદિયામાં.......)

આશા તૃષ્ણાનો પાર ના આવે દરિયો તોલ્યો કેમ જાય.....

સદગુરુ...દરિયો તોલ્યો કેમ જાય...હું તો ભજન કરું ગુરુ તારાં

રાગ દ્વેષ ઈર્ષા ભાન ભુલાવે સંસાર ભ્રમણા થાય.......

સદગુરુ......સંસાર ભ્રમણા થાય......હું તો ભજન કરું ગુરુ તારાં

સંસાર સળગતી હોળીના જેવો સુખ દુઃખનો નહીં પાર....

સદગુરુ....સુખ દુઃખનો નહીં પાર...હું તો ભજન કરું ગુરુ તારાં

આશા તૃષ્ણાનો ઊંડો ઊંડો ખાડો કરોડે ના રે પુરાય....

સદગુરુ....કરોડે ના રે પુરાય.....હું તો ભજન કરું ગુરુ તારાં

સંકલ્પ વિકલ્પથી રહિત થયા વિણ ચુંથારામ નહીં સમજાય.....

સદગુરુ....ચુંથારામ નહીં સમજાય......હું તો ભજન કરું ગુરુ તારાં

વાસના છે દુઃખકારી જગતમાં

(રાગ: સાસરીએ નહીં જાઉં મા મને મહીયરીયાં ઘણાં વાહલાં)

વાસના છે દુઃખકારી જગતમાં વાસના છે દુઃખકારી

વિષયી જાળમાં માનવો ફસાયો 

નીકળવાની નહીં બારી જગતમાં વાસના છે દુઃખકારી

વિષયીજનોથી વેગળા રે રહેજ્યો

ચિત્રમાં ચૂક પાડનારી જગતમાં વાસના છે દુઃખકારી

પોતાનો ઉદ્ધાર પોતે જ કરવો 

ગુરુ શિક્ષા ઉર ધારી જગતમાં વાસના છે દુઃખકારી

આત્મ વિચારમાં લીન થઇ રહેવું 

વૈરાગે મનડાને વારી જગતમાં વાસના છે દુઃખકારી

અજ્ઞાનને લીધે અહંકાર બને છે

મારા તારાની ભૂલ ભારી જગતમાં વાસના છે દુઃખકારી

વિવેક વિચારના ઘરુડે આવી 

તૃષ્ણા સમર્પણ હારી જગતમાં વાસના છે દુઃખકારી

ઓમકાર બ્રહ્મનું ચિંતન કરીને 

ચુંથારામ ગુરુગમ ન્યારી જગતમાં વાસના છે દુઃખકારી

Wednesday, August 7, 2024

જ્ઞાની આડંબર ના કરે

(રાગ: સંગી વિનાની શી વાતડી - તાળાં ખોલી શું કરીએ)

જ્ઞાની આડંબર ના કરે - સહજ ભાવે ઉદાસી 

વાડા ઘેટાં-બકરાં તણા - જ્ઞાની સ્વયં પ્રકાશી 

કપુતનો સંગ થોડોય રગડે 

સંતપુરુષનો ઉપદેશ બગડે

દૂધમાં છાશનો છાંટો પડે - થાય દૂધની ખરાબી 

ભ્રાંતિ મટે તે છાનું કેમ રહે - આવે અમૃત વાણી 

મારા તારની અગ્નિમાં સળગે 

બીજાની અગ્નિ કેમ કરીને બુઝાવે 

ગુણ પ્રગટ્યા વિના જાણવું - જેવાં ઝાકળનાં મોતી

ક્ષણમાં ભાગી જાય ચુંથારામ એ તો જનમના રોગી  

જ્ઞાની ઇન્દ્રિય વગરનું સુખ અનુભવી રહ્યા રે

(રાગ: પેલા ચિયાના પગે મારું ઝાંઝર રે)

જ્ઞાની ઇન્દ્રિય વગરનું સુખ અનુભવી રહ્યા રે 

અજ્ઞાની ઇન્દ્રિયોના સુખમાં ડૂબી ડૂબી રહ્યા રે 

જ્ઞાની આખું જગત આત્મા રૂપે જોઈ રહ્યા રે 

અજ્ઞાની આખું જગત રાગ દ્વેષ રૂપે જોઈ રહ્યા રે 

જ્ઞાની પ્રાપ્ત થયેલ વસ્તુમાં સંતોષ માને છે રે 

અજ્ઞાની ઈર્ષા તૃષ્ણા લોભથી હેરાન થાય છે રે

જ્ઞાની આત્મા તીર્થ જ્ઞાન જળમાં સ્નાન કરે રે 

ચુંથારામ મોક્ષ સુખને જ્ઞાનીઓ જ જાણી શકે રે 

જાણી લ્યો આ હળાહર કળીયુગમાં રે

(રાગ: દ્વારિકાથી પ્રભુ આવિયા રે )

જાણી લ્યો આ હળાહર કળીયુગમાં રે 

ભક્તિ ભવસાગર તરવાનો ઉપાય છે......જાણી લ્યો આ........

નામના નિશાન જેને મળી ગયા રે 

સદગુરુ તારણહાર મારા વા'લા......જાણી લ્યો આ........

નામ ભણ્યો તે સર્વ ભણ્યો રે 

સકલ શાસ્ત્ર ને ચાર વેદ મારા વા'લા......જાણી લ્યો આ........

નામ મળે ગુરુ ઘાટથી રે 

સંતો તણો ઉપકાર મારા વા'લા......જાણી લ્યો આ........

નામ સમોવડ કોઈ નહીં રે 

નામે તર્યા પાષાણ મારા વા'લા......જાણી લ્યો આ........ 

નામ અનામમાં જઈ ભળે રે 

ચુંથારામ નામે તદાકાર મારા વા'લા......જાણી લ્યો આ........



વિષયોમાં પ્રેમ જીવનનું એ બંધન મોટું

(રાગ: કન્યા છે કાચની પુતળી રે કન્યા બાળ કુંવારી)

વિષયોમાં પ્રેમ જીવનનું એ બંધન મોટું

વિષયોનું મનમાંથી મૂળ કાઢો રે ત્યારે મોક્ષ કહેવાય

નિર્મળ સ્વચ્છ શરીર દિવ્ય હોય 

પવિત્ર કર્યોમાં પ્રવૃત્ત રહે ત્યારે મોક્ષ કહેવાય 

મનની વાસનાઓથી સંસાર બને છે 

જ્ઞાનાગ્નિથી વાસના બળે રે ત્યારે મોક્ષ કહેવાય 

સંસારિક ભોગો મિથ્યા કરી માને 

સાચી શાંતિ જયારે ચિત્ત ધારે રે ત્યારે મોક્ષ કહેવાય 

હ્રદયમાં આત્મ દેવનું ચિંતન કરવું 

ચુંથારામ સ્વરૂપે બની રહેવું રે ત્યારે મોક્ષ કહેવાય 

દેહનગરના દરવાજા

 (રાગ: ચિયાની બૈયરને હાથે મારી વીંટી રે)

દેહનગરના દરવાજા - દ્વારે દ્વારે તમાશા....જગની બાજી માંડી રે 

દરવાજાના ફજેતા.....જગની બાજી માંડી રે 

પાંચ કિલ્લા બંધાણા - ચાર ચૌટા ચિતરાણા....જગની બાજી માંડી રે 

મનવો જોકર લાલ સર....જગની બાજી માંડી રે 

ચાર-પાંચ ફેરિયા લુંટી ખાય - ચાર ચૌદશીયા તાણી જાય....જગની બાજી માંડી રે 

કાસલીયાં મોહનજી કારભાર....જગની બાજી માંડી રે 

સંત તણું શરણું જો સહાય - સદગુરુને શરણે જાય....જગની બાજી માંડી રે 

ચુંથારામ લળી લળી લાગે પાય....જગની બાજી માંડી રે  

દિલનાં દર્પણ ચોખ્ખાં કરવો

 (રાગ: નવાનગરથી બેસણી મંગાવો.........)

દિલનાં દર્પણ ચોખ્ખાં કરાવો - સોનાના થાળમાં મોતી ભરાવો

નમતા રહો રે નમતા રહો - સંતોને કંઇક પૂછતાં રહો 

સેવા કરીને સંતો રિઝવો -  દિલનાં દર્પણ ચોખ્ખાં કરાવો

ફૂલના હાર ને ફૂલના ગજરા - કંકુ ચંદનને પીળા ચોખલીયા

પાવલાં પખાળી ચરણામૃત પી જાવો - દિલનાં દર્પણ ચોખ્ખાં કરાવો

દુર્ગુણ ત્યાગ કરો સત્વનો ભંડાર ભરો

ચુંથારામ ઝટ કરી સદગુરુ મેળવો - દિલનાં દર્પણ ચોખ્ખાં કરાવો

Tuesday, August 6, 2024

એક ભમ્મર ગુફામાં રે .......ભયકારો દેખાય

(રાગ: લીમડે ઝાઝી લીંબોળી રે હાલક ડોલક થાય)

એક ભમ્મર ગુફામાં રે .......ભયકારો દેખાય 

જાણે લક્ષ સૂર્ય ઉગ્યા રે.....પ્રકાશ દેખાય 

અણુ અણુ ને પરમાણું  - સગળે સ્થુલે દરસાણું

સુત્રાત્માનોઉજીયાળો રે......પ્રકાશ દેખાય 

એક નામમાં અનામી રે.........સતસંગે સમજાય 

જયારે જ્ઞાની દ્રષ્ટિ ખુલે રે.........અરસ-પરસ દેખાય

જ્યાં જુઓ ત્યાં તેનો તે - સઘરે સ્થુલે એનો એ 

આત્મ દ્રષ્ટિથી નિહાળો રે.........પ્રકાશ દેખાય 

જેવી પુષ્પમાં સુગંધી રે........સમજણથી જણાય

જેમ કાષ્ટમાં અગ્નિ રે.........ઘર્ષણથી જણાય 

ભૂમિને નભ મંડળમાં - પવનમાં ને વૃષ્ટિમાં 

ચુંથારામ ગુરુગમથી સમજાશે રે...........પ્રકાશ દેખાય  

નામની નાગરવેલ

(રાગ: વાડીમાં રેલા રેલ રીંગણું ચોરી ને ગઈ)

એક નામની નાગરવેલ - વસ્તુમાં વીંટાઈ રહી

શબ્દોની વાણી બનેલ - નાભિમાં નોંધાઈ ગઈ 

નાનું-મોટું કોઈ નહિ - અંદર બાહિર થઇ

પાંચે તત્વોથી બનેલ - વસ્તુમાં વીંટાઈ રહી

નામ-રૂપ ગુણ નહીં - ઠંડો ગરમ નહીં 

લંબાઈ પહોળાઈ રંગ રેલ - વસ્તુમાં વીંટાઈ રહી

કદ - આકાર નહીં - નજરે દેખાય નહીં

ગગન મંડળમાં વસેલ - વસ્તુમાં વીંટાઈ રહી

રૂપે રૂપે આત્મા - જગત પરમાત્મા 

ચુંથારામ સ્વરૂપ સમરેલ - વસ્તુમાં વીંટાઈ રહી

 

જોઈ જોઈ પગલાં ભરજે પ્રાણી પવન ફૂંકાય છે

(રાગ: સાંભળ રે છબીલા છૈયા શિખામણ દઉં છું)

 જોઈ જોઈ પગલાં ભરજે પ્રાણી પવન ફૂંકાય છે

ડરી ડરી ડગ ભરજે પ્રાણી પવન ફૂંકાય છે

કડવી બોલી ના બોલીએ

કોઈનું દિલ ના દુભાવીયે 

નીતિ રીતી ધર્મે ચાલી અહંકાર મુકાય છે - જોઈ જોઈ પગલાં...

નિંદા સ્તુતી ના કરીએ 

દુરીજનોથી દુર રહીએ 

સત્યની સંગત મેળવવાથી મનના મેલ જાય છે - જોઈ જોઈ પગલાં...

અદકું ઓછું ના તોલીએ 

મશ્કરીઓમાં ના બોલીએ 

આત્મ ભાવે રહીએ ચુંથારામ સમદ્રષ્ટિ જળવાય છે - જોઈ જોઈ પગલાં...

Saturday, August 3, 2024

જેને સ્તુતિ કે નિંદા સમાન છે રે

(રાગ: સુણો સાહેલી વાત સતસંગની રે..)

જેને સ્તુતિ કે નિંદા સમાન છે રે 

જે કોઈ રાગ દ્વેષથી ઉપરામ છે રે - તેવા ભક્ત ભગવાનને નમસ્કાર છે રે 

આખી જીંદગી સંસારમાં વેડફી રે

બાકી રહે તે કલ્યાણમાં વાપરે રે - તેવા ભક્ત ભગવાનને નમસ્કાર છે રે 

ઘેર ગંગા આવી આળસુ નાહવા ના ઊઠે રે 

જ્ઞાની વૈતરું મુકીને ઝટ જાગશે રે - તેવા ભક્ત ભગવાનને નમસ્કાર છે રે 

જે શ્વાસ શરીરમાં આવ-જા કરે રે 

તે આવે કે ના આવે આત્મા ભાવ ભારે રે - તેવા ભક્ત ભગવાનને નમસ્કાર છે રે 

આત્મા ઓળખી આનંદ આનંદ કરો રે 

ચુંથારામ સારા પુરુષોની સંગત મેળવે રે - તેવા ભક્ત ભગવાનને નમસ્કાર છે રે 

મારા ઘટમાં ઘટ ગોવિંદની ગાદી રે

(રાગ: મારા માંડવે નાગર વેલ છાયી રે માંડવો....)

મારા ઘટમાં ઘટ ગોવિંદની ગાદી રે શામળો છુપાઈ રહ્યો 

ત્રણ ગુણ પર અજબ તમાશા સોહમ સોહમ બોલે રે 

હો.....મારી સુરતા સન્મુખ રહી ને ડોલે રે....શામળો છુપાઈ રહ્યો

ત્રિવેણી પર યમુના તીરે કદમ તરું ની છાંયે રે 

હો....ગોલકની ગોપી પડદા ખોલે રે....શામળો છુપાઈ રહ્યો

બ્રહ્મ સ્વરૂપે બ્રહ્માકારે નીર-નિરંજન સોહે રે

ચુંથારામના કંઠે આવી બોલે રે....શામળો છુપાઈ રહ્યો

શ્રી ગુરુ મહારાજ તમો પર વારી

 (રાગ: હરે રામ ગોવિંદ ગોપાલા)

શ્રી ગુરુ મહારાજ તમો પર વારી

વારી વારી શ્રી મન મોરારી રે ....... ગુરુ મહારાજ તમો પર વારી

પરબ્રહ્મ રૂપે અવિકારી

જગ જ્યોતિ સ્વરૂપ છબી ન્યારી....... ગુરુ મહારાજ તમો પર વારી

તમે નીર નિરંજન યોગી

તમે બ્રહ્મ સદનના ભોગી....... ગુરુ મહારાજ તમો પર વારી

તમે દુઃખભંજન ગુરુ દાતા

તમે અખંડ પરમ સુખ શાતા....... ગુરુ મહારાજ તમો પર વારી

તમે સત્ય સગુણ સ્વરૂપ 

ચુંથારામ દિશો છો અનુપ ....... ગુરુ મહારાજ તમો પર વારી

પ્રભુ બેલી રે પ્રભુ બેલી

 (રાગ: હાથી જોયો રે હાથી જોયો ...........)

પ્રભુ બેલી રે પ્રભુ બેલી અંત વેળાના પ્રભુ બેલી

મુકે ઠેલી રે મુકે થેલી સ્વાર્થ મટે કે સગાં મુકે ઠેલી

ભૂખ ના જોઈ ને દુઃખ ના જોયું

તળ્યું તળેલું મન મેલી અંત વેળાના પ્રભુ બેલી

તાપના જાણ્યો ને ટાઢ ના જાણી

તન કંપે થર થર વરસાદ હેલી અંત વેળાના પ્રભુ બેલી

ખાડા ખાબોચિયામાં પટકાઈ મરતો

એવી એવી રમતો ભોગવેલી અંત વેળાના પ્રભુ બેલી

હરિ ના ભજીયા ને વિખવાદ વધીયા

નથી તજાતી માયા ચીતરેલી અંત વેળાના પ્રભુ બેલી

ધરમ ના જાણ્યો ને મરમ ના જાણ્યો

ચુંથારામ રહો શીશ ગુરુચરણ મેલી અંત વેળાના પ્રભુ બેલી

કાળની ચક્કી ચલંતી કોઈ દેખજ્યો

(રાગ: હંસલા જાજે ગોકુળિયા ગામમાં)

કાળની ચક્કી ચલંતી કોઈ દેખજ્યો

ઘમ્મર ઘમ્મર ફરતી ને જીવ દાણા દળતી.....કાળની ચક્કી ચલંતી....

આકાશ - ભૂમિ બે પડીયાં ફરે ફૂંદડી

મધ્યમાં માયા રૂપે ફરે માંકડી.....કાળની ચક્કી ચલંતી....

સત્યનો ખીલો સંતો રહ્યા પકડી 

ચુંથારામ ગુરુશરણ બાંધી પ્રીતડી.....કાળની ચક્કી ચલંતી....

જે સુખ શરૂઆતમાં કષ્ટ જેવું લાગે

 (રાગ: કન્યા છે કાચની પુતળી રે કન્યા બાળ કુંવારી)

જે સુખ શરૂઆતમાં કષ્ટ જેવું લાગે 

પરિણામે અમૃત હોય રે......તે સુખ સાત્વિક કહેવાયે 

વે'લા ઊઠી ધાર્મિક ગ્રંથોનું અધ્યયન કરવું

ગુરુ સ્મરણ ઉપદેશ સાંભરવા રે......તે સુખ સાત્વિક કહેવાયે 

સ્મરણ મનન નિદિધ્યાસન કરવું

સંતોને શીશ નમાવવું રે......તે સુખ સાત્વિક કહેવાયે 

બોધ વચનોનું મંથન કરવું 

ચુંથારામ નિજ અનુસરવું રે......તે સુખ સાત્વિક કહેવાયે 

જેઓ મન કર્મ વચને પ્રભુ પરાયણ રહેશે રે....

(રાગ: મારા માંડવે નાગર વેલ છાઈ રે માંડવો .....)

જેઓ મન કર્મ વચને પ્રભુ પરાયણ રહેશે રે....તેને આત્મજ્ઞાન થાય

એક જ કલાક માળા ફેરવે ત્રેવીસ કલાક રખડે રે 

હો...માયાનાં મીઠાં મધ સુખ છોડે રે....તેને આત્મજ્ઞાન થાય

સગાં-વ્હાલાંની ખુશામતમાં ભાવનાં બંધન બાંધે રે 

હો...અમુલ્ય સતસંગનો સેવનારો રે....તેને આત્મજ્ઞાન થાય

લોકડીયાંનાં મહેણાં ટેણાં સહન કરતાં શીખે રે 

હો...કોઈનું અપમાન કરવું એ પોતાનું માને રે....તેને આત્મજ્ઞાન થાય

સર્વ સ્થુલે વ્યાપી રહેલો સમદ્રષ્ટિમાં દરશે રે 

ચુંથારામ જેના ચિતમાં આનદ વરસે રે....તેને આત્મજ્ઞાન થાય

ઘરના સંસારી વાતાવરણમાં ભજન સાધન થાય

 (રાગ: મારો માંડવો રઢીયાળો લીલી પાંદડીએ સોહાવ્યો મારા રાજ)

ઘરના સંસારી વાતાવરણમાં ભજન સાધન થાય 

તેમાં ચિતડું વારંવાર રોકાય

રજોગુણની રજ સાધક પર ઊડી ઊડી જાય 

તેથી આત્મ જ્ઞાનની પ્રાપ્તિ નવ થાય 

સત્વ ગુણોથી સંતોની સોબતમાં જો રહેવાય 

લોટ ફાકવો ને હસવું ભસવું કેમ થાય 

માનવો શરીરની અંદર મોટો ભયંકર રોગ

તેની આજ્ઞા પ્રમાણે ચાલે સર્વ લોક

બહું બોલવું ગમે, લોકો સારો કહે એવી ઈચ્છાય 

ચુંથારામ કહે કલ્યાણ ક્યાંથી થાય 


તન-મન-ધનના સ્વામી જીવરાજા

 (રાગ: મોનીબેનને સાંકળાં જોઇશે વરરાજા)

તન-મન-ધનના સ્વામી જીવરાજા

સ્વરૂપ ભૂલ્યા એજ ખામી જીવરાજા

દિન-દિન પ્રતિદિન આયુષ્ય ઓછું થાય છે

જો જો ના થાય નામની બદનામી જીવરાજા

લાભ હાની મારું-તારું જીવન પૂરું પાય છે 

વૃથા ઉમર કાઢી દુસંગ પામી જીવરાજા

સ્વરૂપ ભૂલ્યા એજ ખામી જીવરાજા

હરિ ભજનમાં આળસને અજ્ઞાન સતાવે

શી વળે થશે ચુંથારામ નામી જીવરાજા

સ્વરૂપ ભૂલ્યા એજ ખામી જીવરાજા

Wednesday, July 31, 2024

આ તો દુનિયા છે દરિયો બુદબુદા થાય

 (રાગ: અમે ભૂંડું ના ગઈએ હરિવર ચાલ્યાં)

આ તો દુનિયા છે દરિયો બુદબુદા થાય

લહેરો આવે તરંગો થાય સમાઈ જાય 

કંઇક આવે ને જાય - કંઇક નવા ઉદય થાય 

ભવસાગરના ખાડામાં બૂડી બૂડી જાય - આ તો દુનિયા......

લીલા પીળા રાતા શ્યામ - પાંચ તત્વોના કામ 

ઘમ્મર ફેરવે મન ભમરો તાણી તાણી જાય - આ તો દુનિયા......

માયા પવન ફૂંકાય - જરીયે સ્થિર ના રહેવાય 

ચુંથારામ સદગુરુ સમરો તો સુખમાં રહેવાય - આ તો દુનિયા......


ચાલો ચાલો સદગુરુ પાસ ઉતાવળ શીદને કરો છો

(રાગ: બેસો બેસો મંડપની માંહ્ય ઉતાવળ શીદ ને કરો છો)

ચાલો ચાલો સદગુરુ પાસ ઉતાવળ શીદને કરો છો 

સ્નાન-ધ્યાન-સેવાથી મનના મેલ કાઢો

પાત્ર થઇ બનો હોંશિયાર ઉતાવળ શીદને કરો છો

દર્પણ જેવું દિલ સાફ કરીલ્યો

ભટકતા મનડાને વાર ઉતાવળ શીદને કરો છો

શામ-દામ-શાંતિ-સહનતાને કેળવી 

કરવા વૈરાગ્યના વિચાર ઉતાવળ શીદને કરો છો

વિવેક વિચારને આગળ કરીને 

ચુંથારામ બનો તૈયાર ઉતાવળ શીદને કરો છો

સત્સંગી મંડળીમાં રંગ ભર્યો રંગ ભર્યો

(રાગ: ઊંચી ઊંચી વાદળીમાં રંગતાળી રંગતાળી)

સત્સંગી મંડળીમાં રંગ ભર્યો રંગ ભર્યો

સુરતામાં શ્રીકૃષ્ણ કાળો છે - મોહનજી મોરલી વાળો છે

કાયા કદમ ઝાડ છાંયે શામળિયો છાંયે શામળિયો 

વેણુંનો નાદ ગણો પ્યારો છે - મોહનજી મોરલી વાળો છે

ગોલોકની ગોપીયો ધીમી ધીમી ચાલતી ધીમી ધીમી ચાલતી

બેહદમાં રાસ રમનારો છે - મોહનજી મોરલી વાળો છે

અનહદના ઘાટમાં જુગથી છે ન્યારો જુગથી છે ન્યારો 

ચુંથારામ પ્રેમ પુરનારો છે - મોહનજી મોરલી વાળો છે

મનની મનમાં રહી જાય

 (રાગ: વેલવાળા વેલો શણગાર આજ મારે આરાસુર જાવું )

મનની મનમાં રહી જાય તેડાં થશે કિરતારનાં 

વાયદા ના ચાલે લગાર તેડાં થશે કિરતારનાં

ચિતડાના ચાળા તારા બંધ પડી જાશે

છોડવા પડશે ઘરબાર તેડાં થશે કિરતારનાં

માલ ને મિલકતમાં તારો જીવડો મૂંઝાશે 

સાથે ના આવે તલભાર તેડાં થશે કિરતારનાં

કર્મોનો વિપાક તારો વેઠી લેવો પડશે

વેદના થાશે અપાર તેડાં થશે કિરતારનાં

સુત વિત દારા કોઈ સાથે નહિ આવે

એકલા જાશો નિર્ધાર તેડાં થશે કિરતારનાં

તું તો હતો કોણ ને કોનો બની ચાલ્યો 

ચુંથારામ ભજો ભગવાન તેડાં થશે કિરતારનાં

સ્ત્રી છે ભયંકર બેડી છૂટે વિરલા કોક

(રાગ: અમે ભૂંડું ના ગઈએ હરિવર ચાલ્યા)

સ્ત્રી છે ભયંકર બેડી છૂટે વિરલા કોક

કુટુંબરૂપી કેદખાનું છુટે વિરલા કોક

અહંકાર રૂપી થાંભલો - તૃષ્ણારૂપી દોર

જીવરૂપી હથીડો ઘણું કરે જોર

માયારૂપી કાદવથી છુટે વિરલા કોક

સર્પદંશથી મનુષ્ય મરે એક વાર 

સ્ત્રી સર્પણી દંશથી જન્મે વારંવાર 

સ્ત્રીના મોહ-સ્નેહથી છૂટે વિરલા કોક

મનની આશક્તિ દેહને અંગારા સમાન

છૂટે આશક્તિ તો તો અમૃત સમાન

ચુંથારામ દેહાભિમાનથી છૂટે વિરલા કોક

Tuesday, July 30, 2024

બંધન મોક્ષ સુખ દુઃખ એ મનના રે ધર્મો

(રાગ: કન્યા છે કાચની પુતળી રે કન્યા બાળ કુંવારી)

બંધન મોક્ષ સુખ દુઃખ એ મનના રે ધર્મો

આત્માને બંધન મોક્ષ ના હોય રે આત્મા નિત્ય છે મુક્ત

સંસારની જાળમાં મન ફસાઈ રહ્યું છે

પોતાનું રૂપ જીવડો ના જાણે રે આત્મા નિત્ય છે મુક્ત

પોતાનું સ્વરૂપ જો જાણવું હોય તો 

વિષયોને વિષ તુલ્ય માનજો રે આત્મા નિત્ય છે મુક્ત

વિષયી મનુષ્યોનો સંસર્ગ તાજજો

ચુંથારામ ગુરુ માર્ગ અનુસર્જ્યો રે આત્મા નિત્ય છે મુક્ત

જેમ મડદું ચાલી શકે નહીં

 (મારા આંગણે ખાજુરીનો છોડ)

જેમ મડદું ચાલી શકે નહીં - અજ્ઞાનીને બ્રહ્મજ્ઞાન નહીં

જ્ઞાની નીરખે પોતાનું સ્વરૂપ આનંદની મસ્તીમાં રહી 

અજ્ઞાની ભૌતિક પદાર્થે રીઝાય 

ફાંફાં મારે આનદ ક્યાંથી દેખાય

આનંદ તો અંતરમાં હોય - અજ્ઞાનીને બ્રહ્મજ્ઞાન નહીં

તપેલી રેતીમાં મૃગજળ શોધવા જાય

દોડી દોડી મરે હેરાન હેરાન થાય

મૂરખજન શ્વાનની પેઠે દોટમદોટા કરી મરે રે ...જેમ મડદું..... 

રાગદ્વેષ છોડે તો અહંકાર જાય 

અહંકાર જાય શિવ સ્વરૂપ જ થાય 

ચુંથારામ સદગુરુની કૃપાથી સ્વરુપતો મળી જશે રે...જેમ મડદું..... 

તું કોણ ને કોને વળગ્યો

 (રાગ: મારી કંઠી પરોવી સેર તૂટી રે વાડીના વનમાં લુંટી)

તું કોણ ને કોને વળગ્યો રે - મૂળ તપાસી જો તારું 

તું ચેતન જડને વળગ્યો રે - મૂળ તપાસી જો તારું 

આખો સંસાર મનની કલ્પનાને 

મન મિથ્યા નિરાકાર જેવું રે - મૂળ તપાસી જો તારું

મુર્ખ મનુષ્યોનું મન ઇન્દ્રિય ગામી

ભોગ વિલાસમાં ભટકાવે રે - મૂળ તપાસી જો તારું

મૃગજળ જેવા સંસારના વૈભોગો 

તરસ છીપે નહીં ને શાંતિ ક્યાંથી આવે રે - મૂળ તપાસી જો તારું

માટે હ્રદયમાં આત્મ ચિંતન કરવું

ચુંથારામ નિજ સ્વરૂપ નિહાળો રે - મૂળ તપાસી જો તારું

જગત પ્રત્યેની પ્રીત ગયા વિણ ભક્તિ ક્યાંથી માનીએ

(રાગ: મેં તો જાણ્યું કે વેવાઈ મજીયાં રે લાવશે)

જગત પ્રત્યેની પ્રીત ગયા વિણ ભક્તિ ક્યાંથી માનીએ

અંતરમાં વૈરાગ્ય વિના નહીં જ્ઞાન રે જંજાળી જીવડા........

        આશક્તિના અંકુળ તારા મૂળથી ઉખેડી નાખ જે  

નાશ વાળી વસ્તુ પાછળ શીદને દોડી જાય છે

સાચા સંગે જીવન ઉજ્જવળ થાય રે જંજાળી જીવડા........

        વાસનાના અંકુળ તારા મૂળથી ઉખેડી નાખ જે 

સદગુરુના સંગે રહીને અનુભવ વસ્તુ વહોરજે 

નિજ સ્વરૂપે ચુંથા ચિંતા છોડ રે જંજાળી જીવડા........

        સંશયોના અંકુળ તારા મૂળથી ઉખેડી નાખ જે

મારી સુરતા છબીલી રાસ ખેલતીતી

 (રાગ: આજ ધન્ય ઘડી ને ધન્ય રાતલડી)

મારી સુરતા છબીલી રાસ ખેલતી'તી

બ્રહ્મકારે બ્રહ્માંડની માંહ્ય  રસીલી રાસ ખેલતી'તી

આત્મ રામનાં જીલણાં જીલતી'તી 

શૂન્ય શિખરના મંદિર માંહ્ય રસીલી રાસ ખેલતી'તી

લીલા-પીળા તત્વોના તાર ગૂંથતી'તી

ઓહ્મ-સોહમની સીડીએ ચઢતી રસીલી રાસ ખેલતી'તી

જ્ઞાન ગોળા ગુલાબી ઉછાળતી'તી

ભમ્મર ગુફામાં બ્રહ્મ જ્યોત જોતી રસીલી રાસ ખેલતી'તી

નિજ નામે અનામમાં રમતી'તી

ચુંથારામ સ્વરૂપે ચિતધારી રસીલી રાસ ખેલતી'તી


Monday, July 29, 2024

બંદા દર્પણમાં શું જુઓ રે ગુણનો ભર્યો ઘાટ

(રાગ: ભમર ભોળીનો સાહ્યબો રે મારો સાહ્યબો સુબેદાર)

બંદા દર્પણમાં શું જુઓ રે ગુણનો ભર્યો ઘાટ

 નિજ નામે પાપ ધુઓ રે ગુણનો ભર્યો ઘાટ

બંદા આંખોમાં અંગારા રે ગુણનો ભર્યો ઘાટ

ક્રોધે ચંડાળના ચાળા રે ગુણનો ભર્યો ઘાટ

બંદા મગરૂબીનાં મુખડાં રે ગુણનો ભર્યો ઘાટ

બંદા મોહનાં વાંચો દુખડાં રે ગુણનો ભર્યો ઘાટ

બંદા અક્કડ ફક્કડ દેખો રે ગુણનો ભર્યો ઘાટ

ચુંથારામ રજો પેખો રે ગુણનો ભર્યો ઘાટ

જેવા જીંદગીના વિચાર

 (રાગ: ઊંચી સ્વરૂપ કેરી જ્યોત મંદિર ગ્યાતાં મંદિર.....)

જેવા જીંદગીના વિચાર; તે સામા આવે સામા, જવાનું નક્કી જાણજે 

હોય જો આત્માના વિચાર; તે સામા આવે સામા જવાનું નક્કી જાણજે

વૃદ્ધપણામાં સ્વાર્થી સગાં જીવનો ભાવ ના પૂછે 

ભજન સાધન ભરો ભંડાર; તે સામા આવે સામા, જવાનું નક્કી જાણજે

પ્રેમને વિનયથી સદગુરુ પ્રસન્ન થાય છે

અંતરમાં ભાવ ભલા રાખ; તે સામા આવે સામા, જવાનું નક્કી જાણજે

છિદ્રો વાળા ઘડામાં જરીએ પાણી ના ટકે

ચુંથારામ અધિષ્ઠાન ધારો ધ્યાન; તે સામા આવે સામા, જવાનું નક્કી જાણજે

સંસાર બળતા ભડકા જેવો લાગે

(રાગ: કન્યા છે કાચનું પુતળું રે કન્યા બાળ કુંવારી)

સંસાર બળતા ભડકા જેવો લાગે

વ્હાલાં દુશ્મન જેવાં લાગશે રે ત્યારે જ્ઞાન જ થાશે

ઘરમાંથી મમત્વ નીકળી રે જાશે

સતસંગમાં દ્રઢ ભાવ થાશે રે ત્યારે જ્ઞાન જ થાશે

દુર્ભાગીજનને સગાંનો સંગ ગમશે

વિષયોમાં પ્રીતડી ના રહે રે ત્યારે જ્ઞાન જ થાશે

સંસારનું વૈતરું મારતાં સુધી તાણ્યું

સંતોની વાણી હ્રદયે ધરાં રે ત્યારે જ્ઞાન જ થાશે

સ્વાર્થવાળા માર્ગ અવળો બતાવે 

ચુંથારામ ચેતી ચેતી ચાલશો રે ત્યારે જ્ઞાન જ થાશે 

સાચું તીરથ સંત સદગુરુ છે

 (રાગ: બાળા જોબનનો માંડવો રોપ્યો રે)

હો ભાઈ.....સાચું તીરથ સંત સદગુરુ છે

જ્ઞાન ગંગાનાં સ્નાન.....સાચું તીરથ સંત સદગુરુ છે

હો ભાઈ.....હજારો વરસ નદીએ નાહી વળો રે

સાચું નહીં રે સમજાય.....સાચું તીરથ સંત સદગુરુ છે

હો ભાઈ....સ્નાન, દાન, તપ, શુદ્ધિ કારણે રે

જ્ઞાનથી જ મોક્ષ થાય.....સાચું તીરથ સંત સદગુરુ છે

હો ભાઈ.....સકળ ઈન્દ્રીઓ જેણે વશ કરી રે 

તેને જાગ્રતિ થાય.....સાચું તીરથ સંત સદગુરુ છે

હો ભાઈ.....પ્રેમ પૂર્વક વિનય દાખવે રે 

ચુંથારામ ભાવ ભળાય.....સાચું તીરથ સંત સદગુરુ છે

કાલે કાલે કરતાં તારું આયુષ પૂરું થાય છે

 (રાગ: રાંધ્યાની રસોઈઓ મારાં મેનાબેનને સોપજ્યો)

કાલે કાલે કરતાં તારું આયુષ પૂરું થાય છે

આટલું તો કરી દઉં....બીજાનું પડાવી લઉં

એવાને વિચારે તારું આયુષ પૂરું થાય છે.

ગડબડતા ગોથાંમાં તારું આયુષ પૂરું થાય છે

બંગલા બંધાવી લઉં.....છોકરાં પરણાવી લઉં

એવાને વિચારે તારું આયુષ પૂરું થાય છે.

ખદબદતી બોલીમાં તારું આયુષ પૂરું થાય છે

પારણીયાં બંધાવી દઉં.....દીકરાના દીકરા રમાડી લઉં

એવાને વિચારે તારું આયુષ પૂરું થાય છે.

ચુંથારામ ચેતીલે ચિતમાં આયુષ પૂરું થાય છે.

અમે પાંચના ભેરુ જય સીતારામ

 (રાગ: અમે ભૂંડું ના ગઈએ હરિવર ચાલ્યાં)

અમે પાંચના ભેરુ જય સીતારામ 

મારું રૂપ અનેરું જય સીતારામ

અમે ગગનગામી....અમે ત્રિલોક સ્વામી

અમે હંસ પંખેરું જય સીતારામ

પરમાનંદના છોરું જય સીતારામ

અમે જ્ઞાન સ્વરૂપ....નિજ નામે અરૂપ

આવે સુરતને લેહેરું જય સીતારામ

અમે બ્રહ્મના ભોગી જય સીતારામ

અમે લક્ષ ગામી....અમે અંતર્યામી 

ચુંથારામ દેહ છે દેરું જય સીતારામ


ક્ષય રોગ જેવો મોટો રોગ જ નહીં .....

(રાગ: એક પરદેશી મેરા દિલ લે ગયા......)

ક્ષય રોગ જેવો મોટો રોગ જ નહીં....દુષ્ટ પુત્ર જેવું મોટું દુઃખ જ નહીં 

વિષય અંધ જેવો કોઈ આંધળો જ નહીં....ક્રોધ જેવો ભયંકર અગ્નિ જ નહીં

                    વિનાયોને છોડી મૈત્રી ઉખેડી

                    પાપમય વચનો મુખ થાકી બોલે 

કલેશ વધારે કીર્તિ કાપી દઈ.....દુષ્ટ પુત્ર જેવું મોટું દુઃખ જ નહીં 

                    જેમ લાભ થાય તેમ લોભ વધે છે

                    મનુષ્યને ચિત્તમાં દુષ્ટતા વધે છે 

વિવેક તજાવે ચુંથારામ સ્વાર્થી થઇ....દુષ્ટ પુત્ર જેવું મોટું દુઃખ જ નહીં 

Saturday, July 13, 2024

સાંભળ રે શરીરના રાજા ચેટકચાળા મેલજે

 (રાગ: રાંધ્યાની રસોઈઓ મારાં મેનાબેનને સોપજ્યો)

સાંભળ રે શરીરના રાજા ચેટકચાળા મેલજે 

સતચિત આનંદ રૂપ જ તારું અહમબ્રહ્માસ્મિ બોલજે 

            શ્રવણ મનન નિદિધ્યાસન થાય

            કુસંસ્કારો બળી જાય 

વાસનાના અંકુર તારા મૂળથી કાઢી નાખ જે........સાંભળ રે શરીરના રાજા.......

            તમામ પ્રકારની ચિંતા જાય 

            ત્યારે આત્મ લાભ જ થાય 

સત સમાગમ શોધી લઈને મહાપુરુષને સેવ જે........સાંભળ રે શરીરના રાજા.......

            સત પુરુષોમાં રાગ દ્વેષ જ નહીં 

            પત્થરમાં જેમ પાણી નહીં

મનના ધર્મો વિષયોની ઈચ્છા પડી મેલ જે........સાંભળ રે શરીરના રાજા.......

            આશા તૃષ્ણા જીવ સ્વભાવ 

            પ્રમાદ વિશાદ દુષ્ટ ભાવ

સત શાસ્ત્રોના શ્રવણ મનનથી દાસ ચુંથા ચેત જે........સાંભળ રે શરીરના રાજા.......

આતો હિરો મોંઘા મુલનો

(રાગ: દિવડો મેલ્યો સામા ઓરડે ચારે દેશે અજવાળું)

આતો હિરો મોંઘા મુલનો - તમને ક્યાંથી રે જડીયો.....

અમારે ગગનમાં સદગુરુજી - તેમના ત્યાંથી મોકલીયો...

કરોડોની કિંમતે ના મળે  - તમને સહેજમાં મળીયો.....

તન, મન, ધન, શિશ સમર્પ્યા - ગુરુએ અમર કરિયો....

તમને મળ્યો અમને લાભ થયો - હરખે સતસંગ કરશું....

નામ નાણાની પરખ કરી - પાણી સ્વીકારી લઈશું....

ત્રણે ભુવન સાત દ્વીપ મળે - ના'વે નામને તોલે 

નામ સમોવડ કોઈ નહિ - ચુંથારામ સત્ય બોલે 

Monday, June 24, 2024

હમણાં મારે આવ્યું ભાન

 (રાગ: મારે માથે ગુરુજીની શીતળ છાયા)

હમણાં મારે આવ્યું ભાન - સમ્યક રીતે જાણો ભગવાન 

અહંબ્રહ્મ સર્વે જાણ્યું - શ્રુતિનું વાક્ય પ્રમાણ્યું 


સર્વમાં વ્યાપક સર્વથી ન્યારો 

આકાશ વૃત્ત આત્માનાં નિશાન - સમ્યક રીતે જાણો ભગવાન


પ્રત્યક્ષ આત્મા હું પરિબ્રહ્મ 

સત્ય સ્વરુ સદા દેખો નિદાન - સમ્યક રીતે જાણો ભગવાન


હું વિણ ઠાલો ઠામ નહીં કોઈ 

સર્વ નિરંતર હું યજમાન - સમ્યક રીતે જાણો ભગવાન


અનંત પ્રભુ સાગર લહેરે ચઢ્યો 

ચુંથારામ સર્વે જગ બ્રહ્મ સમાન - સમ્યક રીતે જાણો ભગવાન

તુમ દેખ ચલો મેરે ભાઈ

 (રાગ: દયા ધરમ નહીં મનમેં, મુખડા ક્યા દેખો દર્પનમે)


તુમ દેખ ચલો મેરે ભાઈ, ચીડિયા ખેત ગયે સબ ખાઈ 


દિલકી અંદર ખોજ કરીલે કયા કરે ચતુરાઈ 

મન મરઘલો, પચ્ચીસ મરઘલી ફૂટતા અંકુર ખાઈ રે ગુરુ ખાઈ.....તુમ દેખ ચલો


બિન આકાર અજ્યોત નિર્મલ દ્રષ્ટિમેં આવત નાહી

સુખ સાગર રત્નાકર જ્યોતિ ઝીલમીલ ઝીલમીલ હોતી રે ગુરુ હોતી....તુમ દેખ ચલો 


કાયા માયા શીશ સમર્પણ ગુરુ ચરણ કે માહી

ચુંથારામ તન ક્ષેત્ર માંહી અક્ષરાતીત અનાદી રે ગુરુ અનાદી......તુમ દેખ ચલો

નિજ સ્વરૂપ વિષે ચિત્તધારી

(રાગ: મને કૃષ્ણ શરણ ધૂન લાગી)

નિજ સ્વરૂપ વિષે ચિત્તધારી - સતસંગત કરીલે પ્યારી

મનથી મમતા નિવારી - હરિભજન કરો સુખકારી 

સોહમ્ શબ્દકી સમતા - સમજીલે રામજી રમતા 

સબ ખટપટ દુર પરાઈ - સબ પાપ તાપ જલ જાઈ 

નિત દરસ-પરસ ચિત્ત હોયે - મન મગન રહે દુઃખ ખોયે 

અહંતા-મમતાને ત્યાગી - ચુંથારામ રહો આત્મ અનુરાગી 

આત્મ મનન કેવી રીતે કરીએ

(રાગ: ચોળે બેઠા મારા સસરોજી ભમરજી હી રાય........)

આત્મ માનન કેવી રીતે કરીએ હો સદ્ગુરુ મહારાજ 

દયા કરી બતાવો આત્મા મને શિરતાજ 

અહંમાત્મા પરમાત્મા આત્મ મનનમાં એહ જ નામ 

દેહ તણો જે સાક્ષી કહીએ તે સમજણમાં કામ 

પ્રકૃતિ પુરુષ કો જેહ સોહંઆત્મા કહીએ તેહ 

અનંત નિરંજન જ્ઞાન સ્વરૂપે સ્વયંપ્રકાશી જેહ

આત્મા સોહમ્ અખંડપૂરણ પિંડબ્રહ્માંડે બ્રહ્મ 

બ્રહ્મ સ્વરૂપે તે બ્રહ્મમાં રમે ઊપજે ને થાયે રામ

વિશ્વ સર્વ એ પ્રકાશ બ્રહ્મનો બીજો નહીં આભાસ 

ચુંથારામ સદગુરુ સમજાવે આત્માનો પ્રકાશ  

ભલે આવે આપત્તિ, ભલે આવે વિપત્તિ

 (રાગ: નીરખો રૂપ ગોવિંદ કે કિશન બલદેવ કો)

ભલે આવે આપત્તિ, ભલે આવે વિપત્તિ - સંતો સ્વરૂપે રહેતા રે.....

ગુણ દોષ રુદેથી તજે, આત્મા જાણીને ભજે - સંતો સ્વરૂપે રહેતા રે.....

શત્રુ, મિત્ર નહીં જેને સમદર્શી કહીએ તેને - સંતો સ્વરૂપે રહેતા રે.....

આત્મ મનન એમ જ કરે, દેહ ભાવ બધો વિસરે - સંતો સ્વરૂપે રહેતા રે.....

દેહભાવ રહિત આત્મારામ, તૃષ્ણાનું ત્યાં નહિ કામ - સંતો સ્વરૂપે રહેતા રે.....

ભાવ-અભાવ રહિત જે હોય, ચુંથારામ નજરે જોય - સંતો સ્વરૂપે રહેતા રે.....  

Wednesday, June 12, 2024

સંસારના રસમાં ને વિષયોના વશમાં

 (ચંદન તલાવડી રોકી રે મારે વા'લે........)

સંસારના રસમાં ને વિષયોના વશમાં

જીંદગી તો ખાલી ચાલી જાય છે રે....વાલમજી રે આ....

વિષયોના વાયરા મનને મુઝવતા......

ચિંતામાં ચિત્ત ઊડી જાય છે રે....વાલમજી રે આ....

મનના વિચારો સંસારે દોડી જાય છે..........

ખાલી બકવાસ વધી જાય છે રે....વાલમજી રે આ....

શ્રવણ મનનમાં મનડું રિસાય છે......

બુદ્ધીનું બળ ઘટી જાય છે રે....વાલમજી રે આ....

સંતોની શાનમાં ને ગુરુજીના જ્ઞાનમાં.........

ચુંથારામ ચિત્ત પકડાય છે રે....વાલમજી રે આ....

મને ગુરુજીની જુગતી ગમતી રે....

(રાગ: મને નશો ચઢ્યો રામ નામનો રે....)

મને ગુરુજીની જુગતી ગમતી રે....

મારા હૈયા ખુલ્યાને વૃત્તિ જાગતી રે......મને ગુરુજીની જુગતી ગમતી રે....

મેં તો જગની માયા મેલી સરકતી રે......

મને સંતોની સોબતો ફાવતી રે......મને ગુરુજીની જુગતી ગમતી રે....

મારે વસ્તુ બોલ્યાની નાભી દીસતી રે......

નાના મોટાની સમતા મળી જતી રે......મને ગુરુજીની જુગતી ગમતી રે....

બહાર અંદર સુરત છબી ઓપતી રે......

ચુંથારામ ગુરુજી બતાવે ગતિ મોક્ષની રે...મને ગુરુજીની જુગતી ગમતી રે....

Monday, May 20, 2024

ગુરુજીના જ્ઞાને વીરા સમજીને રહેજ્યો

(રાગ: કાલ તમારી સાસુજીના જમાઈ રે )

                ગુરુજીના જ્ઞાને વીરા સમજીને રહેજ્યો

અંતરથી એક્તાઓ જોઈએ...........મોજીલા માનવા સમજીને રહેજ્યો 

                મારું ને તારું તેતો જગલાંને સોપજ્યો

પોતે પોતામાં ચિત્તને જોડી રે...........મોજીલા માનવા સમજીને રહેજ્યો 

                ચિંતા ને ચીવટ જગની વિસારી મેલજ્યો

જડ ચેતનને જુદા પાડી રે...........મોજીલા માનવા સમજીને રહેજ્યો 

                લાભને હાની તેતો જગલાંના ધર્મો

તું તો અવિનાશી પદનો વાસી રે...........મોજીલા માનવા સમજીને રહેજ્યો 

                માન-અપમાન તુજને જરીએ ના લાગે

ચુંથારામ છો નિરાકાર અભ્યાસી રે...........મોજીલા માનવા સમજીને રહેજ્યો 

જીવ જોઇલે દુનિયાદારી

(રાગ: જેવો તેવો પણ તારો પ્રભુ હાથ પકડ મારો)

જીવ જોઇલે દુનિયાદારી - મિથ્યા જગતની યારી

જીવ સાગર છે ભયકારી - નીકળવા ના જડે બારી

પ્રભુ કૃપા કરીલ્યો તારી - મિથ્યા જગતની યારી

જીવ શીદ મરે કુટાઈ - છે આ સ્વારથની સગાઇ 

નથી દુન્યવી મિલકત તારી - મિથ્યા જગતની યારી 

જેને માટે રખ રખ કરતો - દિવસ રાત જરા નથી જપતો

તેના દિલમાં તારી ખુંવારી - મિથ્યા જગતની યારી 

તું તારું ભૂલ્યો ભાઈ તને - સમજણ કાંઈ ન આવી

રહો ચુંથારામ નિજ નિહારી - મિથ્યા જગતની યારી 

Saturday, May 18, 2024

સજીએ સદગુરુની શાન

(રાગ: મારા જીવન કેરી નાવ તારે હાથ સોંપી છે)

સજીએ સદગુરુની શાન...........તજીએ માન ને ગુમાન

                અહંતા, મમતા ત્યાગ કરીને મનકી મટકી ફોડીએ 

ભજીલે ભવતારણ ભગવાન...........તજીએ માન ને ગુમાન

                કરમ-ભરમના મોહ જંજાળો ગુરુના શબ્દે તોડીએ 

કરીએ નિજ સ્વરૂપનું ભાન...........તજીએ માન ને ગુમાન

                એકરૂપ જગ વ્યાપક ભરપુર અનુભવ આંખે દેખીએ 

અહંકાર આંઠે રહ્યો ભગવાન...........તજીએ માન ને ગુમાન

                શોધ કરીલે દિલની અંદર તનનો તાપ મિટાવી દે 

ચુંથારામ ગ્રહી લઈએ ગુરુ જ્ઞાન...........તજીએ માન ને ગુમાન

મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

(રાગ: સાચું મોતીડું મારું મોંઘુ મોતીડું)

                મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

ઓચિંતાં તેડાં થશે જંજાળીયા.........મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

                દ્રષ્ટિના દોષ તો ભોગવવા પડશે

નયનોનાં નખરાં નડશે જંજાળીયા.........મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

                દુ:સંગ ત્યાગજે ને સતસંગ રાખજે 

હરખે હરિના ગુણ ગાજે જંજાળીયા.........મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

                સદગુણ શોધી ગાડાં ભરી લાવજે 

દુર્ગુણથી દુર તું રહેજે જંજાળીયા.........મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

                ભજન સતસંગમાં વહેલો વહેલો આવજે 

ચુંથારામ ગુરુશરણ રહેજો જંજાળીયા.........મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

દેહ તો છોડીને જાવું પડશે જીવરામભાઈ

(રાગ: મેનાબેનને દામણી જોઈશે વરરાજા)

દેહ તો છોડીને જાવું પડશે જીવરામભાઈ

કર્મોનો વિપાક લેવો પડશે જીવરામભાઈ

કાઈક, વાચિક માનસિકથી જે-જે કર્મો થતાં

તે તણો હિસાબ દેવો પડશે જીવરામભાઈ

કાયાથી કોઈ હિંસા થાય, મનથી કોઈનું દિલ દુભાય

વાણીમાં બોલેલું સામું મળશે જીવરામભાઈ

નીતિ અનીતિ સામે જુઠા જે-જે વર્તન થાતાં

ચોખ્ખે ચોખ્ખો હિસાબ દેવો પડશે જીવરામભાઈ

સાચાને મળશે સંપતિ ને જુઠાને મળશે જૂતાં

ચુંથારામ એ ચોખ્ખું ચકમક ઝરશે જીવરામભાઈ


મેં ભમ્મર ગુફા કા યોગી

 (રાગ: હું શામની વિજોગણ મુજને ના સતાવો રે)

મેં ભમ્મર ગુફા કા યોગી - મેરા નામ અનામી હૈ

મેં નિજ પદ કા સંયોગી - મેરા નામ અનામી હૈ 

મેં એક અનંત કહાવે - સતનામ હમારા હોવે

મેં વ્યાપક દર્શન દેવે - મેરા નામ અનામી હૈ

મેં સબમેં, સબ હૈ મુજમે- મેં સબસે ન્યારા જગમેં 

મેં સતચિત આનંદ ઉરમેં - મેરા નામ અનામી હૈ 

મેં ખંડન-મંડન નાહી - મેં સ્થિર અચલ કછુ નાહી 

ચુંથારામ સ્વરૂપ કે માહી - મેરા નામ અનામી હૈ 

કોણ કરે કર્મોનો કેર શિવ શિવ બોલીએ

(રાગ: જાગો તમે જદુપતિનાથ એક વાર નયનો ખોલીએ)

કોણ કરે કર્મોનો કેર - શિવ શિવ બોલીએ 

અણમોલી જિંદગી મોજાર - શિવ શિવ બોલીએ

                    મનના તોરંગડાને નાથી નચાવીએ

કરીએ વૈરાગ્ય વિચાર - શિવ શિવ બોલીએ 

                    સતસંગી તેડીએ ને જ્ઞાન ઘોડા ખેલીએ 

શ્રદ્ધા વિવેક ધરી પ્યાર - શિવ શિવ બોલીએ

                    લોકલાજ અવર કાજ વિસારી મેલીએ 

શાંતિ ધીરજ ધરી શણગાર - શિવ શિવ બોલીએ 

                    દિલડાંમાં રીજીએ ને દુસંગજોઈ ખીજીએ 

કરીએ આત્માના વિચાર - શિવ શિવ બોલીએ 

                    ભજન કીર્તનમાં નિશદિન જાગીએ 

ચુંથારામ સ્વરૂપે ચિત વાર - શિવ શિવ બોલીએ  

Friday, May 17, 2024

કર્યા કરમ કુટાળા

 (રાગ: લાડી લાડાને પૂછે મોટી શે'ર બંગલા રે)

કર્યા કરમ કુટાળા..... માવો ક્યાંથી મળશે રે 

ભર્યા ચિતમાં ઉચાળા..... માવો ક્યાંથી મળશે રે 

મુખે જપે માનવો રામ.....કરે નીચાં કામ.... માવો ક્યાંથી મળશે રે.

પર પ્રાણ દુભાવી.....ભેગા કરે દામ.....માવો ક્યાંથી મળશે રે 

તન ગોળાંને કર્મો છે કાળાં.....માવો ક્યાંથી મળશે રે 

ગરીબોને ગક્લાવ્યા......માવો ક્યાંથી મળશે રે 

ચુંથારામ છોડીદયોને ચાળા....માવો ક્યાંથી મળશે રે 

મન મેળાપીને મનની કરીએ વાતો

(રાગ: ઝીણું છેક ફદિયું ગોકુળ ગામ મોકલાવો રે...)

                    મન મેળાપીને મનની કરીએ વાતો રે.....

સદબોધ લીધો, પ્રેમ રસ પીધો....નિજમાં નિજ સમાતો રે.....

                    અંતરયામી ઘટમાં બેસી ગાતો રે.......

નયનમાં નીરખ્યો....શ્રવણમાં પારખ્યો.....અનહદમાં વર્તાતો રે.....

                    જ્યાં જોઈએ ત્યાં એનો એ જ જણાતો રે....

પવનનો ચરખો....માપમાં સરખો......દ્રષ્ટા ઝગમગ થાતો રે.....

                    અક્ષર દેહે નિજ નામે ઓળખાતો રે........

બાવન બા'રો.......ચુંથારામ ન્યારો......ગુરુગમથી સમજાતો રે..... 

એક ભર્મે ભૂલેલા જીવને સંતો સમજાવે કરી પ્યાર

(રાગ: મારો માંડવો રઢીયાળો લીલી પાંદડીએ સજાવો......)

એક ભર્મે ભૂલેલા જીવને સંતો સમજાવે કરી પ્યાર........

તો...એ મુરખો સમજે નહિ રે લગાર......

ત્રીવીધીના તપો માંહે દીઠો માયાનો માર.........

 રસાસ્વાદે મચ્છ બન્યો તદાકાર.....

ભવસાગરના ઊંડા ખદબદતા કુવાની પડથાર........

ભમર બનીયો સુંઘી કુવાની વરાળ.......

ભાન ભૂલ્યો ને અવસાન આવીને ઉભું છે બહાર.....

ચુંથારામ સમરો સદગુરુ કરશે બહાર.....

રામ ઝરુખે જોઈ રહ્યા છે

રામ ઝરુખે જોઈ રહ્યા છે દેહમાં શું લોભાય...જીવડા દેહમાં શું લોભાય

હાડ માંસ ને પરુ ભર્યું છે તેમાં શું લલચાય.....જીવડા તેમાં શું લલચાય 

દેહના લાલન પાલનમાં રહ્યો આયુષ્ય એળે જાય.....જીવડા આયુષ્ય એળે જાય

આવ્યો'તો તું લાભ જ લેવા ખાલી હાથે જાય.....જીવડા ખાલી હાથે જાય

સાહેબના દરબારમાં રજ રજનાં લેખાં થાય.....જીવડા રજ રજનાં લેખાં થાય 

કર્યા કરમના પોટલાનો લીધો શિર પર ભાર....જીવડા લીધો શિર પર ભાર

સત્યનું સ્મરણ ના કર્યું ને કર્મોમાં કુટાય......જીવડા કર્મોમાં કુટાય 

કહે ચુંથારામ સ્નેહથી તું તારામાં તપાસ.....જીવડા તારામાં તપાસ 

દુરીજનીયાંથી દુર રહીએ

(રાગ: આવશે એ અલબેલોજી અંતકાળે)

દુરીજનીયાંથી દુર રહીએ - આપણે તો ભજનમાં રહીએ

        ભજનમાં રહીએ ને સતસંગ કરીએ 

પર નિંદા પરહરીએ - આપણે તો ભજનમાં રહીએ

કજીયો કંકાસ ના કરીએ - આપણે તો ભજનમાં રહીએ

        હરિનું નામ ખુબ ખુબ ઘૂંટીને લઈએ 

જન્મ સફર કરી લઈએ - આપણે તો ભજનમાં રહીએ

કડવા વચન ના વદીએ - આપણે તો ભજનમાં રહીએ

           નિજ સ્વરૂપનું ચિંતન કરીએ 

ગુરુજીના જ્ઞાનમાં રહીએ - આપણે તો ભજનમાં રહીએ

પરોણા થઇ ઘેર ફરીએ - આપણે તો ભજનમાં રહીએ

            સ્વાર્થ ત્યાગીએ ને પરહિત તાકીએ 

ચુંથારામ આનંદમાં રહીએ - આપણે તો ભજનમાં રહીએ

Thursday, May 16, 2024

બંદા બોલનારો જોયો બોલી બોલી જાય

(રાગ: એક નામમાં નિમાયા નરહરિલાલ)

બંદા બોલનારો જોયો બોલી બોલી જાય

                    કંઠ કમળમાં બેસી બોલી બોલી જાય

બંદા દેખાનારો દેખ્યો, દેખી દેખી જાય

                    નયન કમળમાં બેસી દેખી દેખી જાય

બંદા ચાલનારો જોયો ચાલી ચાલી જાય

                    પગે પાવર દેનારો ચાલી ચાલી જાય

બંદા રુદિયે રહેનારો શક્તિ આપી જાય

                    ચુંથા ચિતમાં રમનારો નિત્ય મળી જાય

હું તો ત્રણે ભુવનમાં ફરી વળ્યો

(રાગ: પ્રભુ ઊંડો તે કુવો જળ ભર્યો)

હું તો ત્રણે ભુવનમાં ફરી વળ્યો

મુજને મળ્યો નહીં મારા જેવો, સ્વરૂપનાં ઋષણાં

જ્યાં જ્યાં જોવું ત્યાં હું નો હું થઇ રહ્યો

બીજો ખોળ્યો જડે નહીં એવો સ્વરૂપનાં ઋષણાં

સચ્ચિદાનંદ મારું સ્વરૂપ છે

તેનો જોટો જડે નહીં જગમાં સ્વરૂપનાં ઋષણાં

નિરાકાર અગમ્ય અમૃત જેવો

ચુંથારામ વિશ્વરૂપે ધારો સ્વરૂપનાં ઋષણાં

લીલા પીળા આંગણીયામાં મંડપડા રોપવો

(લીલા પીળા વાંસળિયા રે વઢવો)

લીલા પીળા આંગણીયામાં મંડપડા રોપવો

ચંદનીયો બંધાવો ગુરુગમ જ્ઞાનની રે લોલ

નભી કમળથી ઊર્મિની જાજમો પાથરવો

પચ્ચીસ પ્રકૃતિના તોરણીયા બંધાવજો રે લોલ

તનમાત્રાના સિંહાસનો જુગતિથી જડાવો

સંતોના સામૈયા રે ધન્ય ધન્ય ભાગ્ય જાણજો રે લોલ 

ભજન કીર્તન સતસંગતીમાં ચિત લાવો

ચુંથારામ ચિંતનમાં રે લક્ષ ઘણું રાખજો રે લોલ 

ચિત ચેતન સ્વરૂપે જગમાં મોકલ્યા

(રાગ: ઝટ ઝટ રે મોનીબા કાગળ મોકલે)

ચિત ચેતન સ્વરૂપે જગમાં મોકલ્યા

કરીયો માયાનો સંગ, લાગ્યો સંગતનો રંગ....ચિત ચેતન સ્વરૂપે જગમાં મોકલ્યા

પાંચે પાંચ વિષયમાં ગૂંચાઈ રહ્યા

કરી કુટુંબે પ્રીત, જગની ઉલટી છે રીત.......ચિત ચેતન સ્વરૂપે જગમાં મોકલ્યા

મારા તારાની ઘાણીમાં પીલાઈ રહ્યો

તેડાં આવશે તત્કાળ, ચિંતન કર્યું નહીં લગાર.....ચિત ચેતન સ્વરૂપે જગમાં મોકલ્યા

માનવ મોક્ષ દરવાજો, શીદને ભૂલ્યા

ચુંથારામ રક્ષેવ, કરો સદગુરુની સેવ........ચિત ચેતન સ્વરૂપે જગમાં મોકલ્યા

નામને રૂપ, ગુણના ભેગો રે ભરીયો

(રાગ: હારે (જોડે)ના બેસીએ વીરા જોડે ના બેસીએ)

                 નામને રૂપ, ગુણના ભેગો રે ભરીયો 

અસલ સ્વરૂપ તારું ભૂલ્યો, ભરમણા તારી વિસારી મેલજે  

                   તારા ને દેહના ધર્મો વિચારી જોજે 

દેહ તો આવે ને જાવે....તું તો અચલ કહેવાયે.....મનની ભરમણા તારી વિસારી મેલજે  

                    તન તો અંધેરી નગરી તું છે ઉજીયારો

તું તો અવિચલ પદમાં......જોટો જડે નહીં જગમાં .....મનની ભરમણા તારી વિસારી મેલજે 

                    શરીર છે જડ ને તું ચૈતન્ય સ્વરૂપ છે

તું છે ઘટ-ઘટનો વાસી.....તું તો સ્વયંપ્રકાશી.....ચુંથા ભવભયની ભીતિ વિસારી મેલજે 

વિષુચિકાનો રોગ લાગ્યો

(રાગ: પહેલા યુગમાં વાણિયો હતો તે ઓછી વસ્તુ તોલતો)

વિષુચિકાનો રોગ લાગ્યો રખ રખ કરતો રે.

ઘર ધંધામાં ઘડી ના જપતો તોય વલખાં વીણતો રે

આશા તાંતણે તણાઈ મરતો લાલચમાં લપટાતો રે

તૃષ્ણા ડાકણ જપવા ના દે હાયકારામાં મરતો રે

વ્હાલાં વરુની વેઠ જ વળગી જેમ-જેમ દા'ડા ગણતો રે

ધન ધાખનામાં ઊંઘ જ નાં આવે ઉજાગરા કરી મરતો રે

પાંચ વિષયોના રોગે કરીને ધર્મ પોતાનો ચૂકતો રે

કહે ચુંથારામ સદગરું હોય તો નિજ મારગમાં મળતો રે 

Tuesday, May 14, 2024

વીરા સ્વરૂપ જ્ઞાનનો તોડ, તત્વમસી ચિત જોડ

 (રાગ: મારા આંગણે ખાજુરીનો છોડ)

વીરા સ્વરૂપ જ્ઞાનનો તોડ.........તત્વમસી ચિત જોડ

વીરા એ આત્મ જ્ઞાનનો છોડ.........તત્વમસી ચિત જોડ

            અંત:કરણના છે ત્રણ દોષ

            મળ વિક્ષેપ ને આવરણ કોષ

વીરા નીષ્કામે જાય મળ મોડ.........તત્વમસી ચિત જોડ

            ભગવદ ઉપાસનાથી વિક્ષેપ જાય

            જ્ઞાન થયા પછી આવરણ જાય

વીરા વિવેક વૈરાગ્ય ધરી હો.........તત્વમસી ચિત જોડ

            સત્વ રજ તમો ગુણ નીધાન

            ત્રણે ગુણોથી જુદું તત્વજ્ઞાન

ચુંથા સદગુરુ પાડે ફોડ.........તત્વમસી ચિત જોડ 

જીવરામ આતે લીલા કેવી રે

(રાગ: બેની નથી આપણા મોટા ઘરની રીતો)

જીવરામ આતે લીલા કેવી રે તમને શું શું કહીએ

ચારે ચાર શરીરો પહેરી બેઠા

બનીયા જાડા ભીમ હવે તો તમને શું શું કહીએ 

મળ વિક્ષેપને આવરણ પડદે રોકાઈ રહ્યા રે

તમને મળ્યો મોંઘો મનુષ્ય અવતાર.....હવે તો તમને શું શું કહીએ

તમને વીંટળાઈ વળી લિંગ શરીરની વાસના રે

ચુંથા સદગુરુ શરણ સેવો તો સુખ થાય.....હવે તો તમને શું શું કહીએ

ચિત ચેતન સ્વરૂપમાં રહેના

(રાગ: જો તું પઢે પુરણ અઢારા)

ચિત ચેતન સ્વરૂપમાં રહેના

એક નામ અમરપદ લેના રે......ચિત ચેતન સ્વરૂપમાં રહેના

જેને આવન કે જાવન નાહી

સદા સ્થિર અચલ દિલ દેના રે......ચિત ચેતન સ્વરૂપમાં રહેના

અહે ત્રીગુણાતિત અવિકારી 

નહીં સર્જન વિસર્જન હોના રે......ચિત ચેતન સ્વરૂપમાં રહેના

નિરાકાર પરમ સુખકારી

ચુંથા સદગુરુ શબ્દે ચલના તે......ચિત ચેતન સ્વરૂપમાં રહેના

દિલડાં દર્પણ જેવાં રાખો

(રાગ: એક શૂન્યમાં લક્ષ્મી નારાયણ પોઢ્યા રે)

એક દિલડાં દર્પણ જેવાં રાખો રે પ્રતિબિંબ જડપી લેવાય;

એક હૈયામાં દયા ક્ષમા રાખો રે પ્રતિબિંબ જડપી લેવાય;

ગંગા યમુના જેવું મનડું ચોખ્ખું નિર્મળ રાખો રે.........

હો......એક વાણીમાં અમૃત સરખું ભાખો રે.......પ્રતિબિંબ જડપી લેવાય;

શ્રવણેન્દ્રીમાં સદગુરુના વચને ચિતડું રાખો રે.......

હો.....જનતા જનાર્દનમાં આતમ ભાવ લાવો રે......પ્રતિબિંબ જડપી લેવાય;

કર્મેન્દ્રીમાં કર્મ સમર્પણ, બ્રહ્મભાવ મન રાખો રે.......

હો....ચુંથારામની વાણી ખુબ વિચારો રે.......પ્રતિબિંબ જડપી લેવાય;

જીવાભાઈ તું જગમાં ફરી વળ્યો

(રાગ: બંદા નિજમાં નીરખ્યા વિના શીદ ભમ્યો)

જીવાભાઈ તું જગમાં ફરી વળ્યો

તને જડ્યો નહીં ભગવાન રે........તારા નિજમાં નૈયામિક થઇ રહ્યો

તારા અંતર ચક્ષુ ના ઉઘડ્યાં 

તારી બા'ર વૃત્તિઓને વાર રે........તારા નિજમાં નૈયામિક થઇ રહ્યો

જીવ ભાવે તું કર્મો કરી રહ્યો

તારું મૂળ સ્વરૂપ સંભાર રે........તારા નિજમાં નૈયામિક થઇ રહ્યો

પુણ્ય પાપના ફળમાં મોહી રહ્યો

તેથી જન્મ મરણ નહીં જાય રે........તારા નિજમાં નૈયામિક થઇ રહ્યો

સાચા સદગુરુ સ્વામીને સેવતાં 

ચુંથાભાઈ ભવ સહેજે તરાય રે ........તારા નિજમાં નૈયામિક થઇ રહ્યો

Monday, May 13, 2024

ગુરુગમની કુંચીએથી બ્રહ્મતાળું ખોલું રે..

(સોના સોના લોટે ગંગાજળ ભરવા ગ્યાતાં રે)

ગુરુગમની કુંચીએથી બ્રહ્મતાળું ખોલું રે..

નટવર નાનકડાને જુગતીથી જગાડું રે...

ત્રિવેણીના ઘાટેથી ગંગાજળ ભરી લાવું રે....

પાસે રહીને પાતળિયાનાં ચરણાં પખાળું રે.....

સરસ્વતીનો સંગમ મેળો ત્યાં બેસી નવડાવું રે.....

ગુરુજીના ઘાટેથી અઘાટે પધરાવું રે.....

નિરાકારી ધોતિયાં આસમાનેથી મંગાવું રે.....

બ્રહ્મરંગના જરિયાની જામા પહેરાવું રે......

ભમર ગુફાના સિંહાસનથી મુગટ માંગવું રે....

ચુંથારામના રુદિયામાં ગમ ગાદી બેસાડું રે....


રામ ઝરુખે લેખાં લેવાશે

(રાગ: કન્યા છે કાચનું પુતળું...)

રામ ઝરુખે લેખાં લેવાશે

પળપળ પગ થરથરશે રે...જીવનાં લેખાં લેવાશે

લેખાં લેવાશે ને દોષો જોવાશે

જામીન લીધેલા જમડા મારશે રે...જીવનાં લેખાં લેવાશે

સ્ત્રીનાં શિયાળ જેને ભંગ જ કીધાં

ચોરીની થશે તપાસણી રે...જીવનાં લેખાં લેવાશે

ચોરે બેસીને જેણે ચાડીઓ ખાધી

નરકના કુંડે નાખશે રે...જીવનાં લેખાં લેવાશે

સ્વાર્થ માપે, પરમાર્થ કાપે

પરપ્રાણ દુઃખે થાય રાજી રે...જીવનાં લેખાં લેવાશે

કથા કીર્તન જેને જરીએ ના રુચે

ચુંથારામ એ જમના કેદી થશે રે...જીવનાં લેખાં લેવાશે

જાવું છે મરી મહેરમ

(રાગ: દુબળી પડી)

જાવું છે મરી, મહેરમ, જાવું છે મરી...લ્હે લગાડી રામ ભજીલે.....જાવું છે મરી

મહેલ ને મહેલાતો તારી અહિયાં પડી રહેશે

તારે માટે સ્મશાનોમાં ચિતાઓ ખડી...લ્હે લગાડી રામ ભજીલે.....જાવું છે મરી

ધનના ધમકારા તારા કામમાં નહીં આવે

તારે માટે તૂટી-ફૂટી હાંડલી ખરી...લ્હે લગાડી રામ ભજીલે.....જાવું છે મરી

જગતમાં શેઠ ને સાહેબ થઈને ફરતા

જમડાની ચોટ ગળે બાંધશે દોરી...લ્હે લગાડી રામ ભજીલે.....જાવું છે મરી

રાગ દ્વેષ ઈર્ષાની ભરી લીધી થેલીઓ 

જમડા ઉપડાવશે મોટા પથરા ભરી...લ્હે લગાડી રામ ભજીલે.....જાવું છે મરી

અવિદ્યાએ અંધ બની સંત નહીં સેવિયા

ચુંથારામ રામ ભજીલ્યો ફરી રે ફરી...લ્હે લગાડી રામ ભજીલે.....જાવું છે મરી 


હું તો જગના જંજાળેથી પરવળ્યો

(રાગ: હું તો ગંગા વધાવવાને જઈશ મારે.......)

હું તો જગના જંજાળેથી પરવળ્યો

મુજને સહેજે મળ્યા ગુરુદેવ.....મારે સોના સરીખો સુરજ ઊગીયો

મેં તો શાંતિ ઘદુલે શ્રીફળ મુકીયાં

મેં તો સંતો તેડાવ્યા આનંદભેર.....મારે સોના સરીખો સુરજ ઊગીયો

મેં તો મંડપ રોપાવી તોરણ બાંધીયા

મારા હૈડામાં હરખા ના માય.....મારે સોના સરીખો સુરજ ઊગીયો

કંકુ કેસરની ભરી રે કંકાવટી

ચૌવા, ચંદનને ફૂલડાંના હાર.....મારે સોના સરીખો સુરજ ઊગીયો

મેં તો ચરણ ધોઈ ચરણામૃત પી લીધા

મારો સફળ બન્યો અવતાર.....મારે સોના સરીખો સુરજ ઊગીયો

પૂજન વિધિ પરવારી ભોજન આપીયાં

મારા મનનો પીરસાવ્યો મોહનથાળ.....મારે સોના સરીખો સુરજ ઊગીયો

મેં તો અગમનિગમના પાસા ઢાળિયા

ચુંથારામ રમે સદગુરુ સાથ.....મારે સોના સરીખો સુરજ ઊગીયો

શિલા પૂંજે દા'ડો નહીં વળે....

(રાગ: લીલુડા વાંસની વાંસળી રે આડા મારગે વાગતી જાય)

શિલા પૂંજે દા'ડો નહીં વળે રે........માંહ્યલો કેમ કરી નીકળશે કાટ;

મોહ માયામાં ફસાઈ રહ્યો રે......અંતે કોણ આવી કધ્તશે બહાર;

સાધન સામગ્રીમાં લીન થયો રે..........તારી વેળા અવર્થા રે જાય;

દેહનો જીવભાવ ના મટ્યો રે.........તને આત્મા ક્યાંથી ઓળખાય;

સદગુરુ સંતો ના સેવિયા રે...........તારો એળે જન્મારો રે જાય;

કહે ચુંથારામ સ્નેહથી રે.........ગુરુ વિના ભવબંધન ના જાય;

Friday, May 10, 2024

આખા કુળમાં રે એક ભક્ત જો પાકે......

(રાગ:મધ બેઠાં રે આંબલીયાને ડાળ કે મધ રે......)

આખા કુળમાં રે એક ભક્ત જો પાકે તો કુળ એકોતેર તારશે...

તેના સમરણથી નાસે જન્મોના પાપ કે આત્મામાં પ્રીતિ જાગશે....

તેની વાણીમાં વસી રહ્યો રે મોરારી કે સતસંગીને સુખ આપશે.....

તેના દર્શનથી દુઃખ, દરિદ્ર નાસે કે ભવનાં બંધન કાપશે......

તેના સહવાસથી ભવ રોગ મટાડે કે આતમ જ્યોત જગાવશે......

તેના શરણે પડેલાને નકરો બનાવે કે ચુંથારામ ભેગો ભરાઈ જાશે.....

ઊભા વાટમાં રે ........

(રાગ: પરજીયો)

ઉભા વાટમાં રે લમણું વારી વારી શું જુઓ...જીવન ચાલ્યું જાય છે

મોટા રે ઘરનાં તેડાં આવવાની થઇ તૈયારી......

વૃત્તિ ના પરવારી....જીવન ચાલ્યું જાય છે;

કાયા કોઠડી રે હવે લાગી છે કરમાવા...... 

તોય ચિત્ત લાગ્યું છે કમાવા......જીવન ચાલ્યું જાય છે

જ્યાંથી આવ્યો રે ત્યાં જવાબ શો દેવાશે;

કાંઈ લેખાં તો પૂછાશે......જીવન ચાલ્યું જાય છે

નથી નીરખ્યા કે નથી પરખ્યા મોરારી;

નથી ગુરુ કર્યા ગિરિધારી......જીવન ચાલ્યું જાય છે

ચુંથારામને રે ગુરુ પ્રાણ થાકી પણ પ્યારા;

ઘટ-ઘટના જાણનહારા......જીવન ચાલ્યું જાય છે

મત ખોવો રે ભજનીયા રાતલડી

(રાગ: છાનું છાનું છોકરા મારું તનમનીયું)

                    મત ખોવો રે ભજનીયા રાતલડી

તમે છોડો ભવાટવીની વાતલડી......મત ખોવો રે ભજનીયા રાતલડી

                    સહસ્ત્ર મુખે શેષ નામ જપે છે

શિવજી જપે રે જેને ઘડી રે ઘડી......મત ખોવો રે ભજનીયા રાતલડી 

                    એક એક ઘડી લાખ કેરી વહી જાય છે

ધન્ય બનાવો હવે જાતલડી......મત ખોવો રે ભજનીયા રાતલડી 

                    અંજલિના નીર પેઠે આયુષ વહી જાય છે;

શાંત બની ને ઠારો શીતલડી......મત ખોવો રે ભજનીયા રાતલડી 

                    સતસંગ સમરણ સદગુરુ કૃપા;

આનંદ વર્તાવે ચુંથા ચિત્તમાં પડી......મત ખોવો રે ભજનીયા રાતલડી  

રંગ રહેશે મનજીભાઈ રંગ રહેશે

 (આજ ધન્ય ઘડી ને ધન્ય રાતલડી)

રંગ રહેશે મનજીભાઈ રંગ રહેશે

હરિ ભજવાનો અવસર મળીયો છે આજ....જપો મનજીભાઈ રંગ રહેશે

તમે ચારે અવસ્થાઓ ઘૂમી વળ્યા;

તમે તુરીયામાં થઇ રહો તદાકાર....જપો મનજીભાઈ રંગ રહેશે

તમે વાસનાઓ બાળીને ધૂપ કરજ્યો;

તમને આસક્તિ છોડવાનો મળી જશે લાગ....જપો મનજીભાઈ રંગ રહેશે

તમે સંશયનાં મૂળિયાં ઉખાડી દેજ્યો;

તમને હરિગુરુ સંતના મળશે આશીર્વાદ....જપો મનજીભાઈ રંગ રહેશે

તમે અમર પદના અધિકારી;

ચુંથારામના હિતમાં નિત્ય રમનાર....જપો મનજીભાઈ રંગ રહેશે


અમે જાણ્યો જગતનો ઢંગ

(રાગ: લેતાં લેતાં શ્રી રામનું નામ દુનિયા લાજી મારે છે)

અમે જાણ્યો જગતનો ઢંગ.........માંહ્યલો મલકે છે

અમે રાખ્યો વિવેકનો સંગ.........માંહ્યલો મલકે છે

એકને બેસાડું ત્યાં ચાર ખડા થાય છે.

બીજા બને છે તૈયાર.........માંહ્યલો મલકે છે

ચોકીમાં ચૂક છે ને બજવણીમાં ભૂલ છે

સી.આઈ.ડી. બને તો પકડાય.........માંહ્યલો મલકે છે

આવતા-જતાને સુરતમાં સમાવી લે 

ચુંથારામ ગુરુ સંગ ભળી જાય.........માંહ્યલો મલકે છે

Thursday, May 9, 2024

મેં તો જાણ્યો સંસારીયો ખારો.....

(રાગ: મારે સાસરીએ જઈ કોઈ કહેજો એટલડું પ્રીતમજી.......)

મેં તો જાણ્યો સંસારીયો ખારો સમુંદર.....નાવિક વિના કેમ ચાલશે...

                    શઢ તૂટશે ને થાંભલો ભાગશે;

                    તને જાજુ જોખમ વિશ લાગશે;

તારી નાવડી તો ડગુંમગું થશે જીવલડા.....નાવિક વિના કેમ ચાલશે...

                    ખારા સંસારે ખટપટ ઝાઝી છે;

                    કુળ કુટુંબની રંગ બાજી છે;

તારી કિનારે નવ કેમ જાશે જીવલડા.....નાવિક વિના કેમ ચાલશે...

                    તારો ખેવટીયો નાવ ખેડનારો;

                    તેને શોધો તો ભવ તારનારો;

ચુંથારામ ગુરુ શરણ સ્વીકારો જીવલડા.....નાવિક વિના કેમ ચાલશે...

સદગુરુની સાહ્યબીમાં ભરીયો નીરકારો રે....

(રાગ: આછી પાછી લીંબોડી ને લચ્ચર પચ્ચર ફાલી રે....)

સદગુરુની સાહ્યબીમાં ભરીયો નીરકારો રે....અલક મલક છે

ત્રિવેણીના નીરમાં જબરો એનો ઝબકારો રે....અલક મલક છે

નયનકમળની ન્યોછાવરમાં નુરા ટપકાવનારો રે....અલક મલક છે

સંત સરોવર શાંતિનાં કમળ ખીલવનારો રે....અલક મલક છે

મોતી ખીલ્યાં માનસરોવર હંસો કેરો ચારો રે....અલક મલક છે

ચુંથારામના હ્રુદિયા આતમનો ઉજીયારો રે....અલક મલક છે

પડદો ખોલી પરાંણીયા જો જે

(રાગ: નવષા નવી હવેલી વાળો...)

                    પડદો ખોલી પરાંણીયા જો જે;

ધારણા બાંધીને ધીરધાર કરજે, પરાંણીયા જગતની રીતભાત જુદી છે.

                    હીરા, મોતી હરિનું નામ છે;

ગરજુ ઘરાક જોઈ તોલ કરજે, પરાંણીયા જગતની રીતભાત જુદી છે.

                    અંતર જૂદું ને મુખડે મીઠાશ છે;

નીરખી-પરખીને સદબોધ કરજે, પરાંણીયા જગતની રીતભાત જુદી છે.

                    ગોરાં-ગોરાં મુખડાં ને કૂડાં કૂડાં કર્મો;

એવા દુરીજનથી દુર રહેજે, પરાંણીયા જગતની રીતભાત જુદી છે.

                    ચુંથારામની રચના સાંભળજે;

સદા સદગુરુ શરણમાં રહેજે, પરાંણીયા જગતની રીતભાત જુદી છે.

મને વૈદ મળ્યા ગુરુદેવ

(રાગ: મારી કાયા માટીના ઘડનારા......)

મને વૈદ મળ્યા ગુરુદેવ........ગોળી રે આપી જ્ઞાનની

                નિજ નામનાં નસ્તર મુકીયાં,

મારો કાઢ્યો ચોરાસીનો તાવ........ગોળી રે આપી જ્ઞાનની

                હું તો જ્યાં રે જોવું ત્યાં મારા જેવા;

સહુમાં ચેતન ખેલે અભયરામ........ગોળી રે આપી જ્ઞાનની

                તાળાં, કુંચી હૃદય મારાં ખોલિયાં;

મુજને દેખાડ્યું અવિચળ ધામ........ગોળી રે આપી જ્ઞાનની

                મારા ત્રીવિધના તાપ સમાવિયા;

મારી દ્રષ્ટિમાં આતમરામ........ગોળી રે આપી જ્ઞાનની

                મારી સુરતામાં સદગુરુ શોભતા;

દાસ ચુંથા વદે વારંવાર........ગોળી રે આપી જ્ઞાનની 

ઘર દુકાનો સર્વેશ્વરની.....મારી શીદને માનો રે.....

(રાગ: હવે શાનાં માન રે વહુવર......હવે શાનાં માન....)

ઘર દુકાનો સર્વેશ્વરની......મારી શીદને માનો રે......

નફો-નુકશાન સર્વેશ્વરનાં........તારી વફાદારી રે.......

મારું માનો તે છે ચોરી........લંપટ થઈને લાજો રે........

વિવેકનો વહેપાર જ કરીએ.......તો ભવસાગર તરીએ રે.......

સાચું બોલો, સાચું તોલો........સાચે રીઝે રામ રે.......

અંતર્યામી સહુમાં સરખો........સમજી સમજી ચાલો રે......

ચુંથારામ એ સહુમાં વસિયો........આનંદ મંગલકારી રે......

તેજ તેજ દિશે આકાશ....ગુરુના દેશમાં

(રાગ: સાહ્યબા સડકો બંધાવ.........)

તેજ તેજ દિશે આકાશ....ગુરુના દેશમાં

લાખ લાખ સૂર્ય પ્રકાશ......ગુરુના દેશમાં

ગુરુના દેશમાં ને આત્માના તેજમાં;

મનના મેલો ધોવાય........ગુરુના દેશમાં 

પાપ બળી જાય છે ને પુણ્ય ઘણું થાય છે;

નીચા...ઊંચા બની જાય.........ગુરુના દેશમાં 

કર્મ છૂટી જાય છે ને જન્મ મરણ જાય છે;

આત્મા અમર ઓળખાય........ગુરુના દેશમાં 

સંતોની શાનમાં ને ગુરુજીની શાનમાં;

ચુંથારામ આનંદ ઉભરાય...........ગુરુના દેશમાં 

અગમની વાતો મારા ગુરુજીના ઘરની

(રાગ: ધોળ)

                અગમની વાતો મારા ગુરુજીના ઘરની,

સ્થિરતાના સ્થંભે જડાવું શો રંજીલાલ......અગમની વાતો મારા......

                અનભેનાં આસન ઢાળી મુખ બંધ કરાવું,

ગુરુગમના ઘૂઘરા બંધાવું શો રંજીલાલ......અગમની વાતો મારા......

                મહાપદના દેશેથી કહો તો ઘોડલા માંગવું,

કરુણાના ચોકમાં કુદાવું શો રંજીલાલ......અગમની વાતો મારા......

                શાંતિ બનાતની કહો તો મોજડી સીવાડવું,

અલકની સાહ્યબી સોહાવું શો રંજીલાલ......અગમની વાતો મારા......

                સતસંગ સોનાની આતશબાજી બનાવું,

નિશ્ચયના મહેલમાં રમાડું શો રંજીલાલ......અગમની વાતો મારા......

                દાસ ચુંથાના ગુરુજી ઘરમાં બિરાજે,

અંતરમાં આનંદ વર્તાવું શો રંજીલાલ......અગમની વાતો મારા......

Sunday, May 5, 2024

તોફાન જાગ્યું દરિયા મોજાર

(રાગ: બેસો બેસો મંડપની માંય ઉતાવળ શીદને કરો છો)

તોફાન જાગ્યું દરિયા મોજાર....હોડી મારી હલકારા મારતી 

                આફતના વાયરા મનને મુંઝવતા 

કેમ કરી ઉતરવું પાર......હોડી મારી હલકારા મારતી

                આશાને તૃષ્ણાનાં મોજાં ઘણાં ઉછળે

સ્થિરતાનો શઢ ઢળી......હોડી મારી હલકારા મારતી

                ઘણું ઘણું ગુમીયો, મળ્યો નહીં ભુમીયો 

આવરદા એળે વહી જાય......હોડી મારી હલકારા મારતી

                હાથનાં હલેસાં તો કામ નથી આવતાં

અવિદ્યા અંધારી રાત......હોડી મારી હલકારા મારતી

                વદે ચુંથારામ સદગુરુ જો હોય તો

સંતો ઉતારે ભવ પાર......હોડી મારી હલકારા મારતી 

તનમાં તોરંગ ઘોડો તીખો

 (રાગ: મેં તો ફરતાં મેલ્યાં ફૂલ રે શામળિયા)

એક તનમાં તોરંગ દ\ઘોડો તીખો રે......

નિયમ ચોકઠું ચઢાવી ચલન શીખો રે...

                ક્ષમા ખેતમાં ને દયાજીની રેતમાં

ચિત ચાબુકે ચલાવી ચલન શીખો રે......

                દમ ડાબલા મઢાવી સુરત સડકે રે 

ધીરજ જીણી જીણી ચાલે ચલન શીખો રે.......

                જીન ઝરણાં ઉદારતા પલાણીયાં રે 

નામી ઝૂલ્યો સમતાની ચલન શીખો રે......

                ચુંથારામ નિજ નામ લેવું જાણી રે

ગુરુ શાંતિથી સમજાવે ચલન શીખો રે.......

વચન વિચારીને બોલીએ

 (રાગ: વીરા વસ્તુ વિચારીને વહોરીએ)

                વીરા...વચન વિચારીને બોલીએ

જેથી, અંતરમાં થાય પ્રકાશ....સત્યની રીતે ચાલીએ

                સદાચારે સાચી નીતિ વહોરીએ

કોઈનું કરીએ નહીં અપમાન....વિચારીને બોલીએ

                સર્વે જીવોમાં આત્મા નીરખીએ

આખા જગમાં સૌ આપણા જેવા......વિચારીને બોલીએ

                કુળ કુટુંબમાં ઝગડો ના કીજીએ

આપણ ચાર ઘડીના મહેમાન......વિચારીને બોલીએ 

                વાણી જેવું વર્તન કરી જાણીએ

ચુંથારામ સત્ય ધર્મ નીતિ ધારી......વિચારીને બોલીએ 

કરેલાં કર્મો ભોગવવાં પડશે.......

 કરેલાં કર્મો ભોગવવાં પડશે....અંત સમયની માંહ્ય રે માંહ્યલા 

                    ચેતી ચાલોને મારા ભાઈ...

છે આ મિથ્યા જગતની સગાઇ રે માંહ્યલા....ચેતી ચાલોને મારા ભાઈ

                    દોષ ના દીઠો....સ્વાર્થ મીઠો.......

પાપની પોટલી થઇ રે માંહ્યલા....ચેતી ચાલોને મારા ભાઈ

                    દેહ, ગેહ, સુતદારામાં ડૂબ્યો......

અવળી ઉજવણી થઈ રે માંહ્યલા....ચેતી ચાલોને મારા ભાઈ

                    મારા તારામાં ગણો ગૂંચવાયો........

મારવા વેળા થઇ રે માંહ્યલા....ચેતી ચાલોને મારા ભાઈ

                    સંતોની શીખ તારા રુદિયેના લાગી......

ધંધામાં ધરપત નહીં રે માંહ્યલા....ચેતી ચાલોને મારા ભાઈ

                    દાસ ચુંથારામ સદગુરુ શરણે.......

ગુરુજી વિના તો ગમ નહીં રે માંહ્યલા....ચેતી ચાલોને મારા ભાઈ

Saturday, May 4, 2024

રસબસ થઇ રંગ લાગીયો રે

(રાગ: બાળા જોબનનો માંડવો રે......)

            હો......ભાઈ રસબસ થઇ રંગ લાગીયો રે....

મોંઘાં મોતી જડાવ........ગુરુજીની આપેલી વાણીઓ રે...

            હો......ભાઈ પત્થર જેવાં રૂદિયાં પીગળ્યાં રે....

ભર્યા સદગુણ ભંડાર........ગુરુજીની આપેલી વાણીઓ રે...

            હો....ભાઈ કુકર્મ કાંટા વળાવિયા રે....

કીધી સદગુણી વાડ........ગુરુજીની આપેલી વાણીઓ રે...

            હો....ભાઈ નાના મોટા સર્વે સમ ગણ્યા રે...

ચાલે વસ્તુ વેપાર........ગુરુજીની આપેલી વાણીઓ રે...

            હો......ભાઈ અક્ષર શરીર પહેરાવીયાં રે....

છોડ્યા જન્મેલા દેહ........ગુરુજીની આપેલી વાણીઓ રે...

            હો......ભાઈ અહંકાર શિર ઉતરાવીયું રે....

સોપ્યાં નિશ્ચયનાં ઘર........ગુરુજીની આપેલી વાણીઓ રે...

            હો.......ભાઈ ગુરુ પ્રતાપે ચુંથારામ બોલીયા રે....

નિજપદમાં પૂર્યો વાસ........ગુરુજીની આપેલી વાણીઓ રે...


ત્રણ ગુણ ને ચાર ધામ

 (રાગ: શામળિયાની સાથે રે.....સુરતા તો લહેરો લે છે.)

            ત્રણ ગુણ ને ચાર ધામ;

પાંચમો મોરાળી રે......કંઠમાં કોણ કોણ બોલે...

            પાંચ પ્રાણ ઉપપ્રાણ;

દસની રખવારી રે......કંઠમાં કોણ કોણ બોલે....

            તત્વોના થાંભલા;

બંગલાની શોભા સારી રે......કંઠમાં કોણ કોણ બોલે....

            ચૌદ માળે ઉજળી;

હવાની દસ બારી રે......કંઠમાં કોણ કોણ બોલે....

            મૂળ બાંધે નાગણી;

અમૃત પી જનારી રે......કંઠમાં કોણ કોણ બોલે....

            સ્થૂળ, સુક્ષ્મ, કારણથી;

જુદો તું ગિરિધારી રે......કંઠમાં કોણ કોણ બોલે....

            તું હલાવે, તું ચલાવે;

ચુંથારામ ધીરધારી રે......કંઠમાં કોણ કોણ બોલે....

તમે જગની મુસાફરીમાં ખુબ ભમ્યા

 (રાગ: સૂના સૂના ગોકુળિયામાં કેમ રહીએ....)

તમે જગની મુસાફરીમાં ખુબ ભમ્યા......

તમે ભૂલ્યા પોતાનું સ્વધામ........મુસાફરીમાં ખુબ ભમ્યા......

            તમે દેહ નગરના ખુબ રસિયા......

તમે ફર્યા ચોરાસી બજાર........મુસાફરીમાં ખુબ ભમ્યા......

            તમે જન્મ-મરણ ફેરા ખુબ ફર્યા......

ઘણું વીત્યું તોય ના આવ્યું ભાન........મુસાફરીમાં ખુબ ભમ્યા......

            તમે સંતોની શીખ ના સાંભરી......

ચુંથારામ ગુરુજ્ઞાન લઈને ગાજો........મુસાફરીમાં ખુબ ભમ્યા......

એક પરમેશ્વર પર પડદો છે.

(રાગ: ઘોડી ચમકે છે ચમકાવે છે....)

એક પરમેશ્વર પર પડદો છે...

તારો અહંકાર પડદો ઉઠાવી લે.....સ્વરૂપ તારું નીરખી લે

            તારી વચ્ચે પડ્યા ત્રણ અહંકાર

તૈજસ, કૂટસ્થ ને પ્રાગ્ય પડ્યા મેલ રે......સ્વરૂપ તારું નીરખી લે

            તું તો ત્રણેય અવસ્થાથી ન્યારો છે

ચારેય દેહથી અલગ રહેનારો રે.....સ્વરૂપ તારું નીરખી લે

            તું તો દ્રષ્ટા સ્વરૂપે દેખાનારો છે

ચુંથારામ બ્રહ્મભાવમાં રહેનારો રે.....સ્વરૂપ તારું નીરખી લે

Friday, May 3, 2024

મેં તો જાણી પ્રારબ્ધની વાત.........

(રાગ: મારા આંગણે ખજુરીનો છોડ....)

મેં તો જાણી પ્રારબ્ધની વાત.......નહીં બોલું, નહીં બોલું 

મારા કર્મે મળેલો સંગાથ.......નહીં બોલું, નહીં બોલું 

            લેણું ચૂકવવાનો બની ગયો મેળ 

            જેવા હતા તેવા આવ્યા, પુદગલનો ફેર 

મારી પૂર્વની કરેલી ખેડ.......નહીં બોલું, નહીં બોલું 

            દમદાટી થાય તીખી નજરનો તાવ

            સ્વાર્થ સધાઈ ગયો, હવે શેનો ભાવ 

મારા મનમાં સમજી રહું છું અલબેલડા.......નહીં બોલું, નહીં બોલું 

ચુંથા શાનો કરે સંતાપ.......નહીં બોલું, નહીં બોલું   

રજ ભર તાળું, ગજ ભર કુંચી

રજ ભર તાળું, ગજ ભર કુંચી......ધરિયું ગુરુજીનું જ્ઞાન....ભ્રમણા ગઈ ભાગી

ગુરુજી મારા ખોલો અખૂટ ભંડાર......ભ્રમણા ગઈ ભાગી 

        અસ્તિ, ભાતી ને પ્રિય પ્રેમ સ્વરૂપની બલિહારી 

ગુરુજી મારા સતચિત આનંદની લહેરી......ભ્રમણા ગઈ ભાગી

        તતપદ, ત્વં પદ ત્યાગી જોવું અવિનાશી 

ગુરુજી મારા અસિપદે પૂર્યોવાસ........ભ્રમણા ગઈ ભાગી

        મન, બુદ્ધિથી પર પેખીયો જોવું અવિનાશી

ગુરુજી મારા ચુંથારામ છે શરણ મોજાર........ભ્રમણા ગઈ ભાગી 

કાવા-દાવા છોડો જગમાં

(રાગ: ચતુરાઈ નવલા વેવાઈ)

કાવા-દાવા છોડો જગમાં....મોહના બંધન તોડો મનજી....એ ચતુરાઈની રીતો.

પરસ્ત્રી સામે ન હસીએ જગમાં....સંતો સામે ધસીયે મનજી....એ ચતુરાઈની રીતો.

ખૂણે ખત ના લખીએ જગમાં....વહેવારે વટ રહીએ મનજી....એ ચતુરાઈની રીતો.

ગૌ બ્રહ્માણને ગાળ ના દીજીએ....વ્હાલાંમાં વેર ના કીજીએ મનજી....એ ચતુરાઈની રીતો.

ઘર કુટુંબના કજિયા માટે....સરકારે ના જઈએ મનજી....એ ચતુરાઈની રીતો.

પેસો પ્રભુએ આપ્યો હોયતો ચુંથા પરહિત તાકો મનજી....એ ચતુરાઈની રીતો. 

સ્થુલને છોડો...સૂક્ષ્મને છોડો...

(રાગ: નિજિયા ધરમની વાત પુરાણી.......)

સ્થુલને છોડો...સૂક્ષ્મને છોડો...કારણ છોડો ભાઈ.....

            મહાકારણની છોડો ઉપાધી 

સ્વરૂપમાં લક્ષણા રાખી શાંત બનો સુખદાઈ 

અક્ષરદેહે લીધી પ્રતિજ્ઞા તે કેમ ચૂકો ભાઈ.....

            તન-મન-ધનની કીધી કુરબાની 

સદગુરુએ શાન બતાવી ખોલો હ્રદયની બારી 

શીશ સમર્પી નામ જ લીધું અવિચલ પડાવી આપી 

            સદગુરુના ચરણ સેવી 

ચુંથારામ એ આત્મ સમાધિમાં રહો ચિત્તલાઈ

ગોમતી રત્નાગર સાગરમાં ઝૂલતી....

(રાગ: ઢોલ રે નવા નગરનો વાગીયો...)

ગોમતી રત્નાગર સાગરમાં ઝૂલતી....

હો....રણછોડજી રાય દ્વારાપુરીમાં મતી દોડતી

        શૂન્યમાં શાંતિ પામેલી પરા જાગતી...

અંતર ખોલી ઉમળકા વધારતી...........હો....રણછોડજી...

        ઊંચા આસમાને રામ ઢોલ વાગતો....

અનહદ ઝણકારે ગણણણ ગાજતો...........હો....રણછોડજી...

        નાદ નાદી-અનાદી મળે એક....

બ્રહ્માનંદનાં બીડેલાં તાળાં ખોલતી...........હો....રણછોડજી...

        નિજ સ્વરૂપે શિવ સભા ઓપતી....

ચુંથારામને આનંદની લહેર્યો આવતી...........હો....રણછોડજી...

રુમઝુમ રુમઝુમ ચાલી સુરતીયા......

(રાગ: ઊંચી ઊંચી વાદળીમાં રંગતાળી રંગતાળી......)

રુમઝુમ રુમઝુમ ચાલી સુરતીયા નાસાગ્રે નુરતા ધારી છે......અનુભવની વાર્તા ન્યારી છે.

શિવોહં શિવોહં રુદિયામાં ધારતા......રુદિયામાં ધારતા

અહં બ્રહ્માસ્મિ ચિતડામાં ઠારતા......ચિતડામાં ઠારતા

સોહમ-સોહમ ટેક ધારી છે......અનુભવની વાર્તા ન્યારી છે.

ઘટાકાશ, મહાકાશ સરવૈયું આપતા......સરવૈયું આપતા

બિંબ-પ્રતિબિંબમાં એકતા મેળવતા......એકતા મેળવતા

ચુંથારામ નિજમાં નિહાળી છે......અનુભવની વાર્તા ન્યારી છે. 

Thursday, May 2, 2024

જાવું સાહેબને દરબાર

(રાગ: માનવ બનતો ના ગાડાનો બેલ.......)

જાવું સાહેબને દરબાર...લેખાં લેવાશે તલ તલ ભાર

બંદગી કરીલે વારંવાર...લેખાં લેવાશે તલ તલ ભાર

        મમતાના મોહમાં ફળ્યો ફૂલ્યો ફરતો;

        વિષયની વાસનામાં ઊંધો પડી રળતો;

પડશે જમના કિંકરનો માર...લેખાં લેવાશે તલ તલ ભાર

        સ્વાર્થમાં ફાંકડા ને  પરહિતમાં સાંકડા;

        કટકો રોટલાને માટે લડે જાણે માંકડા;

ભૂલી ગયો જમને આપેલો કરાર...લેખાં લેવાશે તલ તલ ભાર

        સંતોની શીખ સારી રુદિયામાં રાખજે;

        મનના તોરંગડાને ચોકઠું ચઢાવજે;

ચુંથારામ સમરીલ્યો સર્જનહાર...લેખાં લેવાશે તલ તલ ભાર

મનજી માયાના ઘડનારા

(રાગ: શ્રીજી બાવા તે નાથ હમારા..........)

મનજી માયાના ઘડનારા........તારા દિશે મલકના ચાળા...

સુના સુના મંદિરમાં મહાલે.....હોય ઊંચા તે વિચાર પાડે રે.......મનજી માયાના ઘડનારા........

તને વહાલી અવિદ્યા રાણી.....તેથી કામ થયું ધૂળધાણી રે.......મનજી માયાના ઘડનારા........

તને સંત ઘણું સમજાવે.....તને રામ રામકડે રીઝાવે રે.......મનજી માયાના ઘડનારા........

તમે મૂળ સ્વરૂપે શિવ જેવા....તમે સમજો અખંડ સુખ લેવા રે.......મનજી માયાના ઘડનારા........

તમે ચૈતન્ય સાગરનું મોજું.....ચુંથારામ સરવૈયે નહીં બીજું રે.......મનજી માયાના ઘડનારા........

આજકાલ કરતાં આયુષ વહી જાય છે

(રાગ: ઢોલ રે નવા નગરનો વાગીયો...)

આજકાલ કરતાં આયુષ વહી જાય છે....

                હો......રઢિયાળા જીવ ભાડું ભરેલું પૂરું થાય છે 

વાયરા ઝેરીલા ભેદ પાડી જાય છે.......

તારે કહેવાનું કામ રહી જાય છે......

               હો......રઢિયાળા જીવ ભાડું ભરેલું પૂરું થાય છે

તારું અસલ સ્વરૂપ ચિત્ત લાવજે....

મનની વહેતી વૃત્તિઓને વાળજે.......

               હો.....રઢિયાળા જીવ ભાડું ભરેલું પૂરું થાય છે 

જીવપણું છોડજે ને શિવપણું જોડજે.....

ચૈતન્ય સાગરમાં નિજ સ્વરૂપે માં'લજે.......

               હો.....રઢિયાળા જીવ ભાડું ભરેલું પૂરું થાય છે 

સત્સંગ ઊંચા વિચાર કેરો વહોરજે........

ચુંથારામ સદગુરુની શીખ માનજે......

               હો.....રઢિયાળા જીવ ભાડું ભરેલું પૂરું થાય છે 

જગતમાં મોહ માયાની ખાઈ.....

(રાગ: આરતી કુંજબિહારી કી.........)

જગતમાં મોહ-માયાની ખાઈ, જીવલડા ચેતી ચાલો ભાઈ 

લોભ ને ક્રોધ કરે બહુ જોર, ઠગારી તૃષ્ણા બાંધે દોર;

જતી રહી શાન, નથી કઈ ભાન.... ભુલાવે આશ ગંભીર થઇ.......જીવલડા ચેતી ચાલો ભાઈ

સ્વાર્થમાં દેખીને અંજાઈ જાય, પરમારથમાં ચિત્ત નવ ચ્હાય;

મન મુંજાય, મલીન બહુ થાય.....દીધેલી બુદ્ધિ વંઠી ગઈ.......જીવલડા ચેતી ચાલો ભાઈ 

હરિએ કીધેલો ઉપકાર, મનુષ્યનો જન્મ મળ્યો સુખકાર;

દયા કરી દાન, દીધાં ભગવાન....ચુંથારામ વદે ગઈ ગઈ.......જીવલડા ચેતી ચાલો ભાઈ

સંત સરોવળ શબ્દોનાં મોંઘાં મોંઘાં મોતી

(રાગ: શ્યામ સુંદીર હરિ ગોવિંદ જય જય......)

સંત સરોવળ શબ્દોનાં મોંઘાં મોંઘાં મોતી

શબ્દોનાં મોતીમાં દિશે દિવ્ય જ્યોતિ......સંત સરોવળ.........

ગંગા, યમુના, સરસ્વતી સંત પ્રયાગે હોતી...

બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વરની સાથે ગણપતિ......સંત સરોવળ.........

આદ્યશક્તિ જે પ્રકૃતિ, દેવી સંતો સામે જોતી...

આત્મજ્ઞાનમાં નીર્મગ્ન થઇ, સમરાંગણમાં સુતી......સંત સરોવળ.........

ભૂત, ભવિષ્ય ને વર્તમાનમાં એ એવી એની જુક્તિ...

ચુંથારામના રુદિયમાં હરદમ એની સુરતી......સંત સરોવળ.........

Wednesday, May 1, 2024

જીવ મનુષ્ય જનમ સુધાર

(રાગ:મન ભજીલે સીતારામ ચેતી જા, ચેતી જા)

જીવ મનુષ્ય જનમ સુધાર, માની જા, માની જા

તારો આવેલો અવસર જાય, માની જા, માની જા

કાયા તારી જળ પરપોટો, ફૂટી જાતાં નહીં વાર 

સુખ દુઃખમાં સદી રહેલો, તેનો શો ઇતબાર

હારી ભજવાની વેળા વીતી જાય, માની જા, માની જા

આ સમય છે સાચવવાનો, આગળ છે અવસાન 

ચુકી ગયા તો ચોરાસીનું જબરું છે તોફાન 

તારું પુણ્ય પરવારી જાય, માની જા, માની જા

આ સંસારે ભવજળ તરવા, નરતન મળિયું નાવ

સાતસંગતને આત્મ મનનમાં ભરવો જોઈએ ભાવ 

ચુંથારામ સદગુરુ શરણ સ્વીકાર, માની જા, માની જા

Tuesday, April 30, 2024

આવો રૂડો અવસર આવ્યો.....

(રાગ: હાટડીયામાં કેમ રે'વાશે ભાઈ.....)

આવો રૂડો અવસર આવ્યો ભાઈ - જુવાની જેમ-તેમ વિખરાઈ ગઈ.

બાળપણામાં બોધ ના લાગે રળવાની વેળા થઇ;

ઘડપણમાં માટી થઈ દુઃખકારી, ત્રણે અવસ્થાઓ ગઈ...આવો રૂડો અવસર.....

આળસ ને અજ્ઞાન, અતિશય અવિદ્યા પકડાઈ;

બાળ બચ્ચાં વિષે દોષો જોયા વિના, અવળી ઉજવણી થઇ...આવો રૂડો અવસર

દેહદર્શીઓના સંગમાં ચાલી, આત્મા ગયો વિસરાઈ;

સદગુરુનું શરણું ના લીધું, ચુંથારામ આવેલી તક ગઈ...આવો રૂડો અવસર

જેના નયનોમાં સૂર્ય ચંદ્ર જ્યોતિ રે......

(રાગ: એક શૂન્યમાં લક્ષ્મીનારાયણ પોઢ્યા રે......)

જેના નયનોમાં સૂર્ય ચંદ્ર જ્યોતિ રે.....ઝગમગ દીવડા જગે....

જેના મુખમાં રામનામ મોતી રે..........ઝગમગ દીવડા જગે....

કંઠે કરુણા, દિલમાં દરિયા જેવી શાંતિ છાઈ રે......

હો.......જેની નાભિમાં સમદ્રષ્ટિ સમાઈ રે..........ઝગમગ દીવડા જગે....

હ્રદય કમળમાં નિજ સ્વરૂપની અખંડ લગની લાગી રે.......

હો....... જેની સુરતમાં ચૈતન્ય અવિકારી રે..........ઝગમગ દીવડા જગે....

સતસંગતમાં પ્રેમ વધારી જેણે લ્હાવો લીધો રે........

હો........ ચુંથારામના હૈયે આનંદ ભારી રે..........ઝગમગ દીવડા જગે....

ત્યાં હતા ઊંચા આસમાને......

(રાગ: સમજુને શીખ શું દઈએ......)

ત્યાં હતા ઊંચા આસમાને.....ભ્રમિત આવ્યા જગપુરમાં રે;

જગતપુરમાં રૂપ, ગુણ, નામ;

પાંચ વિષયોના કલ્પિત ધામ;

પાંચ ભૂતોની આ કાયા.....ભ્રમિત આવ્યા જગપુરમાં રે;

અંધારી ઘમ્મર ઘટે પૂર્યો વાસ;

ભર્મે ભૂલેલાને જઠરાનો તાપ;

વાસના બાંધે બંધાઈ.....ભ્રમિત આવ્યા જગપુરમાં રે;

જ્યાં રે જુઓ ત્યાં માયાનો પાસ;

હરિ ગુરુ સંતોમાં અવિચળ વાસ;

ચુંથા ચૈતન્યને ચુકી.....ભ્રમિત આવ્યા જગપુરમાં રે;

Monday, April 29, 2024

બ્રહ્મ કપાલીમાં ઝગમગ જ્યોતિ....

 (રાગ: આજ મારો બંદલોજી શાના રે હુંશી.....)

બ્રહ્મ કપાલીમાં ઝગમગ જ્યોતિ....

જ્યોતિમાં જ્યોત મિલાવો જીવાભાઈ....રામ ઝરુખે નીતિની રીતી...

દુનિયાના ડા'પણમાં શીદ કરો પ્રીતિ.....

અંતે કનડશે કરેલી અનીતિ.......રામ ઝરુખે નીતિની રીતી...

મમતા ધરી શીદ વહોરો વિપત્તિ........

સુક્ષમ દેહથી છોડો આશક્તિ........રામ ઝરુખે નીતિની રીતી...

નરતન નગરીમાં નામનાં મોતી......

ચુંથારામ ગુરુગમથી મોતી લેવાં ગોતી......રામ ઝરુખે નીતિની રીતી...

દુનિયા દેવ તણો દરબાર

(રાગ: અરે જીવ શું કરવા આથડે, પ્રભુની ગમ ગુરુ વિના નહીં પડે)

દુનિયા દેવ તણો દરબાર, મનવા માની લે નિર્ધાર જી

મારું તારું જુઠી કલ્પના, શિર પર સર્જનહાર જી

જ્યાં જુઓ ત્યાં આપ સરીખો, બીજો નહીં બોલનહાર - મનવા માની લે.......... 

હું કરું, આ મેં કર્યું સૌ ખોટી તાણાતાણ

પ્રાણ પવનને જે ચલાવે, સૌનો સર્જનહાર - મનવા માની લે.......... 

જગત નિયંતા રાખે નિયમમાં ત્રિલોકનો રચનાર

ચુંથારામ કહે યંત્ર નો યંત્રી જોઈ રહ્યો કિરતાર મનવા માની લે.......... 

હંસા ધરતી ધબકારે ના ચાલીએ રે...જી

(રાગ: ઓ.....માં.... પહેલા ચોગડીયાની રાત રે.....)

હંસા ધરતી ધબકારે ના ચાલીએ રે......જી

હંસા તાપ તપેલું ધૂળ થાય રે હંસા રાજા - ભવસાગર તરવો દોહ્યલો રે....જી

હંસા ભાવ દેખીને વાણી ભાખીએ રે.....જી

તેનું મોઘેરું થાય ઘણું મૂળ રે હંસા રાજા - ભવસાગર તરવો દોહ્યલો રે....જી

હંસા વેણ ને નેણ નિહાળીએ રે......જી

તેના દિલની પતીજ પડી જાય રે હંસા રાજા - ભવસાગર તરવો દોહ્યલો રે....જી

હંસા ચિંતન કરીએ નિજ નામનું રે.....જી

ચુંથારામ ગુરુ શરણ મળી જાય રે હંસા રાજા - ભવસાગર તરવો દોહ્યલો રે....જી

Friday, April 26, 2024

ઊંચી ઊંચી વાદળીમાં........

(રાગ: મનસ્વી)

ઊંચી ઊંચી વાદળીમાં રંગતાળી રંગતાળી;

આસમાને સુરતા ઠાળી છે...નીચેની દુનિયા ખારી છે.

ઓહમ સોહમના ઝણકારા મારતા, ઝણકારા મારતા;

ચંદ્ર, સૂર્ય વચ્ચે સરસ્વતી ધારતા, સરસ્વતી ધારતા;

નાસાગ્રે નુરતા ધારી છે...નીચેની દુનિયા ખારી છે.

નયને નિરંજન નામું તપાસતા, નામું તપાસતા;

ત્રિપુટી મંડળમાં જ્યોતિ ચમકાવતા, જ્યોતિ ચમકાવતા;

ચુંથારામ નિજ છબી ન્યારી છે...નીચેની દુનિયા ખારી છે.

અંતે તો જવાનું એકલું

(રાગ: બાળા જોબનનો માંડવો રોપ્યો રે....)

હો ભાઈ.......અંતે તો જવાનું એકલું રે.....

સાથે પુણ્ય અને પાપ, ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે....

હો ભાઈ......કર્મોના બાંધેલા પોટલા રે.....

લાગે શિર પર ભાર, ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે....

હો ભાઈ......સાચું ભજન ભાથું વ્હોરજો રે......

સ્મરણ છોડાવે માર, ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે....

હો ભાઈ......ગુરુગમ કુંચી લ્યો હાથમાં રે........

ખોલો હૃદયના દ્વાર, ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે....

હો ભાઈ.......પોતે પોતાનામાં ભૂલો પડ્યો રે......

ચુંથારામ પોતે નિજ નામ, ફૂલડે ફૂલડે ભમરો બહું ભમ્યો રે....

પાંચ પાંચ સ્થંભનો બંગલો

(રાગ:તમે ના આવો તો મારા સમ છે અંબે માં....)

એક પાંચ પાંચ સ્થંભનો બંગલો છે....

એમાં આત્મારામની પથારી મનજીભાઈ....છાનાં છાનાં દાવ તમે રમશો નહીં;

તારો બાવન બજારે ડંકો છે......

વાગે નવસો નવ્વાણું પોળ માંય મનજીભાઈ....છાનાં છાનાં દાવ તમે રમશો નહીં;

તમે ચાલો તો સુરતા ચાલે છે......

તમે સ્થંભો તો સુરતા થંભી જાય મનજીભાઈ....છાનાં છાનાં દાવ તમે રમશો નહીં;

તમે અક્કલ બુદ્ધિને બાંધી છે.....

તારા વિચાર તોરંગે સવાર મનજીભાઈ....છાનાં છાનાં દાવ તમે રમશો નહીં;

તમે સ્થિર થાઓ તો બહું સારું છે....

દાસ ચુંથારામને ધીરુ ધીરનાર મનજીભાઈ....છાનાં છાનાં દાવ તમે રમશો નહીં;

વાતાવરણની અસર

(રાગ: કર્યા કર્મોના અંત સમય લેખાં લેવાશે જીવાભાઈ)

જ્યાં ત્યાં વાતાવરણની જબરી અસર શિરે થાય;

ઘરના જંજારી વાતાવરણમાં ચિત્ત ચાહય;

વિક્ષેપ થવાના પ્રસંગો નિત્ય નવા થાય;

રજો ગુણની રજથી ચેતન ઢંકાઈ જાય;

તમો ગુણના ઘોર અંધારા પડે ચિત્ત માંય;

આત્મ જ્ઞાનની વાર્તા ગમે નહીં કાંય;

સત્વ ગુણી સંતોની જો સંગતમાં રહેવાય;

ચુંથારામને તો દૈવીય આનંદ મળી જાય; 

Thursday, April 25, 2024

રત્ન પદાર્થ દેહ મળ્યો છે......

(રાગ: સોના કોદાળી પાણા ખોદીયાં......)

રત્ન પદાર્થ દેહ મળ્યો છે....હ્રદય મદિરમાં રામ....મંથન કરી જુઓ...

તલમાં તેલ જેમ, દહીંમાં ઘી તેમ, તવમાં આતમરામ....મંથન કરી જુઓ...

બ્રહ્મ પ્રકાશ તે ભાવનામાં પ્રગટે, સંતોનું દીધેલું દાન....મંથન કરી જુઓ...

દીવાથી દીવો, કાંટાથી કાંટો, સૂર્યથી સૂર્ય દેખાય....મંથન કરી જુઓ...

શરીરના લાખો ટુકડા કરો તોય, આત્મા નહીં સમજાય....મંથન કરી જુઓ...

ધર્મનો ધારનાર, આત્માનો જાણનાર, જ્ઞાની ઉતારે ભાવ પાર....મંથન કરી જુઓ...

ભૂખ,દુઃખ તનને શીદને વેઠાવે, ચુંથા સમજવાનું રહી જાય....મંથન કરી જુઓ...